ચૂડીદારની મજા



 
 
પૂજા વારંવાર ચૂડીદાર તરફ જોઇ રહી હતી. જાણે કહી રહી, ‘વાહ ચૂડીદાર તું પણ ખરું છે હોં! સ્કૂટર પર કેટલો પવન આવે છે છતાં મારા શરીર પરથી ઊડતું જ નથી... મજાનું છે હોં...’

રવિવારનો દિવસ હતો. સવારથી મમ્મી-પપ્પા સાથે પૂજા-હરિ મસ્તી કરી રહ્યાં હતાં. મમ્મી-પપ્પાને ઓફિસે જવાની ઉતાવળ ન હતી કે ન પૂજા-હરિને સ્કૂલે જવાની ઉતાવળ હતી. સૌ આનંદમાં હતા. ત્યાં જ મમ્મીએ કહ્યું, ‘સાંજે કથામાં જવાનું છે.’ પૂજા બોલી, ‘હેં મમ્મી શેની કથા છે?’ મમ્મીએ કહ્યું, ‘સત્યનારાયણ ભગવાનની કથા છે.’નાનકડો હરિ બોલ્યો, ‘કોને ત્યાં જવાનું છે?’મમ્મીએ કહ્યું ‘ફઇબાને ત્યાં વળી...’બાર વાગ્યા એટલે નિરાંતે જમ્યા અને સૂતા. બપોરે ચાર વાગતા જ માથામાં તેલ નંખાવવા પૂજા બેસી ગઈ.

મમ્મીએ પૂછ્યું, ‘પૂજા તું કર્યું ફ્રોક પહેરીશ?’પૂજાએ કહ્યું, ‘મમ્મી, મામીએ આપેલું છે તે મરુન ફ્રોક પહેરું?’મમ્મીએ કહ્યું, ‘પણ બેટા, એ ટૂંકું નહીં લાગે?’પૂજાએ કહ્યું, ‘મમ્મી, અમારી શાળામાં તો આનાથી ટૂંકા ટૂંકા ફ્રોક છોકરીઓ પહેરી લાવે છે.’

ત્યાં જ પપ્પા આવ્યા. તેમણે કહ્યું, ‘બેટા, ગોઠણ સુધીના કપડાં તો પહેરવા જ જોઇએ.’ બટકબોલી રિદ્ધિ બોલી, ‘પપ્પા, ટી.વી.માં તો જુઓ કેવાં કપડાં પહેરી બધાં આવે છે?’ પપ્પાએ કહ્યું ‘બેટા, કપડાં શું કામ હોય કહો જોઇ?’ હરિએ હસતા હસતાં કહ્યું, ‘લો વળી, પહેરવા માટે...’પપ્પાએ નાનકડા હરિને તેડી લીધો.ફરી મમ્મીએ પૂછ્યું, ‘બેટા, બોલો કપડાં શા માટે પહેરવાં જોઇએ?’રિદ્ધિએ જીભડો બહાર કાઢી કહ્યું, ‘હાય! હાય! કપડાં ન પહેરીએ તો...’ અને બધાં ખૂબ હસ્યાં! પછી, પપ્પા બોલ્યા, ‘બેટા કપડાં શરીર ઢાંકવા પહેરીએ છીએ ખરુંને?’પૂજાએ ટાપસી પૂરી, ‘હાસ્તો વળી, શરીર ઢાંકવું જ જોઇએ...’ રિદ્ધિએ કહ્યું, ‘હા, શરીર ગંદું ન થાય તે માટે કપડાં પહેરીએ.’

હરિએ કહ્યું, ‘આ ટોપી કેમ પહેરીએ?’રિદ્ધિ બોલી, ‘તું સાવ બુદ્ધુ છે. ઠંડી હોય ત્યારે ગરમ કપડાં ને ટોપી તો પહેરવી જ પડે ને!’ પૂજા બોલી, ‘પપ્પા, શિયાળામાં ગરમ ઊનના, ઉનાળામાં સુતરાઉ અને ચોમાસામાં વરસાદથી બચવા રેઇનકોટ ખરું ને?’ પપ્પાએ કહ્યું, ‘શાબાશ બેટા. આપણે શરીરનું રક્ષણ કરવા, શરીરને ઢાંકવા કપડાં પહેરીએ છીએ.’રિદ્ધિને ગમ્મત સૂઝી. તે બોલી, ‘હેં પપ્પા, ગાય, ભેંસ, કૂતરા કેમ કપડાં નહીં પહેરતાં હોય? તોય તેઓ સારા લાગે છે.’

પપ્પાએ કહ્યું, ‘બેટા, કુદરતે તેમના શરીરની રચના જ એવી કરી છે. માણસે બુદ્ધિ પ્રમાણે શરીરને અનુકૂળ કપડાંની, સિલાઇની શોધ કરી છે.’પૂજાએ ગંભીર થતાં કહ્યું, ‘પપ્પા, તો તો કપડાંની સિલાઇ શરીરને સારું દેખાડવા, ઢાંકવા કરીએ છીએ, નહીં?’મમ્મી બોલી, ‘હા, બેટા હા. કપડાંથી શરીર સચવાય, પૂરતું ઢંકાય તે પણ જરૂરી છે.’રિદ્ધિ બોલી, ‘તો મમ્મી ટી.વી.માં કેમ ટૂંકા ટૂંકા કપડાં પહેરી છોકરીઓ આવે છે... નાચે છે...’પપ્પાએ વાત ઝડપી લેતાં કહ્યું, ‘બેટા, તેમને પૈસા મળે... એટલે એ તેમનો વ્યવસાય બની ગયો હોય છે.’રિદ્ધિએ નાકનું ટેરવું ચડાવતાં કહ્યું, ‘પપ્પા, એવો વ્યવસાય તો નહીં સારો, જેમાં છોકરીઓ ઉઘાડી દેખાય ખરુ ને?’
પપ્પાએ કહ્યું, ‘વાહ બેટા, તમે તો હોશિયાર અને ડાહ્યા છો. સમજો છો કે કેવા કપડાં પહેરવાં જોઇએ.’

પૂજાએ મમ્મી સામે જોઇને કહ્યું, ‘મમ્મી મારે મરુન ફ્રોક નથી પહેરવું. તું એ ફ્રોક નાની રિદ્ધિ માટે રાખી મૂકજે.’મમ્મીએ કહ્યું, ‘મારી વહાલી પૂજા, તું સમજુ છે. બોલ તો તારા માટે કબાટમાંથી ક્યા કપડાં પહેરવા કાઢું?’ પૂજા હરખાતી બોલી, ‘મમ્મી, ચૂડીદાર અથવા લાંબું, પીળું ફ્રોક... ગમે તે કાઢજે.’ પાંચ વાગતાં સૌ મનગમતાં કપડાં પહેરી સ્કૂટર પર ગોઠવાઇ ગયા. પૂજા વારંવાર ચૂડીદાર તરફ જોઇ રહી હતી. જાણે કહી રહી, ‘વાહ ચૂડીદાર તું પણ ખરું છે હોં! સ્કૂટર પર કેટલો પવન આવે છે છતાં મારા શરીર પરથી ઊડતું જ નથી... મજાનું છે હોં...’‘હવેથી હું ટૂંકા કપડાં પહેરીશ જ નહીં,ચૂડીદાર તારી દોસ્તી પાકી હોં...’સ્કૂટર ફઇબાના ઘર પાસે ઊભું રહ્યું એટલે પૂજા રૂઆબથી ઊતરી ઓઢણી સરખી કરતી કથા સાંભળવા ડાહી થઇને બેસી ગઈ. 

Comments