મારે નોકરી માટે લાઇનમાં ઊભા રહેવું નથી. પછી ભણવા પાછળ યુવાનીનાં અમૂલ્ય વરસોને વેડફી શું કરવા દેવા?
પરાગે વાતને થોડીવાર મનમાં ઘોળી પછી વિચારની મહોર મારીને કહ્યું: રુદ્રા, હું ઘર અને આ શહેર છોડીને જાઉં છું. રુદ્રા કંઇ સમજી ન હોય એમ પરાગ સામે જોઇ રહી. પરાગે ભારપૂર્વક કહ્યું: હું અહીંથી હંમેશ માટે જાઉં છું, ક્યારે પાછો આવીશ, કેવી સ્થિતિમાં આવીશ તે કહેવું મુશ્કેલ છે. રુદ્રા, પરાગના આવા તરંગી સ્વભાવથી સંપૂર્ણ અવગત હતી તેથી તેનું આમ કહેવું નવું ન લાગ્યું. તેણે સાવ સહજતાથી પૂછ્યું: આપ ક્યારે મહાભીનીષ્ક્રમણ કરવાના છો!
પરાગને કલ્પના પણ નહોતી કે રુદ્રા આઘાત અનુભવવાના બદલે આવો વ્યંગ કરશે! આમ પણ માણસની સરેરાશ સંવેદના બુઠ્ઠી અને બરછટ થવા લાગી છે... તે બોલી: તને એમ છે કે, તારું આમ કહેવું સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકવા લાગશે, હું બેભાન થઇને ઢળી પડીશ...! રુદ્રાનું આમ કહેવું પરાગ શાંત ચિત્તે સાંભળી રહ્યો હતો. તેને રુદ્રાની ચિંતા હતી, કારણ કે લોહીનું નહીં સ્નેહનું સગપણ છે, પણ ધારણા ખોટી પડી. પોતે નરસિંહ મહેતા હોત તો બોલત: ભલું થયું ને ભાંગી જંજાળ, હવે સુખે ભજીશું શ્રીભગવાન પણ બંને અબોલ રહ્યાં. મૌનનું ભારેખમ વાતાવરણ રચાવા લાગ્યું.
પરાગ એક નવું કરનાર નખરાળો યુવાન છે. તેને લોકો કહે છે એવું ચીલાચાલુ કંઇ કરવું ગમતું નથી. વળી દેખાદેખીમાં સહેજ પણ રસ નથી. તેના પાસે સેલફોન નથી અને સાઇકલ લઇને કોલેજે આવે છે. ઘણા કોલેજિયનો તેને તરંગી અથવા તો પાગલ સમજે છે. આમ તો આવા યુવાનો જ સમાજને કંઇક કરી દેખાડે છે. બાકી ડાહ્યા લોકો તો વાતોનાં વડાંથી વિશેષ કંઇ કરી શકતા નથી. પરાગ નોખી માટીનો યુવાન છે. તેના અનોખાપણાને લીધે સૌની નજરમાં આવી અને રુદ્રાના દિલમાં વસી ગયો છે અને કોઇના હૃદયમાં આમ વસી જવું અને પછી ખસી જવું તે પરાગના સ્વભાવમાં નથી.
વળી, આમ કલાસમાં ભણવું જીવનમાં કેટલું ઉપયોગી થશે એ તેનો સળગતો સવાલ છે. પરાગે કહ્યું: ‘મારે નોકરી માટે લાઇનમાં ઊભા રહેવું નથી. પછી ભણવા પાછળ યુવાનીનાં અમૂલ્ય વરસોને વેડફી શું કરવા દેવા? પરાગનું આમ કહેવું કંઇ નવું નહોતું છતાંય રુદ્રા એકચિત્તે સાંભળી રહી હતી. તે કહેતો, જીવનને ઉત્તમ અને બહેતર બનાવવા કારકિર્દી ઘડવી જોઇએ પણ એનો અર્થ એ નથી કે ઘેટાંની જેમ એક જ લાઇનમાં ચાલવું.
દરેકે નવી કેડી કંડારી, પોતીકા મિજાજ પ્રમાણે કેળવાઇને એ રીતે જીવવું જોઇએ. આવું સાંભળી સૌ પરાગને હસવામાં કાઢી નાખતા પણ રુદ્રાને તો આવો જરા હટકે યુવાન જ ગમતો હતો. તેથી ફ્રેન્ડશિપ થઇ હતી, પણ મનમાં નક્કી હતું કે, એટલા નજીક ન આવવું કે જુદાં થવું અઘરું બને અને એટલા દૂર પણ ન રહેવું કે ભેગાં થવામાં મુશ્કેલી પડે! વળી આ સનકી છોકરો ક્યારે શું કરે તેનું કહેવાય નહીં. રુદ્રા ઘેરા અને ગંભીર સ્વરે બોલી: તું એક દિવસ આમ કહેવાનો છો તેની મારી માનસિક તૈયારી હતી. તેથી આઘાત લાગવાનો સવાલ પેદા થતો નથી, પણ તારાં મમ્મી-પપ્પાનો કાંઇ વિચાર કર્યો છે! પરાગ બે ઘડી વિચારમાં ખોવાઇ ગયો. પછી બોલ્યો: હાલ તો તેઓ સશકત છે.
