લંબાયેલો હાથ કણસતો જ રહ્યો, આપણો સંબંધ અમસ્તો જ રહ્યો

લંબાયેલો હાથ કણસતો જ રહ્યો, આપણો સંબંધ અમસ્તો જ રહ્યો


'નો ચાન્સ, સર તમે મારા પપ્પાને ઓળખતા નથી. હું અંગત સાથે મેરેજ કરું તો પપ્પા જિંદગીભર મારી સાથે વાત નહીં કરે. આ ભવની વાત જવા દો, આવનારા ર્ચોયાશી લાખ જન્મોમાં પણ એ મને માફ નહીં કરે. એ પછી પણ એ મને જોઈને મોં ફેરવી લેશે.
'શું નામ છે?’ મેં સામે બેઠેલી માખણની મૂર્તિ‌ને પૂછયું.
એણે નામ જણાવ્યું, 'પર્ણવી બાબુલાલ શાહ.’ હું પૂછવા જતો હતો કે બાબુલાલ તમારા પતિનું નામ છે? પણ પછી અટકી ગયો. એની સાથે આવેલો હેન્ડસમ યુવાન કોઈ પણ સંજોગોમાં બાબુલાલ જેવા વીતેલી સદીના નામનો માલિક લાગતો ન હતો.
મેં મારા સવાલનું સ્વરૂપ બદલ્યું, 'મેરીડ કે અનમેરીડ?’
'હજુ સુધી અનમેરીડ છું, પણ બહુ નજીકના સમયમાં અમે મેરેજ કરવાનાં છીએ.’ પર્ણવીએ આટલું કહીને તીરછી નજર બાજુમાં બેઠેલા યુવાન તરફ ફેરવી.
યુવાન ખરેખર સોહામણો લાગતો હતો. સપ્રમાણ ઊંચાઈ, ભરાયેલો ચહેરો, સુરેખ નાક-નકશો, ચબરાકીભરી આંખો, આધુનિક ફેશનની હેરકટ અને કીમતી વસ્ત્રો. બેલ્ટથી લઈને બૂટ સુધીનું બધું જ ખાસ પસંદગીનું, મોંઘું અને સુરુચિપૂર્ણ.
મેં આ કામદેવના સાકાર, સગુણ સ્વરૂપને ઉદ્દેશીને પૂછયું, 'લક્કી મેન વ્હોટ ઇઝ યોર નેઇમ?’
'અંગત આડતિયા. અમે એક જ જ્ઞાતિનાં નથી. એટલે પર્ણવીના ઘરેથી અમારા સંબંધ સામે ઉગ્ર વિરોધ છે. બટ વી આર ડિટરમાઈન્ડ ટુ ગેટ મેરીડ.’ અંગતે નામની સાથે ઘણું બધું કહી દીધું. મને મારા કન્સલ્ટિંગ રૂમના એકધારા બોરિંગ માહોલ વચ્ચે ક્યારેક આવું, કોઈ કપલ આવી ચડે, ત્યારે મઝા આવી જાય છે. હું એ પેશન્ટની ફરિયાદ, તપાસ અને સારવાર શરૂ કરતાં પહેલાં એમની સાથે ખાસ્સી એવી ગોષ્ઠિ કરી લઉં છું. આમ પણ આવાં યુવાન-યુવતીઓ જોડે સમય પસાર કરવાનું મને ગમે છે. ધે કીપ મી યંગ (એન્ડ રોમેન્ટિક ટુ). આ યંગિસ્તાન પાસેથી મને એકવીસમી સદીના રોમાન્સ વિષે ઘણું બધું જાણવા મળે છે. એમની વાતચીત, આધુનિક હરકતો, ચબરાકીભર્યા સંવાદો, હિંમતભરેલી છૂટછાટો અને કશુંય બોલ્યા વગર ઘણું બધું બોલી નાખતી બોડી લેંગ્વેજ. આવા લોકો મારે મન ગુરુઓ જેવા છે, હું શિષ્ય બનીને બધું જોતો રહું છું, સાંભળતો રહું છું.
