મોગરાનાં ફૂલ



પૂજાએ રસોડામાંથી નીકળતાં જ ડ્રોઇંગરૂમની ઘડિયાળમાં જોયું. હજુ તો ફક્ત અઢી વાગ્યા હતા. પલ્લવ મુંબઈથી સાંજની ગાડીમાં આવવાનો હતો. ઘરે પહોંચતા સાંજના છ તો વાગી જશે જ. પૂજાએ તેના ડ્રોઇંગરૂમમાં નજર કરી. પરદા, ર્ફિનચર, કાર્પેટ બધું જ બરોબર હતું. પૂજાએ રાતના ભોજનની પૂરી તૈયારી કરી હતી. પલ્લવને મેનેજરની પોસ્ટ ઉપર નિમણૂક મળતાં તેણે એક નાની પાર્ટી રાખી હતી. એ પાર્ટીની મુખ્ય વાત એ હતી કે, તેમાં કૃદંત પણ આવવાનો હતો. પૂજાને તેના કાન ઉપર વિશ્વાસ નહોતો આવતો. જ્યારે ગઈકાલે પલ્લવે તેને ફોન કરીને પૂછયું કે, “પૂજા, તું કોઈ કૃદંતને જાણે છે ?”પૂજાના દિલના ધડકારા વધી ગયા હતા. એક પળ ગુમાવ્યા વિના તેણે કહ્યું, “તમે કોઈ કૃદંત વેદની તો વાત કરતાં નથી ને ?”
પલ્લવે જોરથી હાથ પછાડી કહ્યું, “હા, ભાઈ હા. હું તે કૃદંત વેદની જ વાત કરું છું અને તે અત્યારે મારી સામે જ બેઠો છે. તેની પાસેથી તો ખબર મળ્યા કે તમે બંને એકબીજાને ઓળખો છો. વાત કરીશ ?”
પૂજાએ કહ્યું, “ના, ના, પલ્લવ. હું રાનીને સૂવડાવું છું. અત્યારે નહીં. ફરી કોઈ વખત.”
પલ્લવે કહ્યું, “ઠીક, કોઈ વાત નહીં. હવે તો કૃદંત પણ ત્યાં આવે છે. મેં કાલે તેને પાર્ટીમાં આમંત્રણ આપ્યું જ છે.” અને તેણે ફોન મૂકી દીધો.
અને આજે કૃદંત પાર્ટીમાં આવી રહ્યો છે. દસ વરસ બાદ તે કૃદંતને મળશે ! કેવો લાગતો હશે કૃદંત ? કૃદંત એકલો જ આવતો હશે કે સાથે તેની પત્ની હશે ? શું કૃદંતે લગ્ન કરી લીધાં હશે ? સૌથી પહેલાં તો તેણે મોગરો અને ગુલાબ લાવીને તેના ડ્રોઇંગરૂમમાં લગાડયા. મોગરો પૂજાને તેનું દિલ બહેલાવતો હતો.
તેની નવી નોકરીનો પત્ર લઈને તે જ્યારે ભારત હોટેલના બીજા માળે પહોંચી તો તેનું હૃદય ધડકવા લાગ્યું હતું. તેની પહેલી નોકરી અને મોટું શહેર, ચારેતરફનો રસ્તો તેને માટે બિલકુલ નવો હતો. ઓફિસના દરવાજે પહોંચતા જ તેણે કહ્યું, “હું અંદર આવું ?” અને તેણે તેનો પત્ર ક્લાર્કને આપ્યો. તેને નિમણૂક મળી ગઈ. તેણે ઓફિસના સાહેબનું નામ જાણ્યું તો કૃદંત વેદ હતું. તેની નોકરી દરમિયાન તે ધીમે ધીમે તેના પરિચયમાં આવી.
તેના પહેલા પગાર વખતે આખા સ્ટાફે તેની પાસે પાર્ટી માગી. તેણે ઓફિસમાં બધાને પાર્ટી આપી. આ પાર્ટી વખતે મીરાં નામની ક્લાર્કે કહ્યું કે, “કૃદંતને ભવિષ્ય જોતાં સારું આવડે છે એટલે પૂજાએ તેનો હાથ કૃદંતને જોઈ આપવા કહ્યું. કૃદંતે તેના હાથ ઉપરથી નજર હટાવીને તેની આંખ ઉપર ફેરવતા કહ્યું, “અરે, તને શું કહું ? તારા મોં ઉપર જ લખેલું છે. તું નસીબદાર છે.”
