તે વારંવાર નવલી નજરે મને જોયા કરતો હતો. મને દઝામણ જેવું લાગતું હતું. ચામડી ચચરવા લાગતી હતી અને લોહી સાવ ઠંડું પડી જતું હતું. એક પ્રકારનો ડર મારા સામે રાનીપશુના જેમ ઘુરકીયાં કરવા લાગ્યો હતો. તેની પારદર્શક નજર અંદરબહારનું જોઇ શકે છે તેવું મને લાગતું હતું.
તન-મન પર છવાઇ જવું, સ્નેહસાગરમાં છેક તળિયા સુધી લઇ જવું અને એક સાવ નવતર અનુભૂતિમાં રમમાણ કરવું. કોઇ સ્ત્રી આટલું વરસી શકે, છેલ્લી બુંદ સુધી નિચોવાઇ જાય, છેક તળિયેથી ઉલેચાઇ જાય... મારી તો કલ્પનામાં પણ નથી આવતું.
મને તો આમ કલ્પના પણ નહોતી કે મારા સાથે ફરી આવું બનશે! સમય, બસ અને સીટ... બધું જ એક. ઘડીભર તો થયું કે હું ઉઘાડી આંખે સ્વપ્ન તો જોઇ નથી રહી ને!? પણ હકીકત છે. મન મનાવીને મેં સીટ પર શરીર લંબાવ્યું. ઊંઘ આવે તો મારે ઘસઘસાટ ઊંઘી જવું હતું. છેક બોમ્બે સુધી ઊઠવું નથી, પણ એવું ક્યાં શક્ય છે! હું એક એવા મુકામ પર આવીને અટકી ગઇ છું કે ત્યાંથી આગળ વધી શકાય એમ નથી, પાછા વળવું પણ શક્ય નથી અને જે સ્થિતિમાં છું તેમાં સ્થિર થવું તે હવે મારા હાથની વાત રહી નથી. આવી વિષમ સ્થિતિમાં મને ઊંઘ કેમ આવે? ખાસ બાબત તો એ છે કે હું સાચું કહી શકું તેમ નથી અને ખોટું બોલવા મન માનતું નથી. ભારે મૂંઝવણ સાથેની મહાવ્યથા અનુભવી રહી છું. જિંદગીનો લય તૂટી ગયો છે. સઘળું સ્થિર અને બધિર થઇ ગયું છે. આમ ને આમ લાંબું ચાલશે તો કદાચ હું ગાંડી થઇ જઇશ!
તેના પ્રેમમાં તો સાનભાન ભૂલીને આમ પાગલ થઇ જ ગઇ છું, પણ હવે પછીનું ગાંડપણ જીવલેણ નીવડશે. મને કશું જ સૂઝતું નથી. આંખો બંધ કરી ઉજાસના એકાદ કિરણને શોધવાનો પ્રયત્ન કરું છું તો નર્યો અંધકાર જ ભાસે છે. બહાર નીકળવાની કોઇ બારી કે ચાલવાની કોઇ કેડી જ નથી. રાક્ષસ જેવો અંધકાર મને ચારે બાજુથી ભીડી મારા અસ્તિત્વને સાવ શૂન્ય કરી મૂકશે! આમ તો મારે આ કથની કહ્યા વગર ઊંઘી જ જવું જોઇએ. બસ પણ સિટી બહાર નીકળી હાઇવે પર ચઢી ગઇ છે. આંખો બંધ કરું છું ને સઘળું વીડિયોમાં ચાલતી ફિલ્મની જેમ મારાં ચક્ષુ સમક્ષ ઊભરી આવે છે.
મારામાં પ્રેમનું એકાદ બુંદ પણ નહોતું. સાવ પથ્થરદિલની થઇ હું આમ ફરતી હતી. જીવનને એક બીબામાં ઢાળી દીધું હતું. આવતીકાલની ચિંતા કર્યા વગર જે પળ મળી તેને મોજમસ્તીથી માણી લેવાની. ઇચ્છા, અપેક્ષા, આકાંક્ષા જેવું કશું રાખો તો દુ:ખનો જન્મ થાયને!? તેને ગળાટૂંપો દઇ દીધો હતો. જે મળે, જ્યાં મળે તેમાં જીવી લેવાનું. આમ મારામાં હું મસ્ત અને વ્યસ્ત હતી, પણ આ માણસનો મારા જીવનમાં પ્રવેશ થયો અને મારી દિશા બદલાઇ ગઇ નહીં, મારી જીવનરીતિ જ બદલાઇ ગઇ. શાંત સરોવરમાં કાંકરીચાળો થયા પછી તેમાં વલયો ઉદ્ભવે, કાંઠા સુધી જાય ને પછી વીલિન થઇ જાય, પણ આ માણસે તો મારામાં જાણે સીધો જ ભૂસકો માર્યો ને હું તળાવના જેમ તળથી લઇ કાંઠા સુધી ડહોળાઇ ગઇ.
