મિહિરે નીશિતાને ન્યુડ તસવીર મોકલવા કહ્યું..



સંબંધોની આરપાર - મીતવા ચતુર્વેદી

અમદાવાદમાં રહેતી ૨૪ વર્ષની નીશિતા ખૂબ જ સ્માર્ટ યુવતી હતી. સાદગીમાં જ સુંદરતા છે એવું માનનારી નીશિતા ખૂબ જ દેખાવડી અને શાંત સ્વભાવની હતી. એમબીએનો અભ્યાસ પૂરો કર્યા પછી તે એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. ઓફિસમાંથી તેને આખો દિવસ ઘણા ડોક્યુમેન્ટ્સ અને લેટર્સ ઇ-મેલ કરવાના થતાં. કમ્પ્યુટર અને ઇન્ટરનેટ કનેક્શન મળી જાય પછી તો પૂછવું જ શું! તે ઇ-મેલ પરથી સોશિયલ નેટવર્કિગ સાઇટ પર વળી. જોકે તેણે સાઇટ પર પોતાનો ફોટોગ્રાફ્સ કે અંગત વિગતો મૂકી ન હતી. તેને ઇન્ટરનેટનો એવો તે ચશ્કો લાગ્યો કે તેણે ઘરે પણ કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ કનેક્શન લઈ લીધું.
સોશિયલ નેટવર્કિગ સાઇટ પર તેના ઢગલાબંધ મિત્રો બની ગયા અને બનતા રહેતા. તેમાં પણ જાણીતા લોકો ઓછા અને અજાણ્યા લોકો વધારે. તેને નવા મિત્રો બનાવવા, પોતાના વિચારો શેર કરવા અને ચેટિંગ કરવામાં ખૂબ મજા આવવા લાગી. ઓફિસમાં ફ્રી સમય મળે ત્યારે તો ઠીક, પરંતુ ઘરે આવ્યા પછી પણ તે મોડી રાત સુધી ચેટિંગ કરતી. તેને સોશિયલ નેટવર્કિગ સાઇટનું અને ચેટિંગ કરવાનું વ્યસન થઈ ગયું હતું.
એક વખત મિહિર નામના એક યુવકની ફ્રેન્ડ રિક્વેસ્ટ તેને આવી. નીશિતાએ તે એક્સેપ્ટ કરી લીધી અને મિહિરનો સમાવેશ તેના ફ્રેન્ડ લિસ્ટમાં થઈ ગયો. મિહિરની પ્રોફાઇલ નીશિતાએ જોઈ. તે અમદાવાદનો જ યુવાન હતો અને એક પ્રતિષ્ઠિત કંપનીમાં મેનેજરની પોસ્ટ પર નોકરી કરતો હતો. તે સિંગલ હતો. દેખાવે પણ એકદમ સુંદર અને આકર્ષક લાગતો હતો. બંને દરરોજ સાઇટ પર પોસ્ટ મૂકતાં, બંનેના વિચારો ખૂબ જ મળતા આવતા હતા. ધીરે ધીરે બંને વચ્ચે ચેટિંગ શરૂ થયું. અને બંને વચ્ચેની મિત્રતા ગાઢ બનતી ગઈ અને છેવટે તે પ્રેમમાં પરિણમી. લગ્ન વિશે પણ ચેટિંગ થવા લાગ્યું. આખરે બંનેએ એક મહિના પછી મળવાનું નક્કી કર્યું.
એક દિવસ અચાનક જ મિહિરની ધીરજ ખૂટી પડી અને તેણે ચેટિંગ કરતી વખતે નીશિતાને પોતાનો ફોટોગ્રાફ્સ મોકલવાનું કહ્યું.
‘આટલું રોકાયો તો હવે થોડા દિવસ વધારે, આપણે મળીએ ત્યારે જ મને જોઈ લેજે ને!’ નીશિતાએ કહ્યું.
