ડો. શરદ ઠાકર: બસ, એક પરદો ખસેડી, મને પિછાણ નહીં



 
અહીં બધાંના જીવન પર અનેક પર્દા છે, અહીં ખુદાના વિના કોઇ બેનકાબ નથી,

હું નોકરીમાં જોડાયો તે જ દિવસે હોસ્પિટલના અડધા ઉપરાંત કર્મચારીઓ રૂબરૂમાં મળી ગયા અને પોતાનો પરિચય આપી ગયા. કબરમાં એક પગ લટકાવીને બેઠા હોય એવા કાકા આવ્યા. માથા પર કાળી ટોપી. હાથમાં છીંકણીની ડબ્બી. સફેદ ધોતિયું અને સફેદ ઝભ્ભો. મારી સામે થોડી વાર સુધી જોઇ રહ્યા. પછી બોલ્યા, ‘નવા ડોક્ટર છો?’‘હાજી, આપ?’ હું માત્ર પચીસ વર્ષનો હતો, એ સિત્તેરની ઉપરના લાગતા હતા. મેં એમની વયને આદર આપીને ‘આપ’ કહ્યું.‘કાંતિલાલ કેશિયર. દસ નંબરમાં બેસું છું. પૂરી જિંદગી આ હોસ્પિટલમાં જ કાઢી છે. મારું નામું પાક્કું! એક પૈસાનીયે ભૂલ ન પડે. ટ્રસ્ટીઓને એટલે જ મારી ઉપર પૂરો ટ્રસ્ટ છે. તમારો પગાર મારે જ તૈયાર કરવાનો છે.’

હું સાંભળતો રહ્યો, એ બોલતા ગયા. વૃદ્ધ માણસોની આ આદત હોય છે, એમને બીજાનો પરિચય જાણવામાં એટલો રસ નથી હોતો, જેટલો પોતાનો પરિચય આપવામાં હોય છે. એમને બોલવું હતું એટલું બોલીને કાંતિલાલ ગયા, બહાર જઇને લેબોરેટરીવાળા થોમસને કહેતા ગયા, ‘નવો ડોક્ટર તો સાવ જુવાન છે. આમ તો સારો લાગે છે, પણ વાતચીત ઓછી કરે છે. સ્ટાફની સાથે ભળતાં એને વાર લાગશે.’બીજી મિનિટે થોમસ મેકવાન પ્રગટ થયો, ‘હું સાત નંબરમાં બેસું છું. વેલકમ ટુ ધી હોસ્પિટલ, સર.’

‘આઇ સી!’ હું હૂંફભર્યું હસ્યો, ‘તો તમે જ છો અહીંના લેબ ટેક્નિશિયન-કમ-પેથોલોજિસ્ટ-કમ બ્લડ બેન્ક મેનેજર? તમારી સાથે તો મારે ખાસ સારા સંબંધો જાળવવા પડશે. નહીંતર તમે દર્દીઓના ટેસ્ટ-રિપોટ્ર્સમાં વેઠ ઉતારશો અને મારા નિદાનમાં ભૂલ પડશે.’ એ ખુશ થઇને ગયો, બહાર જે મળ્યું એને કહેતો ગયો, ‘નવા ડોક્ટર બહુ મજાના માણસ છે. એમનો સ્વભાવ પણ મજાકિયો છે. હોસ્પિટલમાં બધાંની સાથે બહુ ઝડપથી ‘મિક્સ’ થઇ જશે.’

હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. પરીખ હતા. એ સજર્યન હતા. સવારનો રાઉન્ડ પૂરો કરીને એ એમના આઉટ ડોર તરફ જતા હતા, તે મારી ઓ.પી.ડી. પાસે અટકી ગયા. વિવેકી માણસ. મારા ઉપરી હોવા છતાં ‘મે આઇ કમ ઇન, ડૉ. ઠાકર?’ એવું પૂછીને જ અંદર દાખલ થયા. ખુરશીમાં બેઠા પણ નહીં. ઊભાં ઊભાં જ વાત કરી લીધી, ‘સાંભળ્યું છે કે તમે એકલા જ આવ્યા છો?’‘હા, મારી પત્ની હજુ વી. એસ.માં ભણે છે.’

‘હા, મારા જાણવામાં એ વાત આવી. એની વે, ખાવા-પીવાની જ્યારે અડચણ હોય ત્યારે મારા ઘરે આવી જજો. નિરંજના સરસ રસોઇ બનાવે છે. કામ દિલ દઇને કરજો. આજુબાજુના સો કિ.મી. વિસ્તારમાં બીજું એક પણ દવાખાનું નથી. ઓપરેટિવ વર્કનો ઢગલો છે. પગારની સાથોસાથ અનુભવ પણ મળી રહેશે અને ગામડાંના ગરીબ દર્દીઓના આશીર્વાદ પણ.’

