ડો.શરદ ઠાકર: ઉસને ઇસ નજાકત સે ચુમા હૈ હોઠોં કી..!



 
ઇહા ભડકી ઊઠી. ચાર હોઠો વચ્ચે માંડ એક મિલીમીટર જેટલું અંતર બચ્યું હશે, ત્યારે એને ખાતરી થઇ કે ઇશાન તો નાટકના અભિનયના બહાને એના ઓષ્ટદ્દયનું ઉદ્ઘાટન કરવા જઇ રહ્યો હતો. એક ઝાટકા સાથે એ દૂર ખસી ગઇ. હાંફતી છાતી સાથે એ ચીસ જેવા અવાજમાં પૂછી રહી, ‘વ્હોટ ધ હેલ આર યુ ડુઇંગ? ડોન્ટ બ્રિંગ યોર સેલ્ફ સો કલોઝ ટુ માય બોડી.’

નાટકનું રિહર્સલ ચાલતું હતું. હીરો ઇશાન નાટકની હિરોઇનને એકાંતમાં મળીને પ્રેમનો ઇઝરાહ કરી રહ્યો હતો, ‘પ્રિયે! તને જયારથી જોઇ છે ત્યારથી મારી નીંદર ઊડી ગઇ છે. દિવસભર કોઇ કામમાં મન નથી લાગતું, ભૂખ મરી ગઇ છે, ચેન ઊડી ગયું છે...’જવાબમાં નાયિકા ઇહા આચાર્ય પણ જાણે પ્રેમમાં ભાન ભૂલી બેઠી હોય એવી લવારી કરવા માંડી. નાટકનું ર્દશ્ય આ મુજબ જ લખાયું હતું અને આવો અભિનય કરવો જરૂરી હતો. ઇહાએ સંવાદ બોલવાનું શરૂ કર્યું, ‘મારી પણ એ જ હાલત છે. જે દિવસે તને ન મળું એ દિવસ મને વ્યર્થ ભાસે છે.’

ઇશાને પ્રેમિકાનો હાથ પકડીને એની આંખમાં આંખ પરોવીને પ્રેમનાં બે-ચાર વધુ વાક્યો પીરસ્યા, પણ ઇહા સહેજ ‘અપસેટ’ થઇ ગઇ, કારણ કે હાથમાં હાથ પકડવાનું તો નાટકની સ્ક્રિપ્ટમાં આવતું હતું, પરંતુ જે રીતે ઇશાન એનો માખણ જેવો હાથ પોતાના ફૌલાદી પંજામાં જકડીને દબાવી રહ્યો હતો એવું તો ક્યાંય લખેલું ન હતું. તેમ છતાં સમયની આબરૂ જાળવીને એ ચૂપ રહી.

ઇશાનની હિંમત ખૂલી ગઇ. એણે ઇહાને પોતાની નજીક ખેંચી, એની કમર ફરતે એક હાથ વીંટાળીને એને પાછળની તરફ નમાવી દીધી. પછી એ પોતે એના ચહેરા ઉપર ઝૂકયો. ઇહાએ એ પણ ચલાવી લીધું, સ્ક્રિપ્ટની માંગ હશે એવું સમજીને, પણ પછી ઇશાને હદ વટાવી દીધી, એ પોતાના હોઠ ઇહાના બે મદભર્યા, રતુંબડા, પુષ્ટ હોઠો ઉપર ચાંપી દેવાની આખરી ક્ષણ સુધી પહોંચી ગયો. ઇહા ભડકી ઊઠી. ચાર હોઠો વચ્ચે માંડ એક મિલીમીટર જેટલું અંતર બચ્યું હશે, ત્યારે એને ખાતરી થઇ ગઇ કે ઇશાન તો નાટકના અભિનયના બહાને એના ઓષ્ટદ્દયનું ઉદ્ઘાટન કરવા જઇ રહ્યો હતો.

એક ઝાટકા સાથે એ દૂર ખસી ગઇ. ઇશાનને પણ ધક્કો મારીને દૂર હડસેલી દીધો. હાંફતી છાતી સાથે એ ચીસ જેવા અવાજમાં પૂછી રહી, ‘વ્હોટ ધ હેલ આર યુ ડુઇંગ? ડોન્ટ બ્રિંગ યોર સેલ્ફ સો કલોઝ ટુ માય બોડી.’ઇશાન ખસિયાણો પડી ગયો. આજુબાજુમાં નાટકમાં ભૂમિકા ભજવતાં અન્ય કોલેજિયનો ઊભા હતા.

નાટકનું દિગ્દર્શન સંભાળતા પ્રો. પ્રેમકુમાર પણ હાજર હતા. નાટકની સ્ક્રિપ્ટ કોલેજના લાઇબ્રેરિયન નરેશકુમારે લખેલી હતી. એ પણ હાથમાં કાગળો પકડીને ત્યાં જ ખડા હતા. સૌને નવાઇ એ વાતની લાગતી હતી કે આજે ઇશાન આવું બેહૂદું વર્તન શી રીતે કરી બેઠો! સ્ક્રિપ્ટ તો પ્રેમિકાનો મુલાયમ હાથ પકડવા સુધીની જ છુટ આપતી હતી.

