રાઘવજી માધડ: ઘણી ભૂલો સુધરવાની તક આપતી નથી

તમામ તૈયારીઓ થઇ છે, માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. છતાંય મન મક્કમ કરીને જાતુષે મેસેજ મોકલી દીધો: ‘આપણાં મેરેજ કોઇપણ સંજોગોમાં મોકૂફ રાખવાં પડશે. તારાં મમ્મી-પપ્પાને જાણ કરી દેજે...’ પછી પોતાના સેલફોનને સ્વિચ ઓફ કરી દીધો. જાતુષ જાણતો હતો કે, આમ કહેવાથી બોમ્બ બ્લાસ્ટ થશે, તત્કાલ જવાબ આપવો મુશ્કેલ થશે અને મુસીબત સર્જાશે તેથી કોન્ટેકટ કાપી નાખવો હિતાવહ હતો.જાતુષની ઊંઘ હરામ થઇ ગઇ હતી. છેલ્લી ઘણી રાતો, આ મનોમંથનમાં વેરણ બની હતી. તે પાણી વગરની માછલીની જેમ પથારીમાં તરફડવા લાગ્યો. સમસ્યા ગંભીર હતી.

જીવનમાં પ્રત્યેક પગલે સમસ્યાઓ આવતી રહેવાની, નડતી રહેવાની. ઘણી સમસ્યાઓને પકડી રાખવાથી તે વકરીને વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોય છે. પરંતુ જેનો ઉપાય આપણા હાથમાં ન હોય તેને પબ્લિક પ્રોપર્ટીની જેમ જાહેરમાં મૂકી દેવી જોઇએ. કોઇને કહી સાવ ખુલ્લી પાડી દેવી જોઇએ.

જાતુષનાં લગ્ન લેવાઇ ગયાં છે. કંકક્ષેત્રી વહેંચાઇ ગઇ છે. પરંતુ એક ભૂલ જિંદગીને બરબાદ કરવા માટે તત્પર બની છે ત્યારે સામેના પાત્રનું જીવન ન બગડે, પોતાની ભૂલનો ભોગ ભાવપિત્ની નિર્લેપાને ન બનવું પડે તે માટે જાતુષે આવો નિર્ણય લીધો છે. આમ કરવામાં તેને આંખે પાણી આવી ગયાં છે.

જાતુષ એક કંપનીનો સેલ્સમેન છે. તેને મહિનાના ઘણા દિવસો ઘર બહાર રહેવાનું બને છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ગોલ્ડનબેલ્ટ ગણાતા એરિયામાં જવાનું વારંવાર બને છે. અહીં તે ગેસ્ટ હાઉસમાં નાઇટ હોલ્ટ દરમિયાન ભૂલનો ભોગ બને છે. ભૂલ માટે વ્યક્તિની સાથે સ્થળ-કાળ અને સંજોગો પણ એટલાં જવાબદાર હોય છે. તેમાં યુવાવસ્થાની ભૂલ માટે તો આવેગ, આવેશ અને ઊછળતા લોહીની જવાબદારી પણ ઓછી આંકી શકાય તેમ નથી. 

એક ક્ષણે એમ પણ કહી શકાય કે, યુવાનો આવી ભૂલો ન કરે તો, કોણ વૃદ્ધો આવી ભૂલો કરવાના!!? બંને વચ્ચે એટલો જ તફાવત છે કે વૃદ્ધોની જિંદગી વપરાઇ ચૂકી હોય છે અને યુવાનોએ વાપરવાની બાકી હોય છે! શંકા અને લક્ષણોના લીધે જાતુષે એચ.આઇ.વી. ટેસ્ટ કરાવ્યો હતો તેમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આજે એક માહિતી મુજબ દુનિયાભરમાં લગભગ એક કરોડથી પણ વધારે યંગસ્ટર્સ એચઆઇવી-એઇડ્સ સાથે જીવે છે. તેમાં ઘણાંને તો ખબર જ નથી કે પોતાને આ ચેપ લાગ્યો છે! એકવાયર્ડ ઇમ્યુનો ડેફિસિયન્સી સિંડ્રોમ (એઇડ્સ) એ હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ (એચઆઇવી)ના ચેપનો આખરી તબક્કો છે. એઇડ્સ એ રોગ નથી પરંતુ તે જુદા જુદા રોગનાં લક્ષણોનો સમૂહ છે. તે માનવ શરીરની રક્ષણાત્મક શક્તિ અથવા રોગપ્રતિકારક શક્તિને નબળી પાડી દે છે. એચઆઇવીનો ચેપ લાગ્યા પછી એઇડ્સના તબક્કા સુધી પહોંચતા લગભગ ૮ થી ૧૦ વરસનો સમય લાગે છે.

જાતુષે આ અંગેની જાણકારી મેળવી લીધી છે. અમુક હોસ્પિટલો કે સ્વૈચ્છિક સંસ્થાઓનાં ક્લિનિકમાં ટેસ્ટ સાથે કાઉન્સેલિંગની પણ સુવિધા હોય છે. ત્યાં આવી મૂંઝવણોનું સચોટ માર્ગદર્શન આપવામાં આવતું હોય છે. વળી કાઉન્સેલરો આ બાબતોની ગુપ્તતા જાળવવા માટે બંધાયેલા છે.

