ડૉ.. શરદ ઠાકર: બીતી હુઇ જિંદગી કી બસ ઇતની સી કહાની હૈ



 
જો સમાજ અને કાયદો છુટ આપતો હોત તો એ અને કુંજુ જીવનભર સાથે જ રહ્યાં હોત.

નિશ્રા એના પતિની સાથે જહોનિસબર્ગના એરપોર્ટ ઉ૫ર ઊતરી એ સાથે જ એણે યાદ કરાવ્યું, ‘કુંજુને ફોન કરવાનો છે એ યાદ છે ને?’માંગલ્ય હસી પડ્યો, ‘હજુ તો વિમાનનાં પૈડાં હમણાં સ્થિર થયાં છે. પહેલા આપણને બહાર નીકળવા દે. અહીં તો મોબાઇલ ફોન ચાલુ કરવાનીયે મનાઇ છે. થોડીવાર રાહ જો.’‘તને તો ખાલી વાતો કરતાં આવડે છે. બોલી ગયો કે રાહ જો! કુંજુને છેલ્લે જોઇ હતી એ વાતને આજે પંદર વર્ષ થયાં. એ મારી સૌથી નજીકની ‘ફ્રેન્ડ’ હતી. એને મળવાનું તો હજી કોણ જાણે ક્યારે ગોઠવાશે! પણ અત્યારે એને જાણ તો કરી દઉં કે હું તારા દેશમાં આવેલી છું.’

‘એના વગર તું પંદર વર્ષ રહી શકી તો હવે પંદર મિનિટ માટે નહીં રહી શકે?’ માંગલ્યને પત્નીની અધીરાઇ જોઇને રમૂજ થતી હતી. આટલી અધીરાઇ તો નિશ્રા પોતાના પતિ માટેય નહીં અનુભવતી હોય! કંઇ કેટલીયે વાર માંગલ્ય બિઝનેસ વર્ક માટે પરદેશમાં જતો હતો, પંદર-વીસ દિવસના વિરહ પછી પાછો અમદાવાદ આવતો ત્યારે નિશ્રા એની પ્રતીક્ષામાં શરીરની સુગંધ અને હૃદયનો રંગ બિછાવીને બેસી રહેલી જોવા મળતી. પણ એ નિશ્રા જુદી હતી અને આ નિશ્રા જુદી!‘કન્વેયર બેલ્ટ’ આગળ લગેજની રાહ જોઇને ઊભા હતા, ત્યારે ફરી પાછું નિશ્રાએ કહ્યું, ‘હવે તો મોબાઇલ ફોન ચાલુ કરી શકાય.’

‘અરે, કરું છું, દેવીજી, કરું છું. મારા બદલે કુંજુની સાથે જ લગ્ન કરી લેવા હતા ને?’ આટલું કહીને માંગલ્યે સેલફોન ચાલુ કર્યો. નિશ્રાએ પર્સમાંથી કાગળની કાપલી કાઢીને પતિને આપી. એમાં કુંજુના ઘરનો ફોન નંબર લખેલો હતો.નિશ્રા વિચારી રહી. માંગલ્યનો ટોણો ભલે ખોટો હતો, પણ એમાં સમાયેલું તથ્ય ખોટું ન હતું. જો સમાજ અને કાયદો છુટ આપતો હોત તો એ અને કુંજુ જીવનભર સાથે જ રહ્યાં હોત. છેક શાળામાં ભણતી હતી ત્યારની એ બંને સાહેલીઓ હતી.

સગ્ગી બહેનો વચ્ચેનો પ્રેમ પણ એમના પ્રેમ આગળ ઝાંખો પડી જાય. બંનેનું કૌટુંબિક વાતાવરણ એકસરખું હતું. લોઅર મિડલ કલાસમાં હોઇ શકે તેવું. એટલે મોજશોખની મર્યાદાઓ પણ એકસરખી હતી અને જિંદગીના અભાવો પણ એક સમાન હતા. શાળાની રિસેસમાં અન્ય છોકરીઓ જ્યારે પોપકોર્ન કે નમકીનનાં પેકેટ્સ ખરીદીને નાસ્તો કરતી હતી, ત્યારે નિશ્રા અને કુંજુ પ્લાસ્ટિકના ડબ્બામાં ઘરેથી લાવેલા વઘારેલા મમરા ખાઇને ચલાવી લેતી હતી.

યૌવન આવ્યું અને સાથે એનો તમામ વૈભવ લઇને આવ્યું. સાધારણ ઘરની છોકરીઓ રાજકુંવરી જેવી દેખાવા માંડી. નસીબની દેવીએ પ્રથમ આશીર્વાદ નિશ્રા ઉપર વરસાવ્યો. તેજિસ્વતાના અશ્વ ઉપર સવાર થઇને એક સપનાનો રાજકુમાર આવી પહોંચ્યો અને નિશ્રાની સામે અદબથી ઝૂકી ગયો, ‘મારું નામ માંગલ્ય. આઇ.આઇ.એમ. અમદાવાદમાંથી એમ.બી.એ. થયેલો છું. મલ્ટિનેશનલ કંપનીની અમદાવાદ ખાતેની ઓફિસમાં વાર્ષિક ચોંત્રીસ લાખના પેકેજ સાથે ‘જોબ’કરું છું.’

