રાઘવજી માધડ: હું તમારી છું, તમારી જ રહીશ...

‘નૈષિલ! એક દિવસ તો બતાવો સમયસર પાછા આવ્યા હો તે... મારે તમારી પ્રતીક્ષા જ કરતાં રહેવાનું...

બંગલામાં એક પ્રકારનો સન્નાટો છવાઇ ગયો હતો. રોશનીના ઝગમગાટ વચ્ચે પણ અંધારું લાગતું હતું. બંગલાનો પ્રત્યેક અંશ નિષ્પ્રાણ લાગતો હતો. નૈષિલના મનમાં ધ્રાસ્કો પડ્યો. તે ઝડપથી મેઇન ડોર પાસે આવ્યો. ત્યાં ઝંખનાના બદલે તેનાં મમ્મી ઊભાં હતાં. ‘મમ્મી! ઝંખના ક્યાં!!?’ પણ તેઓ નૈષિલના સવાલનો જવાબ આપવાના બદલે મોં ફેરવી ગયાં. આમ તો નૈષિલના આગમનની પ્રતીક્ષામાં ઝંખના દરવાજે જ ઊભી હોય. 

પાણીના ગ્લાસ સાથે ઝંખના નૈષિલને એવું તો મઘમઘતું સ્માઇલ આપે કે દિવસભરનો થાક ઊતરી જાય... પણ અત્યારે તે નથી. નૈષિલને શંકા પડી, દાળમાં કશુંક કાળું લાગ્યું. તેણે કોઇને પૃચ્છા કરવાના બદલે સીધો જ મોબાઇલ જોડ્યો... થોડી ક્ષણો બાદ કેસેટ વાગી: ‘કવરેજ ક્ષેત્ર કે બહાર હૈ...’ નૈષિલના પગ નીચેથી જમીન સરકવા લાગી. તેને છાતી ફાટી જાય એવી જોરથી ત્રાડ પાડીને પૂછ્યું હતું: ‘બધાં મરી ગયાં છો, કોઇ તો કહો ઝંખના ક્યાં ગઇ છે!!?’ પણ તે આમ બોલી ન શક્યો.

હજુ સવારે જ બંને વચ્ચે ચકમક ઝરી હતી. ઝંખનાને મેડિકલ ચેકઅપ માટે ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લેવાની હતી પણ ઝંખનાનો આગ્રહ હતો કે નૈષિલ સાથે આવે તો જ જવું. એકાદ અઠવાડિયાથી ચાલતી આ જીદના અંતે નૈષિલે ક્રોધાવેશમાં કહી દીધું હતું: ‘તારા આવા જ દુરાગ્રહો હોય તો કોઇ રોડપતિને પરણવું હતું, કરોડપતિને નહીં સમજી!’ 

ત્યારે તેનાં મમ્મી વચ્ચે પડ્યાં હતાં અને કહ્યું હતું: ‘બેટા! સ્ત્રી રોડ કે કરોડને નહીં માત્ર પતિને ઝંખતી હોય છે. તું સાથે જા તો સારું...’ નૈષિલને વધુ ગુસ્સો આવ્યો હતો. તે ઘણું ન બોલવાનું બોલી જાત પણ મમ્મી વચ્ચે આવી ગયાં એટલે ગમ ગળીને ઘસાતા પગલે નીકળી ગયો હતો. ઝંખના ક્યાંય સુધી તેની પીઠ પાછળ અનિમેષ નજરે તાકી રહી હતી.

નૈષિલ દિવસભર તેના બિઝનેસમાં વ્યસ્ત રહે છે. શ્વાસ લેવાનો સમય મળતો નથી. ક્યારેક તો કામના કલાકો ઓછા પડે છે. તેનો ઓફિસ જવાનો સમય નક્કી પણ પાછો ક્યારે ફરે તે કહેવાય નહીં. લગભગ એક પણ દિવસ તે ઝંખનાના કહેવા પ્રમાણે સમયસર પાછો ફર્યો હોય એવું બન્યું નથી. નૈષિલના કાનમાં અને મનમાં થોડા દિવસ પહેલાંનો ઝંખના સાથેનો સંવાદ ગુંજવા લાગ્યો: ‘નૈષિલ! એક દિવસ તો બતાવો સમયસર પાછા આવ્યા હો તે... મારે દિવસભર તમારી પ્રતીક્ષા જ કરતાં રહેવાનું એક અભિસારિકાની માફક!’ તો નૈષિલનું કહેવું હતું: ‘મને અને મારી સ્થિતિને સમજવાની કોશિશ કર... અને પ્રતીક્ષાની પણ એક મજા હોય છે.’