જે માણસની વાત કરું છું તે માણસ અત્યારે આ બસમાં છેલ્લા સ્ટેન્ડ પરથી ચઢÛો હોય એવું લાગે છે. મારી શ્વાસેન્દ્રિય ભારે ગંધ પારખું છે! આ આખી રામાયણ થવાના પાયામાં ‘પાકીઝા’ ફિલ્મ છે. તમને મારી વાત એમ ગળે નહીં ઊતરે. મનમાં કહેશો પણ ખરાં: ‘શો બકવાસ કરો છો!? રીલ અને રિયલ લાઇફ વચ્ચે મોટો તફાવત હોય છે.’ માની લીધું.
તમે તદ્દન સાચાં છો, પણ હું જરાપણ ખોટી નથી. છતાંય સાચું લાગતું ન હોય, વિશ્વાસ ન બેસતો હોય તો સાંભળો: હું આમ જ ભાવનગરથી બોમ્બે આ બસમાં જઇ રહી હતી. રાતભરના ઉજાગરાને લીધે મારે ઊંઘી જવું હતું, પણ તંદ્રાવસ્થામાં હતી. ક્યારેક આંખો ઊઘડી જતી હતી. ધીમા વરસાદના લીધે બારી બહારનું ર્દશ્ય માદક અને મનભાવન લાગતું હતું.
વીડિયો કોચમાં કોઇ ફિલ્મ દર્શાવાઇ રહી હતી. તેનો અવાજ સ્પષ્ટ સંભળાતો નહોતો, પણ એવરગ્રીન ગીતે: યું હી કોઇ મિલ ગયા થા... કાનને જ નહીં મનને પણ ઝંકૃત કરી દીધું હતું. ગીત સાથે સંભળાતી ટ્રેનની િવ્હસલના લીધે થતું હતું કે હું બસમાં નહીં, પરંતુ ટ્રેનમાં મુસાફરી કરી રહી છું. સાથે કોઇ અજનબીનું અનુસંધાન મનને તરબતર કરી રહ્યું હતું. પ્રતીક્ષા માટેની આવી કોઇ પળ મળે, કોઇના માટે તડપતા હોઇએ... કેવાં મીઠાં સ્પંદનો થવા લાગે! પણ મારી કિતાબ તો સાવ કોરી હતી. મારા પાસે આવું કશું જ નહોતું. હું છલોછલ ભરી હોવા છતાં સાવ ખાલી કે ઠાલી હતી.
જીવનનો પ્રત્યેક શ્વાસ માત્ર ને માત્ર મારા માટે જ હતો. આમ વિચારતી હું ક્યારે ઊંઘી ગઇ તેનો ખ્યાલ રહ્યો નહોતો. ઊઠી ત્યારે બોરીવલીનું સ્ટેન્ડ આવી ગયું હતું. ઊતરવાનું હતું તેથી મેં ઝડપથી સામાન પેક કરી લીધો હતો. કશું રહી નથી ગયું તે જોવા મેં સોફાસીટ પર નજર લંબાવી તો કાગળની એક ચિઠ્ઠી નજરે ચઢી. ટિકિટ હશે... તેમ માન્યું, પણ બસનો કંડકટર ઉતાવળ કરાવતો હતો તેથી વિશેષ વિચાર્યા વગર તે કાગળને લઇ હું એકદમ બસ નીચે ઊતરી ગઇ હતી. પછી ટેક્સીમાં કુતૂહલવશ તે ચિઠ્ઠીને ખોલી હતી, વાંચી હતી. મારું હૈયું હાથ રહ્યું નહોતું.
પોતે સાચ્ચે જ તંદ્રાવસ્થામાં છે અને સામે વીડિયોમાં ફિલ્મનાં દ્રશ્યો પસાર થઇ રહ્યાં છે, પણ હકીકત એ હતી કે હાથમાં રહેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું: ‘પગ આવા સુંદર છે તો મુખડું કેવું સુંદર હશે!!?’ મન અને તન સ્થિર થઇ જાય તેવી સ્થિતિ હતી. આવું બને? પણ બન્યું હતું, ફિલ્મની જેમ જ. ફિલ્મમાં તો હીરોઇન, હીરોને મળી જાય છે. રીલ અને રિયલ લાઇફમાં આ જ મોટો તફાવત છે. તેમાં કથાનો લેખક એક કુંડળી દોરીને બેઠો હોય છે, પણ જીવનકથાનો લેખક શું ધારીને બેઠો હોય તેની કોઇને ક્યાં ખબર હોય છે!
