ફોરા રમતી સૌની સંગ



“કેમ કરતાં વાગ્યું? શીદ ઉપર ચડી”તી?” મમ્મીએ પૂછયું. ફોરાએ રડતાં રડતાં મમ્મીને બધી વાત સમજાવી
ના નકડી પાંચ-છ વર્ષની એક બાળા. નામ એનું ફોરા. ઘર-આંગણે રમે. શેરીનો એક કૂતરો. રોજ ફોરા સાથે રમવા આવે. ફોરાએ એનું નામ ટોમી પાડેલું. ફોરાના ઘરમાં એક બિલાડીનું બચ્ચું. એને ફોરા ચન્નુ કહી બોલાવે. ફોરાના આંગણામાં બદામનું એક ઝાડ. તેના પર રોજ એક ખિસકોલી ચઢ-ઊતર કરે. ફોરાને તે જોવાની બહુ મજા પડે. ખિસકોલી ઝડપથી દોડે. ફોરાને થાય કે એ હમણાં પડી કે પડશે. તેથી ફોરા એને “ખમ્મા” કહે. આમ ખિસકોલીનું નામ જ ખમ્મા પડી ગયું. એક ચકો ને એક ચકી ફોરાના ઘરમાં ફોટા પાછળ માળો બનાવીને રહે. ફોરાને એઓ પણ ગમે.
આ બધાંને ફોરા બોલાવે ને બધાં ફોરાને પૂછે, ““કેમ છો ફોરાબહેન?મજામાં તો ખરાં ને?”“
ફોરા હસીને કહે, “હા, હા. કેમ નહીં? મારે શું દુઃખ હોય?”
આ બધાં ફોરાનાં મિત્રો. ફોરા બહાર બેસી ભણતી હોય ત્યારે એની આસપાસ દોડાદોડી કરે. ફોરા નવરી પડે એટલે એ પણ એમની હારે અલકમલકની વાતો કરે ને રમતો રમે.
ફોરા રમતી સૌની સંગ,
રમત રમતાં જામે રંગ,
અડવાદા”ને સંતાકૂકડી,
દોડાદોડી ને પકડાપકડી!
રમતાં રમતાં થાકે ને ભૂખ લાગે. ફોરા ઘરમાં દોડી જાય. મમ્મી... ભૂખ લાગી છે... નાસ્તો આપ. મમ્મી ફોરાને ખાવા સારુ રોજ કંઈ ને કંઈ આપે. એ લઈને ફોરા બહાર દોડી જાય. સૌ મિત્રો ફોરાને ઘેરી વળે. ફોરા સહુને પ્રેમથી ભાગ આપે.
એક દિવસની વાત.
ફોરાની મમ્મી બજારે ગઈ. ફોરા આંગણામાં ભાઈબંધો હારે રમતી હતી. રમતાં રમતાં સહુ થાકી ગયાં. બધાંને લાગી ભૂખ. હવે શું કરવું?
ટોમી કહે, “ફોરાબહેન, મને તો બહુ ભૂખ લાગી છે.”
“ને મનેય પેટમાં બિલાડાં બોલે છે.” ચન્નુ બિલાડી બોલી. આ સાંભળી સૌ હસી પડયાં.
ખમ્મા ખિલખિલ થતી કહે, “હેય...! બિલ્લીના પેટમાં બિલાડાં બોલે છે! આ તે કેવું!”
ફોરા કહે, “થોડી વાર થોભી જાવ. મમ્મી હવે આવતી જ હશે.”
પણ મમ્મીને આવતાં બહુ વાર લાગી. હવે તો રાહ જોવાય એમ ન હતું. ફોરાનીય ધીરજ ખૂટી ગઈ.
ફોરા બોલી, “ઊભાં રહો. હું ઘરમાં જઈને આવું.”