તે ધીમેથી હસી. કૃદંતે આગળ કહ્યું : “પરંતુ આ વખતે કાંઈ ભૂલ ન કરતી.”
તે કૃદંતનું મોં જોતી રહી. કેવી રીતે કહેતી કે, આ એ જ જગ્યા છે જ્યાં તે હંમેશાં હારી જાય છે.
મીરાંએ કહ્યું, “કૃદંત સર, આ વખતે એટલે તમારું શું કહેવું છે ? પહેલાં કેટલી વખત ભૂલ કરી છે તેણે ?” બધા જોરથી હસી પડયા.
પૂજાનું મસ્તક શરમથી ઝૂકી ગયું. કૃદંતે તેને એમ કહીને બચાવી લીધી કે, “પૂજા, સંબંધોના મામલામાં તારો અભ્યાસ ઘણો નબળો છે. તેથી જ દરેક વખતે તું હાર ખાઈ જાય છે.”
મુંબઈ નોકરી મળતાં પૂજા આઠ મહિના તેના મામા-મામીની સાથે રહી, પરંતુ મુંબઈમાં ઘર જેટલા નાનાં છે તેટલા બધાના દિલ,પણ પૂજાને એવું લાગતું હતું. તેના પગારની અડધી રકમ તે મામા-મામીને આપી દેતી હતી. તેમાંથી જે અડધો પગાર વધતો તે માને મોકલતી હતી. બાકીના પૈસામાંથી તે પોતાનો ખર્ચ કાઢતી.
એક દિવસ પરેશાન થઈને પૂજાએ મીરાંને ક્યાંય પેઇંગગેસ્ટ તરીકે રહેવાની વાત જણાવી. ત્યાં વચ્ચે કૃદંત આવી ગયો. વાતની ગંભીરતાને સમજીને તેણે કહ્યું, “પૂજા, તું ઇચ્છે તો હું તારી મદદ કરું ? મારા એક મિત્રનાં માતા-પિતા દાદરમાં રહે છે. તેમને ત્રણ બેડરૂમનો ફ્લેટ છે. બંને વૃદ્ધ છે. એકલાં જ છે. જો તું કહે તો વાત કરું.” પૂજાને જોઈતું તું ને જડી ગયું.
તે દિવસે સાંજના કૃદંત ઓફિસેથી તેને ગુપ્તા દંપતીના ઘરે લઈ ગયો. પૂજાને તેના નસીબમાં વિશ્વાસ આવતો નહોતો. મિસિસ ગુપ્તાજી તેને એક બેડરૂમ દેવા રાજી થઈ ગયાં. પૂજા રવિવારના રોજ તેમના ફ્લેટમાં બે હાથમાં બે સૂટકેસ લઈને આવતી હતી ત્યાં સામે જ કૃદંત મળી ગયો. તેને જોતાં જ પૂજા બોલી ઊઠી, “મને વિચાર આવે છે કે, “તારે કૂલી હોવું જોઈએ.” તેને જોતાં જ પૂજાને સારું લાગ્યું.
“મેં તો તને તકલીફ નહોતી આપી, પરંતુ હવે આવી ગયો છે તો થોડી મદદ કર.”
હું પહેલાંથી જ ઘણું કામ કરીને આવ્યો છું.” કૃદંતે સૂટકેસ હાથમાં લેતા કહ્યું.
પૂજાની સમજમાં ન આવ્યું કે, તે શું કામ કરીને આવ્યો હશે ? ઉપરના માળે પહોંચ્યા પછી પૂજા ગુપ્તા આન્ટીને મળી. તેમણે કૃદંતને ચાવી પકડાવી દીધી. પૂજાએ તેના હાથમાંથી ચાવી લીધી અને તેના રૂમ તરફ ચાલી. રૂમ ખોલ્યો તો જોતી જ રહી ! કૃદંતના કામ કરવાનો અર્થ તેણે જોઈ લીધો. તેના માટે એક સુંદર સજાવેલો રૂમ હતો. તેમાં એક ટેબલ-ખુરશી હતાં. ટેબલ ઉપર હેન્ડલૂમનો રૂમાલ તથા તેની ઉપર મોગરા તથા ગુલાબનાં ફૂલો પથરાયેલાં પડયાં હતાં. તેની સુગંધથી રૂમ મહેકી રહ્યો હતો. પૂજાએ તેનો સામાન ગોઠવીને મૂક્યો.
