ડો.શરદ ઠાકર: છે બધાંયે ઘાવ લીલાછમ હજીયે આંખમાં



  
હમણાં એકાદ કલાક પહેલાં જ બુગાટો શહેરમાં બોમ્બ વિસ્ફોટો થયા છે. સીમ્સ ટુ બી એ ટેરરસ્ટિ એક્ટ. ચારે બાજુ અત્યારે ‘રેડ એલર્ટ’ની સ્થિતિ ચાલી રહી છે. સરકારનો આદેશ છે કે એક પણ વિદેશી નાગરિકને હોટલમાંથી બહાર નીકળવા નથી દેવાના.

રણમાં ખીલ્યું ગુલાબ, ડો.શરદ ઠાકર

‘કોન્ફરન્સ’ પતાવીને રિષભ હોટલમાંથી બહાર જવા માટે નીકળતો હતો, ત્યાં જ રિસેપ્શન કાઉન્ટર પર ઊભેલી છોકરીએ એને અટકાવ્યો, ‘સોરી, સર! યુ કાન્ટ લીવ ધ હોટલ પ્રિમાઇસીસ.’રિષભને આ સાંભળીને આંચકો લાગ્યો. આ તે કેવી વાહિયાત વાત કે’વાય! સાંજનો સમય હતો. કોલિમ્બયાનું બુગાટો શહેર હતું. પહાડ ઉપરનું શહેર હોવાથી અહીં સાંજ બહુ જલદીથી રાતમાં ફેરવાઇ જતી હતી. રિષભ છેલ્લા ચાર-ચાર દિવસથી બિઝનેસના કામ માટે અહીં આવેલો હતો. બીજી બધી રીતે એ ખુશ હતો, ફકત જમવાની બાબતે એ અસંતુષ્ટ હતો. શુદ્ધ શાકાહારી ભોજનના નામે અહીં બ્રેડ અને થોડાંક બાફેલાં શાકભાજી સિવાય બીજું કશું જ મળતું ન હતું.

આજે તો એણે સવારથી જ પાક્કો નિર્ધારકરી લીધો હતો: ‘સાંજની કા‹ન્ફરન્સ પૂરી થાય એટલે તરત રખડવા માટે નીકળી પડવું. ક્યાંકથી ને ક્યાંકથી ગુજરાતી ભોજન શોધી કાઢવું. એ ન મળે તો કોઇ સસ્તી રેસ્ટોરાંમાં જઇને સૂચના આપીને ખાસ દાળ-ભાત, રોટલી ને શાક બનાવડાવવાં. આવતી કાલે સવારની ફ્લાઇટમાં તો બુગાટો છોડી દેવાનું છે. એ પહેલાં આ કોલંબિયન ધરતી ઉપર ગુજરાતી થાળીનો સ્વાદ માણી જ લેવો છે.’

પણ અચાનક રિસેપ્શનસ્ટિ છોકરીએ ગુજરાતી દાળમાં કોલંબિયન કડછો મારી દીધો: ‘તમે હોટલની સરહદ છોડીને બહાર નહીં જઇ શકો.’‘અરે! હું તે ટુરિસ્ટ છું કે પ્રઝિનર? અને તમારી આ હોટલ એ હોટલ છે કે જેલ?’છોકરી મીઠું હસીને માહિતી પીરસી રહી, ‘સર, તમે અમારા માનવંતા મહેમાન છો અને આ હોટલ તમારું ઘર જ છે, પણ વાત એમ છે કે હમણાં એકાદ કલાક પહેલાં જ બુગાટો શહેરમાં બોમ્બ વિસ્ફોટો થયા છે. સીમ્સ ટુ બી એ ટેરરસ્ટિ એક્ટ. ચારે બાજુ અત્યારે ‘રેડ એલર્ટ’ની સ્થિતિ ચાલી રહી છે. સરકારનો આદેશ છે કે એક પણ વિદેશી નાગરિકને હોટલમાંથી બહાર નીકળવા નથી દેવાના.’

‘આવું ક્યાં સુધી...?’‘ઓન્લી ગોડ નોઝ... ઓર ધ ગવર્નમેન્ટ.’ છોકરીએ ખભા ઉલાળ્યા.‘પણ... પણ મારી તો સવારની ફ્લાઇટ છે.’‘એ તમારે જવા દેવી પડશે, સર! શહેરમાં જ્યારે સ્થિતિ સામાન્ય બની જશે અને સરકાર છુટ આપશે, એ પછી જ તમે બુગાટો છોડીને જઇ શકશો. ત્યાં સુધી તમારો તમામ ખર્ચ સરકાર ભોગવશે.

