બંનેની જાણે દિશાઓ બદલાઇ ગઇ. પૂર્વ અને પશ્ચિમ હોય તેમ સામસામેના છેડે આવીને ઊભાં રહ્યાં. આમ તો આવી કલ્પના નહોતી. મેઇન એકઝામ અથવા તો છેલ્લે ઓરલ ઇન્ટરવ્યૂમાં નીકળી જાય તે સમજાય એવું છે, પણ અહીં તો પહેલું પગથિયું જ ચૂકી જવાયું. પરિણામે બંનેના રસ્તાઓ ફંટાઇ ગયા. નેશનલની એક પ્રિલિમિનરી એકઝામમાં શેફાલી પાસ થઇ, મેઇન એકઝામ માટે એલિજિબલ ઠરી અને અર્જુન નાપાસ થયો. આ પાસ થવાનો નશો અને નાપાસ થયાની નિરાશા ભારે ખતરનાક હોય છે. બંને વચ્ચેનું બેલેન્સ જાળવતા શીખવું પડે, પણ અહીં તો બંનેનું સ્વપ્ન રોળાઇ ગયું હોય તેવું ફીલ કરે છે અને દુ:ખ અનુભવે છે. હવે શું કરવું...? તેનો મોટો પ્રશ્નાર્થ સામે આવીને ઊભો રહ્યો છે!
પ્રથમ તો એમ લાગે કે આમાં કાંઇ એવું ગંભીર કે નિરાશ થઇ જવું પડે એવું નથી. પરીક્ષામાં પાસ-નાપાસનું રહેવાનું જ, પણ સ્થિતિ જરા જુદી છે-દિલ્હીના એક સ્ટડી સેન્ટરમાં રહીને બંનેએ સખત મહેનત કરી છે. ખર્ચ પણ થયો છે. અર્જુન માટે તો ગજા બહારનો ખર્ચ હતો.
ગંજાવર રકમનો ખર્ચ કર્યા પછી પણ પરિણામ શૂન્ય આવે તો મા-બાપને શું જવાબ આપવાનો! મા-બાપ તો એમ જ કહે: ‘છ મહિના તેં શું કર્યું!?’ વળી સાવ ખાનગી બાબત તો એ છે કે અર્જુન અને શેફાલી રૂમ પાર્ટનર હતાં, ખર્ચ બચાવવા અને સેફ્ટી ખાતર પણ બંને સાથે જ રહેતાં હતાં! એકબીજાનું સાંનિધ્ય, સતત સહવાસ અને સમાન ધ્યેય યુવા દિલમાં કૂણી લાગણી ન જન્માવે તો નવાઇ લાગે.
કદાચ અર્જુન પ્રત્યેનો પ્રેમ કે લાગણી આડે આવે તો શું કરવું તેના માટે પણ શેફાલીએ વિચારી લીધું છે પણ અમલ કરી શકી નથી એટલે આ સવાલ સતાવી રહ્યો છે. ઘટ્ટ થયેલી ખામોશીને તોડી શેફાલીએ કહ્યું: ‘અર્જુન! હું પ્રિલિમિનરીમાં પાસ થઇ તેનો અર્થ એ નથી કે હું જંગ જીતી ગઇ. હરીફાઇના મેદાનમાં દોડવાની માત્ર તક જ મળી છે...’ ત્યાં વાતને વચ્ચેથી કાપી અર્જુને કહ્યું: ‘મારી તો એ તક પણ ચાલી ગઇને!?’
‘એવું કોણે કહ્યું?’ શેફાલી બોલી: ‘ટ્રાય અગેઇન...’
‘મારા માટે હવે શક્ય નથી...’ અર્જુન નિસાસા સાથે બોલ્યો: ‘મારા પાસે સમય અને પૂંજી જે હતું તે બધું જ ખર્ચાઇ ગયું છે. હવે તારી સાથે ફરી ન આવી શકું.’
