રાઘવજી માધડ: નશો નાશ અને વિનાશનું મૂળ છે



  
આલીશાન હોટેલના બે-ચાર દરવાજા પસાર કર્યા પછી રોબીન અંદર પ્રવેશી શક્યો. કાનના પડદા તોડી નાખે તેવું સંગીત વાગી રહ્યું હતું. 

મન અને તનનો તાલમેલ થતો નથી. રોબીનને થાય છે કે ડાન્સબારમાં જવું કે ન જવું. કાંઠે રહે તો તરસ્યા મરે અને ઊંડા ઊતરે તો ડૂબી મરે... સ્થિતિ તો બંને સરખી છે પછી જાણી ને માણી શું કરવા ન લેવું...! યુવાવયની જિજ્ઞાસા જબરી હોય છે. તેને નવું જોવાની, જાણવાની અને માણવાની અદમ્ય ઇચ્છા થતી હોય છે. આમ થવું સારું કે ખરાબ છે તે અનુભવે સમજાતું હોય છે. જીવનનું ઘડતર જ અનુભવો દ્વારા થતું હોય છે. રોબીન જાતને રોકી ન શક્યો અને એ તરફ ચાલવા લાગ્યો. સ્વામી વિવેકાનંદે કહ્યું કે, ‘બાહ્ય પ્રકૃતિને જીતવી એ સારું અને મહાન કાર્ય છે પરંતુ આંતરિક પ્રકૃતિને જીતવી એ તો એથી વધુ મહાન કાર્ય છે.

આ અંદરના માનવીને જીતવો એટલે માનવમનમાં અટપટી રીતે ચાલતી ક્રિયાઓનાં રહસ્યો સમજવાં..’ પણ ઘણા યુવાનો આવી બાબતે મનને જીતી શક્યા છે, દૂષિત દિશા તરફ ચાલ્યા નથી અને ભૂલેચૂકેય ચાલ્યા છે તો સમજીને પાછા વળી ગયા છે. યુવાનનું આ સાચું શાણપણ છે.ચાંદનીનો સંગાથ માણવા અધીરો થયો હોય તેમ દમણનો દરિયો રમણે ચઢ્યો છે. તેના કાળા અને ડહોળાયેલા પાણીના લોઢ ઊછળે છે. કાળમીંઢ કાંઠાની સાથે ઘેરાં ઘૂઘવાટ અને રઘવાટ સાથે અફળાય છે.

તેની આ ગંભીર ગર્જના ગળતીરાતના સુનકારમાં તિરાડો પાડે છે.બીજી તરફ કાંઠે ઊભેલી અધ્યતન હોટેલના ડાન્સબારમાંથી તીણા અને મધુરા સ્વરની એક સુરાવલી સંભળાઇ રહી છે. જ્યાં યૌવન તેની મસ્તી સાથે હિલ્લોળે ચડ્યું છે. તદ્દન અંગત એવી સંગત સાથે રંગત માણવામાં મશગૂલ છે. કોઇકને એકાદ પેગની કીક બરાબર લાગી ગઇ છે, તે જાત અને જગતને ભૂલી ડાન્સબારની રમણી સાથે રમમાણ થઇ ગયો છે.

યુવાનીને દીવાની કહી છે. આ દીવાનગી જ તેને સફળતાના શિખર સર કરાવે છે અથવા તો બરબાદીની ગર્તામાં ધકેલી દે છે. યુવાપણું એ શક્તિનો સ્ત્રોત છે. ધસમસતો પ્રવાહ છે. યુવાનીમાં ગમે તે કરી બતાવવાની ક્ષમતા હોય છે પણ શું કરવું અને શું કરી બતાવવું તેની ખબર હોતી નથી પરિણામે ગમે તે રસ્તે ભેરવાઇને ભટકાઇ પડે છે. બાકી કોઇ રસ્તો ક્યારેય ખરાબ નથી હોતો, સવાલ હોય છે તે રસ્તે ચાલનારનો. ક્યા રસ્તે ચાલવું, ક્યાંથી પાછા વળવું કે આગળ વધવું તે વ્યક્તિ પર આધારિત હોય છે.

દમણના એ બિયરબારમાં લગભગ યુવાનોની સંખ્યા જ વધારે હતી. વળી તેનું ગુજરાતીપણું અછતું રહેતું નહોતું. એક-બે બારમાં તો યુવતીઓને નશો કરતાં જોઇ પ્યાલીમાં ઊછળતાં જામની ટેશથી ચુશ્કીઓ મારી મસ્તીથી આનંદને લૂંટતી હતી. પુખ્તવયની દરેક વ્યક્તિ સ્વતંત્ર છે અને તેને આનંદ માણવાનો એક સરખો જ અધિકાર છે, પણ આ યુવાનો આમ અહીં આવ્યા છે, તેની તેનાં મા-બાપને ખબર હશે? કોઇ બહાનું કરીને તો નીકળ્યા જ હશે. સવાલ સંતાન અને મા-બાપ વચ્ચેના વિશ્વાસનો છે. હજુ સુધી વિશ્વાસને સાંધવાની કોઇ દવા શોધાઇ નથી. ન્યૂઝમાં આવતા કિસ્સાઓ સમાજની તાસીર દેખાડનારા અને આંખ ઉઘાડનારા હોય છે. તેથી ક્યાંક ફૂંફાડો પણ જરૂરી છે. આવી બાબતમાં ફૂંફાડો ન રાખે ત્યાં ધુમાડો નીકળે અને સઘળું આગમાં લપેટાઇ જવામાં હોય ત્યારે જ ધુમાડો નીકળતો હોય છે! પછી તો ભડભડતી આગને ઠારવી કે તેમાં હાથ શેકવા તે નક્કી કરવું મુશ્કેલ હોય છે.

