ડો.શરદ ઠાકર: મજાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને



 
ઘરની લેન્ડલાઇન ઉપર કોઇકના ફોનકોલ્સ આવતા અને અંતરા રિસીવર ઉઠાવીને કહી દેતી- ‘રોંગ નંબર.’ એ સમયે એનો ચહેરો કહી આપતો કે એ જુઠ્ઠું બોલી રહી છે.

બાબા સિદ્ધેશ્વરાનંદજીએ સાયંકાળના જન-સત્સંગની શરૂઆત પ્રાર્થના સાથે કરી. પ્રાર્થનાના અંતે એમણે બંને આંખો ખોલીને શ્રોતાવૃંદ ઉપર નજર ફેરવી. એ સહેજ ચોંક્યા. પ્રથમ હરોળમાં બિરાજેલો એક આધેડ વયનો આદમી ચહેરે-મહોરે જાણીતો લાગી રહ્યો હતો. બાબાએ એને નજરઅંદાજ કરીને સત્સંગનો પ્રારંભ કર્યો: ‘પ્રિય ભક્તજનો...’ફરી પાછા બાબાની નજર પ્રથમ હરોળમાં બેઠેલા પેલા આદમી ઉપર પડી. ફરી પાછા બાબા ચોંકી ઊઠ્યા. આ વખતે ચોંકી ઊઠવાનું કારણ એ હતું કે પેલો પુરુષ પણ હવે મમૉળુ મલકી રહ્યો હતો. જાણે એ પણ બાબાને ઓળખી ન ગયો હોય!

બાબા વિચારી રહ્યા: ‘સંસાર છોડ્યા આજે બાર વરસ થઇ ગયાં. આખો ગેટ અપ બદલાઇ ગયો. ભગવાં વસ્ત્રો, લાંબી જટા, દાઢી અને ઉંમરે ચહેરા ઉપર મારેલા થપેડા. ભાગ્યે જ હવે કોઇ જૂનું પરિચિત મને ઓળખી શકે. પણ આ અવાજને ક્યાં સંતાડવો? મારો અવાજ જે રીતે આજે ભક્તજનોને ઘેલું લગાડે છે એ જ રીતે યુવાનીમાં મિત્રોને અને પરિચિતોને મુગ્ધ કરી મૂકતો હતો. જેણે મને જિંદગીમાં એક વાર પણ સાંભળ્યો હોય, તો બીજી વાર એ ઓળખવામાં થાપ ખાય નહીં.

આ સામે બેઠલો માણસ પણ અત્યાર સુધી શાંત જ બેઠો હતો ને? જેવું મેં પ્રવચન શરૂ કર્યું તેવી જ એની આંખમાં ચમક આવી ગઇ અને કૂતરાની પેઠે કાન સરવા થયા. શું કરું? આજે ગળું ખરાબ છે એમ કહીને પ્રવચન ટાળી દઉં? ના, તો એની શંકા દ્રઢ થશે. એના કરતાં અવાજ થોડો બદલી નાખું.’

બાબાએ પાસે પડેલા કમંડળમાંથી શ્રીફળનો એક મધ્યમ કદનો ટુકડો ઉઠાવીને મોઢામાં મૂકી દીધો. ચાવીને ગળા નીચે ઉતારવાને બદલે એમણે પ્રસાદનો એ કટકો એક બાજુમાં ગલોફામાં ભરાવી રાખ્યો. એના કારણે અવાજની ગુણવત્તા અને ઉચ્ચારોની સ્પષ્ટતામાં બહુ મોટો ફરક પડી ગયો. પછી એમણે પ્રવચન શરૂ કર્યું: ‘પ્રિય ભક્તજનો! યહ સબ જૂઠી માયા કે બંધન કો ત્યાગ કર આપ લોગ...’ચાલીસને બદલે આજે બાબાએ વીસ જ મિનિટમાં સત્સંગનો વીંટો વાળી દીધો. પછી રોજની જેમ ભક્તો પગમાં પડીને, બાબાના આશીર્વાદ લઇને ચાલવા માંડ્યા. આશ્રમ લગભગ ખાલી થઇ ગયો. સિવાય કે પેલો આદમી, જે ચૂપચાપ ભીડ વિખરાવાની રાહ જોઇને ઊભો રહ્યો.

હરિદ્વારની પવિત્ર ભૂમિ હતી. સૂરજ ક્ષિતિજની પેલે પાર ડૂબી ગયો હતો. ગંગાની જળસપાટીને સ્પર્શીને આવતો બર્ફીલો પવન શરીર માત્રને ધ્રુજાવી રહ્યો હતો. અવની ઉપર રાતની ચાદર બિછાવાઇ રહી હતી. બાબાએ પોતાની કુટીર તરફ જવા માટે પગ ઉઠાવ્યો. ‘એક મિનિટ, બાબા! આપ ગુજરાતી છો ને?’ પાછળથી અવાજ સંભળાયો.