ડૉ. પરીખ ગયા કે તરત જ ડૉ. પાઠક ઘૂસી આવ્યા. ચહેરા ઉપર કંટાળો. આંખોમાં થાક. હોઠ પર સવારના પહોરમાં બગાસું. બે હાથ ફેલાવીને આળસ મરડીને એ બોલ્યા, ‘આ હમણાં ગયો ને, એની વાત માનશો નહીં. હું ડૉ. પાઠક. અહીં મેડિકલ ઓફિસર છું. બાર વરસથી જખ મારું છું. મારી આટલી સિનિયોરિટીનો સાર તમને સમજાવી દઉં છું, ઘડિયાળના કાંટે કાંટે કામ કરજો. સેવા ને નિષ્ઠા ને પ્રામાણિકતા જેવા શબ્દોને મગજમાંથી કાઢી નાખજો.

કોઇ તમને પદ્મશ્રી નથી બનાવી દેવાનું. હું તો મફતનો પગાર પાડું છું. તમે પણ...’હું નોકરીના પ્રથમ જ દિવસે જાત જાતની ખોપડીઓને સમજવાની કોશિશ કરી રહ્યો હતો. નર્સો તો બધી એક સામટી ક્યાંથી આવી શકે? એમનાં મેટ્રન આવીને મળી ગયાં. જાડાં, કાળાં, બેઠી દડીનાં મહિલા હતાં. ‘ગુડ મોર્નિંગ, સર! હમ કેરાલા કા હૈ. હમ પ્રોમિસ કરતા. હમ ડ્યૂટી મેં આપકો પરેશાન નહીં કરેંગા.’

કેસ પેપર કાઢવાવાળો પ્રશાંત પણ મળવા માટે આવી ગયો અને ડ્રેસિંગ કરનારો બાલુ ઠાકોર પણ. સૌથી છેલ્લે એક યુવાન આવ્યો. ગોરો, ઘાટીલો, બોલવામાં ચબરાક. કપડાં પણ સુંદર. મને કહે, ‘હું વિકલ્પ છું.’‘કોનો વિકલ્પ?’ હું હસ્યો. ‘મારું નામ વિકલ્પ છે. વિકલ્પ વ્યાસ. મારું કામ ડ્યૂટીનું રજિસ્ટર બનાવવાનું અને સાચવવાનું છે. હું છેક છેવાડેના સત્તર નંબરના રૂમમાં બેસું છું. ખાસ તો નર્સિંગ સ્ટાફ અને ચોથા વર્ગના કર્મચારીઓની ડ્યૂટીના કલાકો મારે ગોઠવવાના હોય છે. ક્યારેક નવરા પડો તો એ તરફ આંટો મારજો, સાહેબ!’ અને એ ગયો.

વિકલ્પ પહેલો એવો માણસ હતો જે એ હોસ્પિટલમાં જોડાયા પછી મને દેખાવડો અને સ્માર્ટ લાગ્યો, પણ એની સ્માર્ટનેસમાં કશુંક નેગેટિવ હતું, ન સમજાય તેવું અને ન ગમે તેવું. કદાચ તેની રીતભાત ન ગમે તેવી હશે. ‘ક્યારેક નવરા પડો તો એ તરફ આંટો મારજો’ આ એનું વાક્ય મારા મનને ખૂંચ્યું હોય એવુંયે બને. કોઇ ડોક્ટર બીજા કે ત્રીજા વર્ગના કર્મચારીની ઓરડી તરફ આંટો મારવા શા માટે જાય? એ કંઇ મારો મિત્ર ન હતો. એના પ્રસ્તાવમાં ઉદ્ધતાઇની બદબૂ હતી.

