એક ક્ષણે થઇ આવ્યું કે ખોટું બહાનું ધરીને પણ હોસ્પિટલમાં ફરી એડમિટ થઇ જાય જેથી રોઝલીનનું સાંનિધ્ય સાંપડે! પણ રોઝલીન તો નાતાલની રજા પર છે. છેલ્લા દિવસે ગુલાબનું ફૂલ આપી, તંદુરસ્તીની શુભેચ્છા પાઠવીને એ તો ગઇ...
હવે દેવના દર્દનો પ્રકાર અલગ છે. દેવને અકસ્માત થયો, પગ ભાંગ્યો, શરીર છોલાયું... આ બધાની દવા અને ઇલાજ હતાં પણ આ પ્રેમરોગનો ઇલાજ ક્યાં કરાવવો? એક છૂપું દર્દ તેને પજવી રહ્યું હતું. એક ક્ષણે થઇ આવ્યું કે ખોટું બહાનું ધરીને પણ હોસ્પિટલમાં ફરી એડમિટ થઇ જાય જેથી રોઝલીનનું સાંનિધ્ય સાંપડે! પણ રોઝલીન તો નાતાલની રજા પર છે. છેલ્લા દિવસે ગુલાબનું ફૂલ આપી, તંદુરસ્તીની શુભેચ્છા પાઠવીને એ તો ગઇ... દેવ મનોમન મૂંઝાવા લાગ્યો.
હવે કરવું શું? પુત્રની પીડા મમ્મીથી અજાણી ન રહી. તેણે દેવના પપ્પાને કહ્યું, દેવ સ્ટાફનર્સ રોઝલીનના પ્રેમમાં છે! મધરટેરેસા કહે છે, પ્રેમ એ ઇશ્વરને નિહાળવાનો અને અનુભવવાનો એકમાત્ર માર્ગ છે. રોઝલીન આ સદ્વિચારને બરાબર અનુસરી રહી છે. તે ખરા અર્થમાં પ્રેમની પૂજારી છે.
દેવને ઇમરજન્સી દાખલ કરવામાં આવ્યો ત્યારે ડ્યૂટી પર રોઝલીન હતી. પ્રથમ વાર ડ્રેસિંગ કરવા લાગી ત્યારે દર્દને લીધે દેવે રાડારાડ કરી મૂકી હતી. ન બોલવાનું બોલી રોઝલીનના હાથને હડસેલો મારી છોડાવી દીધો હતો. તેનાં મમ્મી-પપ્પા પણ ધસી આવ્યાં હતાં, પણ રોઝલીનને જાણે કશી જ પરવા કે ખબર ન હોય તેમ, એક માતા તેના અણસમજુ બાળકની સુશ્રુષા કરે તેમ ડ્રેસિંગ કરતી રહી હતી. દેવને પગમાં ફેકચર થયું હતું પણ રોડ પર ઢસડાવાના લીધે શરીર ખૂબ છોલાયું હતું.
પીઠ નીચે તો ઊંડો ઘાવ પડી ગયો હતો. શરીર પર એકપણ કપડું પહેરી શકાય તેમ નહોતું, પણ રોઝલીનને મન દર્દી એ ઇશ્વરનું બીજું રૂપ છે અને આ નિમિત્તે ઇશ્વરને પામવાની તક મળી છે. સવારે જ્યારે ચર્ચમાં જતી ત્યારે ઘૂંટણ ટેકવી, માથું નમાવી, પવિત્ર ક્રૂસની નિશાની કરી, આંખો મીંચી ધ્યાનમગ્ન થતી ત્યારે ધર્મગુરુુનો મધુરસ્વર કાનને સ્પર્શતો, ‘પ્રભુ તમારા અંતરમાં વસો... ને તમારું ધ્યાન ઇશ્વરમાં હો...લવ યોર નેબર એઝ યોરસેલ્ફ... એકબીજા પ્રત્યે પ્રેમ રાખીએ તો જ ઇશ્વર આપણામાં વાસ કરે છે, કારણ કે પ્રેમ ઇશ્વરમાંથી ઉદ્ભવે છે.