ફરી પાછું મૌન છવાઇ ગયું. આમ છુટ્ટા થવું ગમતું નથી, પણ અર્જુનની આર્થિક સ્થિતિ એટલી સધ્ધર નથી કે ફરી વખત આમ સ્ટડી કરવાનો ખર્ચ ઉપાડી શકે. તેને તો આ પરિણામ આવ્યું છે તે કહેવાની પણ મા-બાપ સામે હિંમત ચાલે તેમ નથી. શેફાલીનો પ્લસ પોઇન્ટ એ છે કે તે પાસ થઇ છે અને સુખી-સંપન્ન પરિવારમાંથી આવે છે.
અર્જુન ભાંગી પડ્યો છે. આત્મશ્રદ્ધા ગુમાવી બેઠો છે તેથી એક બાજુ દયા ઊપજે છે અને બીજી બાજુ ગુસ્સો પણ આવે છે. છતાંય સંયમ દાખવીને શેફાલી કહે છે: ‘તારી સ્થિતિ હું સમજું છું. તારા કરતાં વિશેષ વેદના મને થાય છે પણ એનો અર્થ એ નથી કે આમ સાવ હારી જવું! અર્જુનના હૈયે શબ્દો આવીને ઊભા રહ્યા: ‘કહેવું સહેલું છે બાકી અનુભવવું અઘરું છે.’
શેફાલીએ કહ્યું: ‘અર્જુન! આપણે આવતીકાલે મળીએ તો... મમ્મી ચિંતા કરે છે, ઘેર જવા નીકળવું પડશે.’
બંને છૂટાં પડ્યાં. અર્જુન ધીમે ધીમે ચાલવા લાગ્યો. તે બરાબર સમજતો હતો કે રસ્તામાં ઠોકર લાગે તે ભવિષ્યમાં સંભાળીને ચાલવાની ચેતવણી છે, પણ પોતે ક્યાં ભૂલ ખાઇ ગયો તે સમજાતું નથી.બીજા દિવસે બંને પુનિતવનમાં મળ્યાં. શેફાલી બગીચાનાં ફૂલ-છોડની જેમ તરોતાજા હતી. એક પ્રકારની ફોરમ તેના તનમાંથી પ્રસરતી હતી.‘અર્જુન!’ શેફાલીએ સીધો જ સવાલ કર્યો: ‘પહેલા આપણે સ્પષ્ટ થઇ જઇએ કે આ સવાલ કે સમસ્યા શા માટે સતાવી રહી છે!’અર્જુન, શેફાલીનું કહેવું સમજી શક્યો ન હોય તેમ સૂચકપણે મૌન રહ્યો.
‘આપણો પ્રશ્ન પ્રેમનો છે કે પરીક્ષાનો!?’ શેફાલીએ કહ્યું. સાંભળીને અર્જુન એકદમ ઊભો થઇ ગયો. પોતે જ અવઢવમાં હતો તે સવાલ સામે આવીને ઊભો રહ્યો. ‘જો પ્રેમ કે લાગણીનો પ્રશ્ન હોય, છૂટા પડવાની સમસ્યા હોય તો આપણે શાંત ચિત્તે વિચારવું જોઇએ.’ શેફાલીનું આમ કહેવું રાતભરના મનોમંથનનું નવનીત હતું.
તેણે આગળ કહ્યું: ‘સાથે રહ્યા તે સંજોગો હતા, લાગણી જન્મે એ સ્વાભાવિક છે, પણ તેનો અર્થ એ નથી થતો કે આપણા વચ્ચે...’ તે બોલવાના બદલે મોં ફેરવી ગઇ. ‘અને પ્રેમ હોય તો... કારકિર્દીના ભોગે કશું જ નહીં.’ શેફાલીના કંઠમાં થોડી ભીનાશ ભળી. ઓછી ક્ષણોમાં હૈયાને હાથવગું કરી લીધું. પછી કહ્યું: ‘તું મહેનતથી ડરનારો માણસ નથી. જાતમાં વિશ્વાસ પ્રગટાવ... હું તારી સાથે જ છું.’
અર્જુનના મોં પર ખુશી સાથે ખુમારીના ભાવ પ્રગટ્યા. કારણ કે તેની અપેક્ષા મુજબનો જ જવાબ હતો!
Comments
Post a Comment
Thanx For Comment