ડો. શરદ ઠાકર: જીવન બહુ જ બરછટ છે, મોત બહુ જ સુંવાળું છે ...



  
‘અરે, કનુભાઇ! તમે?!’ સવાલ સાંભળીને હું બગવાઇ ગયો, કારણ કે સવાલ મને ઉદ્દેશીને જ પૂછાયો હતો અને મને ખબર છે ત્યાં સુધી મારું નામ કનુ નથી. એ વખતેય ન હતું, અત્યારે પણ નથી.હું સ્પષ્ટપણે ના પાડવા જ જતો હતો, પણ એ સાંભળે તો ને? એ એક દૂધવાળો હતો. હું ત્યારે મેડિકલ કોલેજમાં ભણતો હતો અને હોસ્ટેલમાં રહેતો હતો. અઢાર વર્ષની ઉંમર હતી. એ ઉંમરે મારું શરીર ખૂબ જ પાતળું હતું. આઠમા ધોરણમાં ભણતો છોકરડો હોઉં એવો હું દેખાતો હતો. મને લાકડી જેવો કહેવો તે લાકડીનું અપમાન કહી શકાય! ઘર છોડીને પહેલીવાર આ રીતે બહાર નીકળ્યો હતો.

પિતાજી નિયમિત રીતે પત્રો લખતા રહેતા હતા, એમાં એક વાતની ચિંતા અને એક બાબતની સલાહ હોય, હોય અને હોય જ: ‘મને તમારી તબિયતની ખૂબ ચિંતા રહે છે. મેડિકલ કોલેજનો અભ્યાસ ખૂબ મહેનત માગી લે તેવો અઘરો હોય છે અને તમારું શરીર બહુ નબળું છે. ખોરાકનું ધ્યાન રાખજો. મેસનું ખાવાનું ન ભાવે તો દૂધનો ઉપયોગ વધારી દેશો.’ મારા પિતાજી પત્રમાં મને હંમેશાં ‘તમે’ જેવા માનવાચક સંબોધનથી જ ઉલ્લેખતા હતા. હું ચીડાઇને એમને આવું કરવાની ના પાડતો, તો પણ તેઓ ક્યારેય સુધર્યા નહીં. (સાચું કહું તો બગડ્યા નહીં.)

પિતાજીની સલાહ માનીને મેં સવાર-સાંજ બંને સમય માટે દૂધનું લગવું બંધાવી દીધું. વિશાળ કેમ્પસ હતું. આઠ હોસ્ટેલ્સ હતી. આઠસો જેટલા વિદ્યાર્થીઓ હતા. એટલે એક કરતાં વધારે દૂધવાળાઓ સાઇકલ પર બેસીને એમના બાંધેલા ઘરાકોને દૂધ પહોંચાડવા માટે આવી જતા હતા. મેં પણ એક દૂધવાળાને સવાર-સાંજ બે વાર અડધો-અડધો લીટર દૂધ આપી જવાની સૂચના આપી દીધી. એ જમાનો ઘરે ઘરે રેફ્રિજરેટર હોવાનો ન હતો, ત્યારે હોસ્ટેલમાં તો એવી લકઝરી હોય જ ક્યાંથી? એટલે સવારે આવતું દૂધ એકી શ્વાસે હું ગટગટાવી જતો અને સાંજનું દૂધ પીવા માટે તેમજ રાતે ચા બનાવવા માટે વાપરતો હતો.

તકલીફ એ હતી કે રોજનું એક લિટર દૂધ પીતો હોવા છતાં મારા વજનમાં એક ગ્રામનો પણ વધારો નોંધાતો ન હતો. કારણ સ્પષ્ટ હતું: દૂધવાળો જેને દૂધ સમજતો હતો એને હું પાણી કહેતો હતો. એકબે વાર મેં એને આવું પાણી જેવું દૂધ આપવા બદલ ખખડાવ્યો ત્યારે એણે ખુલાસ કર્યો, ‘ભાઇ, અમારો નિયમ છે. ઘરાક ગમે તેટલો ભાવ ચૂકવે, તો પણ અમારાથી કુંવારું દૂધ ન જ અપાય. દૂધને પરણાવવું જ પડે, એમાં પાણી નાખીને.’

