મા-બાપની તાલીમ સારી, માટે ધીરવા ઊભી તો ન થઇ ગઇ, પણ એની બોડી લેંગ્વેજ પરથી બધાંને ખબર પડી ગઇ કે એને આ મુરતિયામાં હવે રસ રહ્યો નથી.
‘ધીરવા, દીકરી! કેવો લાગ્યો છોકરો તને? ગમ્યો?’ અમિતભાઇએ મુરતિયો વિદાય થયા પછી પોતાની લાડકી દીકરીને પૂછ્યું. ‘ઊંહું!’ ધીરવાએ વિચારવા માટે જરા પણ સમય લીધા વગર ના પાડી દીધી. એનાં મમ્મી દલીલ કરવા ગયાં, ‘કેમ? આ છોકરામાં ન ગમવા જેવું શું છે વળી? એ દેખાવડો છે, ભણેલો છે, સારું કમાય પણ છે, એનાં મા-બાપ...’‘બસ! આગળ એક શબ્દ પણ ન બોલશો, મારી ધીરવાને છોકરો ન ગમ્યો, ત્યાં વાત પૂરી થઇ જાય છે. દુનિયામાં કંઇ એ એક જ મુરતિયો થોડો પેદા થયો છે? મારી ધીરવાને હું બીજા એક લાખ છોકરાઓ બતાવીશ.
આ વાત ઉપર પૂર્ણવિરામ મૂકી દો!’ અમિતભાઇએ પત્નીને ચૂપ કરી દીધાં. પછી યુવાન દીકરીની સામે જોઇને હેતભર્યું હસ્યા, ધીરવા ‘પપ્પા, તમે કેટલા સારા છો!’ કહીને એમને વળગી પડી. મમ્મી રંજનાબહેન મોં બગાડીને સાંજની રસોઇ બનાવવા માટે રસોડા તરફ ચાલ્યાં ગયાં. અમિતભાઇ કાપડિયા કાપડના વેપારી હતા. જરૂર કરતાં વધારે પૈસાદાર હતા. ધીરવા એમની એકની એક દીકરી હતી. દીકરી હોવાને કારણે લાડકી હતી અને એકની એક હોવાને કારણે ચિબાવલી હતી.
એમાં વળી ઇન્ફર્મેશન ટેક્નોલોજીના અભ્યાસ માટે એને બેંગ્લોર મોકલી હતી. કાચી ઉંમરે આઝાદી અને પૈસાની મબલખ છુટ મળી ગઇ, એના કારણે ધીરવા સ્વતંત્ર મિજાજની બની ગઇ. મા-બાપનો અધિકાર હવે એના પર માત્ર સૂચન કે વિનંતી કરવા પૂરતો સીમિત થઇ ગયો હતો, આદેશ આપવા જેટલી એમનામાં હિંમત રહી ન હતી.
સાંજે જે છોકરો ધીરવાને જોવા માટે આવ્યો હતો એનું નામ પૌરવ હતું. બધી દ્રષ્ટિએ ધીરવા માટે યોગ્ય હતો, શરૂઆતની વાતચીતમાં બધું ઠીક-ઠાક ચાલતું હોય તેવું લાગ્યુંયે ખરું, પણ જ્યારે ધીરવાએ છોકરાનું નામ પૂછ્યું અને જવાબ મળ્યો કે -‘પૌરવ’, એ સાથે કુંવરી ભડકી ઊઠ્યાં. મા-બાપની તાલીમ સારી, માટે અડધી મુલાકાતે ધીરવા ઊભી તો ન થઇ ગઇ, પણ એની બોડી લેંગ્વેજ પરથી બધાંને ખબર પડી ગઇ કે એને આ મુરતિયામાં હવે જરા પણ રસ રહ્યો નથી.
અમિતભાઇએ વાતને દફન કરી દીધી. થોડા દિવસ થયા હશે, ત્યાં બીજા એક છોકરાનું કહેણ આવ્યું. ધીરવાના માસા વાત લઇ આવ્યા. છોકરો આવવાનો હતો એ પહેલાં જ ધીરવાએ મમ્મીને પૂછી લીધું, ‘મમ્મી, એનું નામ શું છે?’રંજનાબહેન છંછેડાયાં, ‘નામનું તારે શું કામ છે? તેલમાં તળીને એનાં ભજિયાં ઉતારવાનાં છે? છોકરો કેવો છે, એ કેટલું કમાય છે, એનો સ્વભાવ કેવો છે એ બધું પૂછને!’‘ના.’ ધીરવા જીદ ઉપર અટલ બનીને બેસી ગઇ, ‘નામ તો જાણવું જ જોઇએ. બીજું બધું વત્તે-ઓછે અંશે નભાવી લેવાય, પણ નામની બાબતે જરા પણ બાંધછોડ શક્ય નથી. મુરતિયાનું નામ તો જણાવવું જ પડશે.’
