હું સમજું છું કે એ રોંગ નંબરવાળી કોણ હતી, પણ એક વાત કાન ખોલીને સાંભળી લો, તમારી એ સગલી કોઇ પણ હોય, એને કહી દેજો કે રોંગ નંબરમાંથી એ રાઇટ નંબર બનવાની કોશિશ ન કરે! અત્યાર સુધી તો મને માત્ર શંકા જ છે, પણ જે દિવસે તમારાં લફરાં વિશે મારા હાથમાં એક પણ પુરાવો ચડી ગયો એ પછી...
રવિવારનો દિવસ હતો. બપોરનો સમય. અનુરાગ પત્નીએ બનાવેલી અને ઘીમાં ઝબોળાયેલી મોટી સાઇઝની પાંચ પુરણપોળી જમ્યા પછી બેડરૂમમાં આડો પડ્યો હતો. નીંદર નામની કિશોરી એની આંખોનાં પોપચાં ઉપર બેસીને ઘેન નામના પાંચીકા રમવાનો પ્રારંભ કરી રહી હતી, ત્યાં જ સેલફોન ગુંજી ઊઠ્યો. અનુરાગે ચિડાઇને મોટા અવાજે ‘કોલ’ રિસીવ કર્યો, ‘કોણ છે અત્યારે?’‘હું છું. આસંગી. શું કરતો હતો?’ સામેથી બળદની ડોકમાં બાંધેલી ઘૂઘરી જેવો મીઠો સ્વર સંભળાયો.
અનુરાગ ગભરાઇને પથારીમાં બેઠો થઇ ગયો, ‘શી...ઇ...ઇ...સ...! ધીમેથી બોલ! પેલી બલા આજુબાજુમાં જ ક્યાંક ફરી રહી છે. સાંભળી જશે તો મારી ક્યામત આવી જશે.’ ક્યામત આવી જ ગઇ. રસોડામાંથી વાવાઝોડાની પેઠે ધસી આવેલી મિરાત પતિને પૂછી રહી, ‘કોનો ફોન છે? રિંગ ટોન વાગ્યો એ મને સંભળાયો હતો. પહેલાં તમે મોટેથી વાત કરી, પછી તરત તમારો અવાજ ધીમો થઇ ગયો.
કોણ છે વંતરી સામા છેડે?’‘કોઇ નથી! કોઇ નથી! રોંગ નંબર હતો...’ અનુરાગની જીભ પોતાનું કામ કરી રહી હતી અને આંગળીઓ એનું કામ કરી રહી.‘રોંગ નંબર હતો, એમ? લાવો તો... તમારો મોબાઇલ ફોન મને આપો. એ રોંગ નંબર જોડે મનેય જરીક વાત કરવા દો...’ મિરાતે પતિના હાથમાંથી ઈન્સ્ટ્રુમેન્ટ આંચકી લીધું. સ્ક્રીન ઉપર કોઇ જ નંબર ન હતો, ‘આમાં તો ક્યાંક ઇનકમિંગવાળો નંબર દેખાતો નથી. તમે ‘ડિલીટ’ કરી નાખ્યો? આટલી વારમાં?’‘તું બી પાણીમાંથી પોરા કાઢે છે ને! ડાર્લિંગ, એ રોંગ નંબર હતો, એને સાચવી રાખવાનો શો અર્થ?’ અનુરાગ પાંગળો બચાવ કરી રહ્યો.
મિરાતે ધમકીના સ્વરમાં ઉચ્ચાર્યું, ‘હું સમજું છું કે એ રોંગ નંબરવાળી કોણ હતી, પણ એક વાત કાન ખોલીને સાંભળી લો, તમારી એ સગલી કોઇ પણ હોય, એને કહી દેજો કે રોંગ નંબરમાંથી એ રાઇટ નંબર બનવાની કોશિશ ન કરે! અત્યાર સુધી તો મને માત્ર શંકા જ છે, પણ જે દિવસે તમારાં લફરાં વિશે મારા હાથમાં એક પણ પુરાવો ચડી ગયો એ પછી...’અનુરાગ શિયાંવિયાં થઇ ગયો, ‘પછી શું?’‘કાઢી મૂકીશ આ બંગલામાંથી. લાત મારીને ફૂટપાથ ઉપર ફેંકી દઇશ.
