રાઘવજી માધડ: જખમ અને જોખમની તૈયારી રાખવી પડે

એ કાંતમાં થયેલી વાત સાંભળીને પ્રજ્ઞા દ્વિધાભરી સ્થિતિમાં મુકાઇ ગઇ. મમ્મી-પપ્પા તેમની જગ્યાએ તદ્દન સાચાં હતાં, પણ તેમાં પોતે શું કરી શકે તે સમજાતું નથી. રણ અને ઝરણની વચ્ચે વલવલતી હોય એવું લાગે છે.વ્યક્તિનું પસંદ-નાપસંદ માટેનું એક વિઝન અને અલગ વિશ્વ હોય છે. તેમાંય જીવનસાથીની પસંદગીમાં પ્રજ્ઞા સભાનતા દાખવે તેમાં કશું ખોટું નથી. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સાથે રહેવાની ધારણા અને ગણતરી હોય છે. 

પોતાના ક્રાઇટેરિયામાં આવી શકે તેવું કોઇ પાત્ર મળ્યું નથી. જે આવે છે તે ગમતાં નથી અને ગમે છે તેવાં આવતાં નથી. હા-ના કરવામાં યુવાની પાકટ થઇ ગઇ. ક્યારેક તો પ્રજ્ઞાને થાય છે કે આ તે કેવી પ્રથા... જીવન આપણું અને આધાર બીજા પર રાખવાનો!? ચાલુ ચીલા પર ચાલવાનું યુવાનોને ક્યારેય ગમ્યું નથી. ચાલવું પડે તે વાત જુદી છે.

એનઆરઆઇ છે. સારું કમાય છે. હેન્ડસમ છે. હા, ઉંમરમાં થોડો મોટો છે તેમાં શું થઇ ગયું? બાંધછોડ કરીને પણ પ્રજ્ઞાએ હા પાડી દેવી જોઇએ... મમ્મીનું આમ કહેવું તેના પપ્પા શાંતિથી સાંભળે છે, પણ ત્યાં પરદેશમાં કેવી સ્થિતિ હશે, દીકરીનું મોં જોવા ક્યારે મળે... આ સવાલો સામે આવીને ઊભા રહે છે. કોઇ કહે દીકરી સાપનો ભારો છે. કોઇ કહે તુલસીનો ક્યારો છે... પણ પ્રજ્ઞાનાં મમ્મી-પપ્પા તો કશું જ નક્કી કરી શક્યાં નથી. દીકરીના જન્મથી જ તે પારકી થાપણ છે તેવું મનમાં નિશ્વિત થઇ જાય છે. પાત્ર યોગ્ય મળવાની સાથે સારો નીવડશે કે કેમ? તે ચિંતા થર્મોમીટરથી માપી ન શકાય તેવી હોય છે. મમ્મી-પપ્પાના આ છુપા ડરથી ભાગ્યે જ કોઇ દીકરી અજાણી હશે!

ગમે તેને ગમાડી લેવું એવું હવે રહ્યું નથી. મુરતિયાને રિજેક્ટ કરતાં સહેજપણ હિચકિચાટ અનુભવાતો નથી. પ્રેમપૂર્વક ના પાડી દેવાનું વલણ વિકસવા લાગ્યું છે. બંનેના અધિકાર અબાધિત રહે તે સમયની માંગ છે. સમય સાથે અપેક્ષાઓ વધી છે, પસંદગીનાં ધારાધોરણો બદલાયાં છે. પણ વ્યક્તિએ અરીસામાં નિરાંતે જોવું જોઇએ... આપણા કરતાં, આપણી અપેક્ષાઓ વધારે હોય તો અંતે નિરાસા જ સાંપડે છે.

આખું ફેમિલી ટૂંક સમય માટે દેશમાં આવ્યું છે. એકાદ માસમાં સઘળું સમેટીને પરત જવાનું છે. ‘કન્યા જોઇએ છે’ તેવી એડવાન્સમાં જ એડ. આપી દીધી હતી. એક જ બેઠકમાં બધું ગોઠવાઇ ગયું હતું. પણ પ્રજ્ઞાનું મન કળવું મુશ્કેલ હતું. મમ્મીએ કહ્યું: ‘બેટા! બીજું કંઇક હોય તો ઉછી-ઉધારા કરી શકાય. પણ આમાં તો ભાગ્ય પર જ છોડવું પડે. કારણ કે ચાખીને ચીભડાં વાવી શકતાં નથી.’