બાબા પાછળ ફરીને બોલ્યા, ‘અરે, વત્સ! સાધુ કો ક્યા ગુજરાત, મહારાષ્ટ્ર ઔર ક્યા ઉત્તરાખંડ! હમારે લિયે તો સબ ભૂમિ ગોપાલ કી...’‘નહીં, બાબા, તમે ગુજરાતના નથી તો મેં ગુજરાતીમાં પૂછેલો સવાલ સમજી શી રીતે ગયા? હું તો તમને પહેલી નજરમાં જ ઓળખી ગયો હતો. મને જોઇને તમારી આંખમાં ચમક ઊઠી હતી તે પણ મેં પકડી પાડી હતી. એ પછી તરત તમે અવાજ બદલી નાખ્યો, પણ તમારી માથું ખંજવાળવાની આદત, દર બે-ત્રણ મિનિટે જમણા હાથ વડે કાનની બૂટ પકડવાની ટેવ, વાત-વાતમાં ડાબા પગના સાથળ પર હાથની થપાટ મારવાની આદત, આ બધું જેમનું તેમ જ છે. તમને આ બધાની ખબર ન હોય, પણ અમને તો હોય ને?’

બાબાએ હથિયાર હેઠાં મૂકી દીધાં, ‘ભાઇ, તમે કોણ?’

‘હું દીવાનપરામાં તમારી બરાબર સામેના મકાનમાં...’

‘ત્યાં તો જયેશ રહેતો હતો, મારો જિગરી મિત્ર.’

‘હું અવનીશ. જયેશનો નાનો ભાઇ. રોજ એની આંગળી ઝાલીને તમારા ઘરે રમવા આવતો હતો. પછી એન્જિનિયરિંગનું ભણવા માટે મોરબી વયો ગ્યો’તો. તમારાં લગનમાં આવ્યો’તો. હવે યાદ આવ્યું?’બધું જ યાદ આવી ગયું. બાબા સિદ્ધેશ્વરાનંદની નજર સામેથી એક સામટા દાયકાઓ પસાર થઇ ગયા. વીતેલી જિંદગી રિવાઇન્ડ થઇને દોડી ગઇ. એમાંય તે પોતાના લગ્નની વાતનો ઉલ્લેખ સાંભળીને તો અત્યારે પણ એમના મનમાં કડવાશ ફરી વળી. આ બધી મોકાણ એ લગ્ને તો ઊભી કરી હતી! જેની સ્ત્રી સૌંદર્યવતી હોય તે તમામ પુરુષોની આવી જ દુર્ગતિ થતી હશે? છેક પીંગળા અને ભરથરીના જમાનાથી આવું ચાલ્યું આવતું હશે.

બાબાનું પૂર્વાશ્રમનું નામ અંતરિક્ષ હતું. અંતરિક્ષ પાઠક. તેજસ્વી યુવાન હતા એ. લગ્નની વય થઇ ત્યારે કન્યા જોવા ગયા. અંતરાને જોઇને પાગલ બની ગયા. પ્રથમ મુલાકાતમાં જ કહી બેઠા, ‘અંતરા, તું મને ગમી ગઇ છે. ફેંસલો હવે તારે કરવાનો છે. મેં તો નિર્ણય કરી લીધો છે. જો પરણીશ તો તને જ, નહીંતર સાધુ બની જઇશ. સંસાર ત્યાગીને હરિદ્વારમાં આશ્રમ...’ત્યારે અંતરિક્ષને ક્યાં ખબર હતી કે અંતરા વગર નહીં પણ અંતરાને લીધે જ એમણે સંસાર ત્યાગી દેવો પડશે?!

શરૂઆતના બે-એક વર્ષ તો સુખેથી પસાર થઇ ગયા, પણ પછી અચાનક અંતરિક્ષને લાગવા માંડ્યું કે એની પત્નીની હિલચાલ શંકાસ્પદ થતી જાય છે. ઘણી વાર ઘરની લેન્ડલાઇન ઉપર કોઇકના ફોનકોલ્સ આવતા અને અંતરા રિસીવર ઉઠાવીને કહી દેતી- ‘રોંગ નંબર.’ એ સમયે એનો ચહેરો કહી આપતો કે એ જુઠ્ઠું બોલી રહી છે. પછી ધીમે-ધીમે અંતરિક્ષની ઓફિસમાં કોઇના નનામા ફોન-કોલ્સ આવવા માંડ્યા, ‘દોસ્ત, મોંઘો દાગીનો ખરીદીને લઇ તો આવ્યા છો, પણ કોઇ ચોરી ન જાય એ વાતનું ધ્યાન તો રાખો!’

