રાગના અકસ્માતની સૌથી પહેલી જાણ તો વિશેજ્ઞાને થઇ હતી એમ કહી શકાય. ચાલુ વાતે મોબાઇલ ફંગોળાઇ મોટા અવાજ પછી અટકી ગયો હતો.
ચ હેરો છોલાઇને ખરબચડો થઇ ગયો હતો. એક ક્ષણ પણ નજર નાખી ન શકાય તેવી કુરૂપતા સર્જાઇ હતી. રાગ પોતાનો જ ચહેરો અરીસામાં જોઇ શક્યો ન હતો. અરીસાનો રીતસરનો ઘા કરી દીધો હતો. પોતે જ પોતાનો ચહેરો જોઇ સહન કરી શકે નહીં પછી સામેના પાત્રને કહેવાનું શું!?રાગ ચાલુ બાઇકે ખભા અને કાન વચ્ચે મોબાઇલ દબાવીને વાત કરતો હતો. પાછળથી કોઇ વાહન ટક્કર મારી નીકળી ગયું હતું. ૧૦૮ની ઇમરજન્સી સેવાના લીધે તે બચી ગયો હતો, પણ સ્માર્ટ ચહેરાનો નકશો બદલાઇ, તેની ઓળખ ભૂંસાઇ ગઇ હતી.
રાગના સાજા થવાની ચિંતા ટળી છે પણ તેની વાગ્દતા વિશેજ્ઞાની ચિંતા સામે આવીને ઊભી રહી છે, કારણ કે તેને તો રાગનું આવું કુરૂપ જોતાં જ ચક્કર આવી ગયાં હતાં, બેભાન જેવી થઇ ગઇ હતી. હવે સવાલ સામે આવ્યો હતો કે જે યુવતી પળાર્ધ માટે પણ કુરૂપતાને સહન કરવા સમર્થ ન હોય તેના પર જીવનભર આવું પાત્ર ઠોકી કેમ બેસાડાય? સૌ કોઇના ગળે ઊતરે તેવી વાત છે, પણ લગ્નની તારીખ એડવાન્સમાં નક્કી થઇ ગઇ છે. આજે તુલસી વિવાહ થઇ જાય એટલે કંકોતરી છપાવવાની છે, સઘળી પરંપરાઓ નિભાવવાની શરૂ થવાની છે. ત્યાં આવું બન્યું... બંને પક્ષે ભારે અવઢવ છે.
એ વખતે મોબાઇલ પર વાત તો વિશેજ્ઞા સાથે જ ચાલતી હતી. પણ યંત્ર, તંત્ર અને મંત્રનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પડે. નહીંતર વિનાશને નોતરવાની તૈયારી રાખવી પડે. ક્યા સાધનનો ક્યા સમયે, કેવી રીતે ઉપયોગ કરવો જોઇએ તેની સૂઝ-સમજ યુવા પેઢીમાં ઓછી નથી, પણ ઊછળતું લોહી હંમેશાં સામા પૂરે ચાલતું હોય છે. રાગ અને વિશેજ્ઞા કોઇ કંપનીમાં ટોક ટાઇમ ફ્રી સ્કીમનો ઉપયોગ કરતાં હતાં. સ્કીમ ફ્રી છે પણ જીવનની એકપણ ક્ષણ ફ્રી કે ફાલતુ નથી.
આપણે જીવવા માટે ખાઇએ છીએ, ખાવા માટે નથી જીવતાં. એમ આવી સુવિધાઓ જીવનને સરળ, સંગીન અને રંગીન બનાવવા માટે હોય છે, નહીં કે તેનો બિનજરૂરી ઉપયોગ કરી, જીવનને આમ હોડમાં મૂકવા માટે!રાગના અકસ્માતની સૌથી પહેલી જાણ તો વિશેજ્ઞાને થઇ હતી એમ કહી શકાય. ચાલુ વાતે મોબાઇલ ફંગોળાઇ મોટા અવાજ પછી અટકી ગયો હતો. વિશેજ્ઞાને હતું કે પોતાની માગણીઓના લીધે ગુસ્સામાં આવી મોબાઇલનો ઘા કર્યો છે! કારણ કે લાગણીના રેપરમાં માગણીઓ માઝા મૂકવા લાગી હતી.
પ્રેમના પ્રભાવ તળે અધિકારભાવનો અતિરેક થવા લાગ્યો હતો. માગણીનો ક્યારેય અંત આવતો હોતો નથી. માગણી માણસને તુચ્છ અને મામૂલી બનાવી દે છે. અહીં તો હઠાગ્રહ પણ ભારે બળુકો હતો. વળી સૂતરના તાંતણા જેવા આ સંબંધોમાં પોતે સારા અને સાચા જ છે તેવું સાબિત કરવાના પણ ભારે ધમપછાડા થતા હોય છે. તેમાં હૂંસાતૂંસી અને રકઝક તો સામાન્ય થઇ જાય છે. વિશેજ્ઞા અને રાગ વચ્ચે આવું જ કંઇક ચાલતું હતું, રાગ બેધ્યાન થયો અને કારમો અકસ્માત સર્જાયો હતો.