‘સ...સ...સોરી!’ ઇશાનનું માથું શરમથી ઝૂકી ગયું હતું, ‘મ...મને પોતાને જ સમજાતું નથી કે મારાથી આવું કેવી રીતે થઇ ગયું. આઇ થિંક... હું ઇહાનું પાગલ કરી મૂકે એવું સૌંદર્ય જોઇને ભાન ભૂલી ગયો. હું ભૂલી ગયો કે આ નાટક છે... હું કલ્પનામાં અમારા શયનખંડમાં પહોંચી ગયો અને... સારું થયું કે ઇહાએ મને ધક્કો મારીને હોશમાં લાવી દીધો... નહીંતર હું સાચ્ચે જ એને ‘કિસ’ કરી બેસત...’‘કિસ માય ફૂટ!!’ ઇહા સળગી ઊઠી. એની આંખોમાં ગુસ્સાની હુતાશણી પ્રગટી અને જીભ પરથી અંગારા ખર્યા, ‘તારી આ હિંમત? મારા જેવી ખૂબસૂરત, સંસ્કારી અને માનુની યુવતીના હોઠ ચૂમવાની વાત કરે છે તું? અરે, જો તેં એવું કર્યું હોત તો અત્યારે તું જીવતો ન રહ્યો હોત.

કોઇ પણ સ્ત્રીને ચૂમવા માટે પુરુષની પાસે ‘લાઇસન્સ’ હોવું જોઇએ, લગ્ન નામનું પાકું લાઇસન્સ. બાકી તારા જેવા મજનૂઓ તો મેં કૈંક જોઇ નાખ્યા. ગેટ લોસ્ટ!’નાટકના ડિરેક્ટર પ્રો. પ્રેમ વચ્ચે કૂદી પડ્યા. નરેશકુમાર પણ સમજાવટ કરવામાં જોડાઇ ગયા. અન્ય છોકરા-છોકરીઓએ પણ ઇહાને શાંત પાડવાની કોશિશ કરી જોઇ, પણ વીફરેલી વાઘણ શાંત પડે તો ને? એણે તો એક જ હઠ પકડી રાખી, ‘મારે આ નાટકમાં કામ નથી કરવું કાં એ નહીં, કાં હું નહીં.’

ઇશાનને નાટકમાંથી હટાવવાનું કામ અઘરું હતું. છેલ્લાં બબ્બે વર્ષથી ઇન્ટરકોલેજ ડ્રામા કોમ્પિટિશનમાં આ કોલેજનું નાટક ફર્સ્ટ નંબરે આવતું હતું એ માત્ર ઇશાનના મજબૂત અભિનયના કારણે આવતું હતું. એ હેન્ડસમ હતો, ઘેઘૂર અવાજનો માલિક હતો, સંવાદોનો શહેનશાહ હતો અને સ્ટેજ પરની એની મૂવમેન્ટ અત્યંત ચપળ અને આંજી નાખે તેવી હતી. સ્પર્ધા આડે હવે બહુ ઝાઝા દિવસો પણ બચ્યા ન હતા. આવા સંજોગોમાં નાટકના મુખ્ય પાત્રનું રિપ્લેસમેન્ટ શોધવું ખૂબ જ અઘરું હતું.

પણ સ્ત્રીહઠ આગળ ભગવાન પણ હારી જાય છે, પ્રો. પ્રેમ તે ક્યા હિસાબમાં? નાટકમાં ઇહાની ભૂમિકા પણ અનિવાર્ય હતી. છેવટે એ રહી અને ઇશાન ગયો. હીરોની ભૂમિકા રોકી નામના એક સાધારણ આવડતવાળા છોકરાને સોંપી દેવામાં આવી. રિહર્સલ નવેસરથી શરૂ થયાં.નાટ્યસ્પર્ધા યોજાઇ ગઇ. આ વખતે કોલેજના નાટકને તો પ્રથમ ઇનામ ન મળ્યું, પણ ઇહા શ્રેષ્ઠ અભિનેત્રીનું પારિતોષિક જીતી ગઇ. પૂરા નાટકમાં એણે દસ વાર કોસ્ચ્યુમ બદલવાના હતા, એ દરેક કોસ્ચ્યુમમાં ઇહા સર્વશ્રેષ્ઠ લાગતી હતી. જાણકારોનું માનવું હતું કે ઇહાને શ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ જેટલો એના અભિનય માટે મળ્યો હતો એના કરતાં વધુ તો એનાં સૌંદર્ય માટે આપવામાં આવ્યો હતો. બીજા દિવસથી બધું યથાવત્ થઇ ગયું.

