માસીની દીકરી સાથે મન મળ્યું છે!



સોક્રેટિસજી,
હુંસાબરકાંઠા જિલ્લાનો યુવક છું. હાલમાં કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરું છું. મારી સમસ્યા જણાવતા મને સંકોચ થઈ રહ્યો છે,છતાં પણ માર્ગદર્શનની આશાએ આપને પત્ર લખી રહ્યો છું. મારી માસીની છોકરી સુરેખા બારમા ધોરણમાં નાપાસ થયેલી. સુરેખા થોડી હતાશ હતી અને માનસિક રીતે થોડી હળવી થાય એ માટે તે થોડા દિવસો માટે મારા ઘરે રહેવા આવી હતી. સુરેખા મારા કરતાં એક વર્ષ મોટી છે, છતાં અમારે બંનેને ખૂબ જ સારું બને છે. અમારા સંબંધો ધીમે ધીમે માસીયાઈ ભાઈ-બહેનને બદલે પહેલાં મૈત્રીભર્યા અને પછી પ્રેમમાં પલટાયા. છેલ્લા દસ મહિનાથી અમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ.
સુરેખા તેના ઘરે ચાલી ગઈ પછી અમે ફોન પર નિયમિત વાતો કરીએ છીએ. હું વિચારતો હતો કે કોલેજ પૂર્ણ થાય પછી નાની-મોટી નોકરી કે ધંધો કરીને પછી તેને જીવનસાથી તરીકે અપનાવીશ. મેં તેને પણ કહેલું કે તારે લગ્ન માટે ત્રણ વર્ષ રાહ જોવી પડશે. તે રાહ જોવા તૈયાર હતી, પણ હવે મારાં માસી-માસા તેનાં લગ્ન કરાવવા માટે ઉતાવળ કરી રહ્યાં છે અને છોકરાઓ જોવાનું શરૂ કરી દીધું છે. છેલ્લે તેમણે એક છોકરો જોયો છે, જે વ્યવસ્થિત છે અને તેનો પરિવાર પણ સારો છે. માસા-માસી હવે એ છોકરા સાથે સુરેખાને પરણાવવા તૈયાર થઈ ગયાં છે. સુરેખાએ હજુ સુધી એ છોકરાને જોયો નથી, છતાં અત્યારથી જ એ છોકરા માટે તેણે હા પાડવાની છે, એવું દબાણ થઈ રહ્યું છે.
સુરેખાએ મને ફોન પર આ આખી વાત જણાવી છે. તેની વાત પરથી તો મને લાગે છે કે સુરેખાએ કદાચ માસા-માસીનાં દબાણને વશ થઈને પેલા છોકરા સાથે જ લગ્ન કરવાં પડશે.
હું જાણું છું કે સુરેખા મારાં માસીની દીકરી હોવાથી અમારાં લગ્નનો પ્રખર કૌટુંબિક-સામાજિક વિરોધ થઈ શકે છે. એટલે તો મારાં મમ્મી-પપ્પા કે માસા-માસી સમક્ષ અમારા સંબંધોની વાત કરતા મારી જીભ જ ઊપડતી નથી. વળી, મારાં માસા-માસી મને બહુ માને છે. તેમને મારા પ્રત્યે આદર અને વિશ્વાસ છે, એટલે મારા અને સુરેખાના સંબંધોની વાત તેમને કરું તો તેમને ખૂબ જ આઘાત લાગી શકે છે.
