ડૉ.શરદ ઠાકર: નહીં તો ક્યારેક તને જોઇને મારું હૃદય બંધ પડી જશે



  
આજ પછી આટલી સુંદર રીતે તૈયાર થઇને ઓફિસમાં ક્યારેય ન આવતી...નહીં તો ક્યારેક તને જોઇને મારું હૃદય બંધ પડી જશે. હું મરતાં પહેલાં લખતો જઇશ કે મારા મોત માટે આ પરી જવાબદાર છે. પોલીસ તને પકડીને લઇ જશે. તને ફાંસી થશે.

ત્રેવીસ વર્ષની તંદ્રાએ રોજની જેમ આજે પણ ઓફિસમાં આવીને પોતાની ખુરસી ઉપર આસન જમાવ્યું. બ્રાન્ડેડ પર્સમાંથી નાની સાઇઝનો ‘મિરર’ કાઢ્યો. એમાં જોઇને વાળ સરખા કર્યા. હોઠ ઉપર લિપસ્ટિકનો લસરકો મારી લીધો. સિટી બસમાં આવી હોવાના કારણે સહેજસાજ પરસેવો થયો હતો એને મારવા માટે નાનકડી પર્ફ્યૂમની બોટલમાંથી બે-ત્રણ હળવા ફુવારા છાંટી લીધા. સુંદર તો એ હતી જ, આટલું કર્યા પછી સુંદરતમ બની ગઇ.હજુ તો અગિયાર જ વાગ્યા હતા. ઓફિસ શરૂ થવાનો ઓફિશિયલ ટાઇમ. એ રોજની જેમ સમયસર આવી હતી, પણ અડધા કર્મચારીઓ હજુ આવવાના બાકી હતા.

તંદ્રાએ પોતાના દેખાવનો જીર્ણોદ્ધાર કરી લીધા પછી સામેની દિશામાં જોયું. ‘ઓહ!’ એનાથી બબડી જવાયું, ‘સવાર-સવારમાં આ બોચિયાનું ડાચું ક્યાં જોઇ લીધું? હવે આખો દિવસ ખરાબ જશે.’બોચિયો એટલે તર્પણ. એ જ ઓફિસમાં કામ કરતો એક સીધો-સાદો, નિષ્ઠાવાન યુવાન. અગિયારથી પાંચ સતત પોતાના કાર્યમાં મગ્ન. નોકરી એ એને મન ઇબાદત હતી. કંપની તીર્થધામ અને પ્રામાણિકતા એ એનાં ભજન-કીર્તન હતાં. કમ્પ્યૂટર અને ફાઇલમાંથી ઊંચું માથું કરવાની એને ન તો ઇચ્છા હતી, ન લાલચ હતી, ન ફુરસદ હતી.

જો ફુરસદ હોત અને એણે માથું ઊંચું કર્યું હોત તો સામે બેઠેલી સૌંદર્યમૂર્તિ એની નજરે ચડી હોત ને! અને તો પછી એને એક વાર જોવાની ઇચ્છા અને વારંવાર જોવાની લાલચ પણ થયા કરત ને?પંદરેક મિનિટ તંદ્રાએ મોં મચકોડવામાં અને અફસોસ જતાવવામાં પસાર કરી નાખી. અચાનક એની નજર પ્રવેશદ્વારની દિશામાં પડી. એનું મોં ખુશીનો પર્યાય બની ગયું. આંખોમાં દીવા પ્રગટી ઊઠ્યા. હૃદયની ધડકન મીઠું મધુરું સંગીત બની ગયું. સામેથી તેજ આવી રહ્યો હતો. તેજ ચોકસી. તંદ્રાની લગભગ સાથે-સાથે જ નોકરીમાં લાગેલો તેજસ્વી યુવાન. મોજિલો અને મસ્તીલો.

‘હાય!’ તેજ આવીને તંદ્રાની સામે ઊભો રહ્યો. આજે તંદ્રા એવી ખૂબસૂરત લાગી રહી હતી કે એને જોઇને તેજનો શ્વાસ થંભી ગયો, ‘માય ગોડ! આ હું કોને જોઇ રહ્યો છું? તંદ્રા! તંદ્રા! તું કોઇ માનવકન્યા છે કે દેવકન્યા? અને મારી એક વાત ધ્યાનથી સાંભળી લે, આજ પછી આટલી સુંદર રીતે તૈયાર થઇને ઓફિસમાં ક્યારેય ન આવતી...’‘અને આવું તો?’ તંદ્રાએ આંખો નચાવી.‘તો ક્યારેક તને જોઇને મારું હૃદય બંધ પડી જશે. હું મરતાં પહેલાં લખતો જઇશ કે મારા મોત માટે આ પરી જવાબદાર છે. પોલીસ તને પકડીને લઇ જશે. તને ફાંસી થશે.’‘બસ? સીધી ફાંસી જ? એનાથી હળવી સજા ઇન્ડિયન પીનલ કોડમાં છે જ નહીં?’