પરંતુ મિહિરે તો જિદ્દ પકડી અને નીશિતાએ તેની જિદ્દ આગળ ઝૂકીને પોતાનો ફોટોગ્રાફ્સ મોકલ્યો. એકાદ બે દિવસ પછી ફરી મિહિરે જિદ્દ પકડી કે, ‘તારો આ ફોટો તો સાદા ડ્રેસમાં છે. મારે તને વેસ્ટર્ન લુકમાં જોવી છે, તારો વેસ્ટર્ન કપડાંમાં પડાવેલો ફોટોગ્રાફ્સ મોકલાવને.’ નીશિતાએ ફરીથી વેસ્ટર્ન લુકમાં ફોટો મોકલાવ્યો. મિહિરની એક માગણી સંતોષાતી કે તરત જ બીજી જન્મ લેતી.
હવે તો હદ જ થઈ ગઈ. મિહિરે નીશિતાને પોતાનો ન્યુડ ફોટો મોકલવા કહ્યું. જોકે નીશિતાએ થોડી આનાકાની કરી, પણ મિહિર એકનો બે ન થયો. નીશિતાએ હવે તેને ન્યુડ ફોટો મોકલાવ્યો.
બીજા જ દિવસે મિહિરે નીશિતાને કહ્યું, ‘નીશિતા, તું તો તારા નામ જેટલી જ સુંદર છે. મારે તને મળવું છે, તારી સાથે એક રાત ગુજારવી છે.’
જોકે નીશિતાએ ચોખ્ખા શબ્દોમાં તેને ના કહી દીધી. ઘણું સમજાવા છતાં પણ ન માનવાથી મિહિર ગુસ્સે થયો અને નીશિતાને કહેવા લાગ્યો કે, ‘જો તું મારી કહેલી જગ્યાએ મને મળવા નહીં આવે તો તારા આ ફોટા સાઇટ્સ પર મૂકીને તને બદનામ કરી દઈશ, પછી તું ક્યાંયનીયે નહીં રહે અને હા, સાથે બે લાખ રૂપિયાની પણ વ્યવસ્થા કરતી આવજે. નહિતર...’ આ રીતે મિહિર નીશિતાને બ્લેકમેઇલ કરવા લાગ્યો. નીશિતાએ મજબૂરીમાં હા પાડી દીધી અને મિહિરે જણાવેલા એક ફ્લેટમાં મળવાનું નક્કી કર્યું.
મિહિર નીશિતાની રાહ જોઈ રહ્યો હતો ત્યાં જ ડોરબેલ વાગ્યો. મિહિરે દરવાજો ખોલ્યો તો નીશિતા નહીં, પણ પોલીસ હતી. પોલીસે મિહિરને હાથકડી પહેરાવી દીધી અને નીશિતા સામે લઈ ગયા, પરંતુ ફોટા મોકલ્યા હતા તેનાથી તો સાવ અલગ જ હતી. નીશિતાએ મિહિરને બે તમાચા ચોડતાં કહ્યું, ‘તેં જ્યારે પહેલી વાર મારો ફોટોગ્રાફ્સ મંગાવ્યો ત્યારે જ હું તારી નીયત સમજી ગઈ હતી અને તેથી જ મેં તને મારા નહીં, કોઈ બીજાના જ ટ્રીક ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા.’
નીશિતાએ હવે અજાણ્યા લોકોને ફ્રેન્ડ્સ બનાવવાનું અને ચેટિંગ કરવાનું બંધ કરી દીધું.                      
આટલું ન ભૂલશો
* લોકોની સાથે સંકળાયેલા રહેવા માટે સોશિયલ સાઇટ્સ પર થોડો સમય લોગ ઇન રહેવું યોગ્ય છે, પરંતુ તેનું વ્યસન કે વળગણ ખૂબ જ અયોગ્ય છે.
* અજાણ્યા લોકોને ફ્રેન્ડ્સ બનાવવાથી કે ચેટિંગ કરવાથી ક્યારેક અજાણતા જ મુસીબતને આમંત્રણ અપાઈ જાય છે.
* શક્ય હોય ત્યાં સુધી આ પ્રકારની સાઇટ્સ પર પોતાના ફોટોગ્રાફ્સ, ફોન નંબર કે ખાનગી માહિતી મૂકવી જોઈએ નહીં, કારણ કે કોઈ તેનો દુરઉપયોગ કરી શકે છે.
* કોઈ પણ બાબતે મુશ્કેલીમાં સપડાયા હોવાનું અનુભવાય ત્યારે હંમેશાં પોલીસની મદદ લેવી જોઈએ.

Comments