ફોરા ઘરમાં દોડી ગઈ. મમ્મી નાસ્તાના બધા ડબા કબાટમાં મૂકતી હતી. ફોરાને તે બધી ખબર. પણ કબાટને તો ઉપરથી બંધ કર્યું હતું. ફોરા ત્યાં પહોંચાતી ન હતી. તેણે આમતેમ નજર ફેરવી. રસોડામાં ખૂણામાં નાનું સ્ટૂલ પડયું હતું. ફોરા તેને ઘસડીને લઈ આવી. ને પછી ધીરે રહી ઉપર ચઢી. તોય ફોરા ઉપરની સ્ટોપર સુધી ન પહોંચી શકી. તેને થયું કે લાવ, જરા ઊંચી થાઉં. ને ફોરા પગના પંજા પર ઊંચી થઈ. હાશ! પહોંચી તો ગઈ. પણ આ શું? આમ કરવા જતાં તે સમતોલન ખોઈ બેઠી ને સ્ટૂલ પરથી નીચે પડી ગઈ.
ફોરાએ ચીસ પાડી, “ઓય મા! મરી ગઈ!” ચીસ સાંભળી ટોમી, ચન્નુ, ખમ્મા ને ચકો-ચકી ઘરમાં દોડી ગયાં. જઈને જુએ છે તો ફોરા ભોંય પર પડી હતી. તેના કપાળે વાગ્યું હતું ને કપાળે નાનું ઢીમણું થઈ ગયું હતું. ફોરા તો ભેંકડો તાણતી હતી!
આ જોઈ બધાં ગભરાઈ ગયાં. હવે શું કરવું? ફોરાને કેમ કરી છાની રાખવી?
એટલામાં ફોરાની મમ્મી આવી ગઈ. ઘરમાં સૌને ભેગાં થયેલાં જોઈ ગુસ્સે થઈ. પછી હકીકત જાણી કે ફોરાને વાગ્યું છે.
“કેમ કરતાં વાગ્યું? શીદને ઉપર ચડી”તી?” મમ્મીએ પૂછયું. ફોરાએ રડતાં રડતાં મમ્મીને બધી વાત સમજાવી.
મમ્મીને સમજાયું કે ફોરા એના માટે નહીં, પરંતુ ટોમી, ચન્નુ, ખમ્મા ને ચકા-ચકી માટે ખાવાનું લેવા જતાં પડી ગઈ હતી. દીકરીની સરસ ભાવના જોઈ મમ્મી તો ખુશ ખુશ થઈ ગઈ.
મમ્મીએ ફોરાને ખોળામાં લઈ ચૂમી લીધી. વાગેલા ઢીમણા પર હળવેથી હાથ ફેરવ્યો ને બોલી, “બેટા, ચિંતા ના કર, હોં. આ તો કંઈ નથી વાગ્યું. મટી જશે.” આમ કહી મમ્મીએ ઢીમણા પર ફૂંક મારી ને બોલી, “હે ભગવાન, મારી ફોરાને મટાડી દેજો.” આ સાંભળી રડતાં રડતાં ફોરાય હસી પડી.
મમ્મી કહે, “લે થોડી સાકર ખા ને ઉપર પાણી પી લે.” આમ કહી મમ્મીએ કબાટ ખોલી ફોરાને સાકરનો ગાંગડો આપ્યો.
“તમને સૌનેય હું ખાવાનું આપું છું હોં!” આમ કહી મમ્મીએ ટોમીને રોટલી, ચન્નુને વાડકીમાં દૂધ, ખમ્માને મગફળીના થોડા દાણા ને ચકા-ચકીને મમરા આપ્યા. આ જોઈ ફોરા રાજી રાજી થઈ ગઈ. તે વાગવાનું દુઃખ પણ ભૂલી ગઈ.
પછી મમ્મી બોલી, “હવે તમને રોજ હું જ ખાવાનું આપીશ, કારણ કે તમે ફોરાને રમાડો છો ને એટલે.”
આ સાંભળી ફોરા મલકાઈને બોલી, “મમ્મી, તું કેટલી સારી છે!”
ફોરાનાં મિત્રો બોલ્યાં, “થેન્ક યુ, આન્ટી!”

Comments