એટલામાં કૃદંતે દરવાજો ખટખટાવ્યો. “પૂજા બે વાગી ગયા છે. જમવાનું નથી શું ?” પૂજાએ મોગરાની સુગંધ લેતાં કહ્યું, “મને ખાસ ભૂખ નથી, પરંતુ હું તને ભૂખ્યો નહીં રાખું. ચાલો, બહાર જઈને કાંઈ ખાઈએ.”
તે દિવસે પૂજાને કૃદંત પહેલીવાર ખૂબ સારો લાગ્યો. તે ચુપચાપ તેની વાતો સાંભળતી રહી. ગુપ્તા દંપતી તેને પુત્રની જેમ માનતાં હતાં. તેમને બે બાળકો છે, પરંતુ તે બંને લંડનમાં જ રહે છે. એક વરસે તેઓ દેશમાં આવે છે. તો બીજા વરસે તેઓ પતિ-પત્ની છોકરાંઓને મળવા લંડન જાય છે. કૃદંતે એમ પણ કહ્યું કે, “આન્ટી તને સવારે ચા અને નાસ્તો આપશે અને નવ વાગ્યે જમવાનું આપશે.”
પૂજાને તો જાણે લોટરી લાગી ગઈ.
ધીમે ધીમે કૃદંત અને પૂજા વચ્ચે સંબંધ વધતો ગયો, પરંતુ પૂજા પણ તેના આવા સંબંધને નકારી શકતી નહોતી. તે નક્કી કરી શકતી નહોતી કે કૃદંત સાથે તે કેવો સંબંધ ઇચ્છે છે ?
કૃદંત અને તે રોજ સાંજે બગીચાનું ચક્કર લગાવીને તળાવની પાળે બેઠા બેઠા વીસ વીસ પૈસાની મગફળી ખાતાં હતાં. તેના વિના તેમનો દિવસ પૂરો થતો લાગતો નહીં. તેઓ સાથે કોફી પીતાં, નોકરને ટીપ હંમેશાં પૂજા દેતી. પૂજા સવારથી સાંજ સુધી તેની રાહમાં રહેતી. તે તેના નશામાં હતી, પરંતુ કદી કૃદંતને ખોલીને વાત ન કરતી.
એક દિવસ રેસ્ટોરન્ટમાં ચા પીતાં પીતાં કૃદંતે કહ્યું, “પૂજા, હું કદી અધિકાર વિનાની ઇચ્છા નહીં કરું, પરંતુ તું બધાને એક લાકડીથી મારવાનું બંધ કરી દે. તું તારી જાતથી વધારે ડર લાગે છે. પહેલાં વિચાર કે તું શું ઇચ્છે છે ? જો સારું ન વિચારી શકતી હોય તો ખરાબ વિચારવાનો પણ તને અધિકાર નથી. તે દિવસે તેણે ધ્રૂજતા હાથે પહેલી વખત કૃદંતના હાથને પકડી લીધો હતો. કૃદંતે પણ તેના હાથને મજબૂત પકડી લીધો હતો. પૂજાને કૃદંતના સિવાય કોઈ નજરે દેખાતું નહીં. તે દિવસ આખો ઓફિસમાં મન દઈને કામ કરતી અને સાંજના બે કલાક કૃદંતના ખભા ઉપર માથું રાખીને બેસી રહેતી. પૂજાના મનમાં બીકનાં વાદળો આવતાં. તે કૃદંતના પ્રેમમાં દૂર થઈ જતાં. તે જ્યારે તેના ખભા ઉપર માથું મૂકી રડતા રડતા થાકી જતી તો કૃદંત તેને આશ્વાસન આપતો.
