રાઘવજી માધડ: હોઠ બંધ થઇ જાય ત્યારે હૈયું બોલવા લાગે છે...


સવારના પહોરમાં જ અદ્વેતનો ફોન આવ્યો. સુપ્રભાત... કહીને તેણે વાત શરૂ કરી. ગઇકાલે ન આવ્યો તેથી દ્વેતાને સખત ગુસ્સો હતો, ફોન કટ કરી નાખવો હતો પણ અદ્વેતના અવાજમાં રહેલો જાદુ અને કાઠિયાવાડી મીઠાશે તેને વાત સાંભળવા મજબૂર કરી...

સુગંધને પ્રસરાવવા માટે ફૂલોએ શિક્ષા લેવી નથી પડતી અને ઉજાસને પાથરવા માટે દીવડાએ દીક્ષા લેવી પડતી નથી. બધું અંતરથી અને અંદરથી ઊગતું હોય છે. દ્વેતાને પણ આવું જ છે. સૂઝ, સમજ અને શરીર સૌષ્ઠવ ઇશ્વરદત્ત છે. સ્વભાવ પણ એવો છે કે કોઇના સુખમાં નિમિત્ત બનો પણ ભાગીદાર નહીં અને કોઇના દુ:ખમાં ભાગીદાર બનો પણ નિમિત્ત નહીં. પતંગિયાને તેનું તેજ કેદ થવામાં કારણ બને એમ દ્વેતાને તેની આ માનવીય અને કમનીય મહેક અનેક યુવાનોના દિલમાં કેદ થવા કારણભૂત બની છે, એક જાતની સમસ્યા સર્જી છે.

દ્વેતા પથારીમાં પડખાં ઘસે છે. ઊંઘવાનો પ્રયાસ કરે છે પણ આંખોમાં ગાંધી જયંતીની ઉજવણીનો આખો માહોલ ફિલ્મની જેમ પસાર થઇ રહ્યો છે. એક યુવાને સવાલ છેડ્યો હતો કે આજે હવે ગાંધીજી કેટલા પ્રસ્તુત? સામે દ્વેતાએ જવાબ આપતાં કહ્યું હતું: ‘સત્યના પ્રયોગો-આત્મકથા વાંચો, વિચારો અને પછી આ સવાલ કરો. ગાંધી એક પ્રબળ વિચારપુરુષ હતા. સદ્વિચારો ક્યારેય નાશ પામતા નથી. ગઇકાલે જેટલા મહત્વના હતા. એટલા જ આજે છે. બાપુની પ્રસ્તુતિ આવતા યુગમાં પણ હશે.’ દ્વેતાના સૂરમાં સૂર પુરાવતાં બીજા યુવકે કહ્યું હતું: ‘બાપુ તો ઊર્જાનો સ્ત્રોત છે. બાપુનું વિભૂતિ તત્વ જ એટલું પ્રબળ છે કે આવતાં અનેક વરસો સુધી તેનો સંસ્પર્શ આપણને થતો રહેવાનો.’ આ બધા જ વિચારો મૌલિક હોય એવું નહોતું પણ યુવાનો વાંચી, વિચારીને આવ્યા હતા.

દ્વેતાની વિહવળ આંખોમાં એક યુવાન રમતો હતો પણ ક્યાંક દેખાતો નહોતો. સંપર્ક કરવા મન ઝાલ્યું રહ્યું નહોતું પણ તે મોબાઇલ રાખતો નથી. દ્વેતાનાં ભવાં ચઢી ગયાં હતાં. આમ તો તે ગાંધી વિચારધારાનો પ્રબળ અને પ્રખર હિમાયતી છે પણ કાર્યક્રમમાં જ ન આવ્યો. તેના પ્રત્યેનો પ્રેમાળ ગુસ્સો દ્વેતા ગળી ગઇ હતી.

કાર્યક્રમમાં એક યુવતીએ ફેન્ટસી રજૂ કરતાં કહ્યું હતું: ‘મને રાત્રિએ ગાંધીબાપુ સ્વપ્નમાં આવ્યા હતા. તે આશ્રમરોડની ફૂટપાથ પર ચાલ્યા જતા હતા. તેમાં તેમના હાથમાંથી લાકડી પડી ગઇ. મેં દોડીને લાકડી હાથમાં આપી તો બાપુ કહે, દીકરી! હવે લાકડી નહીં બંદૂક આપ!’‘પરિસ્થિતિ પ્રમાણે પરિવર્તન બીજું શું?’

