‘ભવ્યા, મારી સામે તો જો...’ થોડા પ્રયાસો પછી ભવ્યાએ નગેન્દ્ર સામે પળવાર જોઇને નજર ફેરવી લીધી, કોઇ અજાણ્યા માણસ સામે જોયું હોય તેમ.
કસોટી એ જીવન ઘડતરની પાઠશાળા છે, પણ ક્યારે, કોની અને કેવી રીતે કસોટી કરવી તેની સૂઝ અને સમજ હોવી અનિવાર્ય છે. વળી દરેક બાબતમાં કસોટી કરી શકાય નહીં.
આ રસ પથ્થરની મૂર્તિ માફક ભવ્યા દરિયા કિનારાની પાળી પર સ્થિર થઇને બેઠી છે. મૃગલી જેવી હડપચીને હથેળીમાં ટેકવી અપલકનેત્રે દરિયાને તાકી રહી છે. આંખોમાં મસૃણ અપેક્ષાઓની માછલીઓ ટળવળી રહી છે. થાય છે કે, ફીણ મોજાની ધવલ ધાર પરથી ઊછળીને હમણાં પોતાનો પ્રિયતમ બહાર આવશે. પછી સપાટી પર દોડતો આવી ઊંચકીને આલિંગી લેશે! પણ નગેન્દ્ર તો તેની બાજુમાં ઊભો રહી ક્યારનોય બોલાવે છે, ભવ્યા... ભવ્યા... પણ તેને કશી જ અસર થતી નથી જાણે પથ્થરની મૂર્તિ! નગેન્દ્ર અને તેની સાથે આવેલા મિત્રો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.
હવે શું કરવું તે કોઇની સમજમાં આવતું નથી. મોં વકાસી એકબીજા સામે દયામણી નજરે જુએ છે. પૂર્ણિમાનો ચંદ્ર સોળકળાએ ખીલ્યો છે. સફેદ ચાંદની પ્રિયતમાના પાલવ જેમ ચારેબાજુ ફેલાઇ ગઇ છે. દરિયામાં ભરતી આવી છે. તેનાં નાનકડા ડુંગર જેવાં મોજાં, વાંભ વાંભ ઊછળીને, કાંઠા સાથે અફળાય છે અને પછી ઘેરી ગર્જના કરી પાછાં વળી જાય છે. લાગે કે ચાંદનીને મળવા સાગર અધીરો બની આમ ઊછળે છે! નગેન્દ્રની સ્થિતિ પણ સાગર જેવી છે.
લાખ પ્રયત્ને પણ સાગર ચાંદનીને આંબી કે પામી શકતો નથી છતાંય તે હિંમત હાર્યા વગર ગર્જના સાથે ઊછળ્યા કરે છે. નગેન્દ્રનું પણ એવું જ છે. આશાના કોડિયા માફક ટમટમ્યા કરે છે. તેણે ફરી એક વખત સહેજ ઊંચા અવાજે કહ્યું: ભવ્યા, મારી સામે તો જો... થોડા પ્રયાસો પછી ભવ્યાએ નગેન્દ્ર સામે પળવાર જોઇને નજર ફેરવી લીધી, કોઇ અજાણ્યા માણસ સામે જોયું હોય તેમ. આ માત્ર આજની વાત નથી પણ છેલ્લા પંદર દિવસથી આમ બની રહ્યું છે. જાહેરમાં કહી ન શકાય અને સહી ન શકાય તેવી મૂંઝવણ છે.
ભવ્યા અને નગેન્દ્ર વચ્ચેની ફ્રેન્ડશિપ પ્રણયના પ્રવાહમાં ક્યારે પલટાઇ ગઇ તેની કોઇને ખબર રહી નહોતી. મન મળી ગયાં પછી માત્ર તન જ જુદાં હતાં. બંનેએ સાથે મળી શપથ લીધા હતા કે હવે આપણા જીવનમાં બીજું કોઇ પાત્ર નહીં આવે. વાતમાં વજૂદ હતું. વસ્ત્રોની જેમ પાત્રો ન બદલાવી સમજપૂર્વક સાથે રહેવાની વાત તદ્દન વાજબી હતી અને તે માટેના પ્રેમાળ પ્રયત્નો પણ એટલા જ પ્રસ્તુત હતા. પણ તેમાં એક વખત એક મિત્રે મમરો મૂકતા કહ્યું હતું: ભવ્યા તારી જ છે તેની ખાતરી શું? ત્યારે તો નગેન્દ્રએ છાતી ઠોકીને જડબાતોડ જવાબ આપ્યો હતો: મને મારા પાત્ર પર ગળા સુધીનો ભરોસો છે.
સામે મિત્ર મમૉળુ હસવા લાગ્યો હતો, જાણે કશુંક જાણતો હોય! એ રાતે નગેન્દ્ર ઊંઘી શક્યો નહોતો. મનમાં જાણે-અજાણે પણ શંકાનો કીડો સળવળવા લાગ્યો હતો. જિંદગી શ્વાસ અને વિશ્વાસની રમત છે. પ્રેમની ઇમારત વિશ્વાસના પાયા પર નિર્ભર હોય છે. પ્રેમના પાયામાં શંકાનો લૂણો લાગે તે ઇમારત ખોખરી બની જાય છે અને ક્યારે કડડભૂસ કરતી જમીનદોસ્ત થાય તેનું કશું કહી શકાતું નથી... બીજા દિવસે નગેન્દ્રએ મિત્રને મળી સામે સવાલ કર્યો હતો: દોસ્ત! તારી વાતને ક્ષણભર માની લઉં તો મારે શું કરવું જોઇએ? મિત્રએ કહ્યું: ખાતરી કરી લેવાની બીજું શું, કસોટીમાંથી પાર ઊતરે તો જીવ દઇ દેવામાં પણ પાછા ન પડવું અને પાર ન ઊતરે તો પાછા વળી જવાનું! આમ કરવું સાવ સરળ હોય તેમ વાત કહી દીધી, પણ તેના પરિણામ વિશે ન વિચાર્યું.
