રાઘવજી માધડ: ફૂલ અને સંબંધમાં સુગંધ હોવી જોઇએ



  
મઇન રોડ પરની નિશ્વિત જગ્યાએ આવીને કાજલ ઊભી રહી. ઊંચા અને ઘટાદાર વૃક્ષો મૌન ધારણ કરીને ઊભાં હતાં. પ્રાગઢ્યના આ સૌંદર્યને ક્યારે નવલી નજરે નિહાળ્યું કે માણ્યું નથી. પૂછશો એટલો તીખો અને તોછડો જવાબ મળશે: ‘છે એવો ટાઇમ, યંત્રની માફક દોડવાનું હોય તેમાં વળી જોવાનું શું!?’

‘શું કરવા આમ યંત્રની જેમ જીવે છે...?’ આવો સવાલ કરીએ તો કદાચ કાજલ શું અન્ય વ્યક્તિ પણ સાચો અને સચોટ જવાબ આપી શકે એમ નથી. એક જીપ પાસે આવીને ઊભી રહી, કાજલ તેમાં બેસી ગઇ. પછી ડ્રાઇવરને કહ્યું: ‘ભઇ! પાંચને વીસ થઇ હોં.’ સામે ડ્રાઇવરે કહ્યું: ‘ચિંતા ના કરો, ટ્રેનમાં પહોંચી જશો.’ પછી ઉમેરીને કહ્યું: ‘ઊઠવામાં થોડું મોડું થયું. ગઇકાલે મારી પવૉનો બર્થ ડે હતો!’ ડ્રાઇવરનું આમ કહેવું સાંભળી કાજલનાં તન-મનમાં વીજળી જેવો કરંટ પસાર થઇ ગયો. છતાંય આંખો બંધ કરી, હળવું ઝોકું ખાવાનો નિરર્થક પ્રયાસ કરવા લાગી.

કાજલ રોજિંદા કામને પરવારી બેડરૂમમાં પહોંચે ત્યારે લગભગ અગિયાર-સાડા અગિયાર થઇ ગયા હોય અને પાછું સવારે ચાર વાગ્યે તો ઊઠવાનું... તેથી આમ મુસાફરીમાં થોડું ઊંઘી લે પણ આજે તો તેની આંખો જ ઊઘડી ગઇ હતી. બર્થડેનું કહેવું સાંભળી એક વેદના ઊમટી આવી છે. હસબન્ડ પ્રત્યેનો આક્રોશ વ્યક્ત કરતાં મનમાં બોલે છે: ‘મેરેજ ડે... પણ છેક સાંજે યાદ આવ્યો હતો. તેમાં મારા બર્થડેની તો શું અપેક્ષા રાખવાની!?’

રેલવે સ્ટેશન આવ્યું. કાજલ જીપમાંથી ઊતરી ત્રણ નંબરના પ્લેટફોર્મ પર આવી. સાથે અપડાઉન કરતા સાથીઓ પાસે કાજલ ઊભી રહી. ત્યાં કાને અવાજ અથડાયો: ‘સાલ્લી! પાંચ-પંદર મિનિટ તો લેટ થાય જ!’ ‘કોણ!?’ કાજલથી એમ જ બોલાઇ ગયું. ત્યાં સામે એટલી જ ત્વરાથી જવાબ મળ્યો: ‘ટ્રેન... બીજું કોણ!!?’ બધાં એક સાથે વ્યંગમાં હસવા લાગ્યાં.

કાજલ અંદરથી ઉખડેલી હતી તેથી સળગી ઊઠી. છતાંય સંયમ દાખવ્યો. સવારે ઊઠી ત્યારથી જ કાજલ ખિન્ન છે. એક પ્રકારનો આક્રોશ તેના દિમાગ પર છવાઇ ગયો છે. વહેલી ઊઠે, રસોઇ બનાવે, ટિફિન તૈયાર કરે પછી જ પોતાના હસબન્ડ પ્રણવને ઉઠાડે, પણ આજે તો એમ જ સૂતો મૂકીને નીકળી આવી છે.

ટ્રેન ચોક્કસ ગતિ સાથે દોડવા લાગી. કાજલે પ્રભુતામાં પગલાં માંડ્યાને હજુ એકાદ વરસ થયું છે. ખરેખર તો આજે પોતાનો બર્થડે છે અને તેની પ્રણવને ખબર જ નથી. આ વાતે ભારે વ્યથિત છે. તેમાં પાછું ડ્રાઇવરે કહ્યું... તેથી બળતામાં ઘી હોમાયું! મારા હસબન્ડને પણ મારી કશી કિંમત ન હોય, માત્રે ને માત્ર હું એક આર્થિક કમાણીનું સાધન જ હોઉં તો પછી આ બધું જ નકામું છે, જીવવાનું જ વ્યર્થ છે.

ઓફિસે આવી ખુરશીમાં ધબ્ દઇને બેસી ગઇ, જાણે જીવતી લાશ હોય! ત્યાં મોબાઇલના રિંગટોનથી તેના કાન ચમક્યા. પ્રણવ કહેશે: ‘હેપી બર્થ ડે, માય સ્વીટ... પણ તેણે તો એટીએમ કાર્ડનું પૂછીને તુરંત જ કટ કરી નાખ્યો. કાજલને ગુસ્સો આવ્યો, જાત પર નફરત જાગી... એક સ્ત્રી તરીકે, જીવનસાથી તરીકે હું કશું જ નથી. છું તો માત્ર એટીએમ કાર્ડ!’

છ વાગ્યા સુધીમાં તો તેણે ઘણું વિચારી લીધું. એક ક્ષણે તો એવું પણ નક્કી કરી લીધું કે, પ્રણવ કંઇ આ બાબતે બચાવ કરવા જાય તો મોં પર જ કહી દેવાનું: ‘સુગંધ વગરના સંબંધમાં મને કોઇ રસ નથી. તું તારા રસ્તે ને હું મારા રસ્તે...’ બોસને પણ ખબર હતી બર્થડેની. કેવો બૂકે આપ્યો અને તું તો મારો પતિ છે કે પછી...ઘર ક્યારે આવી ગયું તેને ખબર ન રહી. ડોરબેલ વગાડવા હાથ ઊંચો કર્યો પણ બારણું તો ખુલ્લું જ હતું. અંદર પગ મૂક્યો તો કાજલની આંખો ચાર થઇ ગઇ- શણગારેલા રૂમની વચ્ચે પ્રણવ ગુલદસ્તો લઇને ઊભો હતો, કાજલને સત્કારવા! 

Comments