ડૉ. શરદ ઠાકર: સાવ નોખી ધૂળના માણસ અમે...



 
ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’ જોઇ ત્યારે મને મારી કોલેજના દિવસો દરમિયાન બનેલી એક તોફાની ઘટના યાદ આવી ગઈ. તમને એ જાણીને આશ્ચર્ય (કદાચ આઘાત પણ) અનુભવાશે કે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ આવા તોફાની હોઈ શકે ખરા? જવાબ છે : હા. યુવાની એ છેવટે યુવાની જ હોય છે અને શરારતને કોઈ સીમાડા નથી નડતા. જે તોફાનો આર્ટ્સ, સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ કરી શકે એ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ કેમ ન કરી શકે?

જનક ઝેરી, બાલુ બચ્ચન અને સુરેશ સાથી એ અમારી કોલેજના ‘થ્રી ઇડિયટ્સ’ હતા. દિમાગ તેજસ્વી પણ ભણવાને બદલે શરારત તરફ વધારે ફંટાયેલું. જનકના તો રૂમના બારણા પર જ કિંગ કોબ્રાનું મોટું પોસ્ટર ચપિકાવેલું હતું. આખું કેમ્પસ એને જનક ઝેરીના નામથી જ ઓળખે. એની સાથે દુશ્મનાવટ ન કરે. એની જિંદગીનું મુખ્ય સૂત્ર આ હતું: ‘મેરા કાટા હુઆ પાની તક નહીં માંગતા!’ પણ સીધા માણસની સાથે એ સાવ સીધો. જો કોઈ નમૂનો એની અડફેટે ચડી ગયો તો એનું આવી બન્યું સમજો.

એક નમૂનો ભટકાઈ ગયો. મગન માંકડિયા એનું નામ. ગામડેથી સીધો બળદગાડામાં બેસીને આવી ચડ્યો હોય એવા એના દેદાર. બોલીમાં તળપદી ગ્રામ્ય છાંટ. કપડાં તદ્દન જુની ફેશનનાં. દેખાવનું વર્ણન ન કરવું એ જ સૌથી મોટું વર્ણન.

જનકની ચકોર નજરે પકડી પાડ્યું કે આ મગન મહાશયને એના જ કલાસમાં ભણતી સિલ્કી રાજપરા નામની છોકરી ગમી ગઈ છે. એક દિવસ જનક ઝેરીએ મગનનો દાવ લેવાનું શરૂ કર્યું, ‘શું છે, પાર્ટનર? તમે તો કંઈ છુપા રુસ્તમ નીકળ્યાને!’

મગનને ત્યાં સુધીમાં કોઈએ ‘તું’ સિવાય બોલાવેલો નહીં, એ તો ‘તમે’ સાંભળીને આજુબાજુમાં જોવા લાગ્યો. જનકે બીજો બોલ ફેંકયો,‘ તમે એટલે તમે જ, પાર્ટનર! બીજું કોઈ નહીં. તમે તો ભારે ભેદી માણસ નીકળ્યા. લૂગડાં પહેરો છો માદરપાટનાં, પણ સિલ્કીને જીતી લીધી!’

મગન હક્કો-બક્કો રહી ગયો, ‘મેં... મેં... મને... મને?’ ‘તે કશું જ નથી કર્યું, પણ સિલ્કીને જ તું ગમી ગયો છે.’ જનક હવે ‘તું’ ઉપર આવી ગયો, મગનને પણ એ સાંભળીને સારું લાગ્યું, પણ પેલી સિલ્કીને પોતે ગમી ગયો છે એ વાતમાં એને સમજ ન પડી.

જનક ઝેરીએ ફોડ પાડ્યો,‘ તું તો ભગત માણસ છે. સાવ સીધો અને સાદો, પણ તારી આ સાદગી જ એને આકર્ષી ગઇ લાગે છે.’
‘ત... ત... તમને કેવી રીતે ખબર...?’ મગન હવામાં ઊંચકાવા માંડ્યો.