ત્રણ-ચાર દિવસ પછી એક ઘટના બની ગઇ. પ્રોફેસર ભણાવી રહ્યા હતા, કલાસ ચાલુ હતો, ઇશાન છેલ્લી બેન્ચ પર બેસીને ઉદાસ નજરે શૂન્યમનસ્ક મુદ્રામાં આમતેમ ડાફોરિયાં મારતો હતો, ત્યાં એની નજર આગળની બેન્ચ ઉપર બેઠેલા રોકી પર પડી. તે એના મિત્રોને કશુંક બતાવી રહ્યો હતો. ઇશાને ઊંટની પેઠે ડોક લંબાવી. જોયું તો રોકીના ખોળામાં પામટોપ હતું અને પામટોપના સ્ક્રીન ઉપર ઇહાની અર્ધનગ્ન તસવીરો એક પછી એક ઝબૂકી રહી હતી. મિત્રો આ અપ્સરાના અનાવૃત્ત રૂપની મજા લૂંટી રહ્યા હતા.

એક મિત્ર પૂછ્યું, ‘શાબાશ, રોકી! તં તો કમાલ કરી નાખી. જે અભિમાની છોકરી ક્યારેય લો-નેકનું ટી-શર્ટ પણ નથી પહેરતી, એને તે ઉઘાડી કરીને મૂકી દીધી. વાહ, શું ચીજ લાગે છે, યાર! જોવા માત્રથી મોઢામાં પાણી આવી જાય છે, તો ચાખવા મળે તો...?’‘ચાખવા પણ મળશે જ, હવે એ બચીને ક્યાં જવાની છે? આ ફોટોગ્રાફ્સ કંઇ કેમેરાની કરામત નથી, આ તો અસલી છે અસલી! નાટકના કાર્યક્રમ વખતે ઇહા જે રૂમમાં કપડાં બદલતી હતી ત્યાં કેમેરા છુપાવીને આ બધી ઉત્તેજક તસવીરો ઝડપી લીધી છે.

હવે હું જ્યાં અને જ્યારે એને બોલાવું, ત્યાં ઇહાએ આવવું પડશે. નહીંતર આ બધો ખજાનો ઇન્ટરનેટ ઉપર મૂકી દઇશ. એ કોઇને મોં નહીં બતાવી શકે...’રોકી બોલવાનું પૂરું કરે એટલામાં જ ઇશાનનો પંજો એના ખોળામાં પડ્યો. પામટોપ પળવારમાં ઇશાનના કબજામાં હતું. કલાસ ચાલુ હતો, તો પણ રોકીએ જોરથી ત્રાડ નાખી, ‘હરામખોર, મારું પામટોપ મને પાછું આપ, નહીંતર...’ અને પછી કલાસરૂમનો પાછળનો હિસ્સો કુરુક્ષેત્રમાં ફેરવાઇ ગયો. રોકી બદમાશ હતો અને પૈસાદાર હતો. એની પાસે રૂપિયાથી ખરીદાયેલા મવાલી જેવા મિત્રો પણ હતા. એ બધા ભેગા મળીને એકલા ઇશાન પર તૂટી પડ્યા.

ન્યાયનો પક્ષ હંમેશાં જીતે છે. દસ-પંદર મિનિટના દંગલ પછી રોકી કલાસરૂમ છોડી ગયો. એનું લશ્કર પણ પલાયન કરી ગયું. પાછળ રહી ગયો ઇશાન અને પેલું પામટોપ. ચિરાયેલો હોઠ, ફાટેલાં કપડાં અને લોહીથી ખરડાયેલા હાથ-પગ સાથે ઇશાન ઇહા પાસે પહોંચી ગયો. ચૂપચાપ પામટોપનો સ્ક્રીન એની આંખો સામે ધરી દીધો.

ઇહા ફાટેલી નજરે પોતાનું નગ્ન સ્વરૂપ જોઇ રહી.‘આના માટે...’ ઇહાની આંખો છલકાઇ ઊઠી, ‘આના માટે તં રોકી જેવા ગુંડાની સાથે વેર બાંધ્યું, ઇશાન? મેં તારું અપમાન કર્યું હતું, તો પણ...?’‘હા, ઇહા, તારી જગ્યાએ કોઇ પણ છોકરીના ફોટોગ્રાફ્સ હોત, તો પણ મેં આમ જ કર્યું હોત.

આઇ રિસ્પેક્ટ ધી વિમેન અને સાચું કહું? જ્યારે મેં રોકીના મોઢે તારા વિશે અભદ્ર શબ્દો સાંભળ્યા, ત્યારે હું ભાન જ ભૂલી ગયો હતો. એની ઉપર તૂટી જ પડ્યો. જે રીતે નાટકના રહિર્સલમાં તને જોઇને...’‘હા, મને જોઇને મારા હોઠ ચૂમવા માટે તું આમ જ ઝૂકી ગયો હતો ને?’ આટલું બોલી ઇહા ઇશાનને વળગી પડી. થાકેલો ઇશાન બેન્ચ પર બેસી પડ્યો. ઝૂકેલું વાદળ ધરતી પર વરસી રહ્યું. કલાસમાંથી કોઇએ બૂમ મારી, ‘કટ ઇટ! કટ ઇટ! સ્ક્રિપ્ટમાં તો આવું ર્દશ્ય ક્યાંય નથી.’ પણ ઇહા અને ઇશાન અત્યારે અભિનયના દાયરાની બહાર નીકળી ગયાં હતાં.‘

Comments