શ્રુતિની જવાની દિલમાં ઘર કરી ગઈ હતી..



સંબંધોની આરપાર - મીતવા ચતુર્વેદી
શ્રુતિ જ્યારે આઠ વર્ષની હતી ત્યારે જ તેના પિતા એક એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા. આમ, બાળપણમાં શ્રુતિના માથા પર પિતાનો હાથ ન રહ્યો. હવે તેની માતા જ માતા-પિતા બંનેનો પ્રેમ આપતી, છતાં પણ શ્રુતિનું મન પિતાના પ્રેમ માટે તરસતું. જ્યારે પણ તે કોઈ છોકરા કે છોકરીને તેમના પિતાની સાથે વહાલ કરતા જુએ ત્યારે તેનો જીવ કચવાતો અને આંખમાંથી અશ્રુધારા વહેવા લાગતી.
શ્રુતિના નિરાશ ચહેરા પર એક જ વ્યક્તિ સ્મિત લાવી શકતી, તે હતી માર્ગી. માર્ગી શ્રુતિની સાથે જ ભણતી હતી. તેમની વચ્ચે મિત્રતા થઈ અને ધીરે ધીરે તે ગાઢ બનતી ગઈ. બંને બહેનપણીઓ વચ્ચે બહેનો જેવો પ્રેમ હતો. બંને એકબીજાના ઘરે આવતી જતી, સાથે જમતી,ભણતી અને રમતી હતી. આ રીતે મોટા ભાગનો સમય એકબીજાની સાથે વીતાવતી. શ્રુતિને માર્ગીના પિતા હરેશભાઈમાં પોતાના પિતા નજર આવતા હતા. તેઓ પણ શ્રુતિને માર્ગીની જેમ રાખતા. બંનેની સાથે રમતા, રમકડાં અને કપડાં લાવતા, ફરવા પણ લઈ જતા. આ રીતે સમયનું ચક્ર ફરતું ગયું.
આજે શ્રુતિ અને માર્ગી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. માર્ગી સુંદર અને સીધી સાદી યુવતી છે જ્યારે શ્રુતિ રૂપરૂપનો અંબાર અને તેટલી જ ફેશનેબલ પણ છે. એકદમ ઘાટીલું શરીર, ચમકદાર ત્વચા, સુંદર ગોરો ચહેરો, મોટી આંખો, લાંબા રેશમી વાળ, તેના દરેકે દરેક અંગમાં ફૂલ જેવી કોમળતા. એવો મધુર અવાજ કે બોલે ત્યારે વાતાવરણમાં માદકતા છવાઈ જાય.
માર્ગીના પિતા સાથે શ્રુતિનો વ્યવહાર આજે પણ તેવો જ હતો જેવો પહેલાં હતો. શ્રુતિ તેમની સાથે એકદમ નિખાલસ વ્યવહાર કરતી, પરંતુ હરેશભાઈના વ્યવહાર અને વિચારોમાં થઈ રહેલાં પરિવર્તનોથી તે એકદમ અજાણ હતી. શ્રુતિની જવાની દિલમાં ઘર કરી ગઈ હતી. શ્રુતિ જ્યારે ઘરે આવે ત્યારે તેઓ તેના ખભે હાથ મૂકીને પોતાની બાજુમાં બેસાડતા, તેના માથા પર હાથ ફેરવતા. તે કોઈ ને કોઈ બહાને શ્રુતિને સ્પર્શ કરવાની તક શોધતા રહેતા.
એક દિવસ રાબેતા મુજબ સાંજે ટયૂશન ક્લાસીસ જવા માટે શ્રુતિ માર્ગીના ઘરે આવી. “માર્ગી, જલદી ચાલ, નહિતર મોડું થઈ જશે!” માર્ગીએ ઘરમાં પ્રવેશતાંની સાથે જ મોટેથી બૂમ પાડી.
“બેટા! માર્ગી તો તેની મમ્મી સાથે થોડું કામ હોવાથી બજાર ગઈ છે. અડધો કલાકમાં તે આવી જશે.” કહીને હરેશભાઈએ શ્રુતિને પોતાની પાસે સોફા પર બેસાડી.
શ્રુતિ સોફા પર બેસીને ટીવી જોવા લાગી. માર્ગીની રાહ જોતાં તે વારે ઘડીએ રિમોટનું બટન દબાવીને ચેનલ બદલ્યાં કરતી, જ્યારે તેની કુમળી કાયાને હરેશભાઈ નીરખ્યા કરતા. શ્રુતિની જવાનીને માણવા માટે હરેશભાઈ અધીરા બની ગયા હતા, તેમાં પણ આજે સારી તક સાંપડી હતી. તેઓ શ્રુતિની પાસે જઈને બેઠા અને આલિંગન આપીને માથામાં હાથ ફેરવતા કપાળે ચૂમવા લાગ્યા. તેમના બાહોપાશની પકડ ધીરે ધીરે વધુ મજબૂત બનતી ગઈ અને શ્રુતિ તેમાં જકડાતી ગઈ. તેઓ તેના ગાલ, હાથ સહિત અન્ય અંગોને ચૂમવા લાગ્યા. શ્રુતિને સોફા પર આડી પાડીને તેઓ તેને વળગી પડયા.
“અંકલ પ્લીઝ! મને છોડી દો. તમે આ શું કરી રહ્યા છો.” કહીને શ્રુતિએ પોતાને છોડી દેવા ઘણી વિંનતી કરી, પરંતુ હરેશભાઈના બહેરા કાન પર વિનંતીના શબ્દો ન પડયા.
એટલામાં જ ઘરનો ઝાંપો ખૂલવાનો અવાજ આવ્યો. હરેશભાઈ ગભરાઈને એકદમ ઊભા થઈ ગયા. શ્રુતિ રડતાં રડતાં દોડીને માર્ગીના રૂમમાં જઈને સ્વસ્થ થવા લાગી. ત્યારબાદ માર્ગી અને શ્રુતિ ક્લાસીસ ગયાં. હવે શ્રુતિ માર્ગીના ઘરે નહોતી જતી. માર્ગી પોતાના ઘરે ન આવવાનું કારણ વારંવાર પૂછતી, પરંતુ પોતાની મિત્રતાને કોઈ આંચ ન આવે તે માટે તેણે માર્ગીના પિતાના કરતૂતનો રાઝ મનમાં ધરબી રાખ્યો.
આટલું ન ભૂલશો
* આપણને કોઈ વ્યક્તિ પિતા, ભાઈ કે મિત્ર જેવી લાગતી હોય પણ એ આપણે ધારતા હોય એવી જ નીકળે એ જરૂરી નથી, માટે સાવચેત રહેવું. 
* કોઈ વ્યક્તિ તમારી સાથે અયોગ્ય વ્યવહાર કરે તો તે વ્યવહારને છૂપો ન રાખતાં, બધા સમક્ષ પ્રગટ કરવો જોઈએ.
* અન્યના ઘરે જ્યારે ઘરમાં કોઈ ન હોય ત્યારે ત્યાં બેસવાનું કે વધુ સમય રોકાવાનું ટાળવું જોઈએ.
* કોઈ પણ વ્યક્તિના તમારી સાથેના વ્યવહારમાં પરિવર્તન જણાય, તો તે વ્યક્તિથી દૂર રહેવું જ ઉચિત છે.                         

Comments

  1. Really Nice Article for those ke je loko SAHAN kare 6.. Mitva Madam Khub j Saras... Tamara aa Prayas ne hu Kharekhar Birdavu 6u..

    ReplyDelete

Post a Comment

Thanx For Comment