રાઘવજી માધડ: કલાઓ હૃદયની કેળવણી આપે છે ..



  
આવા ખુશીના સમાચાર પહેલા કહેવા કોને? માણસ સુખ અને દુ:ખની વાત સૌથી પહેલા સ્વજન કે પ્રિયજન પાસે વ્યક્ત કરતો હોય છે.જે વાતની ઘરમાં કોઇને ખબર ન હોય એવાત પ્રિયપાત્રજાણતું હોય છે. 

તેણે મોબાઇલ પર સીધું જ કહી દીધું: ‘માનસી, હું હવે રોડપતિ નથી પણ કરોડપતિ છું. આપણી તમામ સમસ્યાઓ દૂર... તને અને મને એક થતા હવે કોઇ રોકી નહીં શકે!’ આટલું કહેતા પૂર્વે જગન પોતાની જાતને માંડમાંડ સાંભળી શક્યો હતો. ઘડીભર તો સ્વપ્ન જોતો હોય એવું થતું હતું પણ હકીકત હતી. એક વિદેશી કંપનીનો મોબાઇલ પર મેસેજ હતો. તમને પંદર લાખ પાઉન્ડનું ઇનામ લાગ્યું છે. હૃદય ધબકારો ચૂકી ગયું હતું. છતાંય સ્વસ્થતા કેળવી સમય ચૂક્યા વગર વિગતો મોકલી આપી હતી. પછી રિપ્લાયની રાહ જોવાની હતી, પણ આવા ખુશીના સમાચાર પહેલા કહેવા કોને? માણસ સુખ અને દુ:ખની વાત સૌથી પહેલા સ્વજન કે પ્રિયજન પાસે વ્યક્ત કરતો હોય છે.

જે વાતની ઘરમાં કોઇને ખબર ન હોય એ વાત પ્રિયપાત્ર જાણતું હોય છે. અને આ જાણકારી જ ક્યારેક સમસ્યા સર્જીને ઊભી રહેતી હોય છે. માનસી આ સમાચાર સાંભળીને રાજી-રાજી થઇ ગઇ. સોનેરી સમણાં જોવા લાગી. જગન કરોડપતિ હોય તો પછીના ઘણા સવાલો ગૌણ બની જશે. પ્રેમાળ પ્રાર્થના પ્રભુ પાસે પહોંચી હોય એવું લાગ્યું. આવી બાબતમાં ભોળી યુવતીઓ પુરુષની વાતને જલદીથી માની લેતી હોય છે. આવા પ્રેમીપાત્રો વાતો કરતાં હોય ત્યારે પુરુષ પોતાને બાહોશ, બહાદુર અને સાધન-સંપન્ન હોવાની ડંફાશ મારતો હોય છે. જ્યારે સ્ત્રી પોતે ખાનદાન અને સંસ્કારી હોવાનાં ગાણાં ગાતી હોય છે. સાચા કે ખોટાનાં પારખાં કરવાનાં હોતાં નથી. અંતે તો એકમેકના હૃદય સુધી પહોંચવાની વાત હોય છે. છતાંય સંપત્તિ અને સંસ્કાર વચ્ચેનો ઝઘડો બહુ જૂનો અને જાણીતો છે.

જગને કંપની પર ફોન દ્વારા વાત કરી: ‘મારું ઇનામ ક્યારે અને કેવી રીતે મોકલાવશો?’ તો સામેથી તરત જ મેસેજ આવ્યો: આપને ટેક્સ તથા ડોકયુમેન્ટસના ખર્ચ પેટે ઇન્ડિયન કરન્સીમાં બે લાખની રકમ મોકલવાની થાય છે. મોકલાવો એટલે અમારો માણસ ત્યાં આવવા નીકળી જશે. જગન પાસે આટલી રકમ નહોતી પણ એક મિત્રના પપ્પાને વિગત કહી. તેમણે લાલચમાં આવી જઇને પૈસા આપ્યા અને કંપનીના કહ્યા મુજબના એકાઉન્ટમાં તે રૂપિયા જમા કરાવી દીધા. લાલચ બહુ બૂરી ચીજ છે. સારા ને સમજદાર લોકો પણ લાલચની ચુંગાલમાં ફસાયાના અનેક બનાવો છે.