પણ નીચે મોબાઇલ નંબર લખેલો હતો. તેથી એક મોટો સવાલ અને પડકાર સામે આવીને ઊભો રહ્યો હતો. શું કરવું. સામે કોઇ ટપોરી જેવો માણસ હોય તો મુસીબત ઊભી કરે. માંડી વાળ્યું હતું. વળી થયું કે મડદાંને તો વળી વીજળીની ભીતિ શી હોય? છતાં એક બીજી બાબત કહું તો આ નંબરના લીધે મારા મનમાં કશું અમળાયા કરતું હતું. એક અર્દશ્ય ડંશ સુંવાળી જગ્યા પર ઉઝરડા કર્યા કરતો હતો અને એક ક્ષણે રહેવાયું નહીં એટલે મેં તે નંબર પર મિસ્ડકોલ કરી દીધો હતો!
આમ તો મારી સઘળી ગતિવિધિ જ મોબાઇલ આધારિત હતી. જાણ્યા-અજાણ્યા કોલ્સ આવે તેમાં નવાઇ નહોતી, પણ આ નંબર તો સાવ નવતર રીતે જ આવ્યો હતો ને! તેણે ફિલ્મના ર્દશ્ય સાથે મારી સરખામણી કરી હશે- પડદામાંથી મારા પગ દેખાતા હશે એટલે પ્રેરણા લઇને ચિઠ્ઠી લખી હશે! જ્યારે મેં તદ્દન અંગત નંબરવાળા મોબાઇલને સ્વિચ ઓન કર્યો ત્યારે ઇનબોક્સમાં કોલ્સ ડિટેઇલ પડી હતી. મારા મિસ્ડનો રપિ્લાય હશે.
એક સાવ નવું નક્કોર સંવેદન ચિત્તતંત્ર પર છવાઇ ગયું હતું. કોઇને મારા દીદારની ઇંતેઝારી છે. આ વિચારમાત્રથી મારી નસેનસમાં ઉષ્ણતા સાથેનો આવેગ વધવા લાગ્યો હતો. લોહી ઉછાળા મારવા લાગ્યું હતું અને ન જાણે એક મીઠું દર્દ મને પીડવા લાગ્યું હતું. જેમ પ્રેમમાં સઘળું સારું અને પ્યારું લાગે તેમ મારી દ્રષ્ટિ અને સૃષ્ટિ જ બદલાઇ ગઇ હતી. બસ, વાત તો એક જ હતી કે આ જગતમાં... મને કોઇ જોવા માટે તલસે છે! મારા મિસ્ડકોલ પછી તુરંત જ રપિ્યાલમાં કહ્યું: ‘હું ભાવનગરથી બોલું છું, મારું નામ અનિરુદ્ધ છે. આપ...’ આવો સ્પષ્ટ અને ટકોરાબંધ અવાજ જ મારા રૂંવે રૂંવે પ્રસરી મને વહિ્વળ કરી ગયો હતો. હોઠ કે હૈયું મારા કહ્યામાં રહ્યાં નહોતાં.
‘આપ કોણ છો, તે કહેશો!’ પછી તો મેં હામ ભીડીને કહી જ દીધું હતું: ‘પાકીઝા! પગ જોયા છે, મુખ જોવાનું બાકી છે તે...’ મારું આમ કહેવું સાંભળી તે મૌન થઇ ગયા હતા. માત્ર ઘૂંટાતા શ્વાસના પડઘા જ મારી કણેgન્દ્રિયને અથડાતા હતા. ‘ક્યારે મળવા આવો છો?’ ટેવવશ જ બોલાઇ ગયું હતું. તો સામે પ્રત્યુત્તર હતો: ‘હું પછી નિરાંતે વાત કરું છું.’ અનિરુદ્ધ કોણ છે, શું કરે છે, કશી જ ખબર નહોતી. આમ છતાં મળવાનું નક્કી કરી દીધું હતું. નક્કી કર્યા પછી પસ્તાવો પણ પજવવા લાગ્યો હતો. સ્ત્રી ક્યારેય ખુલ્લું ઇજન ન આપે, પણ જિંદગીમાં પહેલી વખત જ અહેસાસ થયો હતો કે, મારામાં એક બીજી સ્ત્રી પણ જીવે છે!