‘મતલબ?’

‘મતલબ એ જ કે ઘરમાં આવી ખૂબસૂરત પત્ની વસાવી છે, પણ એનો લાભ બીજું કોઇક લઇ રહ્યું છે. તમે ઓફિસમાં હોવ છો, બાળકો તો હજુ થયાં નથી, મા-બાપ અલગ રહે છે, તમારી ગેરહાજરીમાં ઘરે કોની હાજરી હોય છે એની તપાસ તો કરો જરા!’ કાન ભંભેરણી વધતી ગઇ, ઉશ્કેરણીનો ઉનાળો દાંપત્યની ખેડને બાળવા લાગ્યો. ફોન કરનાર અજાણી વ્યક્તિ પોતાને શુભચિંતક તરીકે ઓળખાવતી હતી અને અંતરા સાથે લફરામાં જોડાનાર પુરુષ તરીકે જે. ડી.નું નામ ખૂલતું હતું.

અંતરિક્ષ ચોંકી ગયો, જે. ડી. ઉર્ફે જોય દેસાઇ શહેરનો પ્રખ્યાત ઉદ્યોગપતિ હતો અને એનો જૂનો મિત્ર હતો. રાતોરાત ધનાઢ્ય બની જનાર યુવાન પુરુષમાં જે-જે અપલક્ષણો પ્રવેશી જતાં હોય છે એ બધાં જે. ડી.માં હાજર હતાં. સ્મોકિંગ, શરાબ, માંસાહાર અને સ્ત્રીઓનો શોખ આ બધા વિશે અંતરિક્ષને પણ ખબર હતી, પરંતુ જે. ડી. ખુદ પોતાના ઘરમાં દાનત બગાડશે એ વાત અંતરિક્ષની કલ્પના બહારની હતી.

અંતરિક્ષે એક બે વાર પત્ની સાથે ઝઘડો કર્યો. પછી જે. ડી. ને ઠપકો આપ્યો. એની સાથેની દોસ્તી તોડી નાખી. તેમ છતાં નનામા ફોન આવતા જ રહ્યા. એક વાર મધરાતે ફોન આવ્યો. અંતરિક્ષ ઓફિસના કામથી રાજકોટ ગયો હતો. શુભચિંતક કહી રહ્યો હતો- ‘અરે, મૂર્ખ! તું દિવસ ને રાત ઢસરડા કર્યા કર! અહીં જે. ડી.ની કાર તારા મકાનની આગળ પાર્ક થયેલી છે. બેલા-ચમેલી કા સૈજ સજાયા, સોયે ગોરી કા યાર... રંગ બરસે...’
અંતરિક્ષની રગોમાં લોહી ઊકળી ઊઠ્યું.

ટેક્સીમાં બેસીને એ ઘરે આવ્યો. શુભચિંતકની માહિતી સાચી હતી. જે. ડી. ની કાર એના ઘરના દરવાજા પાસે ઊભી હતી. એક ક્ષણ પૂરતો એને અંતરા-જે. ડી.નું ખૂન કરી નાખવાનો વિચાર થઇ આવ્યો, પણ બીજી જ ક્ષણે એને સંસાર પરથી વિશ્વાસ ઊઠી ગયો. આ પત્ની? આવો મિત્ર? એ રાતનો અંચળો ઓઢીને સન્યાસના પથ પર ચાલી નીકળ્યો. બાર વર્ષ થઇ ગયાં એ વાતને. આજે સામે ઊભેલા અવનીશે પાછો એનો ભૂતકાળ તાજો કરી દીધો. ‘બાબા, તમે શા માટે ઘર છોડીને ભાગી ગયા? તમને ખબર છે અંતરાભાભી તમારી પાછળ કેટલું રડ્યાં હતાં?’ જવાબમાં બાબા સિદ્ધેશ્વરાનંદજીએ આખી દાસ્તાન કહી સંભળાવી.

અવનીશે કપાળ કૂટ્યું, ‘અરે, અંતરિક્ષભાઇ! તમારે એકવાર ઘરમાં જઇને જોઇ તો લેવું’તું! કમ સે કમ બીજા દિવસનું અખબાર તો વાંચી લેવું હતું! બન્યું હતું એવું કે રાત્રે જે. ડી. એની કારમાં ઘરે જતો હતો, ત્યારે એના જૂના શત્રુઓએ એની હત્યા કરી નાખી. એની કાર લઇને તેઓ નાસી છુટ્યા પણ રસ્તામાં પેટ્રોલ ખૂટ્યું એટલે ગભરાટના માર્યા એક ઘર પાસે ગાડી મૂકીને એ લોકો ભાગી ગયા. એ ઘર જોગાનુજોગ તમારું હતું...’‘ 

Comments