ડૉ.શરદ ઠાકર: પ્રેમનો છે માર બીજું કૈં નથી



અજાણી થવાનો ડોળ ન કર, મેં તારો એના પરનો મેસેજ વાંચ્યો છે. તું અને એ ફોન ઉપર વાતો કરતાં હતાં, મેં એના મોબાઇલ ફોનમાં તારો નંબર પણ જોયો છે અને તું મારી આગળ તાવનું બહાનું કાઢીને સાહિલને મળવા માટે અહીં આવી છે. આ બધું બેવફાઇ નથી તો બીજું શું છે?

વીસ વર્ષનો ‘ડેશિંગ’ મહીધર જેવો કાર પાર્ક કરીને કોલેજના કમ્પાઉન્ડમાં ઊતર્યો એ સાથે જ એના અંગત ચાર-પાંચ મિત્રો એને ઘેરી વળ્યા. બધાંના ચહેરા ઊતરી ગયેલા હતા. મહીધરે પૂછ્યું, ‘કોણ મરી ગયું છે? સવાર-સવારમાં દિવેલિયાં ડાચાં લઇને શા માટે ફરો છો?’‘અમારું તો કોઇ નથી મળ્યું, પણ માહી, તારો અને મિશાનો પ્રેમ મરી ગયો છે.’ સલીલે આઘાતજનક સમાચાર આપ્યા. એક ક્ષણ માટે મહીધરના ગળામાંથી નીકળી ગયું, ‘હેં?!’ પણ પછી તરત જ એનો પ્રેમિકા ઉપરનો આત્મવિશ્વાસ પાછો આવી ગયો, ‘મિશા મને પ્રેમ કરવાનું બંધ કરી દે એમ? વ્હોટ નોનસેન્સ? ફૂલ ક્યારેય પોતાની સુગંધથી દૂર જઇ શકે? આઇ ડોન્ટ બિલિવ ઇટ.’

મહીધરને કોલેજમાં સૌ ‘માહી’ કહીને બોલાવતા. એના નામના અંગ્રેજી સ્પેલિંગના પ્રથમ ચાર શબ્દો ‘માહી’ થતા હતા માટે. માહી એ કોલેજનો સૌથી હેન્ડસમ અને સ્માર્ટ છોકરો હતો. પૈસાદાર બાપનો બેટો હતો. રોજ ગાડીમાં આવતો હતો. શ્રેષ્ઠ ટ્રેન્ડી કપડાં પહેરતો હતો. બેડમિંગ્ટન રમતો હતો અને હંમેશાં જીતતો હતો. મિત્રો માટે છુટ્ટે હાથે પૈસા વાપરતો હતો. આ બધી લાયકાતો હોય છે મિત્રો બનાવવાની. માહીને અસંખ્ય મિત્રો હતા અને એક પ્રેમિકા પણ હતી. મિશા મુનીમ.

મિશા વણૉતીત સૌંદર્યની માલિકણ હતી. એનું રૂપ શબ્દોમાં વર્ણવી શકાય તેમ ન હતું અને એનું યૌવન વસ્ત્રોમાં છુપાવી શકાય તેવું ન હતું. એ છીપમાંનું મોતી હતું, વહેલી પરોઢનું ઝાકળ હતી, તાજા ગુલાબની પાંખડી હતી અને વૈશાખી સાંજે અનુભવાતી ઠંડા પવનની લહેરખી હતી. એ કોલેજમાં હાજર હોય ત્યારે આખી કોલેજના છોકરાઓ હાજર રહેતા, એ જે દિવસે ગેરહાજર હોય ત્યારે કોલેજ ખાલી થઇ જતી. સુંદર યુવતી હંમેશાં પોતાની સપાટી શોધી લે છે, કાં પૈસાદાર યુવાનની, કાં સોહામણાની, કાં બુદ્ધિશાળીની. માહીમાં પણ ત્રણેય વાતનો સંગમ હતો. કોલેજના પ્રથમ વર્ષમાં જ માહી અને મિશાની જોડી બની ગઇ.

બે વર્ષમાં તો કોલેજ આખીને એમના પ્યારની જાણ થઇ ગઇ. કેમ્પસનો ખૂણે-ખૂણો એ બંનેના પ્રેમાલાપથી ગુંજતો હતો. હવાના અણુ-અણુમાં એમના આલિંગનની ખુશ્બૂ મહેકતી હતી. કોલેજના પ્રિન્સિપાલ પણ એ વાતની પ્રતીક્ષામાં હતા કે ક્યારે ત્રીજું વર્ષ પૂરું થાય અને મહીધરના ધનવાન પપ્પા, શહેરના જાણીતા ઉદ્યોગપતિ અમુલખરાય તરફથી એમને દીકરાના લગ્નનું ઇન્વિટેશન કાર્ડ આવે! ત્યાં અચાનક આજે મિત્રોએ એવા સમાચાર આપ્યા કે માહી એક ક્ષણ માટે તો હતપ્રભ બની ગયો, જોકે પછી તરત જ એ પાછો સ્વસ્થ થઇ ગયો. એણે કહી દીધું, ‘આઇ ડોન્ટ બિલિવ ઇટ.’