‘આ બધું મને શા માટે જણાવો છો?’‘તો બીજા કોને જણાવું?’ માંગલ્યની આંખોમાં ભીનાશ છવાઇ ગઇ, ‘નિશ્રા, તને ચાર દિવસ પહેલાં જ્ઞાતિના એક ફંકશનમાં જોઇ છે, ત્યારથી...! જવા દે, વધુ કંઇ નથી કહેવું. બસ, એટલું પૂછવું છે કે મારા ઘરમાં લક્ષ્મીના ચાર હાથ વ્યાપ્ત છે, હવે કમી માત્ર ગૃહલક્ષ્મીની છે. એ તું બનીશ?’ આજે નિશ્રા અને માંગલ્યનાં લગ્નને અઢાર વર્ષ થઇ ગયાં છે.

નિશ્રા પરણી ગઇ, હવે કુંજુનો વારો હતો. વિધાતાએ એની કસોટી કરવા માટે એકને બદલે બબ્બે યુવાનો મોકલી આપ્યા. બંને મુરતિયાઓ એકમેકને ટક્કર મારે તેવા હતા. લગભગ ચોવીસ કલાકના સમયગાળામાં જ બેઉના ઘર તરફથી માગાં આવ્યાં. અમદાવાદનો અખિલેશ અને જહોનિસબર્ગનો જેકી. કુંજુ મૂંઝાઇ ગઇ. માર્ગદર્શન માટે નિશ્રા પાસે દોડી ગઇ.

નિશ્રાએ વિગત પૂછી. કુંજુએ માહિતી આપી, ‘અખિલેશ હેન્ડસમ છે, હસમુખો છે, ચબરાક છે અને જીવનમાં કંઇક કરી બતાવવાનો એનામાં તરવરાટ છે. જેકી મૂળમાં તો ગુજરાતનો જ છે. ખરું નામ જયકશિન, પણ ભારતમાંથી વિજ્ઞાનનો ઉચ્ચ અભ્યાસ કરીને છેલ્લાં પાંચેક વર્ષથી એ દક્ષિણ આફ્રિકા ચાલ્યો ગયો છે. ત્યાંની એક વિજ્ઞાન સંસ્થાનમાં સાયિન્ટસ્ટના ઉચ્ચ હોદ્દા પર જોડાઇ ગયો છે. એ પણ હેન્ડસમ છે, સ્માર્ટ છે, હોશિયાર છે.

મને તો સમજ નથી પડતી કે કોના પર કળશ ઢોળું!’‘તને એ બંનેમાંથી કોણ વધારે ગમે છે?’‘જો દિલની વાત કરું તો અખિલેશ ગમે છે, પણ મારું દિમાગ જેકીની તરફ ઢળે છે. કારણ સ્પષ્ટ છે, અખિલેશમાં તેજિસ્વતાનો તણખો છે. પણ અત્યારે તો એ સાધારણ આર્થિક સ્થિતિ ધરાવે છે. ભવિષ્યમાં કદાચ એ નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરે એવું બની શકે. ત્યારે એ જરૂર ધનવાન બની જવાનો, પણ જેકી તો અત્યારે જ પૈસાદાર છે. વળી એ પરદેશમાં ‘સેટલ’ થયો છે, એટલે ત્યાંની સુખ-સુવિધાપૂર્ણ જિંદગીનુંયે મને આકર્ષણ ખરું. ઉપરાંત એ વૈજ્ઞાનિક હોવાથી એની જીવનદ્રષ્ટિ, સમજણ એ બધું સરેરાશ પુરુષ કરતાં ચડિયાતું હોય તે સમજી શકાય તેમ છે.’

‘જો એવું જ હોય તો પછી તને જેમ ઠીક લાગે તેમ કર! બાકી હું તો એટલું જ સમજું કે આપણા ઘરઆંગણે જો સારો છોકરો મળી જતો હોય તો એટલે દૂર જવામાં શાણપણ નથી.’ નિશ્રાએ સલાહ પણ આપી દીધી અને સાહેલીને જે કરવું હોય તે કરવાની છુટ પણ આપી દીધી.

કુંજુએ અખિલેશ નામની લોકલ ટ્રેન છોડી દીધી અને જેકી નામના જેટ વિમાનમાં બેસીને સાઉથ આફ્રિકા જવાનું પસંદ કરી લીધું. ત્યાં ગયા પછી થોડોક સમય બંને સાહેલીઓનો સંપર્ક ચાલુ રહ્યો, પછી ધીમે-ધીમે ઓછો થતો ગયો અને પછી બંધ થઇ ગયો. આજે આટલા વરસે નિશ્રાએ કુંજુનો ફોન નંબર મેળવવા માટે પણ એના પપ્પાના ઘરે જવું પડ્યું હતું, ત્યારે એનો બદલાયેલો નંબર હાથ લાગ્યો.