તેમાં જગન તો વળી કઇ વાડીનો મૂળો? લોભ અને લાલચથી બચવું એમ સરળ નથી હોતું છતાંય અશક્ય નથી. લોભામણી અને છેતરામણી જાહેરાતોનો જાણે જમાનો આવ્યો છે. એક કરતાં બીજી ચિઢયાતી હોય તેવી જાહેરાતો આવે છે. તેમાં એક સામે એક જેવી ફ્રી સ્કીમોની ભરમાર તો ભારે ઠગારી અને રમતિયાળ હોય છે. વિષકન્યા માફક વળગી માણસને પાયમાલ કરી દેતી હોય છે. આમાં ખાસ તો યુવાનોની સાવચેતી સલામ કે પ્રેરણાપાત્ર થવી જોઇએ.

માનસી અને જગન એકબીજાના પ્રેમમાં ડળાડૂબ છે. દુનિયાનું તમામ સુખ અને સંપત્તિ માનસીનાં ચરણોમાં ધરવા જગન તત્પર છે, પણ નાણાં વગરનો નાથિયો વાતોના વડા સિવાય કશું કરી શકે તેમ નહોતો તેનો ભારે વસવસો હતો. પણ આ સમસ્યાનો ઉકેલ આવવા આમ બન્યું હશે તેવું માની લીધું. વળી બંનેનો પ્રેમ તદ્દન સાચો છે તેની સાબિતી રૂપે ઇશ્વરે આમ મદદ કરી કરોડો રૂપિયાનું ઇનામ લગાડ્યું છે તેવું જગને માનસીના મનમાં બરાબરનું ઠસાવી દીધું. પ્રેમનો વહેમ જાગે તેના પાયામાં પ્રતીતિના પ્રશ્નો હોય છે. સતત એકબીજાને સાબિતી આપવી પડતી હોય છે કે હું તને સાચા હૃદયથી ચાહું છું! પ્રેમ એ શબ્દો દ્વારા સાબિતી આપવાનો વિષય નથી પણ અહેસાસનું આભામંડળ છે.

જગને માનસીને કહ્યું, ‘માનસી! બહુ ઓછા સમયમાં કરોડો રૂપિયા આવશે. પછી આપણી એક અલગ દુનિયા હશે... સામે માનસીએ કહ્યું, આમ પૈસાદાર થયા પછી મને ભૂલી તો નહીં જાવને?’ જગને કહ્યું: ‘ગાંડી! કેવી વાત કરે છે, તને ભૂલવાનો સવાલ જ નથી. આવો પ્રેમાલાપ કરીને બંને છુટ્ટા પડ્યાં. જગન આનંદમાં હતો તેના કરતાં વધારે ટેન્શનમાં હતો, કારણ કે ઇનામની રકમ આવ્યા પહેલાં બે લાખનું દેવું કરી ચૂકયો હતો એ પણ મમ્મી-પપ્પાની જાણ બહાર. સૌને સરપ્રાઇઝ આપવાના ઇરાદે આમ છુપાવ્યું હતું. જગન પર ઇમેઇલ આવ્યો. મારો માણસ દિલ્હી પહોંચવામાં છે, તમે ત્યાં પહોંચી જાવ... હા, સાથે થોડી રકમ પણ લેતા આવશો.

