ડૉ.શરદ ઠાકર: હવે પાંપણોમાં અદાલત ભરાશે



 
વિસ્મય ગાંડો-ગાંડો બની ગયો. રુચિકાના માદક ભીના હોઠોમાંથી જ્યાં પ્રથમ શબ્દ સર્યો, ત્યાં જ વિસ્મય મીઠા ઘેનમાં ડૂબી ગયો. આ તે છોકરી હતી કે મધપૂડો? કે પછી ખાંડની ચાસણી? એને લાગ્યું કે એ ફાવી ગયો. બેઉ બાજુએ ફાયદો જ ફાયદો. આંખો ખુલ્લી રાખે તો નજરનું નજરાણું છે અને કાન ખુલ્લા રાખે તો કણોgત્સવ!

ખુશાલીની પણ એક સીડી હોય છે. જેમ-જેમ એનાં એક પછી એક પગથિયાં ચડતાં જઇએ, તેમ-તેમ ચડનારની ખુશી ક્રમશ: વધતી જાય છે. વિસ્મયની બાબતમાં આવું જ બન્યું હતું. વિસ્મય આવ્યો તો હતો પોતાના માટે કન્યા જોવા, પણ કન્યાનું ઘર જોઇને જ ખુશ થઇ ગયો. નાનકડું શહેર હતું, પણ મસમોટી હવેલી જેવડું મકાન હતું. ચાર માળનું મકાન. મોટો દરવાજો. દરવાજા અને મકાનની વચ્ચે ટેનિસ રમી શકાય એટલી ખુલ્લી જગ્યા. બેઉ બાજુ બગીચાઓ. ફરવા માટે બીજે ક્યાંય જવાની જરૂર જ નહીં.

બંગલાના બગીચામાં જ ફરી લેવાનું. તેમ છતાં જો બહાર જવું જ હોય, તો પાછળ ગેરેજમાં ત્રણ-ત્રણ ગાડીઓ હાજર હતી. આ થયાં ખુશાલીનાં ત્રણ-ત્રણ પગથિયાં, બંગલો, બગીચો અને ગાડીઓ.મમ્મી-પપ્પાની સાથે વિસ્મયે બંગલાની અંદર પગ મૂક્યો, તો ખુશાલીનાં બીજાં ત્રણ પગથિયાં એની સામે જ ઊભાં હતાં.‘આવો! પધારો!’ કહેતા ધનસુખલાલ, મીઠું-મીઠું મલકતાં વિદ્યાબહેન અને મોગરાના ફૂલ જેવી ગોરી-ગોરી સુકન્યા.

ત્રણ-ત્રણ સભ્યોની બેય તિકડી ડ્રોઇંગરૂમમાં ગોઠવાણી. પછી વાતચીત ચાલી. ધનસુખલાલે પોતાની રજૂઆત કરી, ‘આમ તો મારી રાજકુંવરી જેવી દીકરી માટે હું કરોડપતિ હોય એવો આસામી જ શોધું. મને ખબર છે કે તમારી આર્થિક સ્થિતિ સાધારણ છે, પણ મહાશંકરે મને બધી માહિતી આપી દીધી છે. તમારો દીકરો ભણેલો છે, સંસ્કારી છે અને મહિને દહાડે વીસેક હજાર કમાઇ લે છે. એટલે મેં વિચાર્યું કે મારી દીકરી રુચિકા માટે આવો જ જીવનસાથી ઠીક રહેશે. પૈસો તો હાથનો મેલ છે, કાલે સવારે ઊતરી પણ જાય. પરંતુ સંસ્કાર એક એવું ધન છે જે ઉત્તરોત્તર વધતું જ રહેવાનું છે.’

ધનસુખલાલની વાત સાંભળીને વિસ્મયના પિતા મનુભાઇએ પણ પેટછુટી રજૂઆત કરી લીધી, ‘આમ તો અમે રાજકોટમાં રહીએ છીએ, માટે આવડા નાના ગામડામાં સંબંધ બાંધીયે જ નહીં. પણ એક તો તમારું ઘર મોટું અને બીજું કે અમારો દીકરો દેખાવમાં એટલો બધો દેખાવડો નથી. અમારા રાજકોટની છોકરીઓ આવા મુરતિયા માટે ઝટ દઇને હા ન પાડે. એટલે અમે વિચાર્યું કે છોકરી ભલેને ગામડાની હોય, પણ રહેવાની છે તો અમારા રાજકોટમાં જ ને!’વિસ્મયને વચમાં આવું બોલવાની ઇચ્છા થઇ આવી, ‘મૂંગા મરોને, પપ્પા! આ રુચિકાને એક વાર ધ્યાનથી જુઓ તો ખરા! આવી રૂપાળી કન્યા તો મુંબઇમાંયે જોવા ન મળે. ગામડાંની વાતમાં પૂળો મૂકો અને જલદી હા પાડી દો!’