‘ખબર મને જ પડેને? તારું ધ્યાન તો સાહેબ લેકચર ફાડતા હોય એ તરફ હોય છે, પણ હું જોતો હોઉં છું કે સિલ્કી ચાલુ કલાસે તીરછી નજરે તારી દિશામાં જ જોયા કરતી હોય છે.’
ટૂંકમાં ખેતર ખેડાઈ ગયું. મગનના મગજનું ખેડાણ થઈ ગયું. હવે દાણા વાવવાની વાર હતી. એ બાલુ બચ્ચને પૂરું કર્યું. બાલુ ત્રિવેદી છ ફીટ બે ઈંચ લાંબો હતો. ઊંચો, મજબૂત અને હેન્ડસમ. એ સમય અમિતાભની લોકપ્રિયતા જેટ વિમાનની ગતિએ શિખર ભણી જવાનો કાળ હતો. બાલુને કેમ્પસમાં બધા બાલુ બચ્ચન કહીને બોલાવતા હતા.

બે કલાક પછી મગન માંકડિયા લાઇબ્રેરીમાં જતો હતો, ત્યારે બાલુની જાળમાં ફસાઈ ગયો. યોજનાના જ અંતરંગ ભાગ રૂપે બાલુએ મગનને આંતર્યો,
‘મગન બોસ, માન ગયે! પાર્ટી આપી દો!’
‘શેના માટે?’ મગન ‘હસું હસું’ થઈ રહ્યો.

‘હવે એ પણ મારે જણાવવું પડશે? આજે શું બન્યું એની તમને ખબર છે? નહીં, એમ સીધા આજની વાત પર નથી આવવું. બધું શરૂઆતથી જ કહેવું પડશે. મગનલાલ, તમે શું જાણો? આપણી સાથે પેલી વિશ્વસુંદરી ભણે છે ને... સિલ્કી.... એ મને પહેલાં દિવસથી જ ગમી ગઈ હતી. આજે તો મારાથી રહેવાયું જ નહીં. સીધો એની સામે જઈને ઊભો રહી ગયો. કહી દીધું -‘આઈ લવ યુ.’ મને એમ કે એ હા પાડી દેશે. મારા જેવો હેન્ડસમ છોકરો એને આપણી કોલેજમાંથી બીજો કયો મળવાનો હતો? પણ એણે તો મોઢા પર પરખાવી દીધું...’
‘શું?’ મગન શ્વાસ થંભાવીને પૂછી રહ્યો.

‘સિલ્કીએ એનું દિલ મારી આગળ ખોલી નાખ્યું. કહે કે એ પોતે કરોડપતિ બાપની એકની એક દીકરી છે, એટલે એને પૈસાનું કોઈ જ આકર્ષણ નથી. અને હેન્ડસમ છોકરાઓ બધા એને મન બેવફા હોય છે. એણે તો સ્પષ્ટ કહી દીધું કે મને તો મગન માંકડિયા જેવો ભોળો અને સામાન્ય યુવાન જ પતિ તરીકે ગમે. બોલો, મગનલાલ હવે સિલ્કી જેવી હોટ હોટ રૂપસુંદરી તમારી ઉપર કળશ ઢોળે છે એ વાત પર એક પ્યાલી ગરમ ગરમ ચાય તો પીવડાવશોને?’

મગનનો રથ ધરતી પરથી ચાર આંગળ હવામાં ઊંચકાઈ ગયો. એના દિમાગી ખેતરમાં વિચારોની વાવણી પૂરી થઈ ગઈ. હવે જરૂર હતી ખાતર-પાણીની. આ કામ માટે જ તો ભગવાને સુરેશ સાથીને જન્મ આપીને પૃથ્વી પર મોકલ્યો હતો. સુરેશ એટલે છુપો રુસ્તમ. એનું તોફાન કોઈને દેખાય નહીં, પણ જનક ઝેરી અને બાલુ બચ્ચનની દરેક શરારતમાં સુરેશનો સાથ હોય જ, એટલે તો એ સાથી તરીકે પ્રખ્યાત હતો.

એક સાંજે સુરેશ સાથી મગનની હોસ્ટેલમાં પહોંચી ગયો. યોજનાના એક ભાગરૂપે જ. મગન એની રૂમમાં પથારીમાં બેસીને મેડિસિનની બુક વાંચી રહ્યો હતો. સુરેશે સીધો આ પ્રશ્ન પૂછી લીધો, ‘મગન બોસ, કશુંક બળતું હોય એવી વાસ આવે છે?’

મગને ઊંડા ઊંડા શ્વાસો ખેંચ્યા, પછી મૂંડી હલાવી,’ ના, શું બળતું લાગે છે?’