‘એવું હોય તો સાંજે છોકરો આપણા ઘરે આવે ત્યારે એને જ પૂછી લેજે.’ રંજનાબહેન છણકો કરીને રસોડામાં ચાલ્યાં ગયાં. આ એમની ખાસિયત હતી. ઘરમાં પતિ કે પુત્રીની સાથે કોઇપણ બાબતે વિવાદ થાય ત્યારે રંજનાબહેન રસોડામાં ભરાઇ જતાં. આ એમનું કોપભવન હતું.
સાંજ પડી. બરાબર છ વાગ્યા ને ઓડી કાર અમિતભાઇના બારણે આવીને ઊભી રહી ગઇ. એકે-એક પાડોશીઓના ઘરમાંથી ઇષૉની આગનો ધુમાડો ઊઠતો દેખાયો. ધીરવાનાં તો નસીબ ઊઘડી ગયાં! છોકરો એનાં મમ્મી-પપ્પા સાથે આવ્યો હતો. રાજકુમાર જેવો સોહામણો દેખાતો હતો. એના પપ્પા ઠસ્સાદાર હતા અને મમ્મી જાજરમાન. ખુદ ધીરવા મુરતિયાને જોઇને પોતાના હોશ-કોશ ખોઇ બેઠી.
બંને પરિવારો ડ્રોઇંગરૂમમાં ગોઠવાયા. આડી-અવળી વાતોનો દૌર ચાલ્યો. અમિતભાઇ જે સવાલ પૂછે એનો જવાબ રણકતો મળે.
‘શું કરો છો? આઇ મીન બિઝનેસ? કે નોકરી?’
‘બિઝનેસ. આઠ ફેક્ટરીઓ છે.’
‘ત્યારે તો ટર્નઓવર ઠીક-ઠીક રહેતું હશે.’
‘વાર્ષિક અઢારસો કરોડ રૂપિયાનું.’
‘પ્રોડક્ટ ગુજરાતભરમાં ચાલતી હશે? કે પછી બીજાં રાજ્યોમાં પણ એનું માર્કેટ છે?’
‘ના, અમારું મુખ્ય માર્કેટ ઇન્ટરનેશનલ છે. યુ.કે., યુ.એસ., રશિયા, ચાઇના, કેનેડા અને લેટિન અમેરિકન કન્ટ્રીઝ. અમારા માલની કવોલિટી જ એક્સપોર્ટ માટેની છે.’‘ત્યારે તો તમારે ક્યારેક ક્યારેક પરદેશ જવાનું પણ...’
‘ક્યારેક?! અરે, ભાઇ અમારે તો ઇન્ડિયા પાછા આવવાનું ક્યારેક થાય છે. ઘણી વાર તો એવું બને છે કે અમે સવારનો બ્રેકફાસ્ટ સ્વિટ્ઝર્લેન્ડમાં, બપોરનું લંચ ઇટાલીમાં અને રાત્રે ડિનર સ્પેનમાં લઇએ છીએ, પણ વી ડોન્ટ મિસ અવર હોમ, યુ નો! કારણ કે હું આખું ફેમિલી સાથે લઇને જ બિઝનેસ ટૂર પર જાઉં છું. મારી વાઇફ ઘરે બેસીને પતિ-દીકરા વિના ઝૂર્યા કરે અને અમે પાઉન્ડ અને ડોલરની નોટો છાપ્યા કરીએ એવી જિંદગીનો કોઇ અર્થ જ નહીં ને! તમારી ધીરવાએ પણ જીવનમાં ક્યારેય એકલાં નહીં રહેવું પડે.’
અમિતભાઇ અને રંજનાબહેન તો સંભવિત જમાઇની સમૃદ્ધિ અને વેવાઇના જવાબો સાંભળીને આભા બની ગયાં. રંજનાબહેનનું ચાલે તો એ તો ત્યાં ને ત્યાં જ ડ્રોઇંગરૂમને માંડવો ગણીને અને વચમાં પડેલી ટીપોઇને ચોરી સમજીને છત પરથી ટિંગાતા ઝુમ્મરના પ્રકાશની સાક્ષીએ દીકરી-જમાઇના મંગળફેરા ફેરવાવી લે!
અમિતભાઇએ દીકરીની દિશામાં જોઇને પૂછવા ખાતર પૂછ્યું, ‘તમારે બંનેએ અંગત વાત કરવી હોય તો...! બાજુના ઓરડામાં બેસીને વાત કરી શકો છો!’ પછી એમણે જ મુરતિયાને પૂછ્યું, ‘આપનું નામ તો હજુ સુધી અમે પૂછ્યું જ નહીં.’ યુવાને જવાબ આપ્યો, ‘પલાશ.’ બસ, પતી ગયું. નામ સાંભળતાંની સાથે જ ધીરવાનો બધો ઉત્સાહ ઓસરી ગયો. એણે ઊભાં થઇને બાજુના ઓરડામાં જવાનું જ માંડી વાળ્યું. બધાંના દેખતાં કહી દીધું, ‘મારે કંઇ નથી પૂછવું.’ પેલા લોકો સમજદાર હતા, ચા પીને રવાના થઇ ગયા. નાસ્તાને હાથ પણ ન લગાડ્યો.
