પ્રેમને થયું કે આજે ધુળેટી છે તો બરાબરનો લાગ જોઇને એને રંગી નાખું!


પરિવારના જુવાનજોધ પુત્ર પ્રેમને થયું કે આજે ધુળેટી છે તો બરાબરનો લાગ જોઇને પ્રભાકાકીને રંગી નાખું, પણ...

નેશનલ હાઈવેની રાજનગર ચોકડી પાસેની હોટલ 'સ્વાદ વિહાર’ ચાર ભાઈઓની સહિ‌યારી હોટલ હતી, પણ એટલા વિસ્તારમાં સ્વાદ વિહારનું નામ હતું. એમાં ભોજન લેવું એ એક લાહવો કહેવાતો હતો. હાઈવે પર જતા આવતા ગ્રાહકો તો ઠીક પણ કેટલાક તો ખાસ હોટલમાં જમવા જ આવનારાઓની લાઈન લાગતી હતી. કારણ હોટલમાં ચારેય ભાઈની જાત મહેનત, એક સંપ અને રસોઈની શુદ્ધતા તેમ જ સાત્ત્વિ‌કતા હંમેશાં જળવાઈ રહેતી.
આથી રાતદિવસ ધમધોકાર ચાલતી હોટલ સ્વાદ વિહારની કમાણીય જબ્બર હતી.
એ ચારેય ભાઈઓનો દશકો હતો. મોટી હવેલી જેવા બંગલામાં સંયુક્ત પરિવાર સાથે રહેતા હતા. સૌથી મોટા ભાઈ સાઠ વટાવી ગયા હતા. અમૃતલાલને બે દીકરી બાદ એક પંદર વર્ષનો પુત્ર પ્રેમ હતો. એક મોટી દીકરી સવિતાનાં લગ્ન થઈ ગયાં હતાં. બીજા નંબરનો ભાઈ એટલે હરેશ, એણે પ્રેમલગ્ન કરેલાં. એને ત્રણ પુત્રીઓ જ હતી. એની પત્ની અને ત્રીજા નંબરના ભાઈની પત્ની હોટલના રસોડામાં સુપરવિઝન કરતી હતી.
ત્રીજા નંબરનો યશવંત કોમર્સ ગ્રેજ્યુએટ હતો અને હોટલનો વહીવટ એ સંભળતો હતો. એનેય પુત્ર અને પુત્રી હતાં. જે પ્રાથમિક શાળામાં જતાં હતાં. છેલ્લો ભાઈ વીરેન સૌમાં લાડકો હતો. રૂપાળોય એવો હતો. જાણે કોઈ ફિલ્મી હીરો ન હોય. એ એસએસસી સુધી ભણેલો હતો. બસ સારાં સારાં કપડાં પહેરવા અને વટથી રહેવું એનો સ્વભાવ હતો. બહુ મહેનત કરવાનું એને ગમતું ન હતું. એથી અમૃતભાઈ એને હોટલના કાઉન્ટર પર બેસાડતા હતા. એને પ્રેમ મદદ કરતો.
એ વીરેનનાં લગ્ન થોડા સમય પહેલાં જ થયાં હતાં. તેનું નામ પ્રભા હતું. પ્રભા વીરેન કરતાં વધુ ભણી હતી. વળી દેખાવડી ને સંઘેડા ઉતાર નમણી હતી. જોતાં જ આંખોમાં વસી જાય એવી પ્રભાને પામીને વીરેન ખુશ હતો. એમાં એક વાર ગમે તેમ કરી ફાગણી પૂનમે મોટા અમૃતલાલે પોતાની પત્ની તેમ જ ભાઈ હરેશ અને યશવંતને સહપરિવાર પુત્રી સવિતાના સાસરે અજિતગઢ મોકલ્યા. કારણ રિવાજ પ્રમાણે સવિતાના ભાણિયાને હોળીનાં દર્શન કરાવવાનાં હતાં.
અહીં રાજનગરમાં ઘરે માત્ર અમૃતલાલ, સૌનો લાડકો અને નાનો ભાઈ વીરેન, પ્રભા અને યુવાન પ્રેમ જ હતા. હોળી-ધુળેટીના તહેવાર હોવાથી હોટલમાં બહુ ગ્રાહકો ન હતા તેથી હંમેશ કરતાં પ્રેમ કેશ કાઉન્ટર એના પપ્પાને સોંપીને વહેલો ઘરે આવવા નીકળી પડયો. રસ્તામાં એને યાદ આવ્યું કે આજ તો પ્રભાકાકી ઘરે એકલાં જ છે. વળી ધુળેટી છે, તો લાવને એમને રોળી દઉં. પ્રેમે રસ્તામાંથી કલરમાં ગુલાલ લીધો.