‘છે ને? ફાંસી કરતાં હળવી સજા ઉંમરકેદની છે. એ સજા મંજૂર છે તને? ત્યારે તો મારે મરવાનીયે જરૂર નહીં પડે. હું જીવતો રહું અને તારી સાથે ચાર ફેરા ફરી લઉં એટલું જ બસ છે. પછી પૂરી ઉંમર સુધી તું મારી કેદમાં રહીશ. બોલ, મારી હુશ્નપરી, તને શાદી કબૂલ છે?’ તેજ તંદ્રાના ટેબલ પર બે હાથ મૂકીને, સહેજ ઝૂકીને, એની આંખોમાં નજર પરોવીને, ધીમા, ભાવુક સ્વરમાં બોલી ગયો.તંદ્રાને ગમ્યું. ખૂબ ગમ્યું. એને આવો જ પુરુષ ગમતો હતો. જે પુરુષ એના રૂપની નોંધ લઇ શકે, એનાં વસ્ત્ર-પરિધાન, મેકઅપ અને ઠાઠ-માઠની પ્રશંસા કરી શકે અને વધારામાં વાણી વડે એની પહોંચ પણ આપી શકે. તેજ આવો જ પુરુષ હતો. એ લગભગ રોજ સવારે આવતાંની સાથે તંદ્રાનાં સૌંદર્યનાં વખાણ અચૂક કરી લેતો હતો. રોજ એની રીત અલગ રહેતી, શબ્દો અનોખા રહેતા અને અંદાજ-એ-બયાં પણ રોજ બદલ્યા કરતો હતો.

‘તમારી અરજીનો સ્વીકાર કરવામાં આવે છે, મિ. મજનૂ! પણ એ અરજી ઉપર મારી મરજીની મહોર મારવા માટે મને સમય લાગશે. આપ કતાર મેં હૈ, કૃપયા પ્રતીક્ષા કિજીયે!’ બોલીને તંદ્રા ખિલખિલાટ કરતી હસી પડી. એના કર્ણમંજુલ હાસ્યધ્વનિમાં તેજના હસવાનો ઘેરો ગંભીર ગડગડાટ ભળી ગયો. ઓફિસનું વાતાવરણ ગાજી ઊઠ્યું. તરત જ સામેની ખુરસીમાંથી ‘સ્ટે ઓર્ડર’ મૂકવાનો અવાજ સંભળાયો.‘સાયલન્સ પ્લીઝ!’ તર્પણના ચહેરા પરનો અણગમો સ્પષ્ટપણે દેખાઇ રહ્યો હતો, ‘તમે લોકો... એક તો મોડા આવો છો, ઓફિસનું કામ કરતાં નથી અને બીજાને કરવા પણ દેતા નથી. તમે... તમે સહેજ ધીમા અવાજમાં વાત નથી કરી શકતાં?’
તેજ મોં બગાડીને દૂરના ખૂણામાં પડેલા એના ટેબલ તરફ ચાલ્યો ગયો.

તંદ્રાનું મોં પણ દિવેલનો મોટી સાઇઝનો ચમચો પીવાઇ ગયો હોય તેવું થઇ ગયું. એ પોતાના કામમાં ગૂંથાઇ ગઇ. મનમાં બબડતી રહી, ‘બોચિયો! આ માણસને કારણે જ ક્યારેક હું નોકરી છોડી દઇશ.’ પછી તરત જ એની નજર દૂરના ખૂણા તરફ દોડી ગઇ. એ ફરી પાછી બબડી ઊઠી, ‘ના, નોકરી શા માટે છોડું? પેલો તેજ મને ક્યાં જોવા મળવાનો હતો? એ એક જ મિનિટમાં મને કેવી હસાવી મૂકે છે! એને જોઇને તો મારો દિવસ સુધરી જાય છે.’તંદ્રાની સાથે અને સામે બે પુરુષો હતા, એક સોગિયો, બોચિયો, મૂંજીલાલ જેને જોઇને તંદ્રાનો મૂડ ખરાબ થઇ જતો હતો. બીજી હતો મોજિલો, રમૂજી મસ્તીખોર તેજીલાલ જેને જોઇને તંદ્રાને સો વરસ જીવવાનું મન થઇ આવતું હતું. ભગવાને જાણે પુરુષજાતિના બે અંતિમ ધ્રુવો સમા બે પુરુષો તંદ્રાની સામે રમતા મૂકી દીધા હતા! ચોમાસાના દિવસો હતા.