તમારી નવી ફ્લાઇટની વ્યવસ્થા પણ સરકાર જ...’‘અને જમવાની વ્યવસ્થાનું શું?’‘વી હેવ મટન, ચિકન, ફશિ, વેરી ડેલિશિયસ ઝિંગા, ક્રિસ્પી ક્રેબ એન્ડ...’‘અરે, મીઠડી! આટલા દિવસથી તારી હોટલમાં હું ગુડાયો છું અને મેનૂ કાર્ડમાં આ બધી વાનગીઓનાં નામ વાંચી-વાંચીને ઊલટી કર્યા કરું છું તોયે તું મને...? તને હજુ સુધી એ વાત કેમ સમજાણી નથી કે હું શાકાહારી માણસ છું?’‘ઇફ યુ વોન્ટ વેજિટેરિયન...’ છોકરીએ માંજરી આંખો પરની ગુલાબી પાંપણો પટપટાવી, ‘યુ કેન હેવ બ્રેડ વિથ બટર એન્ડ બ્રેડ વિથ...’ છોકરી બ્રેડ-સહસ્ત્ર-નામાવલિ બોલવા લાગી.

‘બ્રેડ એ તમારી રાષ્ટ્રીય પેદાશ છે? હવે પછી જો એક પણ વાર બ્રેડનું નામ આપીશ, તો હું વચન આપું છું કે અત્યારથી જ માંસાહારી બની જઇશ અને પહેલા ભોજનમાં તારા આ ગોરા-ગોરા ગાલ ચાવી જઇશ.’ રિષભે બનાવટી ગુસ્સો બતાવ્યો.છોકરી થોડુંક હસી અને ઝાઝું શરમાઇ ગઇ, પછી વિદેશી અતિથિની સગવડ સાચવવાની કર્તવ્ય ભાવનાથી પ્રેરાઇને એ પૂછી રહી, ‘તો પછી શાકાહારી ભોજન તમે શેને ગણો છો?’‘અરે મારી મીઠડી, તને કેટલાં નામ ગણાવું? એકલા ઘઉંની વાનગીઓનાં જ પાંચસો નામ છે અને ચોખાનાં ચારસો. તને એમાં કંઇ સમજ નહીં પડે. બસ, એટલું કહું છું કે આઇ વોન્ટ એશિયન વેજ ફૂડ. એશિયન પણ નહીં, મારે ઇન્ડિયન ફૂડ જોઇએ... ના, માત્ર ગુજરાતી શાકાહારી ભોજન જ...’ રિષભે બાળ-હઠ જાહેર કરી દીધી.

છોકરી ચકરાઇ ગઇ, પણ પશ્ચિમના દેશોમાં અજાણ્યાને મદદ કરવાની ભાવના આપણે ધારીએ છીએ તેના કરતાં ઘણી ઊંચી હોય છે. એણે ઉપાય શોધી કાઢ્યો, ‘સર, મને થોડોક સમય આપો. હું ટેલિફોન ડિરેક્ટરીમાંથી કોઇ ફૂડ સપ્લાયરનું નામ શોધી કાઢું છું. અલબત્ત, એ પૈસા તો લેશે, પણ તમને અહીં બેઠાં ગુજરાતી ભોજન પહોંચાડી આપશે. લેટ મી ટ્રાય ફોર એ ગુજરાતી ફેમિલી.’

‘ગુજરાતી ફેમિલી?!’ રિષભને આશ્ચર્ય થયું, ‘અહીં ગુજરાતી પરિવાર રહેતો હોય એ વાત જ અશક્ય છે. અમારા લોકો અમેરિકા, બ્રિટન અને કેનેડા તો સર કરી ચૂક્યા છે, હમણાંથી ઓસ્ટ્રેલિયા ઉપર નજર ઠરી છે, પણ બુગાટોનું તો નામ સરખુંયે ગુજરાતમાં કોઇએ સાંભળ્યું નથી.’

‘તમારી ધારણા પૂરેપૂરી સાચી નથી, સર! અહીંનું ‘વેધર’ વિશ્વભરમાં ઉત્તમ છે. અહીં કમાણીની તકો ખૂબ સારી છે. જે ગુજરાતીઓ મહત્વાકાંક્ષી છે અને જેમને પૈસા કમાવામાં રસ છે તેઓ જરૂર અહીં આવવા માટે તૈયાર થવાના જ.’ છોકરી ચોપડાનાં પાનાંઓ ફેરવતાં બોલી રહી હતી; અચાનક એની આંગળી એક જગ્યા પર અટકી ‘હીઅર આર સમ નેઇમ્સ, સર! આ રહ્યું એક નામ. મિ. વિશાલ શાહ. આઇ થિંક શાહ ઇઝ એ ગુજરાતી સરનેઇમ...’‘એક્સોને દસ ટકા ગુજરાતી. લગાડ એનો નંબર અને મને વાત કરવા દે. પૈસા એ જેટલા માગે તેટલા, ખાવાનું જેટલું હું કહું એટલું. મારી તો ભૂખ અચાનક બેવડાઇ ગઇ...’