એ ઘરે આવ્યો તો ફળિયામાં પાણીના ટાંકા પાસેની ચોકડીમાં એની કાકી પ્રભા કપડાં ધોઈ રહ્યાં હતાં. એનાં કપડાં ભીંજાયેલાં હતાં. એ જોબનવંતી પ્રભાને જોતાં જ દબાતા પગલે જઈને યુવાન પ્રેમે એને ગુલાલે ભરી મૂક્યાં. સામે એમણે પણ પ્રેમને પકડી બથભરીને પાણીમાં ભીંજવી નાખ્યો, પણ ત્યાં પ્રેમ નીચે ચત્તોપાટ પડી ગયો અને તરફડી રહ્યો. એટલે પ્રભાએ રાડો પાડીને આજુબાજુમાંથી લોકોને બોલાવ્યા. ફોન પર સમાચાર મળતાં હોટલ પરથી અમૃતલાલ અને વીરેન દોડી આવ્યા. 'શું થયું?’ના પ્રત્યુત્તરમાં પ્રભાએ હીબકાં ભરતાં કહ્યું, 'પ્રેમ મને રોળવા આવેલો, પણ ચોકડીમાં પગ લપસી જતાં એ પડી ગયો અને તરફડી રહ્યો, એટલે મેં ગભરાઈને રાડારાડ કરી મૂકી.’ જોયું તો પ્રેમને માથામાં વાગેલું જણાતું હતું.
એને તાબડતોબ હોસ્પિટલ લઈ ગયા, પણ રસ્તામાં જ ખલાસ થઈ ગયો. યુવાન એકના એક પુત્ર પ્રેમના આઘાતમાં અમૃતલાલ રડી ઊઠયા. એમાં પ્રભા તો માથું પછાડીને આક્રંદ કરી રહી. કેટલાય દિવસ સુધી પ્રેમનો શોક પળાયો. પછી રહેતાં રહેતાં કાળક્રમે બધું વીસરાઈ ગયું. સૌ સૌનાં કામમાં પડી ગયા. સમય સરતો રહ્યો. પોણિયા વરસના કારણે પ્રેમના મૃત્યુને બે દાયકા પસાર થઈ ગયા.
પરંતુ એ દરમિયાન એ પરિવારની દશા બેસી ગઈ. એમની હોટેલ સ્વાદ વિહાર સામે બીજી બે આધુનિક હોટલ શરૂ થતાં ધંધો ભાંગી પડયો. એક-બે અકસ્માત થયા. જોકે એમાં અમૃતલાલ બચી ગયેલા, પણ ખર્ચ બહુ થયેલો. એક સો વીઘાની વાડી હતી એ પણ વેચાઈ અને હવે હોટલ વેચવાનો સમય આવ્યો હતો. એવી પનોતી બેઠી હતી.
આથી અમૃતલાલની પત્ની અને દિયર હરેશે એક મહારાજ પાસે જોવડાવ્યું હતું. એમાં મહારાજે કહ્યું હતું કે તમારા ઘરમાં યુવાન કુંવારા છોકરાનું મોત થતાં એનો જીવ દુર્ગતિ પામ્યો છે, માટે એ લીલ માગે છે. તમે એની લીલ પરણાવો એટલે એનો મોક્ષ થાય અને તમને સૌને સારો સમય આવે.
પણ બીજા આ વાત માનતા ન હતા. છતાં સૌ સહમત થયાં ને પ્રેમની લીલ પરણાવાની વિધિનો આરંભ થયો.
સાંજે ચાર વાગ્યે મંત્રોનાં ગાન સાથે નાળિયેર અને બીડું હોમાયા ને ત્રીજા નંબરના ભાઈ યશવંતનો નાનો પુત્ર ધૂણવા લાગ્યો. એના શરીરમાં પ્રેમ આવ્યો. એને પૂછયું,'કોણ છે તું?’
'હું પ્રેમ...’
'શા માટે આવ્યો છે. તને લીલ પહોંચીને?’
'હા, હા... લીલ પહોંચી અને હું મરી નહોતો ગયો, પણ પ્રભાકાકીએ મને માથામાં ધોકો મારીને મારી નાખ્યો હતો. જોકે એમાં એમનો વાંક ન હતો. હું જ એમના પર નજર બગાડીને આબરૂ લેવા અંધ બન્યો હતો. એમને કશું કરશો નહીં. એમણે જ પરિવારની આબરૂ બચાવવા કામ કર્યું હતું. બસ, હું જાઉં છું. લ્યો ત્યારે...’'

Comments