‘મારે પરણ્યા પહેલાં તમને સમજવાની જરૂર હતી...’ પણ આવું મનમાં બોલીને ઝંખનાએ કહ્યું હતું: ‘પ્રતીક્ષાની મજા હોય તેમાં સંમત પણ... દરેક બાબતની એક મર્યાદા હોય છે. દૂધ અમૃત સમાન છે પણ વધારે પડતું લેવાઇ જાય તો તેને ઝેર થતાં વાર નથી લાગતી...’ ઝંખનાનું કહેવું નૈષિલ બરાબર સમજતો હતો આમ છતાં તેણે વાતને ટાળી અને વાળી લીધી હતી.હવે નૈષિલ વિશાળ દીવાનખંડની વચ્ચે ઊભો છે. તેને શું કરવું સૂઝતું નથી. થાય છે કે હમણાં ક્યાંકથી ઝંખનાનો રૂપાની ઘંટડી જેવો સ્વર પ્રગટશે, પણ કમાનેથી તીર છુટી ગયું હતું.

દરેક વ્યક્તિને પ્રત્યેક દિવસે પરમાત્મા જિંદગીના મોબાઇલમાં ચોવીસ કલાકનું કૂપન રિચાર્જ કરે છે. સવાલ છે મળેલા સમયનો ક્યાં, કેવી રીતે ઉપયોગ અને સદ્ઉપયોગ કરવો તેનો. પોતે ટાઇમનું મેનેજમેન્ટ કરી ન શક્યો, ઝંખનાને બધું જ આપી શક્યો પણ સમય ન આપી શક્યો. પણ હવે પસ્તાવાનો કોઇ અર્થ નહોતો.

મમ્મી તેની સામે આવીને ઊભાં રહ્યાં તે બધું જાણે છે પણ કશું જ બોલવા તૈયાર નથી. માત્ર નજરના સંકેત દ્વારા કહે છે: ‘ટાઇમ વેસ્ટ ન કર અને... તે ઝડપથી બેડરૂમમાં આવ્યો. ભવ્ય સજાવટવાળો રૂમ પ્રથમ વખત ભેંકાર અને સાવ શુષ્ક લાગ્યો. થયું કે હમણાં ઝંખના આવશે, વેલની જેમ વીંટળાઇ વળશે અને મોં પર તેના ભીના કેશને ફંગોળી ઝીણા અને નાજુક સ્પંદનોથી તન-મનને પ્રેમથી તરબોળ કરી દેશે.’ ઝંખનાની ક્યાં અને કેવી રીતે શોધ કરવી... આમ વિચારતા નૈષિલની નજર કાગળની એક ચબરખી પર ગઇ. તેણે ઝડપથી ઉપાડી લીધી.

આ બેડરૂમમાં જ ઝંખના કહેતી હતી: ‘પ્લીઝ! અહીં તો મોબાઇલ સ્વિચ ઓફ રાખો. પ્યાર અને વેપાર એક્સાથે નહીં થાય.’ ચિઠ્ઠીમાં ઝંખનાએ લખ્યું હતું: ‘પ્રિય નૈષિલ... મનથી નહીં પણ તનથી દૂર થાઉં છું. સોનાના પીંજરામાં કેદ હતી. આમ કેદખાનામાં કશા જ કામ વગર કટાઇ જવું તેના કરતાં કશું કરીને ઘસાઇ જવું શું ખોટું છે. તેથી કોઇ વૃદ્ધાશ્રમ કે અનાથાશ્રમમાં સેવા અર્થે જઇ રહી છું. હા, તમારા ધંધાની સ્થિતિને ન સમજું એવી નાદાન નથી, પણ તમે સમયનું આયોજન કરી શક્યા નહીં. 

આપણા માટે, અમૂલ્ય જીવન માટે જ્યારે સમય આપી શકો તેમ હો ત્યારે મને લેવા આવશો હું તમારી જ છું, તમારી જ રહીશ... પણ એક વાતને બરાબર યાદ રાખી લો, સમજી લો... પૈસો પાછો આવશે, પૈસાથી બધું જ મેળવી શકશો પણ વહી ગયેલી જિંદગીની એક ક્ષણને પણ પાછી મેળવી નહીં શકો... તમારી ઝંખના.’ નૈષિલને થયું કે હવે એક ક્ષણ પણ ગુમાવવા જેવી નથી.

Comments