ડો.શરદ ઠાકર: ન જાણે કોણ, ક્યારે આવી ઘૂંટી લે અઢી અક્ષર!



  
દિગ્ગજ દામાણીને આજથી આ સંસ્થાના સભ્યપદેથી રદ કરવામાં આવે છે. એમને અર્થની પડી છે, આપણને આનંદની. 

આજે ફરીથી ‘ક્રેઝી ફ્રેન્ડ્ઝ સર્કલ’ની મિટિંગ મળી હતી. દિગ્ગજ દામાણી, પર્વ પરીખ, મલ્હાર માવાણી, નીલુ નાણાવટી, તેજસ ત્યાગી, દિવિતા દેસાઇ, વિપ્લવ વાકાણી કેટલાં નામો ગણાવવાં? બધા મળીને કુલ અઢાર જણાનું મિત્રવર્તુળ હતું. બધા જ ગાંડા! દર મહિને એક વાર એમનું મિલન યોજાતું. મોટા ભાગે રવિવારની સાંજ પસંદ કરવામાં આવતી. ગમે તે એક સભ્યનું ઘર એ એમનું મિલનસ્થાન. ખાવું-પીવું અને બે-ત્રણ કલાક ધમાલમસ્તી કરવી. એક ક્ષણ પણ જીવ્યા વગરની રહી ન જાય એ આ મિત્રોનું એકમાત્ર ધ્યેય હતું. પાગલખાનાની જેમ ઘર ગાજી ઊઠતું. ચીસો, ચિચિયારીઓ અને હલ્લા-ગુલ્લાનો સિલસિલો મચી જતો. જાત-જાતની રમતો રમાતી અને ભાત-ભાતની મશ્કરીઓ થતી હતી.

મિત્રવર્તુળનું નામ જ આવું પસંદ કરવામાં આવ્યું હતું: ‘ક્રેઝી ફ્રેન્ડ્ઝ સર્કલ’. એમાં જેને હસવું-કૂદવું ન ગમે તે નીકળી જાય. બીજા બધાની સાથે ચાલવું એ જ આ સંસ્થાનું બંધારણ હતું. યામિની જો એમ કહે કે વરુણે આજે વાંદરો બનવાનું છે એટલે વરુણે બનવું જ પડે. પછી એ સંપૂર્ણ મિલનસભામાં એનાથી માણસની જેમ વર્તી શકાય જ નહીં. ભોજન પણ ઝાડની ડાળી ઉપર બેસીને કરવું પડે. ગયા મહિને પૂર્વાએ હિમાંશુનો વારો પાડી નાખ્યો. પોતાની ઇચ્છા જાહેર કરી દીધી, ‘હિમાંશુએ આજે હીજડાની ભૂમિકા ભજવવાની છે.’

હિમાંશુ પણ ગાંડો જ હતો, એ શેનો શરમાય? એણે તો પૂર્વાનો જ દુપટ્ટો ખેંચીને માથે ઓઢી લીધો. તાબોટા પણ એવા પાડી બતાવ્યા કે ખુદ અસલી હીજડોયે લઘુતાગ્રંથિ અનુભવવા લાગે. અને છેલ્લે તો એણે હદ કરી નાખી. પૂર્વાની સામે ઊભા રહીને ‘સજ ગઇ ગલી તેરી માં સૂનહરે કોઠે મેં...’ એવી અદભૂત અદાકારી સાથે ગાયું અને સતત ગાયા કર્યું કે એને બંધ કરવા માટે પૂર્વાએ પોતે બસો એકાવન રૂપિયા આપવા પડ્યા.

આ આખા જૂથમાં એક જ સભ્ય બાકીના બધાંથી અલગ પડતો હતો. દિગ્ગજ દામાણી. એ પહેલેથી જ સંવેદનશીલ સ્વભાવનો યુવાન. કોઇ મજાકમાં પણ જો એની નાની સરખી ટીકા કરે તો એ આખી રાત ઊંઘી ન શકે. આવા ઢંગધડા વિનાનાં તોફાનો એ ક્યારેય સહી ન શકે, પણ એ સહન કરી રહ્યો હતો. કારણ? એક જ કારણ હતું અને એ બહુ રૂપાળું કારણ હતું. એ રૂપનું નામ હતું: દિવિતા દેસાઇ.

દિવિતા અવર્ણનીય છોકરી હતી. પચાસ કિલો ગુલાબનાં ફૂલોની પાંખડીઓ લઇને, એમાં થોડાક ચમચા મધ ઉમેરીને એમાં પૂનમની ચાંદનીનો રૂપેરી રંગ ભેળવીને આ મિશ્રણને ચાંદના ખરલમાં ઘૂંટીને એમાંથી નારીનો આકાર ઘડી કાઢ્યો હોય એવી એની ત્વચા હતી. ચંદ્રમા પણ ઉગ્ર લાગે એવો શીતળ એનો ચહેરો હતો. એની આંખોમાં પરમ શાંતિ હતી, એવી શાંતિ જેને જોઇને દુનિયાદારીના તમામ ઉત્તાપો શમી જાય. દિગ્ગજ પાગલ બની ગયો હતો એની પાછળ. એને સમજાતું ન હતું કે પોતે કઇ-કઇ અદા પાછળ પાગલ બની ગયો છે!

