રાઘવજી માધડ: એમ પૂછીને થોડો થાય છે પ્રેમ!



  
શ્વેતા પગ પછાડીને ઊભી રહી પછી રોષ અને આક્રોશ સાથે બોલી, તારે જેને પૂછવું હોય તેને પૂછી લે... પણ શું કરવાનું છે તે સ્પષ્ટ કહી દે જેથી મને મારો નિર્ણય લેવાની ખબર પડે! શ્વેતાનું આમ કહેવું સંભાળીને વરુણ ગંભીર થઇ ગયો. તે શ્વેતાની દ્વિધા બરાબર સમજતો હતો, પણ સ્થિતિ દુર્યોધન જેવી હતી. જાણતો હોવા છતાં તેનો અમલ કરી શકતો નહોતો. પોતે શ્વેતાને કહી દે, તારી લાગણીને સારી રીતે સમજું છું, છોકરીને શું, કોઇને પણ આમ લટકાવી રાખવા તે ઠીક નથી. તારી જગ્યાએ હું હોઉં તો પણ આમ જ સવાલ કરીને ઊભો રહું! હૈયે રમતી વાત વરુણ વ્યક્ત ન કરી શક્યો.

શ્વેતા અને વરુણ એક જ કોલેજમાં અભ્યાસ કરતાં હતાં. શ્વેતા આર્ટસના લાસ્ટ યરમાં અને વરુણ પી.જી.ના ફર્સ્ટ યરમાં હતો, પણ સરકારી નોકરી મળી ગઇ તેથી કોલેજ છોડી દીધી હતી. હવે આમ રજાના દિવસોમાં ચોરી-છુપીથી રૂબરૂ મળવાનું બનતું હતું. શ્વેતા હવે પ્રેમાલાપ કરવાના બદલે એક જ વાત ધરીને ઊભી રહે છે, મને જવાબ આપ! અને વરુણને થાય છે કે શું જવાબ આપું? ઘણા જવાબ આપવાના હોતા નથી, પણ સમજી લેવાના હોય છે.

શ્વેતા કહે છે, તારા મૌનને હું તારી ના સમજું, કારણ કે તારું મૌન મને અકળાવે છે. વરુણ ના પાડવા તૈયાર નથી. એમ છાતી ઠોકીને હા પણ પાડી શકતો નથી. શ્વેતા તેને ગમે છે, મનથી સ્વીકારવા તૈયાર છે પણ મમ્મી-પપ્પાને ગમશે કે કેમ, આ તેની મૂંઝવણ છે. કારણ કે મમ્મી-પપ્પાને ન ગમે તેવું તે કશુંય કરતો નથી, પણ જીવનમાં આપણું બધું જ, બધાને ગમશે તેની કાળજી રાખવામાં ક્યાંક ગમતું હોય તે વિસરાઇ જાય એવું પણ બને. બધાને ખુશ રાખવા શક્ય નથી અને એમ જરૂરી પણ નથી.

આજના સમાજ જીવનમાં આજ્ઞાંકિત સંતાન હોવા તે આ સમયની સૌથી મોટી સંપત્તિ અથવા તો ઉપલબ્ધિ ગણાય. ઘણા પરિવારો આવા કહ્યાગરાં સંતાનોની સુવાસથી મઘમઘે છે. ગૌરવ લઇ શકાય તેમ છે. મા-બાપનું જીવન પણ ધન્ય-ધન્ય થઇ ગયું છે. સવાલ એ છે કે યુવાન અને સમજણાં સંતાને તેનાં મા-બાપની કેવી અને કેટલી હદ સુધી આજ્ઞાનું પાલન કરવું! આ સવાલ મા-બાપને પણ વિચારતા કરી મૂકે તેવો છે.

સંતાન લાગણીના કુંડાળામાં ઊભો રહીને કહ્યું માનતો રહે છે તો ક્યાં સુધી તેને આમ રાખવાનો? ક્યાં સુધી લાગણીના નામે હુકમનું પાનું ફેંકતા રહેવાનું! શાંતચિત્તે વિચારવા જેવું છે. જ્યારે સંતાનને માથા ઉપરવટ થશે તો ના પાડીને ઊભો રહેશે. વધારે પડતું ખેંચવાથી ક્યારેક તૂટી જતું હોય છે અને તૂટયા પછી સાંધવા બેસો તો વચ્ચે ગાંઠ રહી જાય.

વરુણ! શ્વેતાએ કહ્યું: તું કહ્યાગરો છો એ તારો પ્લસ પોઇન્ટ છે. હું પણ તારી આ સારી રીતની અસરમાં આવી ગઇ છું. તેથી મમ્મી-પપ્પાનું કહેવું સમજવાનો પૂરતો પ્રયાસ કરું છું. મારા ઘરમાં પણ આ વાત બધાને ગમે છે. શ્વેતા શ્વાસ ગળીને બોલી: આપણે આમ ક્યાં સુધી અંધારામાં હવાતિયાં માર્યા કરીશું? ફરી એક વખત વરુણ મૂળમાંથી હચમચી ડાળીઓના માફક ઝંઝેડાઇ ગયો.