દ્વેતા વિચારે છે કે પોતે શું નિર્ણય લેવો? સવાલ જિંદગીનો હતો. જિંદગીનો જુગાર ખેલવાનો હતો પણ સાવ સામેથી, જાણીબૂઝીને બાજી થોડી હારી જવાય છે! પત્તું ફેંકતાં પહેલાં તમામ પાસાં તપાસવાં પડે. અદ્વેત ખરા સમયે જ આવ્યો નહીં હવે તેનો વિચાર પણ શું કરવાનો!?

બધાં જ યુવક-યુવતીઓ ખાદીના પોશાકમાં સજ્જ હતાં. ખાદીમાં પણ હવે વિવિધ વેરાયટી જોવા મળે છે. તમે ઇચ્છો તેવા રંગ-ડિઝાઈનમાં ખાદીનાં કપડાં મળે છે. ખાદી એ વસ્ત્ર નથી પણ વિચાર છે. વિચારનું મૂલ્ય અમૂલ્ય હોય છે.ગાંધી જયંતીના પવિત્ર દિવસે દ્વેતાએ નિર્ણય લેવો હતો, પણ અદ્વેત આવ્યો નહીં તેથી મોટો પ્રશ્નાર્થ સર્જાયો હતો. મેરેજ માટે મમ્મી-પપ્પા પૃચ્છા કરે તે સ્વાભાવિક હતું. અનેક યુવાનો વરમાળા પહેરવા ઉત્સુક છે તે હકીકત છે. વળી દ્વેતા સારી પેઠે સમજતી હતી કે પ્રેમી અને પતિની ભૂમિકા ભિન્ન છે. છતાં પણ ઐકય સધાય તો ધન્ય ઘડી, ધન્યભાગ્ય!

અદ્વેત આવ્યો જ નથી એટલે તેના નામ માથે ચોકડી મારી મમ્મી-પપ્પાને નિર્ણય કરવા જણાવી દેવું પડે... આવી અવઢવ સાથે દ્વેતા મોડી રાતે માંડ ઊંઘી શકી હતી.સવારના પહોરમાં જ અદ્વેતનો ફોન આવ્યો. સુપ્રભાત... કહીને તેણે વાત શરૂ કરી. ગઇકાલે ન આવ્યો તેથી દ્વેતાને સખત ગુસ્સો હતો, ફોન કટ કરી નાખવો હતો પણ અદ્વેતના અવાજમાં રહેલો જાદુ અને કાઠિયાવાડી મીઠાશે તેને વાત સાંભળવા મજબૂર કરી...

ઘટના એમ બની હતી કે વરસાદ અને વાવાઝોડાના લીધે રોડ પર એક તોતિંગ વૃક્ષ તૂટી પડ્યું હતું. રસ્તો બ્લોક થઇ ગયો હતો. બંને બાજુ ટ્રાફિક જામ થઇ ગયો હતો. તેમાં અદ્વેત પણ ફસાયો હતો. લોકો મન ફાવે તેમ બોલતા હતા, તંત્રને ભાંડતા હતા. કોઇ મોબાઇલ દ્વારા મદદ માગતા હતા. ટુ વ્હીલરવાળા બાજુના ખેતરમાંથી, પાકને નુકસાન કરીને પસાર થતા હતા. એક વી.આઇ.પી. માટે તો સામા છેડે બીજા વાહનની વ્યવસ્થા કરીને રવાના કરવામાં આવ્યા હતા. એક એમ્બ્યુલન્સવાન પણ અટવાઇ હતી. બધાને ઉતાવળ હતી. અદ્વેતને પણ અમદાવાદ પહોંચવું હતું.

તેણે જોયું કે લોકો સૌ સલાહો આપતા હતા. એકબીજા પર દોષારોપણ કરતા હતા પણ સર્જાયેલી સંકટના નિવારણ અર્થે કશું કરવા તૈયાર નહોતા. છેવટે અદ્વેત આગળ આવ્યો. તેણે એક યુવાનાને વિનંતી કરી... ને છેવટે ચમત્કાર સર્જાયો. પાંચ-સાત માણસોના સહકારથી વૃક્ષને એકબાજુ ખસેડી શકાયું અને રોડ ખુલ્લો થયો!પણ પછી ટ્રાફિકના લીધે અમદાવાદ પહોંચતાં સાંજ પડી ગઇ હતી.

‘દ્વેતા...!’ અદ્વેતે કહ્યું: ‘મેં કહ્યું તે સાંભળ્યું? હવે નિર્ણય તારે લેવાનો છે, જીવનપંથના ટ્રાફિકની સમસ્યા હલ કરવાનો!’ દ્વેતા શું બોલે!? જ્યારે હોઠ બંધ થઇ જાય ત્યારે હૈયું બોલવાન લાગે છે.

Comments