સ્વભાવથી અત્યંત સંકોચશીલ હોવાને કારણે દિગ્ગજ ક્યારેય પોતાના પ્રેમને દિવિતા આગળ વ્યક્ત કરી શક્યો ન હતો. આ ‘ક્રેઝી ફ્રેન્ડ્ઝ સર્કલ’માં એના જોડાવાનું કારણ માત્ર આ જ હતું. ભલે એ દિવિતાને કંઇ કહી નહોતો શકતો પણ એને મન ભરીને જોઇ તો શકતો હતો ને! મહિનામાં એક વાર તો એક વાર, પણ બે-ત્રણ કલાક દિવિતાની સાથે રહી તો શકતો હતો ને? મિત્રો પણ એના પ્રેમને પારખી ગયા હતા. પર્વ તો એક વાર આવું સૂચન પણ કરી ચૂક્યો હતો, ‘જો તને દિવિતા પ્રત્યે આટલી ઉત્કટ લાગણી હોય તો એક વાર દિલની વાત એને જણાવી દે ને!’‘હિંમત નથી ચાલતી, યાર!’ દિગ્ગજનો ચહેરો કરુણ થઇ ગયો હતો.

‘ત્યારે તો ફક્ત ભગવાન જ તને મદદ કરી શકે. પ્રેમનો મામલો એવો છે કે એમાં જાતે મર્યા વગર સ્વર્ગે ન જવાય.’આમ ને આમ વાત લટકતી રહી ગઇ. મિલન સમારંભો યોજાતા રહ્યા. પાગલો એમના મનમાં આવે તેવાં તોફાનો કરતા રહ્યા. યોગિતા, શચિ, શૂચી, ક્રિમા, પરખ, હરિણી, દૂર્વા અને અન્ય યુવતીઓ એમના યુવાન મિત્રોની સાથે સમયના ધસમસતા પ્રવાહમાં નિ:સંકોચ તણાતી રહી, ખેંચાતી રહી અને નિર્દોષ રીતે વહેંચાતી રહી.

આજે ફરીથી ‘ક્રેઝી ફ્રેન્ડ્ઝ સર્કલ’ની મિટિંગ મળી રહી હતી. સાંજના છ વાગ્યે હરિણીના બંગલાની ટેરેસ ઉપર બધાં ભેગાં થયાં. થોડી આડી-અવળી વાતો ચાલી. ત્યાં હરિણીએ સૂચન કર્યું, ‘ચાલો, આપણે ‘પનિશમેન્ટ’ની રમત રમીએ. બે-ચાર જણાં ભેગાં મળીને એક સર્વ-સામાન્ય સૂચન બહાર પાડે, બાકીના બધાંએ એ સૂચનાનો અમલ કરવાનો.’

પાગલો તરત જ તૈયાર થઇ ગયા. હરિણી, દૂર્વા, મલ્હાર અને તેજસે પનિશમેન્ટ પસંદ કરી, ‘અત્યારે અહીં હાજર છે તે તમામ સભ્યોએ પોતાના એક કપડા ઉપર કાતર મૂકીને એક ટુકડો કાપી નાખવો! માત્ર કાપી નાખવાથી કામ નહીં ચાલે, એ ટુકડો અહીં સળગતા તાપણામાં ફેંકીને બાળી નાખવો. છોકરીઓએ એમના કમીઝમાંથી અને છોકરાઓએ એમના શર્ટમાંથી ટુકડો કાપી આપવો પડશે.’ કાતર ફરતી થઇ ગઇ. ના કોણ પાડે? અને શા માટે પાડે? બધા કેઝયુઅલ વેર્સ પહેરીને આવ્યા હતા.

આ કોઇ લગ્ન સમારંભ તો હતો નહીં કે જેમાં બધાં મોંઘાં વસ્ત્રો પહેરીને આવ્યાં હોય!તકલીફ માત્ર એક જ જણને નડી ગઇ. એ દિગ્ગજ દામાણી હતો. એ એકલો જ એવો સભ્ય હતો જે આજે સાવ નવું ડિઝાઈનર શર્ટ પહેરીને આવેલો હતો. આમ તો એ દરેક મિટિંગમાં પોતાના વોર્ડરોબનાં શ્રેષ્ઠ પેન્ટ-શર્ટ ધારણ કરીને જ આવતો હતો, કારણ કે એ સુંદર દેખાવા માગતો હતો. એની પાસે એક જ મુદ્દાનો કાર્યક્રમ હતો: રાજકુંવરી દિવિતા ઉપર સારી છાપ પાડવાનો.