આ વખતે ગુપ્તા દંપતીને બે દિવસ માટે કોઈના લગ્નમાં જવાનું થતાં તેમના દીકરાએ કૃદંતને ફોનથી કહી દીધું કે, તેનાં મમ્મી-પપ્પા માટે ગાડીની સગવડ કરી દે. પૂજા ગભરાઈ ગઈ હતી. તે કોઈપણ રીતે તે ફ્લેટમાં બે રાત એકલા રહેવા ઇચ્છતી નહોતી. આન્ટીએ તેના મનની વાત જાણી લીધી હોય તેમ જણાવતા તેમણે કહ્યું કે, “બેટા, તું કહે તો કૃદંતને રાતના રોકાવાનું કહી દઉં. તે ડ્રોઇંગરૂમના સોફા ઉપર સૂઈ રહેશે.” પૂજાએ તરત વિશ્વાસ સાથે હા કહી દીધી.
કૃદંતે તેનો વિશ્વાસ તોડયો નહીં. કૃદંત આઠ વાગ્યે ઘરે પહોંચી ગયો. જમતાં જમતાં પૂજાએ પૂછયું હતું કે, “કૃદંત તમારા ઘરમાં કેવું વાતાવરણ છે ?” કૃદંતે હસતાં હસતાં કહ્યું, “મારી સાથે અમદાવાદ ચાલ. પછી જોઈ લેજે. મારાં મમ્મી-પપ્પા એકબીજા ઉપર ખૂબ જ પ્રેમ રાખે છે. મારો નાનો ભાઈ પણ મેનેજમેન્ટનું ભણી રહ્યો છે. ચાર માણસોનું કુટુંબ છે. ખરેખર, અમને મમ્મી-પપ્પાએ ખૂબ જ સારી જિંદગી આપી છે.” ભોજન સમાપ્ત કરીને પૂજા સોફા ઉપર આવીને બેસી ગઈ.
કૃદંત તેનો નાઈટ સૂટ પહેરીને આવ્યો તો પૂજાએ કહ્યું, “તારે ઓઢવા માટે તો કાંઈ નહીં જોઈએ કૃદંત, આન્ટી મને થોડી ચાદરો તારા માટે આપીને ગયાં છે.” પૂજા તેના રૂમમાં ચાદરો લેવા ચાલી ગઈ. કૃદંતે ચાદર લેતા જ 'ગુડ નાઈટ' કહી દીધું.
પૂજા હસીને રૂમ તરફ ચાલી ગઈ હતી. સવારે સાત વાગ્યે પૂજાએ તેના દરવાજાની બેલ સાંભળતા દરવાજો ખોલ્યો તો સામે કૃદંતને બે ચાના મગ ટ્રેમાં મૂકીને ઊભેલો જોયો. પૂજા આનંદથી ઝૂમી ઊઠી. ચાનો મગ લેતાં તેણે કહ્યું, “કૃદંત, તને ખબર છે મુંબઈમાં આવ્યા બાદ કાલે પહેલી વખત હું શાંતિથી સૂઈ શકી છું.” કૃદંતે પહેલી વખત પૂજાનું માથું ચૂમી લીધું. પહેલી વખત પૂજાને કૃદંતને પ્રેમ ઓછો લાગ્યો. બાળકની જેમ રમત કરતાં તેણે કૃદંતના ખોળામાં માથું રાખી કહ્યું, “આજે બંને રજા રાખીશું. આમ પણ શનિવાર અડધો દિવસ છે.”
“ફક્ત એક શરતે”, કૃદંતે ગંભીરતાથી કહ્યું, “કઈ ?”
“તું પહેલાં નક્કી કર કે તું મારી સાથે લગ્ન કરીશ.” પૂજા આનંદથી ઊભી થઈ ગઈ. તેના મોંમાંથી ફક્ત એટલું જ બોલી શકાયું કે, “કૃદંત, મા....” તે આગળ બોલે તે પહેલાં તેના હોઠ બંધ થઈ ગયા.
આખો દિવસ બંને ફરતા રહ્યા. થાક લાગવા છતાં તેઓએ સપનાં જોવાનું બંધ ન કર્યું. “પૂજા, મારે પહેલી દીકરી જોઈએ. હું તેનું નામ રાની રાખીશ.”