બીમારીની વાત પર આવતાં પહેલાં મેં એમના પ્રેમસંબંધ વિષેની ચર્ચા આગળ વધારી, 'પર્ણવી, તમારાં મમ્મી-પપ્પાની મરજી વિરુદ્ધ જો તમે અંગત સાથે લગ્ન કરશો તો તમારો પિયરપક્ષ તમારી સાથેનો સંબંધ તોડી નહીં નાખે કે પછી મોટા ભાગના કિસ્સાઓમાં બનતું હોય છે તે પ્રમાણે છ-બાર મહિ‌ના પછી એ લોકો તમારો પુન: સ્વીકાર કરી લેશે?’
'નો ચાન્સ, સર તમે મારા પપ્પાને ઓળખતા નથી. હું અંગત સાથે મેરેજ કરું તો પપ્પા જિંદગીભર મારી સાથે વાત નહીં કરે. આ ભવની વાત જવા દો, આવનારા ર્ચોયાશી લાખ જન્મોમાં પણ એ મને માફ નહીં કરે. સાપ, કાચીંડો કે કૂતરા-બિલાડીનો અવતાર મળશે તો પણ અને ત્યારે પણ મને જોઈને મોં ફેરવી લેશે.’ પર્ણવીના શબ્દોમાં પોતાના પપ્પા વિષેની પાક્કી જાણકારી હતી અને એની આંખોમાં ભીનાશ.
'અને તેમ છતાં પણ તમે લવમેરેજ કરવાના નિર્ણયમાં મક્કમ છો?’ મેં પૂછયું. મારા માટે આ વાત એક મોટી, જટિલ માનસશાસ્ત્રીય ઘટના છે. હું લવમેરેજનો દુશ્મન નથી, પણ જ્યારે કોઈ છોકરીને એનાં મમ્મી-પપ્પાનાં હૃદય ઉપર પગ મેલીને એના પ્રેમી સાથે ભાગી જતી જોઉં છું ત્યારે સમજી નથી શકતો કે દોષ કોને આપવો શું એનાં માતાપિતાના ઉછેરમાં કે સંસ્કારસિંચનમાં ન્યૂનતા રહી ગઈ હશે કે પછી એ છોકરી અઢી અક્ષરના સુંવાળા, ચોકલેટી શબ્દ પાછળ મોહાંધ બનીને પોતાના જન્મદાતાઓને તરછોડવા તૈયાર થઈ ગઈ હશે? જગતમાં સૌથી વધુ હેન્ડસમ, સૌથી વધુ સ્માર્ટ અને સૌથી વધુ યોગ્ય મુરતિયો ભલેને હોય, પણ એનું પલ્લું માતાપિતાના પલ્લા કરતાં વધારે વજનદાર શી રીતે બની જઈ શકે?
આ બધા પ્રશ્નોનો જવાબ પર્ણવી પાસે હાજર હતો, 'પ્રેમ આગળ બધું તુચ્છ છે, સર અંગત મને એટલો બધો પ્રેમ કરે છે કે મને આખા જગતની નફરત મળે તો પણ પરવા નથી.’ આટલું બોલીને પર્ણવીએ પાછું અંગત તરફ જોયું. અંગતે પાંપણો ઝુકાવીને પ્રેમિકાના વિશ્વાસને અનુમોદન આપ્યું. એણે પર્ણવીનો હાથ પોતાના હાથમાં પકડી લીધો, જકડી લીધો. એની આ ચેષ્ટામાં પ્રેમ હતો, જે સપ્તપદીથી માંડીને સ્મશાન સુધી અતૂટ રહેવાનો હતો, એમાં આવનારાં સાત સાત જન્મો સુધી સંબંધ નિભાવવાનાં વચનો સમાયેલાં હતાં, પ્રતિજ્ઞાઓ પુરાયેલી હતી, એમાં જીવનભરનાં સમર્પણ અને વફાદારી ઝલકતાં હતાં. અંગત ખામોશ હતો, પણ એની ખામોશીમાં જાણે આ પંક્તિ ગુંજી રહી હતી : અપ્સરા કોઈ આયે તો દેખું નહીં...