સવારે સિટીબસમાં બેસીને તંદ્રા ઓફિસે જવા નીકળી. આજે એણે સાડી ધારણ કરી હતી. તૈયાર થતી વખતે જ એ વિચારતી હતી, ‘જોઇએ કે આજે મને જોઇને તેજ શું કહે છે!’ બસ સ્ટોપ આવી ગયું. તંદ્રા બસમાંથી નીચે ઊતરી. ઓફિસ સામેની બાજુએ હતી, એ રસ્તો ઓળંગવા ગઇ, ભીની સડક, એમાં વળી સાડીને કારણે બંધાયેલા પગ અને પેન્સિલ હિલની ચંપલ! ભરચક ટ્રાફિકની બરાબર વચ્ચે એ દોડવા ગઇ, પણ એનું જજમેન્ટ ખોટું પડ્યું. પૂરપાટ ઝડપે દોડી આવતી બાઇકે એને આંટી દીધી. તંદ્રા ફૂટબોલની જેમ ઊછળીને રોડ ડિવાઇડર ઉપર જઇ પડી. જમણો હાથ અને બે પાંસળીઓમાં ફ્રેકચર્સ થયાં, લોહીનો ફુવારો છુટ્યો, લોકોની ભીડ જમા થઇ ગઇ. પછી ઓફિસમાં ખબર પડી, પોલીસને જાણ થઇ અને સાઇરન વગાડતી એમ્બ્યુલન્સ દોડી આવી.

ચોવીસ કલાક તો કટોકટીમાં ગયા. એ પછી તંદ્રા ભાનમાં આવી. ડોક્ટરોએ કહ્યું, ‘તમારા હાડકાનું ઓપરેશન કરવું પડશે, પણ એ માટે લોહીના બાટલાની જરૂર પડશે.’‘કેટલી બોટલ્સ જોઇશે?’ તંદ્રાએ હોઠ ફફડાવ્યા.‘આમ તો ત્રણની જરૂર છે, પણ તમારું બ્લડ એબી પોઝિટિવ ગ્રૂપનું છે. અત્યારે બ્લડ બેંકમાં આ ગ્રૂપની માત્ર એક જ બોટલ ઉપલબ્ધ છે. કમ-સે-કમ બીજી એક બોટલ જો મળી જાય તો...’બાજુમાં સતત હાજર રહેતો તેજ કૂદી પડ્યો, ‘વ્હોટ એ કો-ઇવીન્સિડેન્સ? મારું બ્લડ ગ્રૂપ પણ એબી પોઝિટિવ જ છે. ઓફિસના તમામ કર્મચારીઓના બ્લડગ્રૂપની યાદી મારી પાસે તૈયાર છે. જરૂર પડે તો એક બાટલી ખૂન તર્પણ પણ આપી શકશે.’

‘ના.’ તંદ્રા ચીસ પાડી ઊઠી, ‘એ બોચિયાનું લોહી મારે ન જોઇએ. હું એના જેવી સોગિયણ થઇ જઇશ. મારે તો તેજનું લોહી જ ચાલશે.’ અને એ શરમાઇ ગઇ.ઓપરેશન પતી ગયું. એક મહિના પછી એ ચાલતી થઇ ગઇ. ડોક્ટરોની ટીમના વડાએ એને એકાંતમાં બોલાવીને કહ્યું, ‘મિસ તંદ્રા, તમે અમારો આભાર નહીં માનો તો ચાલશે, પણ મિ. તર્પણ દેસાઇનો આભાર માનવાનું ભૂલશો નહીં. એના રક્તદાનથી તમારો જીવ બચ્યો છે.’‘હેં?! પણ એ બોચિયાના લોહી માટે તો મેં ના પાડી’તી...’‘હા, પણ અમે લાચાર હતા.

મિ. તેજના બ્લડ સેમ્પલમાં એક ગંભીર જાતીય બીમારી પકડાવાના કારણે અમારે એનું લોહી રિજેક્ટ કરી દેવું પડ્યું. મિ. તર્પણના લોહીમાં હિમોગ્લોબીન સાડા ચૌદ ગ્રામ પરસેન્ટ હતું અને એનું રક્ત કદાચ આખા શહેરમાં સૌથી વધુ શુદ્ધ હતું. અમારું તબીબી વિજ્ઞાન માણસનો ચહેરો નથી જોતું, અમે તો..’ જાતીય રોગની વાત સાંભળીને તંદ્રા ભડકી ઊઠી. તર્પણના લોહીના સંસ્કારને એણે વધાવી લીધા. લગ્ન પછી પણ એણે નોકરી છોડી દીધી. ઇષૉથી બળ્યો-ઝળ્યો તેજ આજે પણ બબડતો ફરે છે: ‘બાપડી સાચું જ કહેતી હતી કે એ બોચિયાને કારણે જ એણે ક્યારેક નોકરી છોડવી પડશે, પણ આવી રીતે છોડવી પડશે એની ક્યાં ખબર હતી?’ 

Comments