‘મારું દિલ!’ સુરેશે જવાબ આપ્યો, ‘પૂછો કેમ? ઇર્ષ્યાથી. તમારી જબરદસ્ત ઇર્ષ્યા આવે છે, બોસ! આજે તમે િકલનિકસમાં હાજર નહોતાને?’
‘ના, મારું માથું દુ:ખતું હતું, એટલે મેં રજા પાડી હતી.’

‘તમે આવો કે ન આવો, અમને કશો જ ફરક પડતો નથી, પણ સિલ્કીને ફરક પડતો હોય એવું લાગે છે. મગનજી, સિલ્કીએ ત્રણ જણાને તમારા વિશે પૂછ્યું. એક જ વાત કે આજે માંકડિયા કેમ આવ્યા નથી? મજા નથી આવતી. બોલો, મને જલન થાય કે નહીં?’

મગનના ખેતરમાં રેશમિયો પાક લહેરાઈ ઊઠ્યો. ત્રણ ત્રણ અલગ માણસોએ એને એક જ વાત કહી હતી: ‘સિલ્કીને તું ગમે છે.’
મગન ઉત્તેજિત થઈ ગયો. પૂછી બેઠો, ‘તો પછી મારે શું કરવું જોઈએ?’

સુરેશ સાથી અને જનક ઝેરીએ બાલુ બચ્ચનની સ્ક્રિપ્ટમાં લખેલો સંવાદ રજુ કરી દીધો, ‘કરવાનું શું હોય બીજું? જા, પહોંચી જા ગર્લ્સ હોસ્ટેલમાં અને સિલ્કીને કહી દે કે...’
મગન ભાભડભૂત જેવી હાલતમાં લેડીઝ હોસ્ટેલમાં પહોંચી ગયો. વોચમેને ઈન્ટરકોમ પર જાણ કરીને સિલ્કીને બોલાવી લીધી. સિલ્કીને એમ કે એનાં કોઈ ગેસ્ટ મળવા માટે આવ્યા હશે. એ આવી. મગનને જોઈને આભી બની ગઈ. વધારે આભી બનવા જેવું તો હજી બાકી હતું. મગને આત્મવિશ્વાસ ભેગો કરીને કહી દીધું ,‘આઈ ઓલ્સો લવ યુ!’ સિલ્કી ચકરાઈ ગઈ, ‘આ ‘ઓલ્સો’નો મતલબ શું છે?’

મગન હસ્યો, ‘ઓલ્સો એટલે કે હું પણ તને ચાહું છું. તું મને ચાહે છે એ વાત તો જગજાહેર છે, પણ આઈ ઓલ્સો....’

સટ્ટાક!!! એક જોરદાર તમાચાથી હવા કંપી ઊઠી. મગનને જેટલો માર ગાલ ઉપર ન લાગ્યો એટલો દિલ પર લાગ્યો. બીજો તમાચો એને ત્યારે લાગ્યો જ્યારે એણે પાછા ફરતાં જોયું કે એના કલાસના પચાસેક વિદ્યાર્થીઓ હોસ્ટેલના ઝાંપા પાસે સંતાઈને આ આખીએ ઘટનાનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ રહ્યા હતા.

મગને એ રાત્રે જ માંકડ મારવાની દવા ગટગટાવી લીધી. એને એમ કે એ હવે મરી જશે, પણ કલાક-બેકલાક પછીએ એ જીવતો જ હતો. એ દવાની શીશી તપાસતો હતો ત્યાં ‘થ્રી ઈડિયટ્સ’ એની રૂમમાં પ્રગટ થયા.

જનકે ખુલાસો કર્યો, ‘શીશી સાચી છે, પણ દવા બનાવટી છે. અમને ખાત્રી હતી કે તું આવું જ કરીશ. કેમ્પસની સામેના પાંચેય મેડિકલ સ્ટોરમાં જઇને અમે કહી આવ્યા હતા કે જો મગનલાલ આવે તો પાણી ભરેલી શીશી જ આપજો! ચાલ, ઊભો થા, પિકચર જોવા જઈએ. આ દવા માંકડને મારવા માટે હોય છે, માંકડિયાને મારવા માટે નહીં. એમ તે સિલ્કી મળી જતી હશે? એના માટે તો આખું કેમ્પસ ઝેર ગટગટાવી જવા તૈયાર છે. બી બોલ્ડ એન્ડ ચિઅર અપ!’‘

[શીર્ષક પંક્તિ: ‘રાજપ્ત લખતરવી]

Comments