મેરેજલાઇફ એ લાગણી, વિશ્વાસ અને સમજદારીના પાયા પર ચણાતી ઇમારત જેવી હોય છે. તેમાં જન્મકુંડળીની જરૂરિયાત હોય કે ન હોય પણ તન-મનની તંદુરસ્તીનાં આધારભૂત પ્રમાણપત્રો આપવાં જોઇએ. ઘણાં યુવક-યુવતીઓ લગ્નપૂર્વે મેડિકલ રિપોર્ટ માગે તેમાં સહેજપણ નવાઇભર્યું નથી.

જાતુષે પોતાની ભૂલનો એકરાર કરી લગ્ન ફોક કર્યા. તે સમજતો હતો કે સામેના પાત્રની જિંદગી બગાડવાનો પોતાને કોઇ જ અધિકાર નથી. નિર્લેપાએ આ સંદેશો ઝીલ્યો ત્યારે તે ક્ષુબ્ધ કે સાવ ચિત્તભ્રમ થઇ ગઇ હતી. જાતુષને આવો ચેપ લાગે જ કેમ!!?? પણ હકીકત જાણ્યા પછી થયું કે આવા બેવફા પુરુષને પરણવું તેના કરતાં આજીવન કુંવારા રહેવું બહેતર છે. એ લંપટ દોખજમાં ડૂબવાનો છે અને સાથે મને પણ... આમ આક્રોશ અને નફરત સાથે જાતુષને ધુત્કાર્યો. સમાજમાં કહી દીધું: ‘છોકરો બદચલન છે એટલે લગ્નની અમે જ ના પાડી દીધી છે!’

બંનેના પરિવારમાં ભૂકંપ સર્જાયા પછી સમયની સાથે સઘળું શમી ગયું. પણ ખરી કથા તો હવે શરૂ થાય છે. જાતુષે ફોન કરી નિર્લેપાને કહ્યું: ‘હું તને મોં બતાવવાને લાયક રહ્યો નથી. પણ મારી ભૂલનો ભોગ તારે ન બનવું પડે તે માટે જ તને તરછોડી છે. બસ, આ હકીકતને સમજવાનો, સ્વીકારવાનો પ્રયાસ કરીશ તો મારા દિલને તસલ્લી મળશે.’

‘તું આમ કહી છૂટી ગયો પણ મારો વિચાર કર્યો!?’ નિર્લેપાએ રુદન અને આક્રોશ મિશ્રિત સ્વરે કહ્યું: ‘એક કોડભરી કન્યાનાં કુંવારાં સપનાં મૂળસોતાં ઉખેડાઇ જાય ત્યારે તેની હાલત કેવી થતી હશે?? અરે...! આકંઠ તરસ લાગી હોય અને હોઠ સુધી આવેલ પ્યાલો ઝૂંટવાઇ જાય... ક્ષણભર તો કલ્પના કરી જો!’‘સમજુ છું એનું જ તો દુ:ખ છે’ જાતુષે કહ્યું: ‘પણ મારી તો જિંદગીનું બેલેન્સ જ ઓછું થઇ ગયું છે. જે કાંઇ ટોક ટાઇમ બચ્યો છે તેમાં કવરેજ એરિયા જ મળતો નથી. આ કેવી કરુણા કહેવાય..? મારી સ્થિતિને તો વિચારી જો!?’

ખૂબ જ મનોમંથનના અંતે નિર્લેપા કહે છે: ‘જાતુષ! લાગણીના છોડનું હું ક્યાંય ટ્રાન્સપ્લાન્ટેશન કરી શકું તેમ નથી. તારી સાથેના તંતુ તોડીને બીજે જોડી શકું તેમ નથી. વળી તેં ભૂલનો સ્વીકાર કર્યો તેનું મૂલ્ય પણ હું સમજુ છું. ખેર... તારી સાથે પૂવૉગ્રહ કે તિરસ્કારભર્યું વર્તન દાખવીને મારે માનવ અધિકારનો ભંગ નથી કરવો...’ થોડું અટકીને તે બોલી: ‘કોઇને આવો માનવ અધિકારનો ભંગ કરવા પણ નથી દેવો.’
જાતુષ ધડકતા હૈયે નિર્લેપાનું કહેવું સાંભળતો હતો. ‘હવે એવું ન બને કે આપણે બંને સાથે મળી કોઇ સ્વૈચ્છિક સંસ્થામાં જોડાઇને અવેરનેસના અજવાળા પાથરીએ...!’ નિર્લેપાએ આગળ કહ્યું: ‘તારાં જેવાં ઘણાં યુવક-યુવતીઓને પ્રેમ અને ટેકાની જરૂર છે. સાંત્વન અને સહાનુભૂતિની જરૂર છે...’ જાતુષની આંખમાંથી ટપકેલાં અશ્રુ હર્ષનાં હતાં કે શોકનાં... તે કહેવું મુશ્કેલ હતું. 

Comments