મિત્રો એના આવા વર્તાવથી નારાજ થઇ ગયા. સલીલે ખભા ઉછાળીને કહી દીધું, ‘ઓ. કે.! તને અમારા કહેવા પર વિશ્વાસ ન હોય તો અમે આ ચાલ્યા...’ અને ખરેખર એ બધા ચાલવા માંડ્યા. જતાં-જતાં પીઠ ફેરવીને આકાશ એટલું બોલતો ગયો, ‘તારી મિશા ઉપર આંધળો વિશ્વાસ મૂકતાં પહેલાં તું એકવાર સાહિલને જરૂર મળી લેજે. એ જુઠ્ઠું નહીં બોલે.’‘સાહિલ? પેલો મવાલી? કાળિયો? કડકો? એને હું શા માટે મળું? એ વળી કોણ છે કે મારે મિશા વિશે એને પૂછવું પડે?’‘એ તારી ભૂતકાળની પ્રેમિકાનો વર્તમાન પ્રેમી છે. વેલ, ઇટ ઇઝ અપટુ યુ ટુ ડિસાઇડ વેધર યુ શૂડ મીટ હિમ ઓર નોટ! વી કાન્ટ ઇવન વિશ ગુડ લક ટુ યુ.’ અને મિત્રો ચાલ્યા ગયા.

જગતનો કયો પ્રેમી આવું સાંભળ્યા પછી સ્વસ્થ રહી શકે? મહીધર પણ ભીતરથી ખળભળી ગયો. કલાસરૂમમાં જવાને બદલે સીધો કેન્ટીનમાં જઇ ચડ્યો. એ જાણતો હતો સાહિલ ત્યાં જ હોવો જોઇએ. ખરેખર એ જાડિયો, કાળિયો ત્યાં જ બેઠો હતો. દૂર ખૂણામાં એકલો બેઠો-બેઠો તમાકુનો મસાલો ચાવી રહ્યો હતો, જમણા હાથમાં સિગારેટ હતી અને ડાબા હાથમાં સેલફોન.

મહીધર એની સામેની ખુરસીમાં બેસી ગયો, એટલે સાહિલે ફોન પરની વાત પૂરી કરી. આ રીતે, ‘સોરી, ડાર્લિંગ ફોન કાપવો પડશે. સામે એક ફ્રેન્ડ આવીને બેઠો છે. બીજું કોણ હોય? એ ગઇકાલ સુધી તારી પાછળ પાગલ હતો તે... યસ... નન અધર ધેન માહી! બાય, લવ યુ...’ મહીધર સળગી ગયો. ‘કોની સાથે આ રીતે વાત કરતો હતો તું?’ એણે ત્રાડ પાડી. સાહિલે હસીને સિગારેટનો લાંબો ‘શટ’ માર્યો, પછી ધૂમાડાનું ગંધ મારતું વાદળ મહીધરની દિશામાં ફેંકીને એ હસ્યો, ‘મિશા હતી. મારી લવર.’

‘હું કેવી રીતે માનું કે તારી સાથે મિશા જ વાત કરતી હતી? તું તો એક નંબરનો જુઠ્ઠો છે.’ મહીધરે શંકા ઉઠાવી.‘ઠીક છે. હું જુઠ્ઠો હોઇ શકું છું, પણ તારી મિશા તો જુઠ્ઠી નથી ને? લે, આ સ્ક્રીન ઉપરનો નંબર વાંચ. કોનો છે?’ સાહિલે એનો સેલફોન ધર્યો. મહીધરે નંબર જોયો, મિશાનો જ હતો. સાહિલ ખલનાયકની જેમ હસ્યો, ‘સેટિસ્ફાઇડ? હજુ પણ નહીં? ત્યારે આ એસ.એમ.એસ. વાંચ. કલાક પહેલાં જ આવ્યો છે. તારી... સોરી, મારી મિશાએ મોકલ્યો છે.’

