રાઘવજી માધડ: જિંદગીમાં કોઇએ ન આપી હોય એવી ગિફ્ટ હશે!

ગિફ્ટમાં ચેક, રોકડ રકમ, વાઉચર કે પછી... અવધ આવું ઘણું વિચારે છે પણ નક્કી થતું નથી. 

‘હું તને એવી ગિફ્ટ આપીશ કે તારા માટે સ્વીટ મેમરી બની રહેશે, જીવનભર ભૂલી નહીં શકે!’ મેડમના આ શબ્દો અવધના કાનમાં નહીં, પરંતુ મનમાં ગુંજતા હતા.આપણને કોઇ આવું કહે તો? કલ્પનાની એક અદ્ભુત દુનિયામાં ખોવાઇ જઇએ અને જેની આપણને અપેક્ષા હોય અથવા તો જે જણસને ઝંખતા હોઇએ તેની કલ્પના કરવા લાગીએ. કલ્પનાનું આ વિસ્મયલોક આનંદદાયી હોય છે. હકીકતમાં જેને પામી ન શકીએ, મેળવી ન શકીએ તેને આમ કલ્પનામાં મન ભરીને માણી શકીએ!

અવધને તો તેનાં મેડમે એમ પણ કહ્યું છે કે, જિંદગીમાં કોઇએ આપી ન હોય, આપશે પણ નહીં તેવી ગિફ્ટ હશે મારી! શું હશે? અને શું કરવા હશે... અવધ માટે આ મોટી મૂંઝવણ છે.અવધ રહેમરાહે નોકરીએ લાગ્યો છે. તે હોશિયાર, હેન્ડસમ અને કહ્યાગરો યુવાન છે. પપ્પાના મૃત્યુ પછી કોલેજનો અભ્યાસ છોડી કલર્કની કામગીરી સ્વીકારી લીધી છે. કામ કરવાની દાનત અને દૈવતના લીધે અવધ ઓફિસમાં સૌનો માનીતો બની ગયો છે. તેની જીવટ અને ચીવટના કારણે રિપોર્ટ નહીં પણ કામનું રિઝલ્ટ આવે છે.

ગિફ્ટમાં ચેક, રોકડ રકમ, વાઉચર કે પછી... આવું ઘણું વિચારે છે પણ નક્કી થતું નથી. મેડમનાં વાણી, વર્તન અને વ્યવહાર જ એવાં નોખા પ્રકારનાં છે કે તેના વિશેની તમામ ધારણાઓ પળાર્ધમાં ધરાશાયી થઇ જાય. તેથી કોથળામાંથી બિલાડું કાઢીને ઊભા રહે તો પણ કહેવાય નહીં!

મેડમ વિશેષ પર્સનાલિટી ધરાવતાં સ્માર્ટ લેડી ઓફિસર છે. તેમની ડ્રેસિંગ સેન્સ અને હેર સ્ટાઇલ અજોડ અને અદ્ભુત છે. સાદગીમાં પણ પહેરવેશની પસંદગી સોહામણી અને લોભામણી હોય છે. ઓફિસમાં તેમની એન્ટ્રી થતાં જ કૌતુકસભર સન્નાટો છવાઇ જાય. જોનારાઓની આંખ પલકારો મારવાનું ચૂકી જાય અને પલકારો મારે ત્યાં પરી અર્દશ્ય હોય!

મેડમના આગમન પછી થોડી મિનિટોમાં મેસેજ આવે કે, અવધને મેડમ યાદ કરે છે! આ નિત્યક્રમ છે. જે ઓફિસના સિનિયર કર્મચારીઓ માટે ઇર્ષાનું કારણ બન્યું છે. તેઓ અવધ સામે જુગુપ્સાથી જુએ અથવા તો તીક્ષ્ણ નજરે ત્રોફે, ગભરુ અવધ આ અઠંગ ખેલાડીઓ સામે ઢીલો પડે. તેની મૂંઝવણમાં ઓર વધારો થાય.

ઓફિસના મોટાભાગના કર્મચારીઓ બોસને સારું લગાડવા, વહાલા થવા અથવા તો ખાસ માણસ હોવાની હરીફાઇમાં છેલ્લી કક્ષાનો પ્રયાસ કરી લેતા હોય છે. પણ અહીં તો અવધને સામેથી મળ્યું છે છતાંય અંદરથી ગમતું નથી. તે સમજે છે કે અધિકારીની આગળ અને ગધેડાની પાછળ ક્યારેય ચાલવું નહીં અને બોસ ઇઝ ઓલ્વેઝ રાઇટ... આવું સ્વીકારવામાં અવધનો આત્મા ડંખતો હતો. સતત કામ કરવા માટે તત્પર એવા અવધને કામ વગર કોઇ ઊભો રાખે તે ગમે નહીં પણ મેડમને શું કહે? ઘણી વખત તો કશા જ કારણ વગર સામે બેસાડી રાખે. ઓફિસ સિવાયની અન્ય વાતો કરે. એક વખત તો કહે ‘હેં અવધ! તને કેવી છોકરી ગમે!?’ તત્ક્ષણે તો થઇ આવ્યું હતું કે, તમારા જેવી મહત્વાકાંક્ષી તો નહીં જ...

મેડમે પોતાની મહત્વાકાંક્ષાને સિદ્ધ કરવા મારગમાં જે કોઇ આડા આવ્યા તેને લાત મારીને દૂર કર્યા છે. કારણ કે થોડું પ્રાપ્ત કરવા ઘણું ગુમાવવું પડે છે, પણ ટ્રેનનું એકલું એન્જિન આગળ નીકળી જાય અને ડબ્બા પાછળ રહી જાય તેનો કશો જ અર્થ હોતો નથી. સ્વપ્નને સાકાર કરવામાં યૌવનકાળ વીતી ગયો છે. હોદ્દો અને જિંદગીને બેલેન્સ કરવામાં અસફળ રહ્યાં. સૂર્યોદય પહેલાં અવધ મેડમના બંગલામાં આવીને ઊભો રહે છે. મનમાં મીઠી મૂંઝવણ સાથે અનેક જાતના તર્ક-વિતર્ક થાય છે, શું હશે ગિફ્ટમાં!?

બેડરૂમમાં આવીને અવધ ઊભો રહે છે તો સામે મેડમ ઊભાં છે. પારદર્શક નાઇટડ્રેસમાં તેમના સુડોળ દેહલાલિત્યનો ઉભાર આંખોમાં ખટકે એવો છે. ‘અવધ...!’ કમલદંડિકા જેવા ઓષ્ઠ ઊઘડે છે અને કહે છે: ‘આવને ત્યાં શું ઊભો છો? મારે તને આ અબોટ અને અકબંધ યૌવનની ગિફ્ટ આપવી છે!’ અવધ માથે આકાશ તૂટી પડ્યું. પણ તેણે ઝડપથી પોતાની જાતને સંભાળી લીધી. તે સ્થિર અને મક્કમ થઇ દરવાજામાં જ ઊભો રહ્યો. ‘તું મને ગમે છે અવધ. તું મારું પ્રિયપાત્ર છો, સ્નેહપાત્ર છો...’ બે હાથ જોડી, આંખો બંધ કરીને અવધ કહે છે: ‘આપ તો મારા આદરપાત્ર છો પણ...’, ‘પણ શું અવધ!?’‘આમ સાધનપાત્ર ન બનો તેવી આ ક્ષણે મારી વિનંતી છે...’ 

Comments