હું ખુશ થયો. સાચો પ્રેમ. પાક્કી વફાદારી. દૃઢ નિર્ણય. એનાથી રૂડું બીજું શું હોઈ શકે? અલબત્ત, મને પર્ણવીનાં મમ્મી-પપ્પા વિષે તીવ્ર કક્ષાની સહાનુભૂતિ જાગી, પણ એ વિષે હું કશું જ કરી શકું તેમ ન હતો.
મેં એ વાત પર પૂર્ણવિરામ મૂક્યું, હવે મૂળ વાત પર આવ્યો, 'એની વે, તમારે મારી પાસે શા માટે આવવું પડયું એ જણાવો.’
પર્ણવીએ પ્લાસ્ટિક બેગમાંથી એક ફાઈલ કાઢીને મારા ટેબલ ઉપર મૂકી દીધી, 'સર, આમાં બધા રિપોર્ટ્સ છે.’
'હું રિપોર્ટ્સ પછી જોઉં છું, પહેલાં એ જણાવો કે તમારી ફરિયાદ શી છે?’ મેં ફાઈલને હાથ પણ ન લગાડયો. મોટા ભાગના કન્સલ્ટન્ટ્સ આવું જ કરે, કારણ કે બીજાના રિપોર્ટ્સ અને નિદાન વાંચીને આપણે ગેરમાર્ગે દોરવાઈ જઈએ તેવી પૂરી શક્યતા હોય છે.
પર્ણવીએ કહ્યું, 'મને બે-ત્રણ મહિ‌નાથી પેટમાં દુખાવો રહ્યા કરે છે. મેન્સીઝ આવે ત્યારે પેઇન વધી જાય છે. એવું લાગે છે જાણે અંદર ગાંઠ હોય’
મેં એને તપાસવા માટેના ટેબલ પર લીધી. એ હજુ કુંવારી જ હતી, માટે પેટ પરથી જ શારીરિક તપાસ કરી, ખાસ કશું ચિંતાજનક જણાતું ન હતું. મેં એને કહ્યું, 'બહેન, તારો વહેમ ખોટો હોઈ શકે. કદાચ પેટમાં ગાંઠ હોય તો પણ એવડી મોટી તો નથી જ કે બહારથી જાણી શકાય. તારા પેટની સોનોગ્રાફી તપાસ કરાવવી પડે.’
'એ કરાવી લીધી છે, સર. રિપોર્ટ ફાઈલની અંદર જ છે.’ પર્ણવીએ ફરીથી મારું લક્ષ્ય દોર્યું. હવે મેં ફાઈલ હાથમાં લીધી. નદીની પેલે પારના વિસ્તારમાં પ્રેક્ટિસ કરતા એક ગાયનેકોલોજિસ્ટની ફાઈલ હતી. હું સમજી શકતો હતો, ડોક્ટરે જાતે જ સોનોગ્રાફી ટેસ્ટ કરીને પછી રિપોર્ટ લખ્યો હતો : ગર્ભાશયમાં બધું બરાબર છે, પણ ગર્ભાશયની ડાબી-જમણી તરફ બે ગાંઠ હોય તેવું જણાય છે. મોટા ભાગે આ ગાંઠો...’ એ પછી જે વર્ણન લખેલું હતું તે ચુસ્તપણે તબીબી પરિભાષામાં હતી, પણ એ વાંચીને કોઈ પણ ગાયનેકોલોજિસ્ટ સમજી જાય કે પર્ણવી જેવી કુંવારી છોકરી માટે આ સ્થિતિ જરા પણ આશાસ્પદ ન કહેવાય. ભલે એ ડોક્ટરે માત્ર શંકા જ વ્યક્ત કરી હતી, પણ જો એ શંકા હકીકતનું રૂપ ધારણ કરી લે તો પર્ણવી માટે જીવનમાં ક્યારેય ગર્ભ ધારણ કરવાનું લગભગ અસંભવ બની જાય.
લંબાયેલો હાથ કણસતો જ રહ્યો, આપણો સંબંધ અમસ્તો જ રહ્યો