પહેલીવાર અમે મુંબઇની ચોપાટી પર મળ્યાં હતાં. મળવા પૂર્વેના તરંગો, કલ્પના, એક આભાસી ચિત્ર... પણ પછી તો સઘળું ભૂંસાઇને એક વાસ્તવિક ચિત્ર, વ્યક્તિરૂપે સામે જ ઊભું રહ્યું હતું. એ કાળે અમારાં પાસે નહોતો સંયુક્ત ભૂતકાળ કે નહોતું ભવિષ્ય... માત્ર વર્તમાન જ બંધ મુઠ્ઠીમાં કેદ હતો. તેથી શું બોલવું, કહેવું, વાતોનો કોઇ વિષય જ નહોતો. એક ભારઝલ્લું મૌન જ અમારી સહોપસ્થિતિની સાક્ષીરૂપે હાજર હતું. તે વારંવાર નવલી નજરે મને જોયા કરતો હતો. મને દઝામણ જેવું લાગતું હતું.
ચામડી ચચરવા લાગતી હતી અને લોહી સાવ ઠંડું પડી જતું હતું. એક પ્રકારનો ડર મારા સામે રાનીપશુના જેમ ઘુરકીયાં કરવા લાગ્યો હતો. તેની પારદર્શક નજર અંદરબહારનું જોઇ શકે છે તેવું મને લાગતું હતું. તેણે ઊભા થતાં પૂર્વે મને કહ્યું હતું: અહીં દરિયાનું પાણી કાળું અને ડહોળું છે, અમારે મહુવા પાસેનો દરિયો એકદમ સ્વચ્છ છે. કાચ જેવું પાણી. આમ કહેવું સાંભળી મારાથી ફફડી જવાયું હતું. છતાંય આશ્ચર્ય સાથે બોલાઇ ગયું હતું: ‘ડહોળાં અને સ્વચ્છ પાણીની બરાબર ખબર લાગે છે! તે કશું બોલ્યા વગર હસવા લાગ્યો હતો. તેનું બાળક જેવું નિર્દોષ હસવું એટલું જ નહીં... આખું વ્યક્તિત્વ જ મારા દિલમાં વસી ગયું હતું. પ્રથમવાર મળ્યાં છીએ એવું નહીં, પણ અમારી ઓળખાણ તો જાણે વરસો પુરાણી છે!’
હું તો પથ્થરમાંથી પીગળી સાવ પાણીપાણી થઇ ગઇ હતી, ઝરણાની જેમ ખળખળ વહેવા લાગી હતી. પછી તો જેમ પહાડની ટોચ પરથી નીકળેલું ઝરણું પાછું વાળીને જોતું નથી એમ રસ્તામાં આવતી અડચણો, મુશ્કેલી પાર કરીને હું આગળ ને આગળ ધપવા જ લાગી હતી. ફિલ્મની હીરોઇન નાચવાવાળી હતી છતાંય પાકીઝા, પવિત્ર હતી, પણ હું તો મારી જાતને આજેય નક્કી કરી શકું તેમ ક્યાં છું!? અનિરુદ્ધ ભાવનગરથી સુરત અને મુંબઇ હીરાની લેવડદેવડનો ધંધો કરે છે. તેથી તેને આમ નીકળવું, મને મળવું શક્ય બને છે. વળી પૈસાનો કોઇ જ પ્રશ્ન નથી. અમે સારી લક્ઝરી હોટલમાં રહી શકીએ છીએ.
ભલે મહિનામાં એકાદ વખત આમ મળવાનું બને, પણ જિંદગી ભરી ભરી લાગે. મને થવા લાગ્યું કે, મંજિલ મળી છે. જે મુકામ પર મારે પહોંચવું જોઇએ ત્યાં પહોંચી ગઇ છું. અમૃત ભરેલા તળાવના કાંઠે બેસીને આમ જ મારે ખોબે ખોબે અમૃતનું આચમન કરતાં રહેવાનું છે, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી, પણ મારી આ એષણા મને હવે સાવ પોલી અને તકલાદી લાગે છે. રહી રહીને એક જ સવાલ સાપના જેમ ફુત્કારીને સામે ઊભો રહે છે આ બધું ક્યાં સુધી? દરેક સ્થિતિની એક હદ, સીમા હોય છે. હદ આવ્યા પછી બેહદ થવાતું નથી અથવા થવાનું હોતું નથી.
ઘણી વખત તીર તાણીને અનિરુદ્ધ મારા સામે ઊભો રહે છે. એ વેળાએ તેના ભાથામાં તીર જેવા અનેક સવાલો હોય છે આમ છતાં એક જ સવાલ પૂછે છે: ‘તું ભાવનગર કોના ઘરે આવી હતી?’ વેધક સવાલ મને વીંધી નાખે છે. લોહીથી લથબથ કરી મૂકે છે. હું સાવ નિર્જીવ એવો માંસનો લોચો થઇ જાઉં છું. શ્વાસ થંભી જાય છે, વાચા હણાઇ જાય છે. હું શું બોલું? શો જવાબ આપું?? મારું અબોલપણું શંકાને મજબૂત બનાવે છે. તેની આ એક જ રટણાનું કારણ મને સમજાતું નથી. બીજું ઘણું પૂછવા જેવું છે, છતાંય પૂછતો નથી, પૂછવાનું ટાળે છે.
