રાઘવજી માધડ: કોને હાથ આપવો અને કોને સાથ આપવો!

જીવનમાં કોઇ એક એવું પાત્ર હોય કે જેનો વિકલ્પ ન જડે. વળી તેની કોઇ સાથે સરખામણી પણ ન થઇ શકે. આમ સમજતી હોવા છતાં નેત્રાનું મન ત્રાજવાના પલ્લા માફક ઊંચા-નીચું થયા કરતું હતું. એક બાજુ અર્થ અને બીજી બાજુ સાર્થક... કોને હાથ આપવો અને કોને સાથ આપવો નક્કી થઇ શકતું નથી.

હેન્ડીક્રાફ્ટના એક પ્રદર્શન નિમિત્તે નેત્રા, અર્થ અને સંસ્થાના સભ્યો હૈદરાબાદના શિલ્પગ્રામમાં આવ્યા છે. છેલ્લા ચારેક દિવસનો સાવ નિકટનો સહવાસ નેત્રાના ઋજુ હૃદયને તંગ કરી રહ્યો છે. આમ તો છેલ્લા એકાદ વરસથી રૂરલ ડેવલપમેન્ટની એક સંસ્થામાં સાથે કામ કરે છે. લાંબા સાંનિધ્યનું આ પરિણામ હતું. દિવસભર હેન્ડીક્રાફ્ટનું હાટ ચાલતું હતું.

પછી સાંજના સમયે અહીંના જોવા-ફરવાલાયક સ્થળોએ આખી ટીમ જતી હતી. લક્ષ્મી મંદિર, ડાન્સિંગ ફુવારા, હુસેન સાગર તળાવ... આ બધું જોયા પછી ગોલકોંડાનો કિલ્લો અને તેનો લાઇટ-સાઉન્ડ શો જોવાનો હતો. પણ નેત્રાનું મન તરંગના તોખાર પર બેસીને છેક સાર્થક પાસે પહોંચી ગયું હતું અને અહીં અર્થ તેના પાસે ટળવળતો હતો.

ગોલકોંડાના કિલ્લામાં લાઇટ-સાઉન્ડ શો માટેની એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ટિકિટ શોના સમય મુજબ અર્થની આખી ટીમ બેઠક લઇને ગોઠવાઇ. અર્થ હેતુપૂર્વક નેત્રાની બાજુમાં બેઠો. નેત્રાને કશો વાંધો નહોતો. હેન્ડીક્રાફ્ટનું કામ પણ આમ સાથે બેસીને જ કરતાં હતાં. કો-ઓપરેટ થવાની કળા કે ભાવના માણસમાં હોવી જોઇએ. પણ એટલું બધું નિકટ ન આવવું જોઇએ કે પછી જુદા પડવું મુશ્કેલ થાય! જાણવા અને માણવા જેવો શો શરૂ થયો.

કલરફુલ લાઇટ્સ અને સાઉન્ડ ઇફેકટના સમન્વયથી એક અદ્ભુત દુનિયા ખડી થઇ. કિલ્લાના પ્રત્યેક પથ્થર બોલવા લાગ્યા. નવોઢાની માફક શણગાર સજી વિવિધરંગી ર્દશ્યાવલિ ઊભી કરવા લાગ્યા. આ કિલ્લાનો કબજો મેળવવા માટે ઔરંગઝેબે ચૌદ ચૌદ વરસ ઘેરો ઘાલ્યો હતો. છેવટે એક ચોકીદારને સોનામહોરની લાલચ આપી અભેધ્ય કિલ્લાને જીત્યો હતો. પણ અહીં આ શોમાં શાહજાદા અને નર્તકી વાઘમતીની પ્રેમકહાની પ્રસ્તુત થવાની હતી.

નેત્રાની ગરદન પાછળ ખુરશી પર અર્થનો હાથ લંબાયો. તેના સ્પર્શ માત્રથી શરીરમાં વીજળીના જેવો કરંટ લાગ્યો. સાથે કામ કરવામાં હાથ અડે, શરીર અથડાય વળી ક્યારેક મઝાકમાં અડપલાં થાય પણ આ નવતર અનુભવ હતો. નેત્રા એમ જ બેઠી રહી. ક્યારેક કોઇ કામની ગરજ અમુક પ્રકારના સંબંધોને સાચવવાની ફરજ પાડતી હોય છે, પણ સ્માર્ટ યંગસ્ટર્સ સેઇફ ડસ્ટિન્સ સાથે આવી નાજુક સ્થિતિને સંભાળી લેતી હોય છે.

