પુનિતનું પ્રાયશ્ચિત



એક નાનું સરખું ગામ. નાનકડા ગામમાં નાની પણ સુંદર શાળા. પ્રભુભાઈ તે શાળાના આચાર્ય હતા. પ્રભુભાઈને બાળકો બહુ ગમે. બાળકોને પણ પ્રભુભાઈ ગમતા. પ્રભુભાઈની ભણાવવાની રીત બહુ સરસ હતી. તેઓ એવી રીતે ભણાવતા કે બાળકોને ઝટ યાદ રહી જાય. પ્રભુભાઈ બાળકોને અનેક પ્રકારની પ્રવૃત્તિઓ પણ કરાવતા. આમ શાળાનું વાતાવરણ ધમધમતું રાખતા.
એક વાર પ્રભુભાઈને વિચાર આવ્યો કે વિદ્યાર્થીઓની પરીક્ષા નિરીક્ષક (સુપરવાઈઝર)ની ગેરહાજરીમાં લેવામાં આવે તો શું વિદ્યાર્થીઓ ચોરી કર્યા વગર જાતે જે આવડે તે ઉત્તરવહીમાં લખે ખરા?
પ્રભુભાઈનો સ્વભાવ એવો કે એક સારો વિચાર મનમાં આવે તો તેનો અમલ કરીને જ જંપે. સત્રાંત પરીક્ષા નજીક આવી ત્યારે એક દિવસ ધોરણ સાતના વિદ્યાર્થીઓને પ્રભુભાઈએ કહ્યું, “બાળકો, દર વખતે તમારી પરીક્ષા દરમિયાન અમે સાહેબો તમારા પર ધ્યાન રાખીએ છીએ જેથી તમે ચોરી ન કરો. પણ આ વખતે હું એક પ્રયોગ કરવા માગું છુ.”
બધા વિદ્યાર્થીઓ સાહેબની વાત ધ્યાનથી સાંભળવા લાગ્યા. પ્રભુભાઈએ આગળ કહ્યું, “આ વખતે તમે જ્યારે ઉત્તરવહી લખતા હશો ત્યારે તમારા વર્ગમાં અમારામાંથી કોઈ શિક્ષક હાજર નહીં હોય. મને શ્રદ્ધા છે કે છતાં પણ તમે ચોરી નહીં કરો. તમને જે આવડતું હશે તે જ લખશો. બોલો, મારા આ નવા પ્રયોગમાં તમે મને સહકાર આપશો?”
વિદ્યાર્થીઓ માટે આ પ્રયોગ તદ્દન નવો હતો. તેમણે સાહેબને સહકાર આપવાની હા પાડી.
સત્રાંત પરીક્ષા શરૂ થઈ. વિદ્યાર્થીઓ પરીક્ષાખંડમાં ગોઠવાઈ ગયા. પ્રભુભાઈ ટેબલ પર પ્રશ્નપત્રો અને ઉત્તરવહીઓ મૂકીને વર્ગની બહાર ચાલ્યા ગયા. વિદ્યાર્થીઓ પોતાની જાતે પ્રશ્નપત્ર અને ઉત્તરવહીઓ લઈ ગયા વર્ગમાં બિલકુલ ગરબડ થતી ન હતી. સમય પૂરો થતાં દરેક વિદ્યાર્થી પોતાની ઉત્તરવહી ટેબલ પર મૂકીને ચાલતો થયો.
દરેક વિષયની પરીક્ષા આ રીતે જ લેવાઈ. પરીક્ષા પૂરી થઈ. થોડા દિવસો બાદ પરિણામ જાહેર થયું. પુનિત નામના વિદ્યાર્થીનું પરિણામ જોઈ પ્રભુભાઈ નવાઈ પામ્યા. પુનિતને બધા વિષયો આવડતા હતા, પરંતુ એક ગણિતમાં જ એને મુશ્કેલી નડતી હતી. પુનિત દર વર્ષે ગણિતમાં જ નાપાસ થતો. તેથી તેને તે વિષયમાં પ્રમોશન મળતું ને આગળના ધોરણમાં જતો હતો. આ વખતે પુનિત ગણિતમાં પાસ થઈ ગયો હતો. એટલું જ નહીં, તેને ગણિતમાં પચાસમાંથી ત્રીસ ગુણ મળ્યા હતા.
