આ ઉંમર પ્રેમમાં પડવાની નથી!



યૌવનની સમસ્યા - સોક્રેટિસ
સોક્રેટિસજી,
ગઈ દિવાળીના વેકેશનમાં હું પારિવારિક ભાઈ અખિલેશનાં લગ્નમાં ગયો હતો. ત્યાં તેના મામાની છોકરી ટીના પણ આવી હતી. અમે ત્રણ દિવસ સાથે રહ્યાં અને બધાએ મળીને ખૂબ ધમાચકડી મચાવી. મને એ દિવસોમાં ટીના સાથે પ્રેમ થઈ ગયો. અખિલેશનાં લગ્ન પછી તરત જ અમારા પરિવારમાં બીજા એક લગ્ન પણ હતાં, જ્યાં પણ ટીના આવી. મેં ટીનાને પ્રપોઝ કરી દીધું અને તેણે મારા પ્રેમના પ્રસ્તાવનો સ્વીકાર પણ કર્યો. લગ્નો પછી અમે છૂટાં પડયાં પણ અમારી વચ્ચે ફોન પર નિયમિત વાતો થવા લાગી. અમારો સંબંધ દિવસે દિવસે ગાઢ થતો ગયો. પણ અખિલેશને અમારી વચ્ચે કંઈક રંધાઈ રહ્યાનો ખ્યાલ આવ્યો એટલે તેણે ટીનાનાં મમ્મીને વાત કરી. ટીનાનાં મમ્મીએ તેને મારી સાથે વાત કરવાની ના પાડી દીધી. જોકે,ટીના ઘરનાથી છુપાવીને મારી સાથે વાત કરતી રહી. એક દિવસ ટીનાનો ભાંડો ફૂટી ગયો એટલે તેનાં મમ્મીએ તેને ધમકાવી અને સાથે સાથે એવું કહ્યું કે મારું ચારિત્ર્ય સારું નથી અને મારા પર કોઈ છોકરીનો કેસ ચાલે છે. ટીનાએ તોપણ વાત કરવાનું બંધ નહોતું કર્યું છતાં અમારી વાતચીત ધીમે ધીમે ઘટવા લાગી. હવે તો તેણે વાતચીત સાવ બંધ કરી દીધી છે. મને તેની સાથે વાત કર્યા વિના ચેન પડતું નથી. મારે તેની સાથેનો સંબંધ ફરી બાંધવો છે. હું તેને ખૂબ મિસ કરું છું. મને યોગ્ય માર્ગ બતાવશો. અને હા, એક વાત કહેવાની રહી ગઈ કે ટીનાએ ૧૦માની પરીક્ષા આપી છે અને મેં ૧૨ સાયન્સની પરીક્ષા આપી છે. અમે ભણવામાં સિન્શિયર છીએ, એટલે ટકા સારા જ આવવાના છે. એની ચિંતા નથી, ચિંતા ટીના સાથેના સંબંધોની છે. માર્ગદર્શન આપવા વિનંતી.                                         
લિ. મુકુલ
પ્રિય મુકુલ,
ટીના જ્યારે દસમા ધોરણમાં અને તમે બારમા ધોરણમાં, એમ બન્ને બોર્ડના મહત્ત્વપૂર્ણ વર્ષમાં અભ્યાસ કરતા હો ત્યારે સ્વાભાવિક છે કે તમારું ધ્યાન આડુંઅવળું ભટકે એનાથી તમારાં મમ્મી-પપ્પા નારાજ થાય. વળી, તમારી ઉંમર હજુ નાની છે, તમારાં બન્નેમાં હજુ નાદાનિયત હોય એ પણ સમજી શકાય એવું છે. તમારી ઉંમરનાં તરુણ-તરુણીઓને વિજાતીય આકર્ષણ થવું બહુ સહજ છે, પણ તેને પ્રેમ સમજી લેવાની ઉતાવળ ન કરવી જોઈએ. તમારે તમારા શારીરિક-માનસિક ફેરફારોને સમજવા જોઈએ, તેને યોગ્ય અર્થમાં સ્વીકારવા જોઈએ, પરંતુ પ્રેમ કે લગ્ન જેવી બાબતમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરવી જોઈએ. તમે ટીનાને પસંદ કરતા હો અને ટીનાને પણ તમારો સંગાથ ગમતો હોય તોપણ તમારે કોઈ નિર્ણય પર આવતાં પહેલાં થોડાં વર્ષોની રાહ જોવી જોઈએ. તમારી ઉંમરના તબક્કાને જોતાં તમારું સંપૂર્ણ ધ્યાન કારકિર્દી પર હોવું જોઈએ. તમે એક વાર કોઈ સિદ્ધિ હાંસલ કરશો પછી ટીનાનાં મમ્મી-પપ્પા સામેથી જ તમારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ શકે છે.
ટીનાએ ફોન પર વાત કરવાનું બંધ કરવાનું કારણ પરીક્ષાઓ હોઈ શકે છે. તેણે તમારાં બન્નેનું ધ્યાન વાંચવામાં રહે એટલે જ આવો નિર્ણય લીધો હશે. જો ખરેખર એવું જ હશે તો ટીના તમારો સંપર્ક જરૂર કરશે એટલે ચિંતા કરવાની જરૂર નથી. પણ હંમેશાં યાદ રાખજો, તમારી સામે લાંબી જિંદગી પડી છે. કોઈ ઉતાવળું કે અસંયમી પગલું તમારી જિંદગીને બરબાદ કરી શકે છે એટલે જે કંઈ પગલું ભરો સમજી-વિચારીને ભરજો. ટીના અને તમારા સંબંધને પૂરેપૂરો સમય આપજો, તેને સમજજો અને પછી જ આગળ વધજો. 

Comments