દુ:ખ સાથે કહું તો મારામાં શરમ કે નારીસહજ લજજાનો ભાવ મંદ પડવા લાગ્યો છે. તમે મારા શરીરને સ્પર્શ કરો અને મને કશી જ અસર ન થાય, જાણે જીવતી લાશ હોઉં!
અર્થ પોતાનો ઇમેઇલ ચેક કરવા બેઠો. જોયું તો સ્નેહાનો લાંબોલચ મેઇલ સ્ક્રીન પર પથરાઇને પડ્યો હતો. તેમાં લખ્યું હતું, તમે જાણતા જ હશો કે, જોબ કરતી યુવતીના પ્રશ્નો ઓછા નથી હોતા. પાર વગરના પ્રશ્નોની પજવણી સાથે ક્યારેક તો ખુદ સ્ત્રી એક પ્રશ્ન બનીને ઊભી રહેતી હોય છે. જેનો ઉકેલ સમય સિવાય કોઇના હાથમાં હોતો નથી. તમને થશે કે મેરેજ કરવાનો માહોલ સર્જીને આવી પારાયણ ક્યાં કરવા બેઠી! પણ કહેવું અતિ જરૂરી છે. મારી આ સમસ્યા જાણ્યા પછી તમને નિર્ણય લેવાની અનુકૂળતા રહેશે, કારણ કે હજુ આપણી પાસે સમય છે. અર્થ થોડીવાર અટકયો.
તેને થયું કે ના પાડવાની આ નવી રીત છે. ક્યાંક લફરું હશે એટલે છટકવાનો આ સરળ રસ્તો અપનાવ્યો છે. તું નહીં તો તારી બહેન... તે મનમાં બોલ્યો: બાકી હું કાંઇ કુંવારો થોડો રહેવાનો છું! મોં બગાડીને તેણે આગળનું વાંચ્યું. સવારે વહેલા ઊઠી જવાનું, ઝડપથી દૈનિક ક્રિયાઓ પતાવી, શરીરનાં સૌંદર્યની કશી કાળજી લીધા વગર હાથમાં પર્સ અને ટિફિન લઇ રીતસર દોડવાનું. પીકઅપ પોઇન્ટ પર ઊભા રહી વાહનની પ્રતીક્ષા કરવાની. સાચું કહું તો દરરોજની આવી નિર્જીવ પ્રતીક્ષાના લીધે મારું સંવેદનતંત્ર એટલું તો બધિર બની ગયું છે કે હવે કોઇ પ્રિયજનની પ્રતીક્ષામાં વહિ્વળ થઇશ કે કેમ? તેની મને શંકા છે.
આમ મારા ભીતરની દુનિયા ઉજજડ થવા લાગી છે. છલકતું સરોવર ઉલેચાઇ જાય તેમ હું ખાલી થવા લાગી છું. કદાચ હું એક પાણી વગરની સાવ ઠાલી નદી ન બની જાઉં! હા, પછી બસ ન મળે તો શટલિયા જીપમાં બેસવું પડે છે. પશુની જેમ માણસોને ભર્યા હોય... તેમાં ગમે તે માણસની ભીંસ ભોગવવી પડે. ક્યારેક તો ઇરાદાપૂર્વક માણસ અડપલું કરે, એક થપ્પડ લગાવી દેવાનું મન થાય, પણ મન મારીને બે સી રહેવું પડે.
દરરોજનું થયું... સ્ત્રીને પુરુષનો સ્પર્શ થાય એટલે શરીરમાં ન સહેવાય તેવો ચચરાટ ઝંકૃત થઇ ઊઠે, મીઠી વેદનાથી મન અને તન તરબતર થઇ જાય, પણ આવા રોજિંદા અનુભવે ચામડી જ બરછટ થઇ ગઇ છે. સાવ ભીંસાઇને બાજુમાં બેઠેલા કોઇ પુરુષના પરસેવાની ગંધ અસર કરતી નથી, કંપારી વછુટતી નથી. શરીર રણઝણી કે છાતી ધડકી ઊઠતી નથી. મારી વિજાતીય સંવેદના ખતમ થઇ ગઇ હોય લાગે છે. અતિ દુ:ખ સાથે કહું તો મારામાં શરમ કે નારીસહજ લજજાનો ભાવ મંદ પડવા લાગ્યો છે.
તમે મારા શરીરને સ્પર્શ કરો અને મને કશી જ અસર ન થાય, જાણે જીવતી લાશ હોઉં! હું સાવ પથ્થર જેવી લાગું... કયો પુરુષ સ્ત્રીનું આવું સ્વરૂપ સ્વીકારે? અને સ્વીકારવું પણ શું કરવા જોઇએ? પત્નીને પ્રેમથી પામવાનો દરેક પુરુષને અધિકાર છે. અર્થ બેઘડી વિચારમાં પડી ગયો. વાત કાઢી નાખવા જેવી નહોતી, પણ ગંભીર વિચારણા માગી લે તેવી હતી. તેણે આગળ લખ્યું હતું. મારે જોબ એક સ્ત્રી તરીકે નહીં પરંતુ એક વ્યક્તિ તરીકે કરવાની હોય છે.