‘મમ્મી!’ પ્રજ્ઞાએ કહ્યું: ‘તમારી વાતને સમજી ન શકું તેવી નાદાન નથી. પણ મને થોડું વિચારવા દે.’ દુ:ખ સાથે મમ્મીએ કહ્યું: ‘વિચારવામાં અડધી જિંદગી ચાલી ગઇ.’ વાત તદ્દન સાચી હતી. પથારી પાથરવામાં રાત વીતી જાય તો પછી સૂવાનું ક્યારે? વિચારવાની પણ એક સીમા હોય છે. છતાંય પ્રજ્ઞાએ દુભાતા સ્વરે કહ્યું: ‘એક વીક બસ...’

‘એક વાત કાન ખોલીને સાંભળી લે...’ મમ્મીએ વેધક રીતે કહ્યું: ‘આજે જે ગમે છે તે જીવનભર ગમતું રહેશે તેવી કોઇ જ ગેરંટી હોતી નથી. ગમા-અણગમા સંજોગો અને પરિસ્થિતિ સાથે જોડાયેલા હોય છે.’ અનુભવનું આ નવનીત કાળજે ચોંટી જાય એવું હતું. પ્રજ્ઞા એકનું એક સંતાન છે. તેની ઉંમર સાથે ચિંતામાં પણ ઉમેરો થવા લાગ્યો છે. હવે જલદી ગોઠવાઇ જાય તેવી આશાએ અહીં હા પાડી છે. 

પ્રજ્ઞાના મનમાં એક-બે સવાલ છે તેથી મુરતિયા સાથે એક બેઠકનો પ્રસ્તાવ મૂકે છે અને સ્વીકાર્ય બને છે. એક રૂમમાં બંને બેઠાં. થોડી ક્ષણો એમ જ પસાર થઇ. મૌનની વચ્ચે તિરાડ પાડીને પ્રજ્ઞાને પૂછ્યું: ‘મેરેજ પછી તુરંત જ સાથે લઇ જશો?’ ‘ના’ યુવાને કહ્યું: ‘પાસપોર્ટ-વિઝાની પ્રોસેસ કરવામાં...’ પ્રજ્ઞાએ વચ્ચે જ કહ્યું: ‘છ-આઠ માસ ખરું ને!’ 

જવાબની અપેક્ષા વગર જ પ્રજ્ઞાએ જે મનમાં નક્કી કરી રાખ્યું હતું તે કહી દીધું: ‘તો પછી મેરેજ પણ ત્યારે જ રાખીએ તો...!’ યુવાન એકદમ ચોંકી ગયો. તેના માટે આ કલ્પના બહારનો સવાલ હતો. પ્રજ્ઞાએ કહ્યું: ‘સમય મળે તો એકબીજા વિશે જાણી શકાય...’ યુવાન પર એકજાતનો પ્રહાર થયો હોય તેમ તે અવાક થઇ ગયો. મોં પરનું નૂર હણાઇ ગયું. વાતને વાળી લેતી હોય એમ પ્રજ્ઞાએ સલુકાઇથી કહ્યું: ‘આપ અહીં ટૂંક સમય માટે જ આવ્યા છો . તેથી મારી વાત મંજૂર નહીં જ કરો.’ 

પ્રજ્ઞા ક્ષણભર અટકી પછી પ્રત્યુત્તરની તક આપ્યા વગર જ આગળ કહ્યું: ‘પણ આપે મને લાયક સમજી, પત્ની માટે પસંદ કરી... મેની, મેની થેંકસ.’યુવાન માટે તો આ સ્થિતિ જ અણધારી હતી. તેથી શું કહેવું એ જ સૂઝે એમ નહોતું. પ્રજ્ઞાએ દયાભાવે કહ્યું: ‘હવે એક ઉપકારની અપેક્ષા રાખું છું. આપે જ મને નાપસંદ કરી છે એવું જાહેર કરી દો.’

‘પણ કેમ...? શા માટે...!!?’ યુવાન એકદમ અકળાઇ ગયો.‘મમ્મી-પપ્પાની ચિંતા સામે મારી ના પાડવાની હિંમત ચાલે તેમ નથી. અને ત્યાંનું કશું જોયા-જાણ્યા વગર જિંદગીભરનું જખમ કે જોખમ ઉઠાવવા હું તૈયાર નથી!’‘નો પ્રોબ્લેમ...’ યુવાને કહ્યું: ‘મારી તૈયારી છે, રાહ જોવાની...’ ‘

Comments