મને એવી પત્નીઓમાંની એક સમજવાની ભૂલ ન કરશો જે પોતાના પતિની લફરાબાજી વિશે જાણ્યા પછી પણ હોઠ સીવેલા રાખે!’ મિરાત આટલું બોલીને, મોબાઇલ ઈન્સ્ટ્રુમેન્ટ પથારીમાં ફેંકીને પાછી કિચન તરફ ચાલી ગઇ. અનુરાગ કંઇ જ બોલી શકે તેમ ન હતો. આ બંગલો, ગાડી, ફેકટરી, રોકડ, દાગીના એ બધું જ સસરાજીની દેન હતું. એ પોતે તેજસ્વી અને હેન્ડસમ જરૂર હતો, પણ સાવ સામાન્ય ઘરનો હતો. માત્ર ધનવાન સસરાની અઢળક દોલત જોઇને તો એ ભેંસ જેવી મિરાતને પરણ્યો હતો.
રિસેપ્શન વખતે જ એના બે-ચાર દોસ્તોએ એને એક તરફ ખેંચી જઇને કાનમાં પૂછ્યું હતું, ‘અનુરાગ, રૂપિયા માટે રૂપનું બલિદાન? એ પણ આટલી હદે? તને કોઇ પણ સુંદર છોકરી મળી જાત...’અનુરાગ હસ્યો હતો, ‘ડોન્ટ વરી, ફ્રેન્ડ્ઝ! પાસે જો પૈસા હશે, તો સુંદર છોકરીઓ હજુ પણ મળી રહેશે. આ એક સોદો છે અને સોદામાં કશું જ ખોટું નથી હોતું. દેખતે જાઓ... આગે-આગે હોતા હૈ ક્યા?’દોસ્તો દેખતા ગયા. અનુરાગનો ‘ગેમપ્લાન’ સફળતાપૂર્વક આગળ ધપતો રહ્યો.
ઘરની અંદર સોનાના વરખમાં લપેટાયેલી કદરૂપી પત્ની હતી, તો ઘરની બહાર ‘બાહરવાલી’ઓ હતી, ગરીબીના ચીંથરામાં ઢંકાયેલી અપ્સરાઓ હતી. અનુરાગ પૂરો મહિનો મન લગાવીને સસરાજીનો કારોબાર સંભાળતો હતો, પછી સસરાજીના જ પૈસાથી બે-ચાર દિવસ ક્યાંક બહાર લટાર મારી આવતો હતો. આ એની સમજ હતી, એની જીવનશૈલી હતી, એની પસંદ હતી. જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો તો ઊઠે જ ને! મિરાતના કાન પર અલપ-ઝલપ વાતો અથડાવા માંડી. એ ભલે કદરૂપી હતી, પણ શહેરના સૌથી ધનવાન શ્રેષ્ઠીની એક માત્ર પુત્રી હતી.
એ આવું બધું શા માટે ચલાવી લે? અનુરાગ સમજી ગયો કે હવે પછી એણે ખૂબ સાવધ રહીને જીવવું પડશે. હાલ પૂરતી તો ઘાત ટળી ગઇ. મિરાત રસોડામાં ચાલી ગઇ કે તરત ફરીથી આસંગીનો ‘ફોન કોલ’ આવ્યો. ત્યાં સુધીમાં અનુરાગે સેલફોનને ‘સાઇલન્ટ મોડ’ ઉપર મૂકી દીધો હતો. એણે ધીમા, દબાયેલા સ્વરે વાત શરૂ કરી, ‘હા, બોલ, શું છે?’‘આવતા વીક એન્ડમાં હું એકલી જ છું. મળવું છે?’ આસંગી પૂછી રહી. ‘ક્યાં? તારા ઘરે?’ ‘મરવું છે? ઘરે તો મારા પડોશીઓ જોઇ જાય.
ક્યાંક બહારગામ ચાલ્યા જઇએ...’‘ઠીક છે. હું વિચારીને તને કાલે જણાવું છું.’ ટૂંકમાં વાત પતાવીને અનુરાગે ફોન કાપી નાખ્યો. ત્યાં જ મિરાત ધસી આવી, પણ ત્યાં સુધીમાં તો અનુરાગ કુંભકર્ણનો અવતાર બનીને ઘેરી નીંદરમાં પડી ચૂકયો હતો. બનાવટી ઊંઘમાંથી એણે તીરછી નજરે જોઇ લીધું કે એની પત્ની સેલફોનની ઊલટ-તપાસ લીધા પછી જ પાછી કિચન તરફ પ્રયાણ કરી ગઇ હતી.