મારો જવાબ મેળવ્યા પછી અનિરુદ્ધ મને સમાજની વચ્ચે લઇ જઇ માન સન્માન કે સંબંધને સર્વમાન્ય નામ આપવા ઇચ્છે છે, પણ એ તો ઉઘાડી આંખનાં સમણાં જેવું છે. વળી તે નાદાન કે અણસમજુ યુવાન નથી. તેથી આવી હરક્ત કરે. ભલે બીજી કશી જ પૂછતાછ ન કરે, પણ આંખના પલકારામાં પામી જાય, શ્વાસમાત્રથી સમજી જાય તેવો ચબરાક માણસ છે. અમારું મળવાનું નક્કી થાય તે સાથે જ મને ડર સતાવવા લાગે છે કે અનિરુદ્ધ પેલો ભાવનગરવાળો તો સવાલ નહીં પૂછે ને!? મળવાની તડપન સામે આ સવાલ વિલન થઇને ઊભો રહે છે. મારું ચપટીક સુખ છીનવાઇ જાય છે. કોઇ ક્ષણે તો એમ થાય છે કે, ઘણા સંબંધ એવા હોય છે કે તેને ખૂબસૂરત વળાંક પર છોડી દેવા! પણ હૈયું એવું ક્યાં કહ્યાગરું છે!?
હું શું કરું? છીછરાં જળમાં હવે છબછબિયાં કરવાનું ગમતું નથી અને ઊંડાં જળમાં ઊતરવા ડૂબી જવાનો ડર લાગે છે. આમાંથી કોઇ ચોક્કસ રસ્તો શોધવાની મથામણે મેં અનેકવાર આ ફિલ્મને જોઇ છે, પણ કશી જ દિશા સાંપડતી નથી. થાય છે કે હું ખુદ એક વાર્તા છું, ફિલ્મ છું અને તેનો એન્ડ શો હોઇ શકે તે કથાના લેખકને પણ ખબર નથી લાગતી! ખરું કહું તો કોઇપણ ભોગે હું અનિરુદ્ધને ગુમાવવા નથી માગતી. તે હવે મારા લોહીનો લય છે, શ્વાસનો પર્યાય છે. જેમ તેને ખોવા નથી માગતી તેમ તેના સામે કશું છુપાવવા પણ નથી માગતી. શ્વાસ અને વિશ્વાસના આ ખેલમાં છળકપટનો કોઇ પડદો હોવો ન જોઇએ. તે સઘળું જાણતો હોય અને છતાંય મારી પાસે આવતો હોય તો તે જાણે. બાકી મારે તો સાચું કહેવું જોઇએ.
આ તકે તો મને કશું જ સૂઝતું નથી. દૂર દૂર નજર લંબાવુુ છું તો મને નર્યો અંધકાર જ ભાસે છે. આંધળી અવસ્થામાં આગળ વધવાનું પરિણામ શું આવે એ તો સમય જ કહી શકે. બીજી રીતે કહેવું હોય તો એમ પણ કહી શકું કે મારી સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી છે. તે ન તો ગળી શકે, ન તો બહાર કાઢી શકે!
*** *** ***
હું અનિરુદ્ધ... લકઝરી બસમાં બેઠો, ‘પાકીઝા’ ફિલ્મ જોઇ રહ્યો હતો. તેનાથી પ્રેરાઇને મેં આ સ્ત્રીના પગમાં ચિઠ્ઠી મૂકી દીધી હતી. ભાઇડાવટ બતાવવા મોબાઇલ નંબર પણ લખ્યો હતો. પછીની સ્થિતિ તમે જાણો છો. લક્ઝરી બસની આરામદાયક સીટ, ફુલ એ.સી., બારી બહારનું આહ્લાદક ર્દશ્ય... ને તેમાં આવી કલાસિક ફિલ્મનું મનોરંજન. સામેની સીટના અર્ધખુલ્લા પડદામાંથી તેના પગ દેખાતા હતા. અદ્દલ ફિલ્મની પ્રતિકોપી જ રચાઇ હતી.