કસોટી એ જીવન ઘડતરની પાઠશાળા છે, પણ ક્યારે, કોની અને કેવી રીતે કસોટી કરવી તેની સૂઝ અને સમજ હોવી અનિવાર્ય છે. વળી દરેક બાબતમાં કસોટી કરી શકાય નહીં. ઝેરનાં અને પ્રેમનાં પારખાં ન કરાય. પ્રેમ પામવાનો પદાર્થ છે, ખરાઇ કરવાનો નહીં! નગેન્દ્રનું આ પ્રેમપ્રકરણ મિત્રમંડળમાં ચર્ચાનો વિષય બની ગયું. કસોટી કરવાની વાત ચકરાવે ચઢી. આમ તો દરેક મિત્રોને આ વાત અંગત રીતે સ્પર્શતી હતી કારણ કે લગભગ બધાના પગ પ્રેમના પાણીમાં હતા.
હવે સવાલ કેવી રીતે કસોટી કરવી તેનો હતો... યુવાનો હંમેશાં નવું કરવામાં આગળ અને ઉતાવળા હોય છે. કશુંક કરી દેખાડવાની તેમની ભાવના ભારે બળવતર હોય છે. બીજા દિવસે જ અમલ કર્યો... અને પરિણામ સાવ વિપરીત આવીને ઊભું રહ્યું. આમ તો માણસના જીવનમાં પ્રત્યેક પગલે જાણી અને અજાણી કસોટી થતી હોય છે. સફળતામાં અને નિષ્ફળતામાં કસોટી મહત્વનો ભાગ ભજવે છે. તેના માટે તૈયાર અને તત્પર રહેવું જોઇએ, કારણ કે કસોટી હંમેશાં જીવંત માણસની થતી હોય છે.
દરિયામાં તરવા માટે મિત્રો દરરોજ સાથે જતા હતા એટલે વળતા દિવસે ભવ્યાને ખાનગીમાં મેસેજ આપવામાં આવ્યા, નગેન્દ્ર દરિયામાં ડૂબી ગયો છે તેના ઘેર હજુ કોઇને જાણ કરવામાં આવી નથી. આ તો તમને જ કહ્યું છે... ઘડીભર તો માની શકાયું નહોતું, પણ પછી ગાંડાની જેમ દોડતી-દોડતી ભવ્યા સીધી જ નગેન્દ્રના ઘેર પહોંચી ગઇ હતી. જો વાત સાચી હોય તો ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દરિયામાં ડૂબી મરવું. નગેન્દ્ર વગરનું જીવન એ કલ્પના બહારની વાત હતી, પણ તેના ઘેર નગેન્દ્રને જે રીતે હસતો અને જીવતો જોઇ આઘાત લાગ્યો તે અસહ્ય હતો. પોતાના પ્રેમની કસોટી કરવા આવું કર્યું છે, તે પળાર્ધમાં પામી ગઇ હતી.
હવે નગેન્દ્ર અને તેના મિત્રો ટેન્શનમાં આવી ગયા છે. ભવ્યા સામે પણ નથી જોતી અને દગિ્મૂઢ અવસ્થામાં બેસી રહે છે. સોરી, ભવ્યા તારી હૃદયપૂર્વકની માફી માગું છું. ભવ્યાએ તેમની સામે જોઇને કહ્યું: તમે કોણ છો આમ માફી માગનારા? નગેન્દ્રએ સાવ નજીક આવીને નવાઇ પામતાં કહ્યું: હું તારો નગેન્દ્ર! તો સામે રડવા જેવું હસીને ભવ્યા બોલી: મારો નગેન્દ્ર તો મરી ગયો, તેની યાદમાં આમ બેઠી છું! ઘડીભર સન્નાટો છવાઇ ગયો.
વાઢો તો લોહી ન નીકળે તેવી નગેન્દ્રની સ્થિતિ થઇ, છતાંય તેણે કહ્યું: હું તારી સામે જ ઊભો છું મારી જાન... ભવ્યા ઉગ્રતાથી બોલી: મેં તારા નામનું રોઇ નાખ્યું છે, મારા માટે તું હવે મરી ચૂકયો છો. ત્યાં વચ્ચેથી એક મિત્રે કહ્યું: આ તો તારી કસોટી હતી. ભવ્યાને કહેવું હતું, મારી કસોટી કરવાનો અધિકાર તમને કોણે આપ્યો? પણ તે બોલી: કરી લીધીને કસોટી, પ્લીઝ હવે મારો સગડ છોડો. મોં ફેરવીને ભવ્યા દરિયાને જોવા લાગી. દરિયાનાં ઊછળતાં મોજાં ચાંદનીને પામવા મરણિયો પ્રયાસ કરી રહ્યાં હોય એવું લાગતું હતું.નગેન્દ્ર એના મિત્રો સાથે ગયા પછી પાછળથી આવીને તેની બહેનપણીએ કહ્યું: ભવ્યા! તેં બરાબરનો પાઠ ભણાવ્યો! ભવ્યા તેની સામે જોઇ મમૉળું હસવા લાગી.
Comments
Post a Comment
Thanx For Comment