નિશ્રાના મનમાં આ બધો ‘ફ્લેશબેક’ ચાલતો હતો, ત્યારે માંગલ્ય કુંજુનો ફોન નંબર લગાડી રહ્યો હતો. લાગી ગયો. વાત નિશ્રાએ જ કરી. સમાચાર સાંભળીને કુંજુ ઊછળી પડી. ફરમાન છોડી દીધું, ‘ખબરદાર, જો હોટલમાં પગ મૂક્યો છે તો! સીધા મારા ઘરે જ આવવાનું છે. હું ગાડી લઇને તમને લેવા માટે આવું છું.’ કુંજુ ખરેખર વીસ મિનિટ પછી આવી પહોંચી.

પૂરા સાત દિવસ સુધી નિશ્રા અને માંગલ્ય કુંજુના ઘરમાં રહ્યાં. ભવ્ય મકાન હતું, સાહ્યબી હતી, બે દેવબાળ જેવાં સંતાનો હતાં, જેકીનો સ્વભાવ પણ ખૂબ સારો હતો, પણ કોણ જાણે કેમ નિશ્રાને એવું લાગ્યા કરતું હતું કે આખાયે ચિત્રમાં એકાદ રંગ ખૂટે છે. સુખની થાળીમાં એક નાનકડી વાનગીનો સ્વાદ ગાયબ છે. એને એવું પણ લાગતું હતું કે કુંજુ પોતાને કશુંક કહેવા માગે છે, પણ કહી શકતી નથી.

નિશ્રાને અનેકવાર એવું પૂછવાની ઇચ્છા થઇ આવી કે - ‘કુંજુ, તું સુખી તો છે ને? કોઇ વાતનું દુ:ખ તો નથી ને?’ પણ એ પૂછી ન શકી. આટલાં લાંબા વર્ષોથી સંપર્ક કપાઇ ગયો હોવાથી બંનેની વચ્ચે એક અંતર પડી ગયું હતું તે એક કારણ. વધુમાં પરદેશની રીતભાત. આવો અંગત સવાલ પુછાય જ નહીં એવો રિવાજ. નિશ્રા ચૂપ જ રહી.

પ્રવાસ પૂરો કરીને નિશ્રા-માંગલ્ય ભારતમાં પાછાં આવી ગયાં. ઘરે પહોંચીને નિશ્રાએ ફોન કર્યો, ‘કુંજુ, તારો ખૂબ-ખૂબ આભાર! તેં અને તારા પતિએ અમને ખૂબ સારી રીતે...’ કુંજુના સ્વરમાં ગભરાટ હતો, ‘નિશ્રા, તું મહેરબાની કરીને ફોન મૂકી દે. હું થોડીવારમાં કરું છું.’ પંદર મિનિટ પછી કુંજુએ સામેથી વાત કરી, ‘નિશ્રા, હું તને કંઇક કહેવા માગું છું. ઘરેથી વાત કરવામાં જોખમ હતું, માટે બહારથી ફોન કર્યો છે. તમે જોયું હશે કે હું ભૌતિક દ્રષ્ટિએ અત્યંત સુખી છું , પણ અંદરની વાત માત્ર હું જ જાણું છું.

જેકી ચારિત્રયની બાબતમાં સાવ જ ખરાબ છે. હું તો હવે એનાં લફરાઓની ગણતરી કરવાનુંયે ભૂલી ગઇ છું. પણ સૌથી ખરાબ બાબત એ છે કે જેકી એક ઉત્તમ સાયિન્ટસ્ટ હોવા છતાં પૂરેપૂરો વહેમી, અંધશ્રદ્ધાળુ અને ભૂત-પ્રેતમાં શ્રદ્ધા રાખનારો ગામડિયો પુરુષ છે. જેટલો સમય એ ઘરમાં હોય છે એટલો સમય એ પોતાના રૂમમાં ભરાઇને જાદુ-ટોના, મંત્ર-તંત્ર અને મેલી વિદ્યાના પ્રયોગો કરતો રહે છે.

હું તો ડરની મારી એનાથી દૂર જ રહું છું. માત્ર તમે આવ્યાં, એટલા દિવસ માટે જ એનું વર્તન સામાન્ય રહ્યું. આજે મને અફસોસ થાય છે કે જેકીની પસંદગી કરીને મેં મોટી ભૂલ કરી નાખી છે. આના કરતાં તો અખિલેશ જોડે લગ્ન કર્યું હોત તો....’ કુંજુ રડી રહી હતી. નિશ્રા એને વધારે રડાવવા નહોતી ઇચ્છતી, માટે જ એણે જણાવ્યું નહીં કે- ‘કુંજુ, તેં તારા દિલની વાત ન માનીને ખરેખર ભૂલ કરી છે, અખિલેશ આજે જેકી કરતાંયે વધારે શ્રીમંત છે અને એની પત્ની તારા કરતાં વધારે સુખી છે.’ 

Comments