વળી, હું પણ ફિલ્મના હીરોની જેમ છેલ્લા બસસ્ટેન્ડ પરથી ચાલુ બસે ચઢ્યો હતો. તેમાં આ ગોરા, નાજુક અને નમણા પગને જોયા. થયું હતું કે ફિલ્મ વીડિયો દ્વારા દર્શાવાઇ નથી રહી, પરંતુ સાચ્ચે જ ભજવાઇ રહી છે. પડદો દૂર થશે અને તેનું મોં જોવા મળશે. એક જાતની ઉત્કંઠા કે ઇંતેઝારીએ મને એકદમ વહિ્વળ કરી મૂક્યો હતો. છેક સુરત આવ્યું, પણ મારી અપેક્ષાનો અંત આવ્યો નહોતો.
મનમાં એક પ્રકારની તાલાવેલી એટલી તો બળકટ બની હતી કે હું ફિલ્મ જોવાનું છોડીને એ સોફા તરફ જ દ્રષ્ટિ માંડી રહ્યો હતો. પવનના લીધે પડદો હલન ચલન પામે ને મારું હૃદય ધડકવાનું સ્થિર કરી દે. આંખોમાં રઘવાટ ઊભરાવા લાગે. એ, એ... કરતાં મોં ભરાઇ જાય, પણ પડદો તો પાછો એમ જ સ્થિર થઇ જાય. એક ક્ષણે તો અડપલું કરવાનું પણ સૂઝી આવ્યું હતું. ઊભો થઇને, અજાણ્યે જ હાથ અડી ગયો છે તેમ દર્શાવી પડદા ને હડસેલી નાખું! પણ ના, આમ જોવામાં જે લજિજત આવતી હતી, મીઠું સંવેદન પજવતું હતું કદાચ તેમાં વિક્ષેપ પડે; આવો ડર પણ ઓછો નહોતો.
જે બન્યું તે, પણ આ પાકીઝાના પ્રવેશથી મારા જીવનમાં ન સમજાય તેવી ચહલપહલ પેદા થઇ ગઇ છે. સાથોસાથે એમ પણ થાય છે કે કોઇ વૃક્ષને મૂળમાંથી ખેંચી લીધું હોય તેમ હું ખેંચાઇ ગયો છું અને બીજે ક્યાંક રોપાઇ ગયો છું! હું જાણું છું કે આવા સંબંધો ખરજવા જેવા હોય છે. તેને વલૂર્યા વગર ચાલે નહીં, વલૂરો ત્યાં સુધી મઝા આવે અને પછી લોહી નીંગળતી અસહ્ય પીડા.
મારાં વાણી, વર્તન અને વ્યવહારમાં આવી ગયેલો બદલાવ મારા હર્યાભર્યા પરિવારમાં અજાણ્યો રહ્યો નહોતો. હું અનમેરિડ છું. ગ્રેજયુએશન સુધી અભ્યાસ કર્યો છે. ઘેર જમીન જાગીર છે, બધું જ છે. તેમાં એક પાત્રનું ઉમેરણ કરવા પરિવારજનો આતુર છે. સારા ઘરની, સુશીલ કન્યા મળે તો મારાં મેરેજ કરી દેવાની ઉતાવળ સહેજ પણ ઓછી નથી, પણ પાયામાં પ્રશ્ન કન્યાનો છે. સમાજમાં છોકરીઓ ઓછી છે. જેવી મળે તેવી સ્વીકારીને ચલાવી લેવાનું છે.
ચલાવી લેવાનું જ હોય તો, પાકીઝા! શું ખોટી છે? રાજાને ગમતી રાણી, છાણાં વીણતી આણી! આટલું નક્કી કરવામાં મેં મારી જાત સાથે ભારે સંઘર્ષ કર્યો છે. સાવ નાની નાની બાબતોની મેં મુલવણી કરી છે, જાત સાથે સંવાદ કરીને પૂછ્યું છે : પાકીઝા રજવાડી પરિવારમાં શોભે એવી છે. તેની ઋજુવાણી, વિવેક અને ધીરગંભીરપણું ઊડીને આંખે વળગે તેવું છે. મેં સાવ રમતમાં એમ જ પૂછ્યું હતું: ‘તું નવવધૂ થઇને આવે તો...’ ‘મને છાતીસમો ઘૂંઘટ તાણીને લાજ-મર્યાદામાં ચાલવાની સહેજ પણ તકલીફ ન પડે.’ આમ કહેવામાં ઘણું આવી જતું હતું, સમાઇ જતું હતું. તેણે મારો સંપૂર્ણ સ્ટડી કરી લીધા પછીનો આ શોર્ટ અને સ્વીટ જવાબ હતો.