માહીએ મોબાઇલના સ્ક્રીન ઉપરનો મેસેજ વાંચ્યો. આજકાલનાં છોકરા-છોકરીઓ મોકલતાં હોય છે તેવી શાયરી હતી: ‘આંખે ખોલું તો ચેહરા તુમ્હારા હો, બંધ કરું તો સપના તુમ્હારા હો, મર ભી જાઉં તો કોઇ ગમ નહીં, અગર કફન કે બદલે રૂમાલ તુમ્હારા હો.’મહીધર રાતો-પીળો થઇ ગયો, ‘ક્યાં છે એ બદમાશ, બેવફા છોકરી? આવવા દે એને કોલેજમાં. હમણાં એની ખબર લઉં છું.’‘મિશા આજે કોલેજમાં નથી આવવાની.’ સાહિલે મૂછે તાવ દીધો, આજે એ મને મળવા આવવાની છે. બાર વાગ્યે. લવર્સ પોઇન્ટ પર.

મહીધરે ત્યાં ને ત્યારે જ પોતાના ‘સેલફોન’થી મિશાનો નંબર લગાડ્યો. પૂછ્યું, ‘મિશા, તું હજુ સુધી કોલેજમાં આવી નહીં. હું તારી વાટ જોઇ રહ્યો છું. આવે છે ને?’સામે છેડે મિશાએ અભિનય કરતી હોય તેવો જવાબ આપ્યો, ‘ઓહ નો, માહી! આજે મને ઠીક નથી. તાવ આવ્યો છે. માથું દુ:ખે છે. અશક્તિ પણ એટલી બધી છે કે એક ડગલુંયે ભરાતું નથી. સી યુ ટુમોરો...’ તરત જ ફોન કપાઇ ગયો. મહીધરના ગુસ્સાનો પાર ન રહ્યો. મિશા આટલી હદે જુઠ્ઠું બોલી શકે એ વાતથી એને પ્રચંડ આઘાત પહોંચ્યો હતો.

પોતાને એ એવું કહેતી હતી કે એનાથી એક ડગલુંયે ભરી શકાય તેમ નથી, તો પછી બાર વાગ્યે એ સાહિલને મળવા માટે ‘લવર્સ પોઇન્ટ’ પર શી રીતે જઇ શકવાની હતી? એણે ઘડિયાળમાં જોયું. સાડા અગિયાર વાગ્યા હતા. એ ફટાફટ ગાડીમાં બેસીને નીકળી પડ્યો. બાર વાગતાં પહેલાં જ ‘લવર્સ પોઇન્ટ’ પર પહોંચી ગયો. થોડી જ વારમાં મિશા ત્યાં આવી પહોંચી, ઊછળતી, કૂદતી અને ઉત્સાહથી થનગનતી.‘તો આ છે તારો તાવ અને અશક્તિ!’ મહીધરે ઝઘડવાનું શરૂ કરી દીધું, ‘બેવફા! મારા એક સવાલનો જવાબ આપ! મારા જેવા સર્વશ્રેષ્ઠ પ્રેમીને છોડીને તું સાહિલ જેવા કાળા, જાડા, કદરૂપા પુરુષ પ્રત્યેક કેમ આકર્ષાઇ ગઇ?’‘કોણે કહ્યું કે હું સાહિલના પ્રેમમાં છું?’ મિશા સહજતાથી પૂછી બેઠી.

‘અજાણી થવાનો ડોળ ન કર, મેં તારો એના પરનો મેસેજ વાંચ્યો છે. તું અને એ ફોન ઉપર વાતો કરતાં હતાં, મેં એના મોબાઇલ ફોનમાં તારો નંબર પણ જોયો છે. અને તું મારી આગળ તાવનું બહાનું કાઢીને સાહિલને મળવા માટે અહીં આવી છે. આ બધું બેવફાઇ નથી તો બીજું શું છે?’‘મિશા હસી પડી, ‘બીજું શું છે તે જાણવું છે?’ પછી એણે પાછળની ટેકરી તરફ જોઇને મોટેથી બૂમ પાડી, ‘મિત્રો, આવી જાવ!’ એ સાથે જ ટેકરીની પાછળ સંતાયેલાં પંદરેક છોકરા-છોકરીઓ કોરસમાં બોલતાં બહાર આવ્યાં, આ તો ‘એપ્રિલ ફૂલ’ છે!!!’મિશાએ રિસાયેલા અવાજે પૂછ્યું, ‘બસ ને! મારા પ્રેમમાં તને આટલો જ ભરોસો છે ને? એક ફોન અને એક મેસેજથી એમાં તિરાડ પડી જાય એટલો જ ને? જા, તારી સાથે નહીં બોલું!’રિસાયેલી પ્રેમિકાને મનાવવાનું માહીને મોંઘું પડી ગયું. તમામ મિત્રોને હોટલમાં લંચ આપવું પડ્યું, મિશાને ડાયમંડ રિંગ આપવી પડી અને બધાની હાજરીમાં એના ગાલ પર ‘કિસ’ કરવી પડી. જોકે છેલ્લી ક્રિયામાં સજા ઓછી હતી, મજા વધુ! 

Comments