જે કોઇ પ્રેમ રાખે છે તે ઇશ્વરને પિછાને છે, ઇશ્વરની નજીક છે, કારણ કે ઇશ્વર જ પ્રેમસ્વરૂપ છે.’ દર્દીનું નહીં પણ ખુદ પોતાનું દર્દ સમજી સેવા કરવી તે રોઝલીનનો સ્વભાવ છે. વારસાઇ સંસ્કાર છે. તેના મન સ્ત્રી-પુરુષ કે શરીરનાં અંગો ગૌણ છે. માત્ર સેવા જ સર્વોપરી છે, પણ દેવના મનમાં કંઇક જુદા જ આવેગ ઊભરવા લાગ્યા હતા. સ્પર્શ માત્રને પ્રેમ સમજી બેઠો છે. યુવાનીમાં પ્રેમ અને લાગણી વચ્ચેનો ભેદ સમજવો મુશ્કેલ હોય છે. પરિણામે ભારે અનર્થ સર્જાતો હોય છે.
દેવે ફ્રેન્ડ અને પછી પરિવાર પાસે એકરાર કરી લીધો છે. ઘરમાં વાતાવરણ એકદમ ફ્રી છે. સાંજે ડાઇનિંગ ટેબલ પર દિનભરની મુક્ત ચર્ચા થાય છે. યુવાસંતાનને મિત્ર સમજવાની આજે અનિવાર્ય આવશ્યકતા છે. સમજણું સંતાન મમ્મી કે પપ્પાના ખભા પર હાથ મૂકીને ખુલ્લા મને હૈયાની વાત કરી શકે તેવું વાતાવરણ ઘણા ઘરમાં છે. જેથી આવી સમસ્યાઓ ટાળી અને વાળી શકાય છે. જે ઘરમાં વ્યક્તિ હૃદય ખોલીને વાત ન કરી શકે તેણે છેવટે તો હોસ્પિટલમાં ડોક્ટર પાસે હૃદય ખોલવું પડતું હોય છે!રોઝલીન સવારમાં આવે, તાજું ખીલેલું ગુલાબનું ફૂલ દેવને આપે. પછી ઋજુતાથી સારવાર કરે.
દેવનું દર્દ જાણે રોઝલીનની રાહ જોઇને બેઠું હોય તેમ હાથનો સ્પર્શ થતા જ છુમંતર થઇ જાય! દેવને થતું હતું કે રોઝલીન દર્દની દવા સાથે દુઆ પણ કરે છે. જે પ્રેમનો મોટો પુરાવો છે. એક દિવસે દેવે ગુલાબનું ફૂલ રોઝલીનના સિલ્કી વાળમાં પોતાના હાથે જ ભરવી દીધું. રોઝલીન સહેજ ચોંકી ને પછી ખળખળતાં ઝરણાં જેવું હસવા લાગી હતી ત્યારે ગુલાબનું ફૂલ પ્રણયનું સાક્ષી બની ગયું હતું. રજાના દિવસે પણ રોઝલીન આવે તેવો દેવનો આગ્રહ ફળીભૂત થયો.
પછી તો એમ થવા લાગ્યું હતું કે હોસ્પિટલમાંથી રજા ન આપે તો સારું, પણ એ શક્ય નહોતું. ઘેર આવ્યા પછી જાણે જગત લૂંટાઇ ગયું હોય તેવું દેવને થયું. ચારેબાજુ માત્ર ને માત્ર રોઝલીન જ ભાસે છે. ઊંઘ આવતી નથી. રાત-દિવસ એક થઇ ગયાં છે. પોતે તેના વગર રહી કે જીવી નહીં શકે! પીડા અસહ્ય થતાં દેવે મમ્મી-પપ્પા સાથે વાત કરી લીધી. રોઝલીન પુત્રવધૂ થઇને આવે તો કશો વાંધો નહોતો. કારણ કે એક માસમાં રોઝલીનને જોઇ અને જાણી લીધી હતી. શરીર સૌષ્ઠવની સાથે પ્રેમ અને સૌમ્યતાની સાક્ષાત્મૂર્તિ લાગતી હતી.