તેમાં પોતાના ગમા-અણગમા ખપ નથી લાગતા. અર્થથી મનોમન બોલી જવાયું: આપણે અને આપણું કામ બધાને ગમે એ ક્યારેય શક્ય નથી અને જરૂરી પણ નથી. સ્નેહાએ આગળ લખ્યું હતું: તમે એમ કહેશો કે, આ બધા પ્રશ્નો નોકરીના હોય તો નોકરી છોડી દે! અને બીજું કંઇ કમાણીનું વિચારી શકાય. જીવન માટે નોકરી છે, નોકરી માટે જીવન નથી પણ આ કાળઝાળ મોંઘવારીમાં સારી રીતે જીવવાની વાત તો એક બાજુ રહી પણ બે છેડા ભેગા કરવા માટે પણ બંનેની આવક હોવી જરૂરી છે. આ મધ્યમવર્ગની સળગતી સમસ્યા છે અને તે દિન-પ્રતિદિન વણસતી જાય છે, બેકાબૂ બનતી જાય છે.
મારા ઘરની જ વાત કરું તો પપ્પાને તેમની આવકમાં મહિનો કાઢવો મુશ્કેલ પડે છે. અર્થની આંખો પહોળી થઇ ગઇ. થયું કે આ યુવતી જીવન માટેની તમામ સમજદારી ધરાવે છે. એક ગૃહિણી જે વિચારે તેવા વિચારોનું ભાથું તેના પાસે છે. તેણે તુરત જ રપિ્લાય કર્યો અને લખ્યું: સ્નેહા! તારી વાતમાં તથ્ય છે, પણ આવી વાતો રૂબરૂમાં થાય તો વધારે યોગ્ય ગણાશે. પછી બંનેએ સાંજના સાડા છ વાગે પરિમલ ગાર્ડનમાં મળવાનું નક્કી કર્યું.
એક બાંકડા પર બેઠો અર્થ સ્નેહાની પ્રતીક્ષા કરી રહ્યો હતો. વિરહની વેદના વગર મિલનની મઝા આવતી નથી. પ્રતીક્ષાની પળો પણ લાંબી હોવી અને લાગવી જોઇએ. તેની પણ એક લજિજત હોય છે. ટ્રાફિકના લીધે સ્નેહા થોડી મોડી પડી એટલે તેણે સોરી કહ્યું. અર્થએ મઘમઘતું સ્માઇલ આપીને સ્નેહાનું અભિવાદન કર્યું.
બાજુની જગ્યા પર સ્નેહાએ બેઠક લીધી. સ્નેહા દેખાવે સાધારણ છે, પણ તેનો સ્વભાવ અને કોઠાસૂઝ અસાધારણ છે. જે અર્થ માટે આકર્ષણનું બિંદુ હતું. થોડીવાર મૌનનું આકાશ ઘેરાતું રહ્યું. સ્નેહા પગના અંગૂઠા વડે જમીન ખોતરતી રહી. અંધારા અને અજવાળાનું સાયુજય રચાતું હતું. મૌનનો માહોલ તોડીને અર્થએ કહ્યું: થેંક યુ, તમે આવી સમજ અને સમસ્યા બતાવી તે બદલ. આમ કહી તે ઊભો થયો.
અર્થને આમ ઊભો થતો જોઇ સ્નેહાનું હૈયું ધબકારો ચૂકી ગયું. તે મોં ફાડીને તેના સામે જોઇ રહી. ત્યાં અર્થ સાવ લગોલગ આવીને બોલ્યો: તમે તમારું સ્ત્રીત્વ ગુમાવી રહ્યાં છો તેનું તમને ભાન છે, ખબર છે તે બહુ મોટી વાત છે. વળી હજુ તમે લીલાછમ છો તેની પણ તમે પ્રતીતિ કરાવી. સામે સ્નેહા કંઇ કહે તે પહેલાં જ અર્થએ કહ્યું: મૂરઝાતા છોડને પ્રેમથી પયપાન કરાવવામાં આવે તો તે ખીલી ઊઠે છે. સ્નેહાથી અનાયાસે બોલી ગયું: પણ સ્નેહનું સિંચન કરે કોણ? અર્થો પોતાનો હાથ લંબાવીને કહ્યું: હું છું ને! આવું સાંભળી સ્નેહાને અર્થના બાહુપાશમાં સમાઇ જવાનું મન થઇ આવ્યું!
Comments
Post a Comment
Thanx For Comment