એક ભરાવદાર અવાજ કિલ્લામાં છવાઇ ગયો: ‘કિલ્લાના કણેકણમાં સૂર અને શબ્દની સાધક બેલડી કુતુબશાહ અને નર્તકી વાઘમતીના પ્રણયની કથા પડેલી છે.’ અવાજ અમિતાભ બચ્ચનનો છે. આગળ કહે છે: ‘વાઘમતી,! તમારાં નર્તનમાં મારું અસ્તિત્વ ઓગળી જાય છે, સઘળું ભુલાઇ જાય છે...’ સામે વાઘમતીની વાત અભિનેત્રી રેખાના અવાજમાં રજૂ થાય છે: ‘આલાપનાહ! મારું નર્તન એટલે આપનો શબ્દ. આપના હૃદયોદ્ગારના સથવારે જ આ પગ ઊપડે છે. પાયલ બાજે છે અને હૈયું ધડકે છે.’ ‘વાઘમતી! તમે જ મારું કવન છો, તમે જ મારું જીવન છો.’ અર્થનો હાથ થોડો લંબાયો, દબાયો. નેત્રાને એકક્ષણે એવો અહેસાસ થયો કે અર્થ નહીં પણ સાર્થક આલિંગન આપી રહ્યો છે.

‘હું તો એક નાચીજ નર્તકી છું. મને એટલો બધો પ્રેમ ન આપો કે હું આ સહન ના કરી શકું અને ક્યાંક મારો શ્વાસ અટકી જાય!’શાહજાદા કુતુબશાહ કહે છે: ‘એવું ન બોલો વાઘમતી! તમે મારા રુદિયાની રાણી છો. જિંદગીના આખરી શ્વાસ લગી ચાહીશ.’‘મારું પણ આમ જ કહેવું છે નેત્રા!’ નેત્રા ચોંકી ગઇ, એકદમ સભાન થઇ ગઇ. આ કોણ બોલ્યું...!? બાજુમાં તો અત્યારે અર્થ બેઠો છે! નેત્રાએ અર્થના હાથને હડસેલો માર્યો પછી ખુરશીમાં જ સાવ સંકોચાઇ ગઇ.

સાર્થક ગમે છે પણ અર્થ નથી ગમતો એવું નથી, પણ નેત્રાને સમજાય છે કે અર્થ સાથે છે, વળી કામમાં સહકાર આપે છે એટલે ગમે છે. બાકી આ સંસ્થામાં સાથે ન હોત તો ગમવાની વાત તો બાજુ પર રહી હોત, એકબીજાને ઓળખતાં પણ ન હોત. જ્યારે સાર્થકને પરભવથી ઓળખતી હોય એવું લાગે છે. વાઘમતી અને શાહજાદાની કથા સાથે નેત્રા અને અર્થના મનમાં પણ એક પ્રેમકથા પાંગરવા લાગી હતી. એકમેકને જોડવા લાગી હતી. બાદશાહે, શાહજાદા કુતુબશાહને કહ્યું હતું કે નર્તકી સાથે રહેવું છે કે પછી રાજપાટ જોઇએ છે? પણ કુતુબશાહે રાજપાટ ત્યાગીને નર્તકી વાઘમતીને સ્વીકારી હતી. બંને જીવનભર ગાતાં રહ્યાં, નાચતાં રહ્યાં... અને એ પણ ખુદા માટે!

શો પૂર્ણ થયો. નેત્રા, અર્થ અને આખી ટીમ બહાર નીકળવા લાગી. નેત્રાના ઉરપ્રદેશનો આ પ્રેમકહાનીએ કબજો લઇ લીધો હતો. તે કિલ્લા બહાર નીકળતાં પહેલાં વાઘમતીની મજાર પાસે આવીને ઊભી રહી. પછી અર્થનો હાથ પકડીને બુલંદ સ્વરે બોલી: ‘બોલો અર્થ મારા માટે તમે શું ત્યાગવા તૈયાર છો?’ અર્થ માટે આ અણધાર્યો સવાલ હતો. છતાંય તે ધીમા અવાજે બોલ્યો: ‘મારા પાસે ત્યાગવા જેવું જ કશું નથી.’ નેત્રા તેના મોં સામે તાકીને ઘસાતા અવાજે બોલી: ‘તો પછી મને ત્યાગી દો!’‘  

Comments