કેયૂર જીત્યો અને ડર હાર્યો



મારી કલ્પના
કેયૂર આમ તો બીજી બધી એક્ટિવિટિઝમાં અવ્વલ. એને ચિત્રો દોરવાનું ખૂબ ગમે. તરવાનું પણ ખૂબ ગમે. બસ, એને એના મિત્રો અને ચિત્રો મળે એટલે બીજી કોઈ વાતમાં રસ ન રહે. ભણવાનું આમ તો ગમે પણ ગણિતનું નામ પડે એટલે મોતિયા મરી જાય. કેયૂરને ગણિત વિષય સહેજ પણ ન ગમે. ગણિતનું નામ પડે એટલે કેયૂરને ઊંઘ આવવા લાગે. કેયૂર બીજા બધાં જ વિષયોમાં સારા માર્ક્સ લઈ આવે પણ ગણિતમાં માંડ માંડ પાસ થાય. જ્યારે પણ પરીક્ષા આવે ત્યારે કેયૂરનું ગણિતના પેપરને લઈને ચિંતા થવા લાગે. કેયૂરનો ગણિતમાં પરફોર્મન્સ જોઈને એનાં મમ્મી પપ્પા પણ ખૂબ ચિંતામાં રહે અને કેયૂરને લડીને ભણવા માટે આગ્રહ કરે. મમ્મી પપ્પાની ઇચ્છા હતી કે કેયૂર ભણીગણીને એન્જિનિયર બને.
વાર્ષિક પરીક્ષાના દિવસો હતા. બીજાં બધાં પેપર તો સારાં ગયાં હતાં પણ બીજા દિવસે ગણિતનું પેપર હતું. કેયૂર વિચારતો હતો કે તે પેપર આપવા નહીં જાય. એવામાં તેના દાદાજી આવ્યા. દાદાજીએ ચિંતાતુર કેયૂરને તેની ચિંતાનું કારણ પૂછયું. કેયૂરે તેમને ગણિતનું પેપર નહીં આપવા જવાનો વિચાર કહ્યો. આ સાંભળી દાદાજી હસવા લાગ્યા. તેમણે કેયૂરને કહ્યું કે જો તે પેપર આપવા નહીં જાય તો પણ ફેઈલ થશે. એના કરતાં જેટલું પણ આવડે છે તેનું પુનરાવર્તન કરવાથી ચોક્કસ તે સારા માર્ક્સ મેળવી શકશે. જીવનમાં ક્યારેય કોઈ વસ્તુથી ગભરાવવું ન જોઈએ. આજે નહીં આવડે તો કાલે ધ્યાનપૂર્વક વાંચવાથી અને પુનરાવર્તન કરવાથી ચોક્કસ સફળ થશે. ક્યારેક ને ક્યારેક તો કોઈ વસ્તુની શરૂઆત કરવાની જ હોય છે. તો ડર રાખવાનો શો અર્થ? જ્યાં સુધી ગણિત ન સમજાય ત્યાં સુધી જ તે અઘરું લાગે છે. જો એક વાર ધ્યાન દઈને ભણશે તો ગણિત ગણવાની મજા આવશે. દાદાજીના શબ્દોએ કેયૂરમાં ઉત્સાહ જગાડયો. તેણે મન દઈને આખો દિવસ અભ્યાસ કર્યો. જેટલું પણ આવડતું હતું તેનું પુનરાવર્તન કર્યું. બીજા દિવસે સવારે તે આત્મવિશ્વાસ સાથે ગણિતનું પેપર આપવા ગયો. જ્યારે પરિણામ આવ્યું ત્યારે કેયૂર ગણિતમાં પાસ થયો હતો. દાદાજીના શબ્દોએ કેયૂરનો ડર દૂર કર્યો હતો. હવે કેયૂરે કોઈ પણ વિષય કે વસ્તુથી નહીં ડરવાની અને તેનો સામનો કરવાનો નિશ્ચય કર્યો.

Comments