રાની... પૂજા ઊઠીને બેસી ગઈ. તે ક્યાં ખોવાઈ ગઈ હતી ? રાની પથારીમાં બેસીને તેના રમકડાંથી રમી રહી હતી. તેણે રાનીને ઉપાડીને વહાલથી ગળે લગાડી. તેણે વિચાર્યું કે, થોડીવાર આડી પડીને થાક ઉતારી લઉં. પછી બજારમાં જઈને લાલ ગુલાબ અને મોગરાનાં ફૂલ લાવીને ડ્રોઇંગરૂમમાં રાખીશ. બીજું કાંઈ બચાવી શકી નહોતી. ઓછામાં ઓછું મોગરાના ફૂલની સુગંધ હજી બાકી છે.
પૂજા તેના માટે શું બચાવી શકી હતી ? મમ્મીએ ફોન કરીને તેને દિલ્હી બોલાવી હતી. તે કૃદંતની રજા લેવા ગઈ હતી, પરંતુ પાછી આવી શકી નહોતી. મા અને નાનાએ પલ્લવને પહેલેથી જ પસંદ કરીને રાખ્યો હતો. તેણે જેવું કૃદંતનું નામ લીધું કે માના મોં ઉપર ગુસ્સાના ભાવ જોઈને તે ડરી ગઈ હતી. આઈ.આઈ.ટી. કાનપુરનો ગોલ્ડ મેડાલિસ્ટ માને દીકરી માટે સોનાની ખાણ લાગ્યો હતો. તે ચુપચાપ બધું સહન કરતી રહી. ઘણી હિંમત કરીને પૂજાએ તેની મજબૂરી અને માની ઇચ્છાને માન આપીને કૃદંતને એક ચિઠ્ઠી તેની બહેનપણીના સરનામે લખી હતી. કૃદંતે તેને લગ્નના અભિનંદન સાથે એક મોટો મોગરાનો ગુલદસ્તો તેને મોકલ્યો. પૂજાએ તૈયાર થઈને અરીસામાં જોયું. દસ વરસમાં તે બિલકુલ બદલાઈ નહોતી. ફક્ત થોડી જાડી થઈ ગઈ હતી. કૃદંતે કહ્યું હતું, “બધું માફ કરીશ,ફક્ત મોટાપણું માફ નહી કરું.”
પૂજા રાનીને લઈને બજારમાં ફૂલ લેવા ગઈ. ત્યારે છ વાગવા આવ્યા હતા. તેણે ઘરની પાસેના ફૂલવાળા પાસેથી મોગરાનાં ફૂલ લાવીને ડ્રોઇંગરૂમમાં લગાડી દીધાં અને નિરાંતનો શ્વાસ લીધો. બધું કેવું સુંદર લાગી રહ્યું છે !  થોડીવારમાં પલ્લવે બેલ મારી. અંદર આવતાં જ પૂજાને આલિંગનમાં લેતા જ પૂછયું, “પૂજા, સાંજના ભોજનની પૂરી તૈયારી કરી છે ને ? અરે ભાઈ, તેમાં તો તું હોશિયાર છું.” ચાનો કપ હાથમાં લેતા પલ્લવ એકધાર્યું બોલતો રહ્યો. “આ કૃદંત વેદ ઘણો સારો માણસ છે. લગ્ન પહેલાં તું નોકરી કરતી હતી ત્યારે તારી સાથે હતો ને ?” પૂજા ચુપચાપ કૃદંતની એક એક વાત તેની અંદર બેસાડતી જતી હતી, “એ મિસ્ટર વેદ તેની પત્નીને પણ સાથે લાવવાનો છે ?”
“મેં તો કહ્યું હતું કે, “તારી પત્નીને પણ સાથે લેતો આવજે સાંજના જોઈશું.”