આવી હાલત હતી ત્યાં ઉપર લખેલા સંવાદવાળી ઘટના બની. સાંજનો સમય હતો. હું હોસ્ટેલમાંથી નીકળીને મારા બે રૂમ પાર્ટનર્સ જોડે પગ છુટ્ટો કરવા માટે નીકળ્યો હતો, ત્યાં મહેંદીની વાડ આગળ મારી સામેની દિશામાંથી સાઇકલ પર બેસીને આવી રહેલો એક પચીસેક વર્ષનો દૂધવાળો હું કંઇ કહું એ પહેલાં જ એ બોલવા માંડ્યો, ‘કનુભાઇ, આવું તે કરાતું હશે? આપણા ગામડે હોઇએ ત્યારે તો તમારા બાપુ અમારું કેટલું ધ્યાન રાખે છે! ગામના જમીનદારોનો દીકરો અહીં ભણતો હોય અને અમને જાણ પણ નહીં કરવાની? જે થયું તે થયું. પણ આજે તમે પકડાઇ ગયા.

બોલો, ક્યા રૂમમાં રહો છો, કનુભાઇ? કાલથી તમને દૂધ આપવાની જવાબદારી મારી! ચોખ્ખું દૂધ જ આપીશ. અને પૈસા આપવાની તો તમે વાત જ ન કરતા. મારા સમ છે...’મારા દિમાગમાં અંકોડા મળતા જતા હતા. ઘણું બધું સમજાઇ રહ્યું હતું. આ દૂધવાળો શહેરમાં રહેતો હતો, પણ એના ગામડામાં કોઇક કનુ નામનો છોકરો રહેતો હશે, જે મારો હમશકલ હોવો જોઇએ. ઇશ્વરે અદ્દલ એક્સરખા ચહેરાઓ ધરાવતા કોઇ બે માણસો બનાવ્યા જ નથી. પણ પચાસ ટકાથી વધુ સામ્ય ધરાવતા અસંખ્ય માણસો હોય છે. ભગવાન પણ ચહેરાઓનું કેટલું વૈવિધ્ય, ક્યાંથી લાવે? ખાસ તો બે સમાન શકલ ધરાવતા માણસોને એકબીજાથી અલગ પાડીને જોવામાં આવે ત્યારે આવી ગેરસમજ અવશ્ય ઉદ્ભવે છે.

મારા રૂમ પાર્ટનરે મારો હાથ પકડીને દબાવ્યો. હું સંકેત સમજી ગયો, ‘હા, ઓળખાણ પડી ને? કેમ છો તમે?’ મેં મભમપણે વાત શરૂ કરી દીધી. બેપાંચ મિનિટમાં સફિતપૂર્વક એની પાસેથી જ એનું ગામ અને નામ જાણી લીધા. બીજા દિવસથી જૂના દૂધવાળાને છુટ્ટો કરી દીધો.હું ત્યારે પણ જાણતો હતો કે હું અસત્યનો આશરો લઇ રહ્યો હતો.

મહાત્મા ગાંધીજીની આત્મકથામાંથી મને જાણવા મળ્યું હતું કે સત્ય માત્ર આચરણમાં જ નહીં, વિચારોમાં પણ હોવું જોઇએ. પણ હોસ્ટેલમાં રહીને હાડમારી વેઠતા સૂકલકડી છોકરાને અઢાર વર્ષની ઉંમરે શુદ્ધ સત્યનો આટલો બધો આગ્રહ રાખવો પરવડે નહીં. ચોખ્ખું દૂધ પીવા મળતું હોય તો હું ‘કનુભાઇ’ બની જવા તૈયાર હતો. (અલબત્ત, મહિનાના અંતે મેં એને દૂધના બદલામાં પૈસા તો આપ્યા જ.)

હું જિંદગીમાં મોટી મોટી વાતોમાં સત્યનું પાલન કરું છું, નાની નાની બાબતોમાં ચપટીક અસત્ય ભાષણ પણ કરી લઉં છું. શરત એટલી જ કે એનાથી કોઇનું ભલું થવું જોઇએ. ભલેને પછી એવું ભલું મારું કેમ ન થતું હોય!

***

ઉપરની ઘટના પછીની પંદરેક વર્ષ પછીની વાત. હું અમદાવાદના એક મોટા સ્ટોરમાં જથ્થાબંધ ખરીદી માટે ગયો હતો. મને ભાવ-તાલમાં બાર્ગેઇનિંગ કરવાનો ખાસ શોખ. જીદની કક્ષાનો. જો દુકાનદાર એક પૈસોયે ઓછો કરવાની ના પાડી દે, તો હું બીજી દુકાને ચાલ્યો જાઉં. ભલે પછી ત્યાં મારે વધુ ભાવ ચૂકવવો પડે. આ દુકાનદાર સાથે પણ હું ભાવની બાબતમાં જીદ ઉપર અડી ગયો. એ તો અડિયલ હતો જ. હું પગથિયાં ઊતરી ગયો. છેલ્લા પગથિયે હતો, ત્યાં જ સામે એક આધેડ પુરુષ ભટકાઇ ગયો. પછી ખબર પડી કે એ પણ આ સ્ટોરનો માલિક જ હતો.