એ પછી ચા-નાસ્તો આવ્યાં. પછી વિસ્મય અને રુચિકાને અલગ રૂમમાં દસેક મિનિટ સુધી અંગત મુલાકાતની સગવડ કરી આપવામાં આવી. આ દસ મિનિટ એ ખુશાલીની સીડીનું સાતમું પગથિયું હતું. વિસ્મય ગાંડો-ગાંડો બની ગયો. રુચિકાના માદક ભીના હોઠોમાંથી જ્યાં પ્રથમ શબ્દ સર્યો, ત્યાં જ વિસ્મય મીઠા ઘેનમાં ડૂબી ગયો. આ તે છોકરી હતી કે મધપૂડો? કે પછી ખાંડની ચાસણી? એને લાગ્યું કે એ ફાવી ગયો. બેઉ બાજુએ ફાયદો જ ફાયદો. આંખો ખુલ્લી રાખે તો નજરનું નજરાણું છે અને કાન ખુલ્લા રાખે તો કણોgત્સવ!

રુચિકા બોલતી ગઇ, બોલતી રહી, પણ પછી અટકીને પૂછવા લાગી, ‘તમે કેમ કંઇ બોલતા નથી? લાગે છે કે તમને હું પસંદ નથી પડી. શું વિચારી રહ્યા છો?’‘વિચારી તો એવું રહ્યો છું કે અમારી સાથે ગોર મહારાજને પણ લઇ આવવાની જરૂર હતી. અહીં અને અત્યારે જ લગ્ન કરીને તમને મારી સાથે તો લઇ જઇ શકત! અફસોસ, તમારા વગર હજુ કેટલી રાતો કાઢવી પડશે?’રુચિકા ખીલખીલાટ હસી પડી, ‘એનો એક જ ઉપાય છે. મૂંઝવણ ભગાવો, મુહૂર્ત કઢાવો! ચાલો, હવે નીચે જઇએ. આ તો અમારું ગામડું છે, તમારું શહેર નથી. અહીં કુંવારી છોકરી પરાયા પુરુષ સાથે દસ મિનિટથી વધુ વાત ન કરે!’‘હજુયે મને પરાયો કહો છો?’ વિસ્મય પૂછી બેઠો.
‘હા, જાન લઇને નહીં આવો ત્યાં સુધી તો તમે પરાયા જ રહેશો.’ રુચિકાએ જાન લઇને આવવાની વાત એવા મધમીઠા અંદાઝમાં કહી દીધી કે એ સાંભળીને વિસ્મય તો અમૃતના તળાવમાં ડૂબકાં જ ખાવા માંડ્યો.

બંને જણાં પાછા ડ્રોઇંગરૂમમાં આવી ગયાં. વડીલોએ પૂછી લીધું અને જવાબમાં જાણી લીધું કે મિયાં-બીબી રાજી છે. શુભ કામમાં દેરી શા માટે! ત્યારે ને ત્યારે ગામના ગોર બાપાને બોલાવી લીધા. નજીકમાં નજીકનું લગ્ન માટેનું મુહૂર્ત કઢાવી લીધું. સગાઇની બાયપાસ સર્જરી થઇ ગઇ, સીધી લગ્નની વાત જ પાકી કરી નાખી.મનુભાઇએ રાજકોટ આવીને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી. એમનો નાનો ફ્લેટ હતો. એનું પૂરું ફર્નિચર બદલાવી નાખ્યું. એક બેડરૂમ નવેસરથી સજાવી દેવામાં આવ્યો. રંગરોગાન કરાવી દીધું. કંકોતરી, દાગીના, કપડાંની ખરીદી, આ બધામાં દિવસો પંખીની જેમ ઊડી ગયા. અંતે જાન પ્રસ્થાનનો દિવસ પણ આવી ગયો.

નિધૉરિત સમયે જાન ધનસુખલાલના બંગલા આગળ જઇને ઊભી રહી ગઇ. મનુભાઇને સહેજ નવાઇ તો લાગી કે બંગલામાં ઉત્સાહને બદલે ઉદાસીનું વાતાવરણ કેમ છવાયેલું લાગી રહ્યું હતું! બંગલાને ફૂલોથી સજાવવામાં તો આવ્યો હતો, પણ સાદાઇપૂર્વક. મુખ્ય ઝાંપા આગળ બેન્ડવાજા તો વાગી રહ્યાં હતાં, પણ એમાં જોમની કમી હતી. જાનૈયાઓ ઉપર ગુલાબજળનો છંટકાવ તો કરવામાં આવ્યો, પણ એમાં ગુલાબની ખુશ્બુ કમ હતી, જળની ભીનાશ જયાદા! ધનસુખલાલ અને ગામલોકોએ જાનનું સામૈયું કર્યું. શરબત વડે સ્વાગત થયું. એ પછી લગ્નની વિધિ ચાલુ કરવામાં આવી. બધું બરાબર ચાલતું રહ્યું.