પણ મોટા બાપુ ભારે સૂઝબૂઝવાળા. મને કહે: ‘ભાઇ! સોનાની કટારી હોય એને ભેટમાં રખાય, પણ પેટમાં ન નખાય.’ બહુ ઓછા શબ્દોમાં મને ઘણું બધું કહ્યા પછી કહ્યું હતું: ‘ખાનદાન કુળની કન્યા મળી જશે, ગોઠવાઇ જશે.’ આ ખાનદાન કુળનો સવાલ તો ફિલ્મમાં પણ હતો. ખાનદાનીનો ખરો અર્થ કોઇ રીતે મારા મનમાં બેસતો નથી. પાડોશમાં જ એક પરણેલી સ્ત્રી, બીજા પુરુષનો પલંગ શોભાવે છે. પાકીઝા સાચું જ કહેતી હતી. ઘણી સ્ત્રીઓ બોર્ડ મારીને બજારમાં બેસતી નથી એટલું જ બાકી હોય છે!
મોટા બાપુને હું બીજી રીતે સમજાવવાનો પ્રયાસ કરતાં કહું છું: ‘બાપુ! અજાણ્યાં કે અણગમતાં પાત્ર સાથે આખું આયખું વેંઢારવું તેના કરતાં ગમતા- મનગમતા પાત્ર સાથે...’ ‘ગમે પણ ક્યાં સુધી?’ મોટા બાપુ જાણે તેમનો જાત અનુભવ કહેતા હોય તેમ ગળું ખંખેરી, છાતી ઠોકીને કહે છે: ‘ગમવાની પણ એક હદ હોય છે. ગળ્યું ક્યાં સુધી ભાવે?’કોયડો બરાબરનો ગૂંચવાયો છે. હું ભારે મનોવ્યથા અનુભવતો અવઢવમાં છું.
મારે ખરેખર શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ... ત્રાજવાનાં પલ્લાં માફક ઝૂલી રહ્યો છું. ઘર અને બજારની પેલે પાર જઇને મારે જાતને ફંફોસવાની છે, પૂછવાનું છે પછી જ નિર્ણય લેવાનો છે. હા, પાકીઝા સારી છે તેની મને ખબર છે અને તે સરનામા વગરની ટપાલ છે તેની પણ મને ખબર છે. આમ પૂર્વ અને પશ્ચિમના વચ્ચે બરાબર મધ્યાહ્નના આકરા તાપ તળે ઊભા રહેવાનું છે. જાત સાથે ઝઘડવાનું ભારે વસમું લાગે છે. સાવ ઉઘાડા થઇ કોઇને કહી શકાય તેમ નથી અને કહું તો પણ શું? જવાબ તો એક જ સાંભળવાનો છે: ‘ભાઇ! ગંગાજળ અને ગટરના પાણી વચ્ચેનો તફાવત તો તું જાણે છે ને!?’
પણ તેના સ્નેહભાવ સામે મને સઘળી બાબતો ગાૈણ અને સાવ તુચ્છ લાગે છે. તેનું તન-મન પર છવાઇ જવું, સ્નેહસાગરમાં છેક તળિયા સુધી લઇ જવું અને એક સાવ નવતર અનુભૂતિમાં રમમાણ કરવું. કોઇ સ્ત્રી આટલું વરસી શકે, છેલ્લી બુંદ સુધી નિચોવાઇ જાય, છેક તળિયેથી ઉલેચાઇ જાય... મારી તો કલ્પનામાં પણ નથી આવતું. છતાંય તદ્દન સાચું છે. વળી કોઇ જ પ્રશ્ન નહીં, કોઇ જાતની અપેક્ષા નહીં. ઘણી વખત કહે: ‘કોઇ, જગતનું કોઇ એક પાત્ર આટલી ઉત્તેજનાથી મને ચાહે છે એ જ મારી મૂડી છે, જીવન તૃિ’ છે.’
મારી જગ્યાએ તમે હો તો શું કરો!?ભલભલા માણસો ગોથું ખાઇ જાય તેવી આ સ્થિતિમાંથી બહાર નીકળવાનું છે. તેનો રસ્તો પણ મને મળી જશે. મને ભાળ મળી જશે કે તે ભાવનગરમાં કોની પાસે આવી હતી?પછી તો મારે જ નક્કી કરવાનું છે શું કરવું તેનું...