રાત્રે દસ વાગ્યે મિ. એન્ડ મિસિસ શાહ આવી પહોંચ્યાં. પોતાની કારમાં જમ્બો સાઇઝનું ટિફિન લઇને આવ્યાં હતાં. શિષ્ટાચાર ખાતર એ લોકો નીચે એક પ્રતીક્ષાકક્ષમાં જ બેસી રહ્યાં. નોકર આવીને ટિફિન ત્રીજા માળે રૂમમાં આપી ગયો. ટિફિન ઉઘાડતાંમાં જ કમરો ગુજરાતી સોડમથી મઘમઘી ઊઠ્યો. રિષભ બે હાથે અને દસ આંગળીએ તૂટી પડ્યો. બધું સફાચટ કરી નાખ્યું. પેટમાં મુખવાસનીયે જગ્યા બચવા ન દીધી.

નોકર તો કહીને ગયો હતો. ‘જમી લો એટલે ફોન કરજો, હું આવીને ખાલી ટિફિન પાછું લઇ જઇશ.’ પણ રિષભને થયું કે આવું કરવું યોગ્ય નહીં રહે. અમદાવાદથી આટલે દૂર હજારો માઇલના અંતરે સાવ અજાણ્યા શહેરમાં ફૂલકા રોટલી, બટાકાનું રસાદાર શાક, બાસમતી ભાત અને સિસકારો છુટી જાય તેવી મસ્ત તીખી દાળ જમાડનારા આ ગુજરાતી દંપતીને રૂબરૂમાં તો મળવું જ જોઇએ. પરિચય પણ થશે અને અહીં સ્થાયી થવાથી કેવું લાગે છે એ પણ જાણવા મળશે.

રિષભ ટિફિન ઝુલાવતો લિફ્ટનું બારણું ઉઘાડીને બહાર નીકળ્યો. સામે જ મિ. વિશાલ શાહ ઊભા હતા. બંનેએ હાથ મેળવ્યા, થોડી વાતો કરી, પછી વિશાલે કહ્યું, ‘કમ વિથ મી. મારી વાઇફ રૂહાની સાથે પરિચય કરાવું. આ બધી એના હાથની કમાલ છે...’ રૂહાની?!? નામ સાંભળતાંમાં જ રિષભના કાનમાં તમરાં બોલી રહ્યાં. રૂહાની એટલે તો રૂહાની રાવલ જ હોવી જોઇએ. બહુ વિશિષ્ટ નામ હતું. એક કરતાં વધુ વાર ભાગ્યે જ સાંભળવા મળે તેવું.

જે નામ કદાચ કાયમ માટે પોતાની રિયાસત બની રહ્યું હોત! પણ સમય ક્યાં ને ક્યારે સાથ આપતો હોય છે? સાવ નજીવી વાતમાં રૂહાની વીફરી બેઠી અને બંને છુટાં પડી ગયાં. આ એ જ રૂહાની તો નહીં હોય?રૂહાની એ જ હતી. વિશાલ તો બંનેને ભેગા કરીને હિસાબ પતાવવા માટે ચાલ્યો ગયો, પણ અહીં તો સુક્કાં પાંદડાનો ખખડાટ અને મરેલા પતંગિયાની પાંખો ઊડતી રહી.

ખાસ્સી વારની ખામોશી બાદ રિષભ બોલ્યો, ‘રૂહાની, આજથી પંદર વર્ષ પહેલાં એક બપોરે મેં તારા હાથની એક કપ ચા માગી હતી અને તેં કહ્યું હતું કે ‘લારીમાંથી મગાવીને પી લે! હું કંઇ તારી નોકરાણી નથી.’ આજે આટલે દૂર આવીને શા માટે વસી છે? મને જમાડવા માટે? બસ, થોડાક રૂપિયાના બદલામાં? અરે, ગાંડી, અત્યારે હું અબજોપતિ છું. મારી સાથે પરણી હોત તો તું રાજ કરતી હોત. મહત્વાકાંક્ષા રાખતી વખતે થોડુંક મગજ તો વાપરવું હતું. એની વે, થેન્કસ ફોર ધી ટેસ્ટીએસ્ટ ડિનર!’ ‘

(શીર્ષક પંક્તિ: ગિરીશ પરમાર)

Comments