ડો.શરદ ઠાકર: આવો, હૃદયમાં,રૂપને લાયક પાથરણું છે!



 
ભેળસેળના આજના સમયમાં આવું નિર્ભેળ સૌંદર્ય?! આનો અર્થ તો એ જ થયો કે ભગવાને હજુ એની રૂપની ફેક્ટરીને તાળું મારી દીધું નથી.

દેવ યુવાન હતો, તો પણ હાંફી ગયો. ટેકરીનું ચડાણ જ એવું સીધું અને ઊંચું હતું કે પર્વતારોહણનો અનુભવી હોય તે પણ થાકી જાય. વળી પગથિયાં જેવુંયે કશું મળે નહીં. ઝાડી-ઝાંખરા અને કાંકરાવાળી કેડી ઉપર પગ લપસી ન પડે એ વાતની કાળજી રાખતાં-રાખતાં ઉપરની દિશામાં ચડતાં જવાનું. કુલ ઊંચાઇ માંડ પોણો એક કિલોમીટર જેવી હશે, પણ એટલું ચડતાંમાં પૂરો દોઢ કલાક નીકળી ગયો.

‘હાશ!’ શિખર પરની સપાટ જગ્યાએ પહોંચતાં જ દેવ એક મોટી શિલા પર ફસડાઇ પડ્યો. થોડાંક ઊંડા શ્વાસ ભર્યા છાતીમાં. સારું લાગ્યું. પછી ડાબા હાથે નજર કરી. ભૈરવદાદાનું મંદિર દેખાયું. અંદર એક યુવતી ઊભી હતી તે પણ દેખાણી. દેવને રસ પડ્યો. સાંજે રડ્યા-ખડ્યા દર્શનાર્થીઓ તળેટીના ગામમાંથી અહીં આવતા હતા, પણ અત્યારે ભરબપોરે... આ... યુવતી...?!

દેવ ધારી-ધારીને એની પીઠ તરફ તાકી રહ્યો. યુવતીએ આછા આસમાની રંગનું શોર્ટ ફ્રોક અને નીચે સફેદ રંગનું લેગીઝ પહેરેલું હતું. પીઠ તો અનુપમ લાગતી હતી, શરીરનો ફ્રન્ટ વ્યૂ કેવો હશે એ ભૈરવદાદા જાણે! હા, એનું મોં તો દાદાની મૂર્તિ સામે હતું. એ બે હાથ ભેગા કરીને કંઇક બબડી રહી હતી. પછી એણે છત પરથી લટકતો ઘંટ વગાડ્યો. એક રણકો ઊઠ્યો અને વાતાવરણમાં ફેલાઇ ગયો. પછી યુવતી પાછી ફરી અને મંદિરની બહાર નીકળી ગઇ.

દેવ હવે એનો ચહેરો જોઇ શક્યો. ‘માય! માય!’ દેવના મોઢામાંથી ઉદગારો સરી પડ્યા, ‘ભેળસેળના આજના સમયમાં આવું નિર્ભેળ સૌંદર્ય?! આનો અર્થ તો એ જ થયો કે ભગવાને હજુ એની રૂપની ફેક્ટરીને તાળું મારી દીધું નથી. આવી જબરદસ્ત વિશ્વવ્યાપી મંદીમાંય એનું કારખાનું ભગવાને ચાલુ રાખ્યું છે...’યુવતી મંદિરમાંથી બહાર નીકળીને ટેકરીની પાછલી બાજુએ વળી ગઇ. દેવ ઊભો થઇને મંદિરમાં દાખલ થયો. એણે પણ બે હાથ જોડ્યા, આંખો બંધ કરી, ઇશ્વરની સાથે જે સંવાદ કરવો હતો એ કરી લીધો અને પછી ઘંટ વગાડીને એ બહાર નીકળ્યો.

એણે આજુબાજુમાં ડાફોળિયાં માર્યા. આસમાની રંગ ફક્ત આસમાનમાં જ દેખાયો, ટેકરી તો ભૂખરી માટી ને પીળા ઘાસના તણખલાથી ઢંકાયેલી હતી. આસમાની રંગની ઢેલ ક્યાં ઊડી ગઇ હશે?!‘અરે, બાપ રે!’ દેવના દિમાગને અચાનક એક ઝાટકો લાગ્યો, ‘એ ક્યાંક મંદિરની પાછળ આવેલા ‘સ્યુસાઇડ પોઇન્ટ’ તરફ તો નહીં ગઇ હોય?!’ દેવને ખબર હતી કે આ જગ્યા આપઘાત કરવા ઇચ્છનારાઓ માટે ખાસ ફેવરિટ હતી. એની પાછળનું મુખ્ય કારણ તો પરાપૂર્વથી ચાલી આવતી એક માન્યતા હતી.