ક્યાંય લફરા થાય તો આપવા પડેને, તમારી રકમ જલદી છૂટી થાય. થોડી એટલે કેટલી રકમ? પૂછ્યું તો જવાબ મળ્યો: બસ, એકાદ બે લાખ! વળી જગન મૂંઝાયો. હવે શું કરવું? તેણે માનસીને વાત કરી. માનસી પણ જવાબ આપી શકી નહીં. ખરેખર તો સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ થઇ હતી. એક મિત્રને પ્úચ્છા કરી તો કહે, તું બરાબરનો છેતરાયો છે, આવા મેસેજ તો નેટ અને મોબાઇલ પર સતત આવતા હોય છે. જે રકમ ગઇ તેનાથી સમજીને પાછો વળી જા. આવું આજકાલ બહુ બને છે. સરળ છેતરામણીનો ભોગ ઘણા બને છે. પોલીસ કેસ નોંધાયાના બનાવો છે. અવેરનેસ માટે ન્યૂઝપેપરમાં કોલમ અને સમાચાર ચમકે છે. આમ છતાં લોભિયાના ગામમાં ધુતારા ભૂખે ન મરે એવું બનતું રહે છે.’

જગન માટે ન કહેવાય, ન સહેવાય તેવી પરિસ્થિતિ સર્જાણી. બીજી બાજુ મિત્રના પપ્પાની પઠાણી ઉઘરાણી શરૂ થઇ. તેણે બે લાખના ડબ્બલ આપવાની શરતે રૂપિયા આપ્યા હતા. ડૂબતો માણસ તણખલું પકડવાનો પ્રયાસ કરે તેમ જગને ફરી કંપનીને પૃચ્છા કરી તો ન સાંભળી શકાય તેવા અપશબ્દો સાંભળવા મળ્યા. ચક્કર આવી ગયાં, આંખે લાલ પીળાં અંધારાં આવવાં લાગ્યાં. જીવ ચાલ્યો જશે તેવું થઇ આવ્યું. બહુ ઓછી ક્ષણોમાં લાગી આવ્યું કે હવે માનસી, પરિવાર અને સમાજને મોં શું બતાવીશ.... મોતને વહાલું કરવા સિવાયનો કોઇ વિકલ્પ નથી. યુવાનો આશા અને નિરાશાની બાબતમાં એકદમ ઝડપી હોય છે.

ધીરજનો તદ્દન અભાવ હોય છે. તેથી જગને આપઘાત કરવાનો ઝડપથી નિર્ણય કરી લીધો. આ બાજુ માનસીએ પણ ખરાઇ કરી લીધી હતી. ઠગાઇ થયાનું સામે આવી ગયું હતું. તેણે કશો જ વિલંબ કર્યા વગર આખી હકીકત જગનના પપ્પાને કહી દીધી. પછી જગનનો સંપર્ક કરી પોતાની પાસે બોલાવી લીધો. તેની માનસિક સ્થિતિ ડામાડોળ હતી. જલદીથી નીકળી જવું હતું પણ માનસીએ તેને મહામુસીબતે રોકી રાખ્યો. ત્યાં તેનાં મમ્મી-પપ્પા આવી ગયાં. તેમણે સાંત્વન આપતાં કહ્યું: બેટા! માણસ માત્ર ભૂલને પાત્ર. ચિંતા ન કરીશ. અમે બેઠાં છીએ! ભીની આંખોએ જગને માનસી સામે જોયું.

આંસુના ઉદ્ગાર હતા કે, માનસી તને રાજી રાખવા અને પામવા સમજતો હતો છતાંય આવું સાહસ કર્યું હતું. તેનાં મમ્મીએ કહ્યું: બેટા! તું બહુ ભોળો છો... સામે માનસીના મનમાં ઊગી આવ્યું કે, ભોળી તો હું છું કે જેથી તમારા આ રાજકુંવરની વાતોમાં આવી દિલ દઇ બેઠી. તે પ્રલંબ નિસાસો નાખીને એકદમ ઊભી થઇ. ત્યાં સઘળું પામી જઇ જગનના પપ્પા બોલ્યા: બેટા! જગન ભલે આમ છેતરાયો પણ તું નથી છેતરાઇ... ડોન્ટ વરી, તારી પાસે હજુ સમય છે, વિચારી લે...હા... માનસીએ આંખોમાં ઊભરાયેલાં આંસુ લૂછીને કહ્યું: મારે હવે વિચારવું જોઇશે...! જગન કશું બોલ્યા વગર આંખો ફાડીને માનસી સામે જોઇ રહ્યો. 

Comments