પુનિતનો વર્ગમાં પાંચમો નંબર આવ્યો હતો. પ્રભુભાઈએ વર્ગ સમક્ષ પુનિતનાં ખૂબ વખાણ કર્યાં. એમણે પુનિતને કહ્યું, “પુનિત, આ વખતે તેં ગણિતમાં ખૂબ મહેનત કરી લાગે છે.”
પુનિત ઘરે ગયો. રાતે તેને ઊંઘ ન આવી, કારણ કે એણે ગણિતની પરીક્ષામાં ચોરી કરી હતી. પ્રભુભાઈએ જે પ્રયોગ કર્યો હતો તેનાથી તેને ચોરી કરવાની તક મળી ગઈ હતી. પરીક્ષામાં તેની આગળ રાજન બેઠો હતો. રાજન ભણવામાં હોશિયાર હતો. પાછળથી ડોક ઊંચી કરી પુનિતે કેટલાક દાખલા અને હેતુલક્ષી પ્રશ્નોના જવાબ જોઈ ઉતારી લીધા હતા. પુનિતને હવે આ બાબતનો પસ્તાવો થતો હતો. તેને થયું કે સાહેબના વિશ્વાસનો તેણે ખોટો ફાયદો ઉઠાવ્યો હતો.
બીજે દિવસે પુનિત શાળાએ ગયો. પ્રાર્થના પછી વર્ગમાં ગયો. હાજરી પૂરી લીધા પછી પુનિતે એક ચિઠ્ઠી સાહેબના હાથમાં મૂકી ને પોતે નતમસ્તક થઈને ઊભો રહ્યો. પ્રભુભાઈએ ચિઠ્ઠી ખોલીને વાંચવા માંડી.
પરમ પૂજ્ય સાહેબ,
સાદર પ્રણામ,
સવિનય જણાવવાનું કે સત્રાંત પરીક્ષામાં મેં ગણિતમાં ચોરી કરી હતી. તેથી હું પાસ થઈ ગયો. નહીં તો હું ગણિતમાં નાપાસ થયો હોત.
ગઈ કાલે આપની આગળ સાચું બોલવાની હિંમત કરી શક્યો નહીં તો સાહેબ મારો આટલો ગુનો માફ કરજો. હવેથી હું ગણિતમાં ખૂબ મહેનત કરીશ. ફરીથી કદીયે ચોરી કરીશ નહીં તથા જૂઠું બોલી કોઈને છેતરીશ પણ નહીં.
લિ.આપનો આજ્ઞાકિત વિદ્યાર્થી પુનિતના પ્રણામ
ચિઠ્ઠી પૂરી કરી પ્રભુભાઈએ પુનિતની સામે જોયું. પુનિત અદબ વાળી, નીચું જોઈ ઊભો હતો. તે રડી રહ્યો હતો. તેની આંખમાં પસ્તાવાનાં આંસુ હતાં. પ્રભુભાઈએ તેની પીઠ પર પ્રેમથી હાથ ફેરવ્યો અને બોલ્યા, “બેટા પુનિત, તું એક સારો છોકરો છે તે બાબત આજે તેં સાબિત કરી દીધી છે. તું મને ગમતો હતો, પરંતુ આજે તું મને વધારે ગમે છે. તેં તારી ભૂલ કબૂલ કરી એક સરસ કામ કર્યું છે. જા, તારી જગ્યાએ જઈને બેસી જા.”
પુનિત પોતાની જગ્યાએ જઈને બેસી ગયો. તે પછી પ્રભુભાઈએ વર્ગ સમક્ષ વિગતે બધી વાત કરી. ત્યારબાદ સાહેબે ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માંથી ગાંધીજીના જીવનનો ચોરીવાળો પ્રસંગ અને ચિઠ્ઠી લખી બાપુની માફી માગવાવાળો પ્રસંગ કહ્યો. સાહેબે આજના પુનિતના કાર્યને તેની સાથે સરખાવી તેને શાબાશી આપી.
તે પછી પુનિતે ગણિતમાં ખૂબ મહેનત કરી ને તમે નહીં માનો, વાર્ષિક પરીક્ષામાં પુનિતે ગણિતમાં સૌથી વધારે ગુણ મેળવ્યા.

Comments