શું જવાબ આપવો અને ક્યાં સુધી રાહ જોવી આ બંને માટે પ્રશ્નાર્થ સર્જીને ઊભાં હતાં. છેવટે વરુણે કહ્યું: શ્વેતા, મને સમય આપ હું વિચારીને કહું છું. શ્વેતાના મોંએ આવી ગયું કે, તેં હજુ સુધી વિચાર્યું જ નથી! વિચારવામાં ક્યાંક સોનેરી દિવસો ચાલ્યા ન જાય! હાથ ધોવામાં સમય વેડફાઇ જાય તો પછી જમવાનું ક્યારે! પણ તે અબોલ રહી. વરુણ તેનાં મા-બાપની લાગણીને સહેજ પણ ઠેસ ન પહોંચે તેની સતત કાળજી રાખવા પગલું પણ પૂછીને ભરે છે.

ત્યારે જીવનના આવા અતિ અગત્યના નિર્ણયમાં મા-બાપને પૂછી, વિશ્વાસમાં લઇને જ આગળ વધવું તેમ સ્પષ્ટપણે માને છે. વાત સોળ કેરેટના સોના જેવી છે. પૂછવું તો પડે, પણ ના જ પાડશે તેવા ડરથી પૂછવાનું થોડું માંડી વળાય છે! હવે પાછાં સન્ડેએ મળીશું! આમ કહી બંને એક અવઢવ સાથે છૂટાં પડ્યાં.

આમ અલગ થવું સહેજ પણ ગમતું નથી. જીવ ચાલ્યો ગયો હોય અને માત્ર ખોળિયું રહ્યું હોય તેવું લાગે છે. ક્યાંય ગમતું નથી. સતત તેના જ વિચારો આવ્યા કરે છે. એક-એક દિવસ દુષ્કાળના જેવો લાંબો અને વસમો લાગે છે. આ પ્રેમાળ પીડાની અસર વાણી, વર્તન અને વ્યવહારમાં દેખાઇ આવે છે. સ્નેહ અને સુગંધ ક્યાંય છુપાય નહીં તેમ આ પ્રેમસંબંધ પણ પરિવારમાં પ્રસરી ગયો છે. છતાંય કોઇ મગનું નામ મરી પાડતા નથી. વરુણ પર પૂરો ભરોસો છે.

સંતાનના સ્નેહને પામવા કે સમજવા તેના પર ભરોસો રાખવો અનિવાર્ય છે અને વિશ્વાસ તૂટે ત્યારે મા-બાપનો શ્વાસ ખૂટે છે. તેમની જિંદગી લકવાઇ જાય છે. સંતાનનો યોગ્ય ઉછેર થવો તે પણ અઘરું અને કપરું છે. સંતાન સ્વચ્છંદી ન બને તે જોવામાં તેની સ્વતંત્રતા છીનવાઇ ન જાય તેની પણ કાળજી રાખવી જરૂરી છે. વરુણ માટેની વધુ પડતી કાળજીએ તેનું અસ્તિત્વ વિસરાઇ ગયું છે. તેથી વરુણ લાગણીના કવચમાંથી બહાર નીકળી સ્વતંત્ર નિર્ણય લેવામાં હિચકિચાટ અનુભવે છે. શ્વેતાને ભરપેટ પ્રેમ કરતો હોવા છતાં સ્વીકારી શકતો નથી.

આ જગતમાં મા-બાપનો કોઇ અને ક્યાંય વિકલ્પ નથી. સંતાન માટે પોતાની જાત ઘસી નાખતાં હોય છે. અપવાદો બાદ કરતાં સામે સંતાનો પણ શ્રવણની જેમ વર્તતાં હોય છે. ભારતીય સંકૃતિની આ સૌથી મોટી દેણગી છે. જેનો જગતમાં જોટો નહીં જડે! પણ અહીં વરુણનો ઉછેર જ એવો થયો છે કે તે સઘળું પૂછી-પૂછીને જ કરવા ટેવાયેલો છે. સંતાનને તેની રીતે વિકસવાની મોકળાશ આપવી જોઇએ. તેની શક્તિ અને શક્યતાને સમજીને યોગ્ય દિશાદર્શન કરાવવું જોઇએ. આજની ન્યુ જનરેશન ભારે ટેલેન્ટ છે.

આકાશને આંબવાની કે ઊંચી ઉડાન ભરવાની તેનામાં તાકાત છે. તેને લાગણીની લગામમાં બાંધી ન દેવાય કે જેથી તેનો વિકાસ રુંધાય અથવા તો સારું અને પ્યારું તેનાથી છુટ્ટી કે છટકી જાય! સન્ડે હતો તેથી બન્ને નિયત જગ્યાએ આવીને ઊભાં રહ્યાં. વરુણની અબોલતાએ શ્વેતાને સળગાવી મૂકી. તેને સ્થિતિ સમજાઇ ગઇ હતી.

તેથી તે વ્યગ્ર અને ઉગ્રતાથી બોલી: મને પ્રેમ કરવા આવ્યો ત્યારે પપ્પાને પૂછીને આવવું હતું ને! ખબર વગર જ પાછળ ઊભેલા વરુણના પપ્પાનો ભીનો અવાજ અચાનક પ્રગટ્યો: બેટા, પ્રેમ થોડો પૂછીને થાય છે! ઘડીભર સન્નાટો છવાઇ ગયો. વરુણ હેબતાઇને થરથર કંપવા લાગ્યો. પગતળેથી જમીન સરકવા લાગી. સામે શ્વેતા પણ અવાક થઇ ગઇ હતી. આ શું થઇ ગયું? બંનેને પારાવાર પસ્તાવો પજવવા લાગ્યો. ત્યાં વરુણના પપ્પા બોલ્યા: ડોન્ટવરી, હું તમારી સાથે જ છું! 

Comments