આસપાસની વસ્તીમાં એવી માન્યતા હતી કે ભૈરવદાદાની ટેકરી પરથી જો પડતું મેલવામાં આવે તો બીજા જન્મમાં તમે જે માગ્યો હોય તે અવતાર મળે! બીજા જન્મમાં શું થવાનું છે કે શું થયું તે વાતનો કોઇ નક્કર પુરાવો કોઇની પાસે ન હતો, પણ એક વાત પથ્થરની લકીર જેવી અફર હતી કે ભૈરવદાદાની ટેકરી ઉપરથી જેટલા માણસોએ પડતું મૂક્યું હતું તેમાંથી કોઇ જીવતું બચ્યું ન હતું.

દેવના પપ્પાએ જ એકવાર એને માહિતી આપી હતી, ‘ભૈરવદાદાના મંદિરની પછવાડે એક ખાસ જગ્યા છે. ત્યાં ઊભા રહીને જો કોઇ પાછળની ખીણ તરફ ભૂસકો મારે તો એના જીવતાં બચવાની શક્યતા શૂન્ય છે.’‘એવું કેમ? એ ટેકરી કંઇ એટલી બધી ઊંચી નથી! અને એની પાછળ આવેલી ખીણ પણ એટલી ઊંડી નથી. પડતું મેલનારામાંથી કો’ક તો જીવતું રહેતું હશે ને?’

‘ના, એમાં એવું છે કે શિખરના બિંદુ પરથી ખીણ સુધીના માર્ગમાં બરોબર વચ્ચેના ભાગે કાળમીંઢ પથ્થરની એક મોટી શિલા આવેલી છે. ટેકરીમાંથી જ કાટખૂણે આડી ફૂટેલી શિલા! માણસ સીધો એની ઉપર જ પછડાય છે. જોગાનુજોગ દરેક જણ ઊંધો જ પછડાય, તરત એનું માથું નાળિયેરની કાચલીની જેમ ફૂટી જાય છે. ભૈરવદાદાનો ચમત્કાર છે. સ્યુસાઇડનો સક્સેસ રેટ સો ટકા જેવો છે!’

દેવને પિતાજીની વાત યાદ આવી કે તરત જ એના હૈયામાં ફાળ પડી. એ મંદિરના પાછળના ભાગમાં દોડી ગયો. બરાબર સમયસર પહોંચ્યો, કારણ કે પેલી યુવતી છલાંગ મારવાની તૈયારીમાં જ હતી. એને રોકવા માટે એક શબ્દ બોલવા જેટલોયે સમય બચ્યો ન હતો. એટલે દેવે તરાપ મારીને એના માથાના વાળ ઝાલી લીધા. મગર નદીનું પાણી પીતાં હરણની ટાંગ પકડી લે એમ જ! બંને જણાં ધરતી પર ઢળી પડ્યાં.

‘છોડો! મને છોડી દો! મારે નથી જીવવું! તમે કોણ મને રોકનારા?’ ધૂળ અને કાંકરામાં આળોટી રહેલી અપ્સરાએ ચીસો પાડીને ટેકરી ગજાવી મૂકી.દેવ સાઇકોલોજીનો વિષય ભણ્યો હતો. એને લાગ્યું કે આ યુવતીને અત્યારે ‘શોક થેરપી’ આપવાની જરૂર છે, તો જ એના મન પરથી મરવાનું ભૂત ઊતરશે. એણે બંને ગાલ પર એક-એક જોરદાર લાફો ઠોકી દીધો.

યુવતી રડવાને બદલે વધારે ચીસો પાડવા લાગી, ‘મારો! હજુ મારો! મારી જ નાખો મને! મારે જીવવું જ નથી...’ દેવે એનો હાથ કસીને પકડી લીધો. પછી એને સમજાવવાનું શરૂ કર્યું, ‘શા માટે મરી જવું છે? આવતા ભવે શેનો અવતાર લેવો છે? આ જન્મમાં જ આટલી સુંદરતા તો મળી છે તને! આનાથી વધુ રૂપ તો તને ભૈરવદાદા પણ નહીં અપાવી શકે!’

