રાઘવજી માધડ: લાગણીના પૂર સામે પાળ બાંધવી પડે



 
મેરેજ કરવા માગતી નથી એનો અર્થ એ કે તું મને ચાહતી નથી. તારું આ એક નાટક જ હતું.’ સામે યુવતીએ એટલા જ આક્રોશથી કહી દીધું: હા, તારે જે સમજવું હોય તે સમજ.

પ છી તો તેણે તેની ગર્લફ્રેન્ડને એસએમએસ દ્વારા સીધું જ પૂછી લીધું કે, તું મને ચાહે છે કે નહીં? અને ચાહતી હો તો મેરેજ કરવા માગે છે કે નહીં? મને સ્પષ્ટ જવાબ જોઇએ! છોકરીને ઘડીભર આઘાત લાગ્યો. છતાં પણ સામે જવાબમાં કહ્યું, ‘મને વિચારવાનો સમય આપ, ચોવીસ કલાક પછી તને યોગ્ય ઉત્તર આપીશ.’ પ્રેમ પ્રસંગમાં ધીરજ ધરવી તે વધારે આકરું કામ હોય છે. ભાગ્યે જ કોઇ યંગસ્ટર ધીરજ ધારણ કરી શકે છે.

ક્યારેય ઉતાવળે આંબા ન પાકે. સમયની રાહ જોવી પડે. છતાંય છોકરીએ માત્ર છ કલાકમાં જ પ્રત્યુત્તર આપ્યો અને કહ્યું: ‘આપણા વચ્ચે ફ્રેન્ડશિપ છે તે સાચું પણ મેરેજનો વિચાર તો ક્યારેય કર્યો નથી, કારણ કે મારે તો ઓલરેડી...’ વાત સાંભળ્યાં કે સમજ્યાં વગર જ કાપી નાખે છે અને પછી કહે છે કે હું બરબાદ થઇ ગયો છું, લૂંટાઇ ગયો છું, જીવવા જેવું કશું રહ્યું નથી. ક્યાંક હું અવિચારી પગલું ભરી બેસું તેવો મને ડર લાગે છે.
પર્વત પરથી નીકળેલું ઝરણું અને હૃદયમાંથી પ્રગટેલો પ્રેમ હંમેશાં પવિત્ર હોય છે. પણ તેને રસ્તામાં આપણી ઇચ્છા મુજબ પસાર કરવામાં પ્રદૂષિત થાય તો તેમાં દોષ પર્યાવરણનો નહીં પણ આપણો પોતાનો હોય છે. પ્રેમ ગોડ ગિફ્ટ છે. જે સમજે તે સદ્નસીબ છે. જીવન ઉપવન બની જાય. ‘તારા વગર તો હું મારી જિંદગીને કલ્પી જ શકતો નથી.’ યુવાને કહ્યું: ‘પ્લીઝ મને જવાબ આપ...’ યુવતીએ કહ્યું: ‘મેં તને જવાબ આપી દીધો છે. બાકીનું તારે સમજી લેવાનું હોય.’

‘મેરેજ કરવા માગતી નથી એનો અર્થ એ કે તું મને ચાહતી નથી. તારું આ એક નાટક જ હતું.’ સામે યુવતીએ એટલા જ આક્રોશથી કહી દીધું: ‘હા, તારે જે સમજવું હોય તે સમજ. પ્લીઝ... મારી સાથે હવે વાત ન કરીશ.’

યુવક-યુવતી બંને એક વિસ્તારમાં સર્વિસ કરે છે. સ્પેશિયલ વાહનમાં આવાં પંદરથી વીસ યુવા-યુવતી દરરોજ એક્સાથે અપડાઉન કરે છે. પરસ્પર ભાઇચારાનો, લાગણીભીનો સંબંધ હોય તે સ્વાભાવિક છે. યુવાવસ્થા ઊછળતા સાગર જેવી હોય છે. ક્યારે કોને ભીંજવી જાય તે કહેવાય નહીં.

યુવતીએ વાત કરવાની પણ ઘસીને ના પાડી દીધી. હવે કશું કહેવા કે પૂછવા જેવું રહ્યું નથી. છતાંય મનમાંથી વળગણ છુટતું નથી. રાત-દિવસ બસ તેના જ વિચારો આવ્યા કરે છે. કશું સૂઝતું નથી, સર્વિસમાં પણ રજા મૂકી દીધી છે. દુનિયા વેરાન અને ઉજજડ લાગે છે. ખાવાની ઇચ્છા થતી નથી, ઊંઘ આવતી નથી. આ બાબતથી તેનું ફ્રેન્ડસર્કલ વાકેફ છે. મા-બાપ પણ મૂંઝાયા કરે છે, શું રસ્તો કરવો!

દરરોજ સાથે હોય તેથી એકબીજાને સાથ-સહકાર આપે, ઘર સુધીનો સંબંધ જાળવે તેમાં કશું જ ખોટું નથી. પરિવારને પણ આવા માનવીય સંબંધોની માહિતી કે જાણકારી હોવી જોઇએ, પણ આ બંને સામાન્ય સંબંધની સીમા ઓળંગીને આગળ નીકળી ગયાં છે. ક્યારેક એકાંતમાં બેસવું, બાઇક પર સવાર થઇને ફરવું... લોકોની નજરમાં આવી જવું. આવું ઘણું કહેવાય અને ન કહેવાય એવું છે.