*** *** ***
અનિરુદ્ધ સાથેના સંબંધથી મારો તાલ તૂટી ગયો છે, લય બદલાઇ ગયો છે. હું વધારે પડતી એંગેજ રહું છું તેથી પાર્ટીઓને મારામાંથી રસ ઓછો થવા લાગ્યો છે. આર્થિક અને માનસિક સ્થિતિ ડામાડોળ થવા લાગી છે. સાવ મૌન અને ક્યારેક તો સ્તબ્ધ થઇ એમ જ કલાકો સુધી બેસી રહું છું. મારી જાત સાથે પણ વાત કરવા તૈયાર હોતી નથી. પછી મોબાઇલ કોલ્સ રિસીવ કરવાનો તો પ્રશ્ન જ ઉદ્દભવતો નથી! પાર્ટીઓના કોલ્સ માટે મેં મોબાઇલમાં અલગ અલગ રિંગટોન રાખેલા છે. જેથી કોનો કોલ ક્યારે રિસીવ કરવો, ન કરવો તેનો ખ્યાલ રહે. અહીં આમ ફરી વખત પસાર થવામાં ભાવનગરની પાર્ટી જ નિમિત્ત છે.
કોલ આવ્યો ત્યારે મનોસંઘર્ષની પરાકાષ્ઠા આવી ગઇ હતી. શું કરવું, જવું કે ના પાડી દેવી? એક વખત તો આખી રિંગ પૂરી થઇ ગઇ હતી ત્યારે રિંગટોન સાથે હૈયાના ધબકારા વધવા લાગ્યા હતા. નસોમાં વહેતું લોહી ઉષ્ણતાની મર્યાદા ઓળંગીને આગ લગાડી બેઠું હતું. શું કહું પાર્ટીને!? અનિરુદ્ધના ગામમાં જવાનું હતું. વળી આ પીડાદાયક સ્થિતિનો ઉદ્દભવ પણ આ ગામમાં ગયા પછી જ થયો હતો ને!? ગંગાનદીના ઘાટ પર બેઠી હતી. જો કાંઠે જ બેસી રહું તો તરસ્યે મરી જાઉં અને અંદર ઊતરું તો ડૂબી કે તણાઇ જવાનો ડર લાગે! પણ પાર્ટીને હા પાડી દીધી હતી. પૈસા વગર ચાલે એમ નહોતું ફ્લેટનું ભાડું તો સમયસર ચૂકવવું પડે.
અનિરુદ્ધની એક વાતે સાવ નિરાંત રહેતી. તે ક્યારેય સામેથી કોલ કરે નહીં. તેથી હું ક્યાં છું, કોની સાથે છું તેવી પૂછતાછ કરવાનો પ્રશ્ન જ પેદા ન થાય. વળી જે પાર્ટી મને બુક કરે તે તેની પ્રતિષ્ઠા ખાતર પણ મને સેઇફ જગ્યાએ રાખે. જેથી અન્ય કોઇને, તેમાં અનિરુદ્ધને તો ખબર પડવાને કોઇ કારણ જ હોતું નથી. ‘અનિરુદ્ધને ખબર ન પડે તે તારો ભ્રમ છે.’ મારા કાનમાં નહીં, પણ મનમાં બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેમ થયું. હું એકદમ બેઠી થઇ જાઉં છું, કશાક ડર સાથે હાંફવા લાગું છું. કંપ અને પરસેવો સ્પર્ધામાં ઉતર્યા હોય એવું બને છે. એ.સી. હોવા છતાં તનબદન પર રેગાડાં ઊતરવા લાગ્યાં છે.
બસ હાઇવે પર દોડવા લાગી છે, પણ છેલ્લા સ્ટેન્ડ પરથી કોઇ પેસેન્જર ચઢયું હોય તેવું મને લાગે છે.કોણ હશે? આવો સવાલ સળવળે તે પહેલાં જ એક ધારદાર અવાજ બસમાં પડઘાઇને મારા કાને અથડાયો.‘એલા, આ પાકીઝા! સિવાયની બીજી કોઇ સી.ડી. જ તારી પાસે નથી!’ અનિરુદ્ધ, બસના કલીનરને કહેતો હતો: ‘બીજી કોઇ ફિલ્મની સી.ડી. ચડાવ.’એક ક્ષણે તો એમ થયું કે કાનમાં આંગળીઓ ખોંચી દઇને ચિત્કારી ઊઠું: ‘ના, આ અનિરુદ્ધનો અવાજ નથી.’પણ હકીકતનો સ્વીકાર કર્યા સિવાયનો મારા પાસે કોઇ જ વિકલ્પ નથી. હું આઘાતની મારી સોફાસીટ પર ઢળી પડું છું. કપડાંનું ઠેકાણું રહ્યું નથી.ચોમાસાના લીધે રોડ ખરાબ થઇ ગયો છે. બસ બ્રેકના લીધે આંચકા અનુભવે છે. સીટની સાઇટમાં ઝૂલતો પડદો વારંવાર ખસી જાય છે, પણ હવે શો ફેર પડવાનો છે? મને જુએ કે ન જુએ!
Comments
Post a Comment
Thanx For Comment