સુખી-સંપન્ન પરિવારનો રાગ એકનો એક પુત્ર છે. તેના પપ્પા સારી પોસ્ટ પર છે. આવકના આંકડાનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. સ્થાવર મિલકત જ એટલી ઊભી કરી છે કે તેની આવકમાંથી જ રાગ લહેર કરી શકે તેમ છે. યુવાન રાગને કન્યા પસંદ કરવામાં બે-અઢી વરસનો સમય નીકળી ગયો હતો. પોતાની અને પરિવારની અપેક્ષા મુજબની કન્યા વિશેજ્ઞા પર પસંદગીની મહોર મારવામાં આવી હતી. એક જ દીકરો અને પૈસાનો કોઇ પાર નહીં તેથી પ્રતિષ્ઠાને પરાકાષ્ઠાએ પહોંચાડવા, લગ્નમાં એક પણ બાબતની કમી ન રહે તેની પૂરતી કાળજી સાથે તૈયારીઓ થઇ ગઇ હતી.
ન્યુ કન્સેપ્ટ પ્રમાણે આખા મેરેજ કોન્ટ્રેકટ થઇ ગયા હતા. ત્યાં આવું બનીને ઊભું રહ્યું. તેમાં પસંદગીનું પાત્ર જ પ્રશ્નાર્થ પેદા કરીને પેશ થયું હતું. વિશેજ્ઞા બીજી વખત હોસ્પિટલમાં આવવાની હિંમત જ કરી શકી નથી. તેને ભારે આઘાત લાગ્યો છે, તે કોઇ સંજોગોમાં પોતાના પાત્રની કુરૂપ સ્થિતિ જોઇ શકે તેમ નથી. યંગસ્ટરમાં આવું ખાસ બને છે. કારણ કે તેણે મનમાં એક રંગીન દુનિયા ઊભી કરી હોય છે, તેમાં કલ્પનાની રંગોળી પૂરી, અવનવાં સ્વપ્ન જોયાં હોય છે અને જ્યારે સ્વપ્ન તૂટે ત્યારે આઘાત અનુભવે છે. વિશેજ્ઞા તો એક જ વાતનું રટણ કરે છે, મારી સાથે જ આવું કેમ બન્યું? પછી કહે છે: ‘હું જે ચહેરા પર નજર પણ નાખી શકતી નથી, સહન કરી શકતી નથી તેને જીવનભર કેમ જીરવી શકું!?’ વાત વડીલો માટે પણ વિચારણા માગી લે તેવી હતી. વળી મગ-ચોખા ભળ્યા નહોતા, મેરેજ થયા નહોતાં એટલે છુટ્ટા પાડવાનું સરળ હતું.
વિશેજ્ઞાને હું હવે ગમતો નથી તેવો રાગને ખ્યાલ આવી ગયો હતો. પોતે દસ કરતાં વધારે છોકરીઓને નાપસંદ કરી ચૂક્યો છે. હવે સમજાય છે કે, નાપસંદ કર્યા પછી છોકરી પર શું વીતતી હશે? વ્યક્તિ જ્યારે બીજા પાત્રની પીડાને પામતો અને સમજતો થાય તો જગતનાં ઘણાં દુ:ખ અને સવાલો ઓગળીને ઓછા થઇ જાય.
ભાગ્ય પર દોષનો ટોપલો ઢોળી સઘળું વિખરાઇ ગયું. રાગને જીવન અને જગતનું સત્ય સમજાઇ ગયું. હવે તેને મૌન બની સઘળું જોવાનું જ હતું.સાંજના સમયે રાગની પાસે એક યુવતી આવીને ઊભી રહી. બંનેની નજરો એકબીજામાં અટવાઇ. ત્યાં યુવતીએ જ કહ્યું: ‘આપણે અજાણ્યાં નથી, એકબીજાને સારી રીતે મળી ચૂક્યાં છીએ!’ રાગ થોડો ડઘાઇ ગયો. તેથી કશું બોલી શક્યો નહીં. અકળ મૌન તળે સમય પસાર થતો રહ્યો.
‘રાગ...!’ યુવતીએ આગળ ચાલીને કહ્યું: ‘તમે મને જોવા આવ્યા હતા ત્યારે પણ પસંદ હતા અને આજે પણ એટલા જ પસંદ છો!’ રાગ માટે તો આ કલ્પનાતીત ઘટના હતી. મોં વકાસીને તેની સામે જ જોતો રહ્યો.‘તમારા ઐશ્વર્યનું અભિમાન ઊતર્યું હોય તો... આઇ એમ રેડી.’હજુ તો રાગ કંઇ કહે તે પહેલાં જ યુવતીની પાછળ ઊભેલાં તેનાં મમ્મીનો અવાજ આવ્યો: ‘બેટા! તમારે ત્યાં મેરેજની બધી જ તૈયારી થઇ ગયેલી છે, તો અમે પણ તૈયારી કરી લઇશું.’રાગ કશું બોલી ન શક્યો પણ પ્રત્યુતરમાં તેની આંખો હર્ષનાં આંસુથી ઊભરાવા લાગી.
Comments
Post a Comment
Thanx For Comment