આઠ વાગ્યે પલ્લવ પૂરી તૈયારી સાથે પાર્ટી માટે તૈયાર થઈ ગયો. મિસ્ટર અને મિસિસ જાની સૌથી પહેલાં આવવાવાળા હતાં. દરેક વખતે બારણાંની ઘંટડી પૂજાના દિલના ધબકારા વધારતી હતી. કૃદંતની ભાળ નહોતી. પૂજા મિસિસ જાનીને કોલ્ડડ્રિંકનો ગ્લાસ આપી રહી હતી કે, બારણાંની ઘંટી વાગી. પલ્લવે ધીમેથી દરવાજો ખોલ્યો. પૂજાનો શ્વાસ એક પળ રોકાઈ ગયો. જેવું તેણે પાછા ફરીને જોયું તો કૃદંત સફેદ મોગરાનો ગુલદસ્તો લઈને દરવાજા ઉપર હસતો હસતો ઊભો હતો. પૂજાની હથેળીઓ બિલકુલ ઠંડી પડતી લાગતી હતી. ધીમેથી તે કૃદંત તરફ આગળ વધી. પલ્લવે આનંદથી કૃદંતને બધા સાથે ઓળખાણ કરાવી પછી કૃદંત માટે ડ્રિંક બનાવવા લાગ્યો. ફૂલોને પૂજાના હાથમાં આપતાં કૃદંત બોલ્યો, “કેમ છે પૂજા.” પૂજાએ જવાબ દેવાના બદલે માથું નીચું કરીને કહ્યું, “તમારી પત્નીને સાથે ન લાવ્યા ?” કૃદંતે ધીમેથી ફૂલો તરફ ઇશારો કરીને કહ્યું, “મારું બધું અહીં જ છે.”
પછી કૃદંતે જોયું તો ડ્રોઇંગરૂમમાં એક ખૂણામાં ઢગલાબંધ મોગરાનાં ફૂલો સજાવેલાં હતાં. થોડીવાર આમતેમ વાતો કરતો કૃદંત એક નજર પૂજા ઉપર જરૂર નાખી લેતો. પૂજા હસી હસીને જવાબ દેતી રહી. ભોજન દરમિયાન પૂજાએ જાણીબુઝીને પોતાને રસોડું અને ડાઇનિંગ ટેબલની વચ્ચે રાખી. પછી પૂજા મેંગો અને આઈસક્રીમની સ્વીટડિશ લઈને આવી. મિસિસ જાનીએ પૂછયું, “પૂજા, આ કોની પસંદ છે ?” પૂજા જાણતી હતી કે કૃદંતને આઈસક્રીમ સાથે મેંગોની સ્વીટડિશ કેટલી પસંદ હતી ! પૂજાએ કૃદંત તરફ નજર કરતાં કહ્યું, “મારી દીકરી રાનીને ઘણી પસંદ છે.”
કૃદંતના કાનમાં પૂજાનો જવાબ ઘણીવાર સુધી ગુંજતો રહ્યો. ચુપચાપ તે પૂજાની પાસે આવ્યો અને બોલ્યો, “પૂજા, મને રાની નહીં દેખાડે ?”
પૂજા બેડરૂમમાંથી રાનીને તેડીને લઈ આવી. પાંચ વરસની રાની ઊંઘમાં કૃદંતના ખોળામાં આવી ગઈ. કૃદંત તેને ખભા ઉપર લઈને સોફા ઉપર બેસી ગયો. બધા જવા લાગ્યા તો પલ્લવે કૃદંતને રોકી લીધો અને કહ્યું કે, “તું સૌથી મોડો આવ્યો છે, તેથી મોડેથી જજે.”
મહેમાનોને મૂકવા બધા બહાર આવ્યા તો પલ્લવને યાદ આવ્યું કે, તેની સિગારેટ ખલાસ થઈ ગઈ છે. પલ્લવ કૃદંતને બેસવાનું કહીને સિગારેટ લેવા ચાલ્યો ગયો. રૂમમાં આવતાં કૃદંતે પ્રેમથી પૂજાને પૂછયું, “પૂજા, તું ખુશ તો છે ને !” પૂજાએ ધીમેથી કહ્યું, “કૃદંત,આ સવાલ છેલ્લા દસ વરસથી હું મારી જાતને પૂછી રહી છું, પરંતુ શું કરું ? તું જાણે તો છે કે મારી ગણતરી કેટલી નબળી છે ?”પોતાની વાત પૂરી કરતાં કરતાં પૂજાનું ગળું ભરાઈ આવ્યું.
કૃદંતે આગળ વધીને પૂજાના માથા ઉપર પ્રેમથી હાથ મૂકતાં કહ્યું, “દિલ કેમ નાનું કરે છે પૂજા ? રાની તો તારી પોતાની છે, તે તને કદી નબળી પડવા નહીં દે.”

Comments