‘બળ્યું આ રૂપ! ને બળી આ યુવાની! એણે તો આ ઉપાધિ સર્જી છે.’ યુવતી બાજુના એક ભાંગેલા બાંકડા ઉપર બેસીને હીબકાં ભરવા માંડી, ‘જો હું કાળી ને કદરૂપી હોત તો એ મારા પ્રેમમાં ન પડ્યો હોત! અને તો મારું દિલ પણ ન તોડ્યું હોત! દગાબાજ...! લંપટ...! પાપી...!’દેવ મામલો સમજી ગયો. પૂરો અડધો કલાક એ યુવતીને સમજાવતો રહ્યો, ‘આ જગત આખું ઇશ્વરે રચેલી માયાજાળ છે. એમાં બધી જાતના નમૂનાઓ ભટકતા હોય છે. તને પ્રેમી પારખતાં ન આવડ્યું એમાં કંઇ મરી ન જવાય.’

‘તો જીવીને પણ શું કરું?’‘જીવીને બીજું કરવાનું શું વળી? જીવી નાખવાનું! માણસનો અવતાર વારંવાર નથી મળતો અને આપઘાત કરવો એ તો ઘોર પાપ ગણાય છે. તું સીધી નર્કમાં જઇશ.’‘ભલે, નર્કમાં જઉં. મારામાં નર્કની યાતના સહેવાની હિંમત છે.’ ‘પણ આ પૃથ્વી પરના સ્વર્ગમાં જીવવાની તૈયારી નથી, કેમ? ખરી હિંમતની જરૂર તો જીવતા રહેવા માટે પડે છે. આપઘાત કરનારા તો કાયર હોય છે.’

‘ભલે અમે કાયર રહ્યાં! પણ જીવવાની તો વાત જ ન કરશો.’ દેવના ભાથામાં તીરોની સંખ્યા ખૂટવા આવી, નરકની બીક કે કાયરતાનો આરોપ કામમાં ન આવ્યો, એટલે એણે છેલ્લું તીર ચલાવ્યું, ‘તમારી જિંદગી પર તમારા એકલાંની માલિકી નથી. તમારાં મમ્મી-પપ્પા, ભાઇ-બહેન, દાદા-દાદી અને બીજાં તમામ સ્વજનોનો અધિકાર રહેલો છે તમારી ઉપર.

તમારે જીવતાં રહેવું પડે. તમારા પોતાને માટે નહીં તો એ લોકોની ખાતર! આટલાં સ્વાર્થી ન બની શકાય તમારાથી.’એક પછી એક તર્ક, દલીલ, સમજાવટ અને ખાસ તો પેલી ગોઝારી ક્ષણનું પસાર થઇ જવું, આ બધું કામ કરી ગયું. યુવતી પાછી વળી ગઇ.

ટેકરી પરથી બંને સાથે જ ઊતરી રહ્યાં. દેવે પૂછ્યું, ‘નામ શું છે તમારું?’‘પરી.’ યુવતી હસી પડી, ‘સ્વર્ગની નહીં, પૃથ્વી ઉપરની પરી.’‘મારું નામ દેવ છે. હું પણ ધરતી ઉપરનો દેવ છું. ભગવાને કદાચ આપણને બેયને મેળવી દેવા માટે જ ભેગાં કર્યા હશે, નહીંતર...’‘નહીંતર શું?’‘એ જ કે હું પણ આ ટેકરી ઉપર આત્મહત્યાના ઇરાદાથી જ આવેલો હતો. મને બિઝનેસમાં મારા મિત્રે દગો કર્યો છે. ખોટ બહુ મોટી નથી, પણ દગાનો માર બહુ મોટો છે.’‘તો કરી નાખવો હતો ને આપઘાત!’ પરીએ આંખ ઉલાળીને કહ્યું.

‘કરી નાખત! પણ તમને સમજાવવા માટે મેં જે દલીલો કરી તે બધી મારા જ મન ઉપર અસર કરી ગઇ. મન પાછું વળી ગયું.’‘બસ? માત્ર એ બધી દલીલોનો જ પ્રતાપ?’‘ના, સૌથી મોટો પ્રભાવ આસમાની રંગમાં શોભતી એક દેવના અવર્ણનીય સૌંદર્યનો પણ ખરો! બાકી આ જગતમાં જીવવા જેવું બીજું કારણ ક્યાં છે?’ સવાલ પૂછ્યા પછી દેવે જમણો હાથ લંબાવ્યો, પરીએ હસીને પોતાના જવાબ જેવો જમણો હાથ એમાં મૂકી દીધો.

(શીર્ષક પંક્તિ: ‘ઘાયલ’) 

Comments