દસેક દિવસ પછી મારે એની ‘કર્મભૂમિ’માં ડોકિયું કરવા જેવી ઘટના બની. હું ગાયનેક વિભાગમાં રાઉન્ડ લઇને પાછળની તરફનો દાદર ઊતરીને નીચે આવ્યો, તો સામે જ સત્તરનો આંકડો વંચાયો. મેં અંદર ડોકિયું કર્યું. પછી તરત જ સમજાઇ ગયું કે ડોકિયું ન કર્યું હોત તો સારું હતું. વિકલ્પ એક નર્સની જોડે અત્યંત ઘનિષ્ઠ, અંગત મુદ્રાઓ વિકસાવી રહ્યો હતો. હું એ ખજુરાહોના શિલ્પને જોઇને પાછો વળવાની તૈયારીમાં હતો, પણ વિકલ્પના અવાજે મને રોકી લીધો, ‘આવો ને, સર! પ્લીઝ, કમ ઇન! હું... હું... આ છે આપણાં સ્ટાફ નર્સ, માથૉ ક્રિસ્ટી. હું એની ડ્યૂટી ગોઠવતો હતો.’ વિકલ્પે માથૉ સાથે ઓળખાણ કરાવી.

માથૉ શરમાઇને ચાલી ગઇ, પણ એટલા અલ્પ સમયમાંયે હું જોઇ શક્યો કે માથૉ વિકલ્પના પ્રેમમાં ગિરફ્તાર હતી. થોડાક વધુ દિવસો ગયા અને બધું સ્પષ્ટ થઇ ગયું. વિકલ્પ અને માથૉ છેલ્લાં ત્રણ વર્ષથી ગળાડૂબ પ્રેમમાં હતાં અને આ વાત જગજાહેર હતી એટલે મેં ખાનગીમાં ખજુરાહોની મૂર્તિઓને ઝડપી પાડી એ વાતનો રોમાંચ બહુ ઝડપથી ઓસરી ગયો. બપોરની રિસેસમાં વિકલ્પ પૂરા બે કલાકનો સમય માથૉની રૂમમાં જ પસાર કરતો હતો. સાંજે ફરી પાછો ફરજ ઉપર હાજર થાય ત્યારે ક્યારેક હું પૂછી લેતો, ‘જમી લીધું?’એ મારો શ્લેષ સમજી જતો, ‘હા, જમી લીધું.

ટિફિન પણ અને માથૉને પણ!’ છએક મહિના આ સિલસિલો ચાલતો રહ્યો. એક સાંજે વોર્ડ બોય ગાંડાલાલ સમાચાર લાવ્યો, ‘આજે તો ભારે થઇ, સાહેબ!’ ‘શું થયું?’ ‘પેલી સિસ્ટર ખરી કે નહીં? પેલી માથૉબુન! એનાં સગાંવા’લાં આયાં’તાં. એમને ગંધ આઇ ગઇ હશે. જીપ ભરીને આવ્યાં હતાં. આપણા વિકુભાઇને કે’ કે અમારી છોડી હારે લગન કર. વિકો ન માન્યો. સવારથી ઝઘડો ચાલતો’તો, પણ વિકો ટસનો મસ ન થ્યો. એ કે’ કે તમારી ને મારી ન્યાત જુદી, ધરમ જુદા એટલે મારાથી પૈણાય તો નહીં જ. તમારે મારા શરીરના કટકા કરવા હોય તો કરી નાખો. પેલા બાપડા હું બોલે? માથૉને નોકરી છોડાઇને લઇ ગ્યા.’

મને થોડુંક દુ:ખ થયું, પણ ઝાઝો તો આઘાત લાગ્યો. આ પ્રેમસંબંધથી વિકલ્પ અને માથૉ બંને ખુશ પણ જણાતાં હતાં અને સંતુષ્ટ પણ, તો પછી આવું કેમ થયું? વિકલ્પને ખરેખર ધર્મના ભેદનો વાંધો હશે? એની તો એને શરૂથી જ જાણ હતીને? તો પછી એક નિર્દોષ યુવતીની પવિત્રતા ઉપર એણે કાળો ડાઘ શા માટે લગાડ્યો? એનાથી પણ મોટી વાત.

માથૉના કુમળા દિલ ઉપર પ્રણયભંગનો વજ્રાઘાત કર્યો એનું શું? મારે આનો જવાબ જોઇતો હતો. જવાબ મને મળી ગયો, વિકલ્પ પાસેથી જ મળી ગયો. મારા પ્રશ્નના ઉત્તરમાં એ લુચ્ચું હસ્યો, ‘લગ્ન કેવી રીતે થઇ શકે, સર? સીધી વાત છે, હું તો પરણેલો છું. મારી પત્ની બ્યુટિફૂલ છે. નડિયાદમાં સરકારી નોકરી કરે છે. સારું કમાય છે. આ તો ખાલી મારો સાઇડ બિઝનેસ હતો.’ હું સમજી ગયો, વિકલ્પ એ આ જુવાનનું માત્ર નામ જ ન હતું, એનું કામ પણ હતું.

(સત્યઘટના. નામફેર સાથે)

Comments