અનિતાને પતિનો સહવાસ નહોતો મળતો એટલે રજત તરફ ઢળી..



સંબંધોની આરપાર - મિતવા ચતુર્વેદી
રજત અનિતાની સ્થિતિ બરાબર પામી ગયો હતો. પ્રેમતરસી અનિતાનું મન રજત તરફ ઢળવા લાગ્યું. તે રજત સાથે એકાંતમાં વધારેને વધારે સમય પસાર કરવા લાગી. આલિંગન અને ચુંબનનો સિલસિલો ચાલતો ગયો. 
૩૮વર્ષની અનિતા આજે પણ પહેલાં જેટલી જ ખૂબસૂરત લાગે છે. રંગે ઘઉંવર્ણી, પરંતુ સૂર્ય પણ અંજાઈ જાય તેવી ચમકદાર ત્વચા, લાંબા સુંદર વાળ, ઘાટીલો ચહેરો, અણિયાળી અને મદભરી આંખો,સુડોળ શરીર. કુલ મળીને મોહ ઉપજાવે તેવું તેનું રૂપ. તેના હાવભાવ એવા કે કોઈ પણ તેના મોહપાશમાં બંધાઈ જાય.
પંદર વર્ષ પહેલાં અનિતાનાં પ્રેમલગ્ન વડોદરામાં રહેતાં બિઝનેસમેન હિમાંશુ સાથે થયાં હતાં. હિમાંશુ લગ્નનાં કેટલાંક વર્ષો સુધી તેમની લાઇફ ખૂબ જ રોમેન્ટિક હતી. હિમાંશુના બિઝનેસનો વ્યાપ વધતો ગયો. ધીરે-ધીરે તે કામમાં એટલો બધો વ્યસ્ત થઈ ગયો કે અનિતા માટે પણ માંડમાંડ સમય મળતો. તે અનિતાની તમામ જરૂરિયાતો પૂરી કરતો, પરંતુ અનિતાની સૌથી મોટી જરૂરિયાત એટલે કે પતિનો પ્રેમ અને સહવાસ નહોતો મળી રહ્યો. આવામાં બીજી કોઈ આશા રાખવી ઠગારી જ નીવડે.
હિમાંશુને એક મોટો પ્રોજેક્ટ મળ્યો હતો. તેની પાછળ તેણે પોતાનાં તન-મનને લગાવી દીધાં. તે દિવસ-રાત કામમાં ખોવાયેલો રહેતો જ્યારે અનિતા તેનો સહવાસ ઝંખતી. અનિતા માટે પતિનો વિરહ અસહ્ય બની રહ્યો હતો. તેના મનમાં અનેક શંકાઓ પેદા થવા લાગી કે, શું હિમાંશુ મને પ્રેમ નથી કરતો? તે બીજી સ્ત્રીના ચક્કરમાં લાગે છે વગેરે.
દુષ્કાળમાં દસ દિવસ જૂનો રોટલો મળે તો પણ મીઠો લાગે. બસ એવું જ કંઈક અનિતા સાથે બન્યું. આટલા મોટા ઘરમાં અનિતા આખો દિવસ એકલી હતી. તેના ઘરે રજત નામનો જુવાનિયો નોકર તરીકે કામ કરતો. તે ઘરનું કામકાજ કરતાં કરતાં અનિતા સાથે વાતો કરતો, રસોઈ બનાવવામાં મદદ કરતો અને બીજુ અનિતા કહે તે કામ કરતો. અનિતાનો સમય પોતાના પતિ કરતાં નોકર સાથે વધારે પસાર થવા લાગ્યો. રજત અનિતાની સ્થિતિને બરાબર પામી ગયો હતો. યેનકેન પ્રકારે તે અનિતાની વધારેને વધારે નજીક આવતો ગયો. પ્રેમતરસી અનિતાનું મન રજત તરફ ઢળવા લાગ્યું. તે રજત સાથે એકાંતમાં વધારેને વધારે સમય પસાર કરવા લાગી. આલિંગન અને ચુંબનનો સિલસિલો ચાલતો ગયો. જોકે વાત હજુ તેનાથી આગળ નહોતી વધી.
તેવામાં એક દિવસ તેની ખાસ બહેનપણી વૈશાલી તેના ઘરે આવી હતી. બંને બેસીને વાતોચીતો કરતાં હતાં, તેવામાં એકબીજાનાં લગ્નજીવનની વાત શરૂ થઈ. અનિતા પોતાની વ્યથા ઠાલવવા લાગી. તેણે રજત અને પોતાની વચ્ચેના આગળ વધી રહેલા સંબંધની વાત પણ કરી. વૈશાલીને આ સાંભળીને જાણે ચક્કર જ આવી ગયાં. તેણે અનિતાને કહ્યું કે, ‘તું જે કંઈ પણ કરી રહી છે, તે ખૂબ જ ખોટું છે. તું હિમાંશુ સાથે વિશ્વાસઘાત કરી રહી છે. બિઝનેસનાં વધેલાં કામને કારણે પતિ થોડો સમય ન પણ ફાળવી શકે, મારી સાથે પણ આવું બને છે, પરંતુ આવી સ્થિતિ હંમેશાં નથી રહેતી. તારા મનમાં કંઈ હોય તો શાંતિથી બેસીને હિમાંશુ સાથે વાત કર.’
વૈશાલીની વાત સાંભળીને અનિતાને વાસ્તવિકતાનું ભાન થયું. તેણે નોકર રજતને છૂટો કરી દીધો. હિમાંશુ પોતાના માટે શા માટે સમય નથી ફાળવી શકતો તેના વિશે હિમાંશુ સાથે વાતચીત કરી. તેનું કારણ માત્ર કામની વ્યસ્તતા જ હતું. પોતે તેને હજુ પણ પહેલાં જેટલો જ પ્રેમ કરે છે તેમ હિમાંશુએ જણાવ્યું. હિમાંશુનો પ્રોજેક્ટ પૂરો થતાં ફરીથી બધું પૂર્વવત્ બની ગયું.    

Comments