પેલા અડિયલનો મોટો ભાઇ. એ મને જોઇ રહ્યો. પછી પૂછવા લાગ્યો, ‘અરે, પરીખ સાહેબ! તમે? કેમ ખાલી હાથે દુકાન છોડી રહ્યા છો?’‘પરીખ સાહેબ?! તમે...?’ હું ગૂંચવાયો, પણ મારા દિમાગમાં અંકોડા મળતા જતા હતા. પંદર વર્ષ જેટલા લાંબા અરસા પછી ફરી એકવાર મને કનુભાઇનો અને મારો ત્રીજો હમશકલ ‘દેખાઇ’ રહ્યો હતો. એ મને સોગંદ આપીને પાછો સ્ટોરમાં લઇ ગયો.

નાના ભાઇને ખખડાવી નાખ્યો, ‘માણસ જોઇને વાત કરતાં શીખ! આ પરીખ સાહેબે બે વર્ષ પહેલાં આપણું પંદર લાખનું નુકસાન થતું અટકાવી આપ્યું હતું...’મેં મોટા પાયે ખરીદી કરી લીધી. માલ એનો, ભાવ મારો! આ વખતેય હું જાણતો હતો કે હું અસત્યનો આશરો લઇ રહ્યો હતો, પણ જિંદગીમાં નાની નાની વાતમાં કોઇના ભલા માટે જુઠ્ઠું બોલવામાં મને પાપ નથી જણાતું. ખાસ તો એ ભલું જો મારું થતું હોય તો!

***

બીજા વીસ વર્ષ પસાર થઇ ગયાં. છેલ્લાં બેત્રણ મહિનાથી દર રવિવારે અમદાવાદથી ચાલીસેક કિલોમીટરના અંતરે આવેલા ગામડામાં મફત આરોગ્ય સુવિધા પૂરી પાડવાનો કાર્યક્રમ મેં હાથમાં લીધો. ભગવાનના આશીર્વાદ અને તમારા જેવા લાખો વાચકોની શુભેચ્છાઓ મારી સાથે છે, માટે સરસ રીતે કામ થઇ રહ્યું છે. થોડા દિવસ પહેલાં એક ઘટના બની ગઇ. મને ફરીવાર કનુભાઇ અને પરીખસાહેબ યાદ આવી ગયા.

એક અત્યંત ગરીબ, ગ્રામીણ, આધેડ વયની સ્ત્રી મારી સામે આવી. સીસમના લાકડા જેવી ચામડી. ફિક્કી આંખો, નિસ્તેજ ચહેરો. અર્ધપાગલ જેવી બોલચાલ. આવી તો હતી પેટના દુ:ખાવાની દવા લેવા માટે, પણ મને રૂટિન વર્તન કરતો જોઇને એ ફરિયાદ કરવા માંડી, ‘પાઠક સાહેબ, કેમ સાવ આવું કરો છો? જાણે ઓળખતા જ નથી.’ હું ચોંકી ગયો. કહેવા જતો હતો કે- ‘નથી જ ઓળખતો વળી! આજે પહેલીવાર તો તમે આવ્યા છો મારી પાસે.’ પણ એણે મને ‘પાઠકસાહેબ’ કહ્યો હતો માટે મેં ધીરજ ધરી રાખી.

એ બોલ્યે જતી હતી, ‘તમારા ભાઇબંધ ગુજરી ગયા એટલે સંબંધ કાપી નાખવાનો? યાદ નથી? મારા ઘરવાળા જ્યારે ડેરીમાં નોકરી કરતા’તા ત્યારે તો તમે અઠવાડિયામાં ત્રણ વાર મારા હાથની ચા પીવા...’અંકોડા મળી ગયા. હું બનાવટી ઉત્સાહથી ઉછળી પડ્યો. કેસ-પેપરમાં એનું નામ લખેલું હતું એ તાજું કરી દીધું, ‘અરે, લીલાભાભી? તમે? માફ કરજો, હોં! તમે તો સાવ સૂકાઇ ગયાં છો.

પછી ક્યાંથી ઓળખાવ...?’મારે અભિનય જ કરવાનો હતો. એ પણ પાંચ જ મિનિટ માટે. કરી લીધો. હું જાણતો હતો કે હું અસત્ય આચરી રહ્યો હતો. પણ જિંદગીમાં નાની નાની વાતમાં જૂઠ્ઠું બોલવાની મને આદત છે. ખાસ તો કોઇનું ભલું થતો હોય તો! પછી ભલે ને ક્યારેક આવું ભલું બીજા કોઇનું થતું હોય!

(શીર્ષક પંક્તિ: ધૂની માંડલિયા) 

Comments