'પર્ણવી, એ ડોક્ટરે તમને બંનેને સમજાવ્યું છે ખરું કે સોનોગ્રાફીના રિપોર્ટમાં શું જાણવા મળ્યું છે?’ મેં વાત ક્યાંથી શરૂ કરવી એની અવઢવમાં પૂછી લીધું.

'એ કંઈક બોલી તો ગયા, પણ અમને સમજાયું નહીં. એ ડોક્ટર મોટા ભાગના શબ્દો અંગ્રેજીના વાપરતા હતા. ઉપરાંત એ ખૂબ જ ઓછું બોલનારા ડોક્ટર હોવાથી અમે એમને વધુ પ્રશ્નો પૂછવાની હિંમત ન કરી શક્યાં. અમને થયું કે એ જ વાત તમે અમને વધુ સારી રીતે અને વધુ સરળ ભાષામાં સમજાવી શકશો માટે અમે તમારી પાસે આવ્યાં છીએ.

મેં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, 'જો આ રિપોર્ટને સાચો માની લેવામાં આવે તો તમારે કદાચ બાળક વિના જ ચલાવી લેવું પડશે, પણ એટલું વળી સારું છે કે તમે એકમેકને એ હદે પ્રેમ કરો છો કે તમારા માટે સંતાનપ્રાપ્તિ એ ગૌણ વસ્તુ છે. જોકે હું આ રિપોર્ટને સો ટકા 'એક્યુરેટ’ નહીં ગણું. મારી સલાહ છે કે આપણે સેકન્ડ ઓપિનિયન લઈ લઈએ. હું એક એવા સોનોલોજિસ્ટ પાસે તમને રિફર કરું છું જેના રિપોર્ટ પર અને આવડત ઉપર મને શત પ્રતિશત ભરોસો છે. આઠસો રૂપિયા ફેંકી દેવા માટે તમે તૈયાર છો?’ પર્ણવી રડી રહી હતી, અંગત ખામોશ હતો. બંને મેં લખી આપેલી રેફરન્સ નોટ લઈને વિદાય થયાં.

બીજા દિવસે પર્ણવી રિપોર્ટ કરાવીને મને મળવા માટે આવી. સરપ્રાઈઝિંગલી, તે એકલી જ હતી. અંગત એની સાથે ન હતો. મેં ધાર્યું કે એ કામ પર ગયો હશે. છતાં પૂછી તો લીધું જ, 'કેમ, આજે મુમતાઝ એકલી છે? એનો શાહજહાં ક્યાં છે?’

'એ કદાચ મારી યાદમાં તાજમહેલ બાંધવાની તૈયારી કરતો હશે.’ પર્ણવીના અવાજમાં કટુતાની સાથોસાથ કટાક્ષનો ભાવ સમાયેલો હતો. 'હું તારા કહેવાનો અર્થ સમજ્યો નહીં, જરાક સ્પષ્ટતા કર.’ મેં કહ્યું. પર્ણવી રડી પડી, 'સ્પષ્ટતા હું શું કરવાની હતી, સર સ્પષ્ટતા તો અંગતે કરી નાખી. ગઈ કાલે તમારી પાસેથી અમે ગયાં એ પછી અંગતે મારી સાથે ખૂબ મોટો ઝઘડો કર્યો. એને મારી બીમારી વિષે જાણીને ભયંકર આઘાત લાગ્યો હતો. હું ભવિષ્યમાં મા નહીં બની શકું એ વાત સ્વીકારવા માટે એ જરા પણ તૈયાર ન હતો. એણે ચોખ્ખું કહી દીધું. 'જે આંબા પર કેરી ન આવવાની હોય તે આંબાનું મારે શું કામ છે? પુરુષો આખરે લગ્ન શા માટે કરે છે? સંતાનપ્રાપ્તિ માટે જ તો બાકી રૂપ ને પ્રેમ ને સેક્સ એ બધી વાતો છે.’ આટલું કહીને એ ચાલ્યો ગયો.

'સારું થયું, પર્ણવી. લગ્ન પછી જો આવું બન્યું હોત તો તું ક્યાં જાત? એના કરતાં આ સ્થિતિ બહેતર છે. ચલો સુહાના ભરમ તો ટૂટા, જાના કે ઇશ્ક ક્યા હૈ હવે એ જાણી લઈએ કે તારો નવો રિપોર્ટ શું કહે છે?’ મેં અમદાવાદના શ્રેષ્ઠ ગણાતા સોનોલોજિસ્ટનો રિપોર્ટ હાથમાં લીધો. અંદર ખોંખારીને લખેલું હતું. 'ગર્ભાશયની બંને બાજુનાં અંડાશયો સાવ જ ર્નોમલ છે. જૂના રિપોર્ટમાં જે ગાંઠ જેવું દેખાતું હતું તે અંડાશયની બાજુમાં આવેલા તદ્દન નિર્દોષ પાણીના પરપોટા જેવા બે સિસ્ટ છે.’ મતલબ કે આ પૃથ્વીલોકની મેનકા કોઈ યોગ્ય પુરુષની પત્ની પણ બની શકે તેમ હતી અને સુંદર બાળકોની માતા પણ આ સાચા રિપોર્ટે એની જિંદગી સુધારી આપી હતી, પેલા ખોટા રિપોર્ટે એક ખોટા પ્રેમીની સાચી સોનોગ્રાફી કરી નાખી હતી.

Comments

  1. You have written very well, I read it, I have written something like you, which you should read,I have written top 10 interior designers in ahmedabad
    just like you

    ReplyDelete

Post a Comment

Thanx For Comment