દેવ નાતાલની શુભેચ્છા નિમિત્તે રોઝલીનને મળે અને પ્રપોઝ કરે એટલે વાર્તા પૂરી!ક્રિસમસની પાર્ટીમાં મળવાનું નક્કી થયા મુજબ પ્રિયતમાને પામવા અને એકરાર કરવા દેવ આવી ગયો. સામે રોઝલીનને પણ શું વાંધો હોઇ શકે? વેલ એજ્યુકેટેડ, સારું કમાતો અને દેખાવે-સ્વભાવે સોહામણો યુવાન આજે દીવો લઇને શોધવા નીકળે તો પણ ક્યાં મળે એમ છે! વળી આ તો પ્રેમસંબંધ છે! કરુણાસાગર પ્રભુ ઇસુએ કહ્યું છે, તમારા પડોશી ઉપર એવો પ્રેમ કરો, જેવો તમે તમારી જાતને કરો છો. તમારા દુશ્મનને પણ પ્રેમ કરો. એકબીજાને પ્રેમ કરો જેવો પ્રેમ મેં તમને કર્યો છે.
અહીં પણ પ્રેમનું સામ્રાજ્ય ઊભું કરવાની ઉમ્મીદ છે. દરવાજે ઊભો દેવ પ્રતીક્ષા કરી રહ્યો છે. હાથમાં ગુલદસ્તો છે. આંખોમાં ઇન્તેજારી સાથે સ્નેહનો સાગર ઘૂઘવે છે. ત્યાં થોડી વારે રોઝલીન દેખાઇ. પારદર્શી શ્વેત વસ્ત્રોમાં તે હવામાં ઊડતી પરી જેવી લાગે છે. જેવી નજીક આવી ત્યાં દેવ બે ડગલાં ચાલી તેને ભેટવા ધસ્યો પણ ગુલદસ્તો જ વચ્ચે આવી ગયો કે જેથી અંગ એક ન થઇ શક્યાં. પછી હાથ ઝાલીને તે દેવને પાર્ટીમાં લઇ આવી.
વેસ્ટર્નકલ્ચર જેવો માહોલ જોઇ દેવ ચકિત થઇ ગયો. રંગબેરંગી રોશની અને ધીમા સંગીત વચ્ચે સૌનું ઝૂમવું... દેવ વધારે જોઇ શકે તેમ નહોતો. તેણે ભાવવિભોર થઇ રોઝલીનનો હાથ ઝાલી લીધો પછી કહ્યું: ‘આઇ લવ યુ રોઝી!’ રોઝલીને પ્રતિભાવમાં દેવના બંને હાથ ઝાલી પાછી ધીમું-ધીમું ઝૂમવા લાગી. દેવના મન અને પ્રેમની પરાકાષ્ઠા છે. એક પળ પણ ધીરજ રહી શકે તેમ નહોતી. ‘રોઝી! મારાથી હવે આ જુદાઇ સહન નથી થતી.’
સામે રોઝલીને મઘમઘતા ફૂલ જેવું સ્મિત આપ્યું. દેવે નાભીએથી સ્વર ઘૂંટીને કહ્યું: ‘આપણે હવે વહેલી તકે મેરેજ કરી લઇએ!’ રોઝલીને સાંભળ્યું ન હોય તેમ ક્ષણિક ચૂપ રહી પછી એકદમ હાથ છોડાવીને બોલી: ‘મેરેજ!!’ દેવે કહ્યું: ‘હા, હવે મારાથી તારા વગર રહી શકાય તેમ નથી માટે...’ રોઝલીન દેવના મોં સામે દયાભાવે જોઇ રહી પછી હળવેકથી બોલી: ‘સોરી દેવ, હું તો ‘નન’ થવા ઇચ્છું છું.’ દેવ કાંઇ સમજયો ન હોય અથવા કાનને વિશ્વાસ ન આવ્યો હોય તેમ રોઝલીન સામે તાકી રહ્યો. રોઝલીને સ્પષ્ટતાં કરતાં કહ્યું: ‘દેવ! નન બ્રહ્નચર્ય પાળે છે, તે મેરેજ નથી કરતી.’ દેવ પાસે હવે બોલવા જેવું કંઇ રહ્યું નહોતું. પાર્ટીમાં બરાબરની રંગત જામી હતી.
Comments
Post a Comment
Thanx For Comment