આલીશાન હોટેલના બે-ચાર દરવાજા પસાર કર્યા પછી રોબીન અંદર પ્રવેશી શક્યો. ડીજે પાર્ટીની જેમ જ કાનના પડદા તોડી નાખે તેવું સંગીત હતું. આંખો ચાર થઇ જાય તેવી રંગબેરંગી લાઇટોના ઝબકારા હતા. એક યુવાન મધુરા અવાજે ગાઇ રહ્યો હતો. સાથે સ્ટેજ પર બે-ત્રણ ગર્લ્સ ડાન્સ કરી રહી હતી. પ્રેક્ષકો થઇને આવેલા યુવાનોમાંથી એક બે યુવાનો અલ્લડ યૌવન સાથે ડાન્સ કરવા માટે રીતસરનાં હવાતિયાં મારી રહ્યા હતા. તેનાં નખરાં અને લથડતા પગ જોતાં તે ભાનમાં હોય એવું લાગતું નહોતું.

આમ તો ભાનમાં કે બાનમાં રહેવું ક્યાં કોઇને ગમે છે? રોબીનનું પણ આવું જ છે. તેણે પણ ધીરજ ધર્યા વગર એક પેગ મારી લીધો. યુવાનોને પોતાની મસ્તીમાં ખોવાઇ જવાનું કે દિવાસ્વપ્નમાં વહિરવું ગમે છે. તેથી કદાચ નશો કે ધૂમ્રપાન કરતો હશે. આવી બાબતો પર સંપૂર્ણ નિષેધ હોવા છતાં કેટલાય યુવાનો જાણે પોતાને સ્ટ્રોંગ સાબિત કરવા માગતા હોય તેમ સિગારેટ સાથે જાતને ફૂંકતા હોય છે. નશો નાશનું મૂળ છે અને વ્યસન વિનાશનું કુળ છે.

એક પ્રકારનો આવેશ રોબીનનાં તન-મન પર સવાર થઇ ગયો હતો. તે હવે માણસાઇના કવરેજ ક્ષેત્ર બહાર હતો. તેને હવે સ્ટેજ પર ડાન્સ કરતી ગર્લ્સ સાથે ડાન્સ કરવો હતો. જોયું તો બીજા યુવાનો ડાન્સ કરતી ગર્લ્સ પર વન્સમોર કહી કોરીકડાક નોટો ફેંકતા હતા. રોબીન પણ ઝાલ્યો રહ્યો નહીં. વરસો પહેલાં મનોરંજન માટે ભવાઇ રમાતી ત્યારે પ્રેક્ષકો રૂમાલમાં રૂપિયા બાંધીને ભવાયા પર ફેંકતા ને વન્સમોર કરતાં પણ ત્યારે સ્ત્રીપાત્રમાં પુરુષો હતા તેથી બીજા કોઇ પ્રશ્નો નહોતા, પણ અહીં તો સાવ જુદું છે. રોબીન હવે પોતાના કહ્યામાં રહ્યો નથી. ‘તું હૈ મેરી ફેન્ટસી...’ ધમાકેદાર ગીત શરૂ થયું.

મ્યુઝિકના અવાજની માત્રા વધી. ડીમલાઇટમાં જેમ પ્યાલીમાં શરાબ ઊછળે એમ યૌવન ડસ્કિો ઠેક લેવા માંડ્યું. નોટોનો રીતસર વરસાદ શરૂ થયો અને આખું ર્દશ્ય હોટ સીનમાં ફેરવાઇ ગયું. તેને બીજી રીતે કહેવું હોય તો માહોલ ગરમ થઇ ગયો! રોબીન બરાબર ખેલમાં અને ગેલમાં આવી ગયો હતો. ખિસ્સું ખાલી થઇ ગયું. છતાંય છેલ્લી નોટ સાથે ડાન્સરનો હાથ પકડી લેવાના ઇરાદે તેના તરફ ધસ્યો પણ કંઇ કહે, કરે એ પહેલાં તો હાથમાં રહેલી નોટ રીતસરની ઝૂંટવાઇ ગઇ.

છતાંય ટેરવાનો સ્પર્શ થતાં શરીરમાં ઝણઝણાટી વ્યાપી. સુખ સામે ઊભું હોય એમ લાગ્યું. પણ ત્યાં ઋજુ શબ્દો કાને અથડાયા: ‘શુક્રિયા માલિક...!’ પછીનું સાંભળવા રોબીનના કાન સરવા થયા. ‘આપ જૈસે અચ્છે ઇન્સાન કહાં આતે!?’ તે કોઇ સ્ટેચ્યુ માફક ઊભો રહી ગયો. ‘સબ હેવાનિયત લેકર આતે હૈ...’ રોબીનનો નશો એકદમ ઊતરી ગયો. પછી ઘેરા અફસોસ સાથે ઢીલા અને વીલા મોંએ બહાર નીકળી ગયો. દરિયો સાવ શાંત થઇ ગયો હતો, ઉત્પાત શમી ગયો હતો. ફરી ન આવવાની મક્કમતા સાથે તે પાછું વાળીને જોયા વગર જ ચાલવા લાગ્યો... છતાંય કાનમાં તેના પડઘા ગુંજતા હતા...

Comments