બીજા દિવસે અનુરાગે ‘ફુલપ્રૂફ’ યોજના વિચારી લીધી. ‘ત્રણ દિવસની આધ્યાત્મિક શિબિરમાં જવાનું છે. પંચમહાલના અરણ્ય વિસ્તારમાં ઝૂંપડીમાં રહીને મૌન સાધના કરવાની છે.’ એવું કહીને એણે પત્નીને નિ:શંક બનાવી દીધી. પછી જાતે જ ગાડી ચલાવીને એ નીકળી પડ્યો. રસ્તામાં રાહ જોઇને ઊભેલી આસંગીને કારમાં બેસાડી દીધી. પછી બંને જણાં માઉન્ટ આબુની દિશામાં નીકળી પડ્યાં.
‘વન રૂમ, પ્લીઝ! ફોર ટુ નાઇટ્સ એન્ડ થ્રી ડેયઝ. મની ઇઝ નો પ્રોબ્લેમ, બટ વી વોન્ટ પ્રાઇવસી એન્ડ સેરીનિટી.’ એક ભવ્ય હોટલના રિસેપ્શન પાસે જઇને અનુરાગે લકઝુરિયસ રૂમની માગણી કરી. રિસેપ્શનિસ્ટ આઇ.ડી. પ્રૂફ માંગ્યું. અનુરાગે ડ્રાઇવિંગ લાઇસન્સ ધરી દીધું. પેલીએ પૂછ્યું, ‘સાથ મેં કૌન હૈ? યોર વાઇફ?’ પછી એણે લાઇસન્સની ઝેરોક્ષ કોપી કઢાવીને પોતાની પાસે રાખી લીધી. બાકીનું કામ એક રસમ જેવું બની રહ્યું.
‘તારી ભગરી ભેંસને જાણ ન થઇ જાય તો સારું.’ રેશમી ચાદર ઉપર રેશમી કાયા સાથે સૂતેલી અને અનુરાગના મજબૂત, પૌરુષી હાથો વડે મસળાતી, રગદોળાતી આસંગીએ શંકા વ્યક્ત કરી. અનુરાગે એને ધરપત બંધાવી, ‘તું સહેજ પણ ચિંતા ન કરીશ. જડબેસલાખ કામ કર્યું છે. એ ભલેને પોલીસ ડોગને બોલાવતી ને મારું પગેરું સુંઘાવતી. ચાહે તો ભલે ઇન્ટરપોલને ભાડે રોકતી, પણ એના હાથમાં એક પણ પુરાવો નથી લાગવાનો.’ અનુરાગે રેશમના તાકા ફરતે ભીંસ વધારી દીધી. બે રાત અને ત્રણ દિવસ સુખદ સ્વપ્નની પેઠે પસાર થઇ ગયાં. બંને પાછાં આવીને પોતપોતાની ઘરેડમાં ગોઠવાઇ ગયાં. મિરાતને લેશમાત્ર ગંધ ન આવી.
દસેક દિવસ ગયા હશે. એક સાંજે અનુરાગ ફેકટરીમાંથી પરવારીને ઘરે આવ્યો ત્યારે પત્ની અગનજવાળા બનીને એની વાટ જોઇ રહી હતી. ‘આજે શું થયું વળી...?’ એવો અનુરાગનો પ્રશ્ન અધૂરો જ રહી ગયો. મિરાતે એના હાથમાં એક ફોટોગ્રાફ અને એક પત્ર મૂકી દીધો, ‘આજે જ કુરિયરમાં આવ્યો છે. તમે અધ્યાત્મિક શિબિરમાં ગયેલા ને! એનો પુરાવો છે. વાંચો અને પછી આ ઘરમાંથી નીકળી જાઓ! ડિવોર્સની નોટિસ તમને જેમ બને તેમ જલદીથી મળી જશે.’
સુન્ન દિમાગે અનુરાગે ફોટો જોયો. એ અને આસંગી એકમેકને વળગીને ઊભેલાં હતાં. પત્રમાં લખ્યું હતું: ‘ડીયર સર અને મેડમ! અમારી હોટલની સિલ્વર જયુબિલીના દિવસે જ તમે અમારે ત્યાં બે રાત રોકાયાં એ બદલ તમારો આભાર! હોટલ મેનેજમેન્ટ તરફથી આ શુભ પ્રસંગની સ્મૃતિરૂપે આ તસવીર મોકલીએ છીએ. આશા છે કે તમને બંનેને ગમશે.’ અનુરાગ માથે હાથ મૂકીને ફસડાઇ પડ્યો.
(એક પરિચિતના જીવનમાં બનેલી સત્ય ઘટના પરથી)
Comments
Post a Comment
Thanx For Comment