સ્નેહ અને સુગંધ ક્યાંય છુપાવી શકતા નથી. આ કહેવત એકવીસમી સદીમાં થોડી બદલાઇ છે-સુગંધ અને આવા સંબંધોને ઢાંકવા છતાં ઢાંકી શકાતા નથી! છોકરીને પૂછ્યું: ‘તેં મેરેજની ના શું કરવા પાડી?’ તો કહે: ‘અમારો એવો કોઇ જ ઘરોબો નથી કે તેમાં મેરેજની વાત આવે અને મારા મેરેજની વાત એક છોકરા સાથે ચાલે જ છે.’

પછી છોકરીએ આગળ કહ્યું: ‘નીતેષ આ બધું જાણે છે.’ આંચકો આપી જાય તેવી વેધક વાત કહી. છતાંય તેને ઘડીભર એક બાજુ મૂકીને આગળ પૂછ્યું: ‘નીતેષ સાથે તારે આવો સંબંધ છે તે, જેમની સાથે મેરેજ થવાના છે તે જાણે છે?’ છોકરી માટે આ સાવ અણધાર્યો સવાલ હતો. તે મૌન થઇને મોં વકાસી રહી. ‘તે છોકરો જાણશે તો મેરેજની તારી સાથે હા પાડશે!’ સણસણતા સવાલથી છોકરી હેબતાઇ ગઇ. આમ છતાં તેણે ચોખવટ કરવાનો, સ્વચ્છતા દાખવવાનો પ્રયાસ કર્યો, પણ તેના જવાબરૂપે એમ જ કહી શકાય: એક હાથે ક્યારેય તાળી પડતી નથી.

છોકરાનું નામકરણ થયું. નીતેષ નામ છે. નીતેષ જાણે છે છતાંય તેણે આમ પ્રપોઝ શા માટે કર્યું? આખા મામલાને મેરેજ સુધી શા માટે લઇ ગયો? ચિંતાપ્રેરક સવાલો છે, છતાંય લૂલો બચાવ કરતા નીતેષે કહ્યું: ‘બે વરસથી અમારી રિલેશનશિપ છે. ઘણી અને ઘણા પ્રકારની વાતો કરી છે. તેને મારી ફીલિંગ્સ સમજાઇ છે, તેના પ્રત્યે કેટલી લાગણી ધરાવું છું તે જાણે છે!’ કોઇના મોંમાં સાકર મૂકીને પૂછવું નથી પડતું કે તને સાકર ગળી લાગી કે કડવી? અનુભૂતિની બાબત છે.

‘મેરેજ કરવા માટે કોઇ બીજી છોકરીને પસંદ કરી લે. આમાં કાંઇ નાસીપાસ થવાની કે સંસાર અસાર લાગે છે... એવી કોઇ વાત નથી.’

‘છે એમ તો, બીજી બે છોકરીઓ સાથે ફ્રેન્ડશિપ...’ નીતેષે સહજતાથી કહ્યું: ‘સ્મિતા પણ જાણે છે!’ આ બીજો ધરતીકંપ હતો.
‘માની લ્યો કે સ્મિતાએ લગ્ન કરવાની હા પાડી તો તમે બંને લગ્ન કરશોને?’ સીધો જ સવાલ કર્યો. તો કહે: ‘કરવાના જ હોયને.’ મા-બાપને સમજાવી લઇશું બીજું શું?

‘હા, બધા જ સવાલોનું નિરાકરણ કરી તમે પ્રભુતામાં પગલાં માંડ્યાં. એકમેકમાં ઓગળી ગયાં. પછી તમારા જૂના સંબંધો ચાલુ રહેશે કે બંધ થઇ જશે!’ ઉત્તર આપવાનું અઘરું લાગ્યું હોય તેમ તે કશું બોલ્યો નહીં. ‘આપણે બધું ધારી જ લેવાનું છે.’ આગળ કહ્યું: ‘ધારી લ્યો કે લગ્ન સાથે જ લગ્નેતર સંબંધો કટ કરી નાખ્યા, પણ એકબીજાને વિશ્વાસ બેસશે? શંકા નહીં જાગે!?’ કોઇની સાથે પ્રેમ થાય ત્યારે શરૂઆતમાં તો એમ જ લાગે કે ઇશ્વરે એકબીજા માટે સર્જન કર્યું છે. હવે એક ક્ષણ પણ એકબીજાની વગર રહી શકીએ એમ નથી. પછી ક્યાંક એવું બને છે કે, હવે એક ક્ષણ પણ સાથે રહી શકીશું કે જીવી શકીશું નહીં.

‘હું બધું જ સમજું છું.’ તેણે સહેજ ઉગ્રતાથી કહ્યું: ‘પણ હવે મારે કરવાનું શું?’

‘જ્યાં છો, ઊભા છો ત્યાંથી પાછા વળી જાવ.’ મક્કમતાથી કહ્યું: ‘લાગણીના ધસમસતા પ્રવાહ આડે પાળ બાંધીને પાછી વાળવી એ કપરું કામ છે. છતાંય કરવું પડશે... આવાં કપરાં કામ યુવાનો સિવાય કોણ કરે!?’ ઉમેરીને કહ્યું: ‘જે તમારા હિતમાં છે.’ ‘ 

Comments