આઠ મહિના નીકળી ગયા. અઢાર છોકરાઓ આવ્યા અને ધોયેલા મૂળાની જેમ પાછા ગયા. કુશ કલેક્ટર હતો, તો રાજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર હતો, દીદાર નામનો તેજસ્વી યુવાન ડોક્ટર હતો, તો વંશ હોનહાર વકીલ હતો. અઢારે અઢાર છોકરાઓ ધીરવાની બાજુમાં શોભે તેવા હતા, લગ્નજીવનને સુખી બનાવી શકે તેવું કમાતા હતા પણ ધીરવા એ દરેકનું નામ સાંભળીને ઊભી થઇ જતી હતી. આખરે અમિતભાઇ પણ થાકી ગયા, ‘બેટા, આવું શા માટે કરે છે? શેકસપિયર કહી ગયા છે કે નામમાં શું દાટ્યું છે! અને મને તો આ તમામનાં નામ આધુનિક છે. તું શા માટે ના પાડે છે?’
ધીરવા પાસે કાં તો આ સવાલનો જવાબ ન હતો, કાં એ કોઇને એ જવાબ જણાવવા નહોતી માગતી, પણ રોજ રાત્રે શયનખંડમાં એકાંતમાં જ્યારે એ પોતાનાં વસ્ત્રો બદલાવતી, ત્યારે આયનાની સામે ઊભી રહીને પોતાનાં વક્ષસ્થળ પર છુંદાવેલા ટેટ્ટુ માર્કને ઉદાસ નજરે જોઇ લેતી અને પછી એક ફળફળતો નિસાસો નાખી લેતી. એની છાતી પર ડાબી ટેકરીથી સહેજ ઉપર ગોરી-ગોરી ત્વચા ઉપર અંગ્રેજી ‘બી’ અક્ષરનું છૂંદણું સ્પષ્ટપણે જોઇ શકાતું હતું. છૂંદણું નિહાળીને ધીરવાને એનો ભૂતકાળ સાંભરી જતો હતો.
એ બેંગ્લોર શહેર, એ કોલેજ, ભારતેન્દુ રાજક્રિષ્ણન્ નામનો એક તેજસ્વી યુવાન, સોનેરી સહવાસના એ દિવસો, લગ્નનાં વચનો અને ભેટસોગાદોની આપ-લે! બધું જ યાદ આવી જતું હતું અને આવી જ એક પાગલપનની ક્ષણે ભારતેન્દુની જીદના કારણે બ્યુટિપાર્લરમાં જઇને એક ટેટ્ટુ-એક્સપર્ટ મહિલાના હાથે શરમાતાં-સંકોચાતાં પોતાના હૃદયસ્થાન પરના ઢોળાવ ઉપર દોરાવેલું આ છૂંદણું! કોને ખબર હતી કે ભારતેન્દુ અકસ્માતમાં મૃત્યુ પામશે એ પછી આ છૂંદણું એના માટે પ્રેમની નિશાનીને બદલે મુરતિયાની પસંદગી ઉપરનો આકરો ‘સ્ટે ઓર્ડર’ બની જશે?!
છેવટે ધીરવા પરણી ગઇ. એક સામાન્ય છોકરા સાથે. ગ્રેજ્યુએટ થયેલો એ યુવાન મહિને બાર-પંદર હજાર કમાતો હતો. બાકી તમામ માપદંડોમાં એ નપાસ થતો હતો, ફક્ત એક જ સવાલે એને ધીરવા નામની રૂપસુંદરીનો માલિક બનાવી દીધો હતો. ધીરવાએ એનું નામ પૂછ્યું ને એણે જવાબ આપ્યો, ‘ભીખુ! નામ તમને કદાચ નહીં ગમે, પણ શું કરું? મારી માએ મારી પહેલાં ચાર બાળકોને જન્મ આપ્યો, પણ બધાંયે મરી ગયા. છેવટે માએ માનતા માની કે હવે પછીનો દીકરો જો જીવી જશે તો એને ભિખારી બનાવીશ. નામ સામે વાંધો નથી ને?’ ધીરવાએ ફિક્કું હસીને કહ્યું, ‘ના, મને નામ ગમ્યું છે. હું વિચારું છું કે લગ્ન પહેલાં મારા હૃદય ઉપર તમારા નામનો પ્રથમ અક્ષર છૂંદાવી લઉં!’
Comments
Post a Comment
Thanx For Comment