જ્યારે જરૂર જણાશે ત્યારે જાતે હાજર થઇ જઇશ. તે શ્વાસ ગળીને બોલ્યો: તેમના પાસે પાર વગરનો પૈસો છે અને કહે છે, આ બધું તારા માટે જ કરું છું. વાતને વચ્ચે કાપીને રુદ્રા બોલી: તું એક જ દીકરો એટલે સીધી લીટીનો વારસદાર છો. પરાગે દલીલ કરતાં કહ્યું: તેની ના નથી. પણ હું મારા પગ પર ઊભો રહેવા માગું છું અને મને જે મળે છે તેની જરૂર નથી અને જરૂર છે તે મળતું નથી. વાત તદ્દન મુદ્દાની છે. સંતાન માત્ર સંપત્તિનો વારસદાર બને એટલું પૂરતું નથી. સંસ્કારનો પણ વારસદાર થવો જોઇએ. રુદ્રાએ ચીમકી આપતાં કહ્યું: પરાગ! કહેવું સહેલું છે પણ તેનો અમલ કરવામાં આંખે પાણી આવી જાશે, બરાબર વિચારી લે.
પરાગે રુદ્રાની આંખમાં આંખ પરોવી પછી આછું સ્મિત ફરકાવીને કહ્યું: એક તો મારી જરૂરિયાત ન્યૂનતમ છે. વળી કોઇ કામ કરવાનો મને સંકોચ નથી, મેનેજરથી માંડીને મજૂર થવા સુધીની મારી તૈયારી છે. આમ તો પરાગમાં કંઇ કહેવાપણું નથી. તે બરાબર ઘડાયેલો છે. જરાય માયકાંગલો નથી. છતાંય રુદ્રા તેને ચકાસી રહી હતી. હા, પરાગને કંઇ યાદ આવ્યું હોય તેમ બોલ્યો: હું ભાગીને જતો નથી. ભાગવું તે કાયરતા છે, હું તો જીવનનો જંગ ખેડવા જઇ રહ્યો છું! કદાચ પરાગનું આમ કહેવું વધારે પડતું લાગે પણ આવા અનેક યુવાનો ગુજરાતમાં છે.
જેમણે જુદા જ પ્રકારના સાહસ કરી જિંદગીને નવો મોડ આપ્યો છે. ઢળતી સાંજના સથવારે બંને અબોલપણે એમ જ ચાલતાં રહ્યાં. એકબીજાની હૂંફ મૌન સંવાદ રચી રહી હતી. સૂરજનાં સોનેરી કિરણો મોં પર લીંપાઇ રહ્યાં હતાં. મનમાં એક જાતનો ઉચાટ ધબકી રહ્યો હતો. આવતીકાલ કેવી હશે? તેની કલ્પના માત્રથી હૈયું વલોવાઇ જતું હતું. છતાં બંને સમજના એક મુકામ પર આવીને ઊભાં રહ્યાં હતાં તેમાં પાછું વળવું હવે વાજબી નહોતું. એક વખત તો ભલે થઇ જાય, જે થવાનું હશે તે થશે! યુવાનીનો જોમ-જુસ્સો અટલ હોય છે અને હોવો પણ જોઇએ.
થોડું સાથે ચાલ્યાં પછી પરાગ બોલ્યો: આવતીકાલે આપણે આમ સાથે નહીં હોઇએ. રુદ્રા એકદમ ઊભી રહી ગઇ. તેને પરાગનો ઢીલો સ્વર ગમ્યો નહીં. થયું કે આ માણસ ક્યાંક છેલ્લી ઘડીએ ફસકીને ઊભો રહે નહીં. ઘણા માણસો આરંભે શૂરા હોય પણ આગળ જતાં પાણીમાં બેસી જતા હોય છે. હા, ન પણ હોઇએ તેથી શું? રુદ્રા સહેજ ઊંચા અવાજે બોલી. પરાગ ઠરી ગયો. વળી પાછું મૌનનું સામ્રાજ્ય છવાયું. આવા નાજુક સમયે મન ભારે ઉદ્વિગ્નતા અનુભવતું હોય છે.
મક્કમતાથી કામ લેવું પડે. બંનેને છુટ્ટાં પડવાની એક હદ આવી ગઇ હતી. પ્રેમ એ બંધન નથી પણ મુક્તિ છે. રુદ્રાએ કઠણ મન કરીને કહ્યું: પરાગ! હવે આપણે સાથે હોઇશું કે કેમ તેની ખબર નથી, પણ તારું આ નોખું અને અનોખું વલણ મારા હૃદયના ખૂણામાં કાયમી અકબંધ રહેશે, ભૂલવા ધારું તો પણ ભૂલી નહીં શકું. પછી હૃદયના ભાવથી બોલી: બેસ્ટ ઓફ લક... સર્વથા સફળ થાઓ...! પરાગે નવી નજરે રુદ્રા સામે જોયું. પળભર જોતો રહ્યો. રુદ્રા સહેજપણ વિચલિત થઇ હોય એમ લાગ્યું નહીં. પછી થેન્કયુ કહી તે મક્કમ પગલે ચાલવા લાગ્યો. રુદ્રા ભીની આંખોએ તેને ઓજલ થતો જોઇ રહી... થયું કે મારી પસંદગી ખોટી નથી, મારો પ્રેમ પડછાયાની જેમ તારી સાથે હશે!
Comments
Post a Comment
Thanx For Comment