વિપ્લવે પોતાના પાંચ વર્ષ પુરાણા કાળા ટી-શર્ટમાંથી એક ટુકડો કાપી આપ્યો. નીલુનું સલવાર-કમીઝ આઠ મહિના જૂનું હતું. એની મૂળ કિંમત સવા સો રૂપિયા હતી. એણે લેડીઝ રૂમાલ જ ફાડી આપ્યો. મલ્હાર આજે એને જરાયે ન ગમતો જીર્ણ-શીર્ણ ઝભ્ભો પહેરીને આવ્યો હતો. એણે તૈયારી દર્શાવી- ‘કહેતા હો તો આખો ઝભ્ભો આગને હવાલે કરી દઉં!’ સૌ હસી પડ્યા.

કાતર ફરતી-ફરતી દિગ્ગજના હાથમાં આવી. એણે આદેશનો અમલ કરવાને બદલે દલીલ કરી, ‘આ તે કેવી મૂર્ખામી છે? કપડાં ફાડી નાખવાનો શો અર્થ?’‘આ પાગલોની ક્લબ છે... અહીં આપણે અર્થો શોધવા માટે ભેગા નથી થયા... મજા માણવા માટે મળ્યા છીએ.’ ચારેય બાજુથી અવાજો ઊઠ્યા.‘પણ હું પૂછું છું કે કપડાં ફાડવામાં મજા ક્યાં આવી?’ દિગ્ગજની દલીલ સાંભળીને સૌ નિરુત્તર બની ગયા. દિગ્ગજ બોલતો રહ્યો, ‘આ શર્ટ મેં આજે જ સી.જી. રોડ પરના શો-રૂમમાંથી ખરીધ્યું છે.

સાડા ત્રણ હજારનો યુનિક પીસ છે. એને કારણ વગર ફાડી નાખવાનું?’દસેક મિનિટની ખામોશી પછી મલ્હાર અને અન્ય મિત્રોએ ફેંસલો જાહેર કર્યો, ‘દિગ્ગજ દામાણીને આજથી આ સંસ્થાના સભ્યપદેથી રદ કરવામાં આવે છે. એમને અર્થની પડી છે, આપણને આનંદની. અરે, આ શર્ટ તો બે-ત્રણ કે પાંચ વર્ષ સુધી ચાલશે, પણ એને ફાડી નાખ્યું હોત તો આપણા મનમાં આ ઘટના જીવનભર સચવાઇ રહી હોત. જેવી જેની સમજ. ભાઇ, તું હવે આ ક્ષણે જ જઇ શકે છે.’

દિગ્ગજ ચાલ્યો ગયો. આ ઘટનાથી એ એટલો ક્ષુબ્ધ થઇ ગયો હતો કે ક્રેઝી સર્કલના એક પણ સાથીદાર સાથે એ સંપર્ક જાળવી ન શક્યો. દિવિતાને મળવાનો તો સવાલ જ ક્યાં રહ્યો હતો?!

‘‘‘

વર્ષો પછી મલ્હાર અને દિગ્ગજ ક્યાંક મળી ગયા. મલ્હારના મોઢામાંથી ફરિયાદ ટપકી પડી, ‘અરે, દોસ્ત! ક્યાં ખોવાઇ ગયો હતો તું? તે દિવસે તો ગજબ થઇ ગયો! મને પણ આખી વાતની જાણ પછી થઇ. પેલો આઇડિયા દિવિતાનો હતો, શર્ટમાં કાતર મારવાનો! અને એ પછી તરત બીજી પનિશમેન્ટ એની ગાઢ સાહેલી યામિનીએ વિચારી રાખી હતી. એમાં દરેક છોકરીએ પોતાને ગમતા યુવાન આગળ પ્રેમની ‘પ્રપોઝલ’ મૂકવાની હતી.

તને ખબર છે? દિવિતા તારી સમક્ષ પ્રેમનો ઇઝહાર કરવાની હતી. એ તને કેટલું ચાહતી હતી?! પણ ક્યારેય તને જણાવી શકી ન હતી. કાશ, તું એ દિવસે રોકાઇ ગયો હતો! તારું સાડા ત્રણ હજારનું શર્ટ ફાટી ગયું હોત, પણ ચૌદ ભુવનની અધિષ્ઠાત્રી જેવી દિવિતા તો તને...’ મલ્હારની વાત સાંભળીને દિગ્ગજને લાગ્યું કે એના જીવતરનું વસ્ત્ર જાણે અત્યારે ફાટી રહ્યું હતું!

(શીષર્ક પંક્તિ: મુસાફિર પાલનપુરી) 

Comments