વાણીથી પરખાય વ્યક્તિત્વ



એક વાર એક વિશાળ જંગલમાં એક રાજા તેમના વજીર અને સિપાઇને લઇને શિકાર કરવા નીકળ્યા હતા. શિકારની શોધ કરતાં-કરતાં ત્રણેય જણા વિખૂટા પડી ગયા અને એકબીજાને શોધવા લાગ્યા. આગળ જતા સિપાઇએ ઝાડ નીચે એક માણસને જોયો. સિપાઇ તે ઝાડ પાસે ગયો. ઝાડ નીચે બેઠેલો માણસ અંધ હતો.
સિપાઇએ તેને કહ્યું કે, “એ આંધળા, તે અહીંયાંથી કોઈને જતો જોયો છે.”
તે માણસે જવાબ આપ્યો, “ના, અહીંયાંથી કોઈ નીકળ્યું નથી.”
ત્યારબાદ સિપાઈ ત્યાંથી આગળ ચાલ્યો ગયો.
થોડી વાર પછી તે જગ્યા પર વજીર આવી પહોંચ્યા અને તેને કહેવા લાગ્યા કે, “પ્રજ્ઞાચક્ષુજી, થોડી વાર પહેલાં અહીંથી કોઈ વ્યક્તિ પસાર થઈ હતી.”
તે માણસે જવાબ આપ્યો, “હા, અહીંથી હમણાં જ એક વ્યક્તિ પસાર થઈ હતી.”
વજીર ધન્યવાદ કહીને તે રસ્તા તરફ આગળ વધ્યા.
સિપાઇ અને વજીરના ગયા પછી તે રસ્તા પરથી રાજા નીકળ્યા અને ઝાડ નીચે બેઠેલી વ્યક્તિને જોઇને પૂછવા લાગ્યા, “હે સૂરદાસ,અહીંયાંથી થોડી વાર પહેલાં કોઈ વ્યક્તિ પસાર થઈ હતી?”
પ્રજ્ઞાચક્ષુએ કહ્યું કે, “હા રાજન, અહીંયાંથી થોડી વાર પહેલાં તમારા સિપાઈ અને પછીથી તમારા વજીર પસાર થયા હતા.”
આ સાંભળતા જ રાજા આશ્ચર્ય પામ્યા અને તે પ્રજ્ઞાચક્ષુને કહ્યું કે, “તમે જોઈ શકતા નથી તેમ છતાંય તમને કેવી રીતે ખબર પડી કે અહીંથી પસાર થનારી વ્યક્તિ વજીર અને સિપાઈ જ હતા?”
પ્રજ્ઞાચક્ષુએ જવાબ આપ્યો કે, “હે રાજન, પહેલાં જે વ્યક્તિ પસાર થઈ હતી તેણે મને માન સન્માન આપ્યું નહોતું તેથી તે અવિવેકી જણાતી હતી. જ્યારે વજીર અહીંથી પસાર થયા ત્યારે જે માનવાચક શબ્દોથી મને નવાજ્યા હતા, તેથી મને લાગ્યું કે આ વ્યક્તિ ખરેખર રાજ્યનો કાર્યભાર સંભાળતી હોવી જોઇએ, કારણ કે તેમણે જે રીતે મને સંબોધન કર્યું તે વિવેકભર્યું હતું અને એક રાજ્ય વહીવટકર્તામાં જ આ ગુણ વિશેષ જોવા મળે છે અને તમારા અવાજમાં માન સન્માનના સાથે ગંભીરતા ભળેલી સ્પષ્ટ જણાતી હતી. આ પરથી લાગ્યું કે એક રાજા જ ધીરગંભીર વાણી વ્યક્ત કરી શકે છે.

Comments