ગોર મહારાજે મોટેથી ઉચ્ચારણ કર્યું, ‘કન્યા પધરાવો! સાવધાન...!’એ સાથે જ કન્યાનો હાથ ઝાલીને એના મામા માંડવામાં આવ્યા. વિસ્મયના રૂંવે-રૂંવે રુચિકાના રૂપની કલ્પનાની ઘંટડીઓ બજી ઊઠી. કન્યા સામે આવીને બેસી ગઇ. એના પાનેતરનો ઘૂંઘટ અડધા ચહેરાને ઢાંકી દેતો હતો. પણ ચહેરાનો બાકીનો અડધો ભાગ વિસ્મયને ચોંકાવી મૂકવા માટે પર્યાપ્ત હતો.વિસ્મય બેઠો હતો ત્યાંથી ગબડી પડવા જેવો થઇ ગયો. આ શ્યામલ ત્વચા, બેઠી દડીનું શરીર, આ જાડા હોઠ, આ કન્યા બીજી જ હતી! એની રુચિકા કોલસાની ભૂકીમાં આળોટીને આવે તો પણ આવી તો ન જ લાગે.

વિસ્મયે મનુભાઇની દિશામાં જોયું. નજર સાથે નજરથી વાત કરી લીધી. મનુભાઇએ ઊઠીને ધનસુખલાલને પકડ્યા, ‘આ બધું શું છે?’ ધનસુખલાલ એમને બાજુ પર ખેંચી ગયા, ‘બીજું શું કરું, મનુભાઇ? મારી દીકરીને આજે સવારે જ મોત આંબી ગયું. એના હાથ-પગમાં મહેંદી મૂકેલી હતી અને એ દાદર પરથી ઝડપભેર ઊતરવા ગઇ. છેક ટોચના પગથિયા પરથી ગબડી પડી. બ્રેઇન ઇન્જરીને કારણે ત્યાં જ એનું પ્રાણપંખેરું ઊડી ગયું.’‘હાય! હાય! તમે અમને જાણ પણ ન કરી?’‘ક્યાંથી કરું? જાન તો રવાના થઇ ગઇ હતી.

વરરાજા લીલા તોરણે પાછા ન ફરે એટલે તાબડતોબ ગામના ગરીબ ઘરની સાધારણ કન્યાને મનાવીને લગ્ન માટે રાજી કરી લીધી. ઉપરના માળે દીકરીની લાશ ઢાંકીને આવ્યો છું. છાતી પર પથ્થર મૂકીને આવ્યો છું. તમને આ છોકરી પસંદ ન હોય તો હજુ પણ મોડું નથી થયું. જાન લઇને પાછા...’મનુભાઇએ ઝપાટાબંધ વિચાર કરી લીધો. પાછા જવામાં નાલેશી હતી. આમ પણ વિસ્મય માટે સુંદર કન્યા શોધવામાં મુશ્કેલીઓ તો હતી જ. ઇશ્વરને જે ગમ્યું તે ખરું! એમણે લગ્નની વિધિ ફરીથી ચાલુ કરાવી દીધી.

વિસ્મયને ‘હનિમૂન’ ઊજવાઇ ગયાના એક મહિના પછી ખરી વાત જાણવા મળી. કોઇકે કહ્યું, ‘આ બધું ઉપજાવી કાઢેલું નાટક માત્ર હતું. ધનસુખલાલની દીકરી તો જીવે છે. એ મુંબઇમાં ભણે છે, પણ શેઠજી સારા માણસ છે. આવું નાટક રચીને બાપ-દીકરીએ અત્યાર સુધીમાં ગામની દસેક સાધારણ દેખાવની કન્યાઓને સારા ઠેકાણે પરણાવી આપી છે. ગમે તે હોય, પણ કામ પુણ્યનું છે ને!’ વિસ્મય હજુ પણ પેલી ખુશીની સીડીનું છેલ્લું પગથિયું ભૂલી શકતો નથી.

(તદ્દન સાચી ઘટના. નામફેર અને ગામફેર સાથે.)

(શીર્ષક પંક્તિ: રમેશ પારેખ)

Comments