હવે મને લાગે છે કે હું ક્યારેય સુરેખા સાથે લગ્ન કરી શકવાનો નથી. સુરેખાએ પણ કદાચ આ સત્ય સમજી લીધું છે, એટલે તે અત્યારે મારા પર કોઈ દબાણ કરી રહી નથી. પણ દિલ હૈ કી માનતા નહીં! હું લાખ કોશિશ કરું છું છતાં સુરેખાને ભૂલી શકતો નથી. સુરેખા પણ કહે છે કે મારાં લગ્ન ભલે ગમે તેની સાથે થાય, પણ તારું સ્થાન મારા દિલમાં એવું ને એવું જ રહેશે. આ સંજોગોમાં સુરેખા પોતાના પતિ સાથે ખુશ રહી શકવાની નથી. હું તેને મારી નજર સામે કોઈ બીજી વ્યક્તિ સાથે પરણતી જોઈ શકીશ નહીં. હું મરવાનું પસંદ કરીશ પણ તેને બીજાની પરણેતર બનતી નહીં જોઈ શકું. થોડા દિવસો પછી તેની સગાઈ થવાની છે. મને ક્યારેક સુરેખાને લઈને ક્યાંક ભાગી જવાના તો ક્યારેક આત્મહત્યા કરી લેવા સુધીના વિચારો આવે છે. હું તેને જિંદગીભર ભૂલી શકવાનો નથી. મને કંઈક એવો રસ્તો બતાવો કે મારા હ્ય્દયની આગ પણ શાંત પડે અને કોઈ સામાજિક સમસ્યા પણ પેદા ન થાય.                                         
લિ. જ્વલંત
પ્રિય જ્વલંત,
તમારે સમજવું જોઈએ કે તમારી ઉંમર હજુ કાચી છે. તમે એટલા પરિપક્વ નથી કે તમને લાગણીઓ અને સંબંધોની બાબતમાં યોગ્ય-અયોગ્યની સમજ હોય. તમે લાગણીના પ્રવાહમાં તણાઈ જાવ એ સ્વાભાવિક છે, પણ તેમાં સમજદારી નથી. લાગણીની તીવ્રતા સામે લોહીના સંબંધો બદલાતા નથી. માસીની દીકરી બહેન કહેવાય, એ તો તમે જાણો છો, પણ એ સંબંધને કઈ રીતે કોઈ લાંછન ન લાગે, એની દરકાર તમારે રાખવી જ રહી. તમારી ઉંમરે તમે જે કરો તે સાચું છે કે ખોટું છે? પરિવાર-સમાજની દૃષ્ટિએ સારું કહેવાય કે ખરાબ? તેનો ખ્યાલ તમને કદાચ ન પણ હોય, છતાં તમારે હવે વહેલીતકે કેટલીક પાયાની બાબતો સમજીને તેનો આકરો અમલ કરવો જોઈએ.
તમે જાણો છો તેમ તમે કે સુરેખા ભાઈ-બહેન હોવાથી તમારા પરિવારજનોને તમારા સંબંધ વિશે જણાવી શકવાનાં નથી કે તમે લગ્નગ્રંથિથી જોડાઈ શકો એમ નથી, ત્યારે સમજદારી એમાં જ છે કે તમે ભૂતકાળને ભૂલીને એકબીજાના સુખદ ભાવિ માટે વિચારતા થાવ. સુરેખા યોગ્ય વ્યક્તિ સાથે ખુશીથી પરણી જાય અને તમે અભ્યાસ અને કારકિર્દી પર પૂરતું ધ્યાન આપો.
લાગણીના આવેગો માણસને કેટલીક ભૂલ કરાવી શકે છે, પણ સમજદાર માણસ ભૂલને આગળ વધારતો નથી, પણ ભૂલને સુધારે છે અને ફરી ક્યારેય તેનું પુનરાવર્તન ન થાય એનું ધ્યાન રાખે છે.
***
સોક્રેટિસજી,
હું એક છોકરીને ચાહું છું. એ છોકરીનું નામ ભારતી છે. હું તેને છેલ્લાં બે વર્ષથી પ્રેમ કરું છું. ગયા વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે મેં તેને‘આઈ લવ યુ’ કહીને મારા પ્રેમનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેણે મારી વાત સાંભળી પણ તે કંઈ પ્રત્યુત્તર આપવા તૈયાર નથી. તે હા પણ નથી પાડતી અને ના પણ નથી પાડતી. હું તેને ફોર્સ કરું છું ત્યારે તે મને કહે છે કે લગ્ન થાય પછી બધું ઠીક છે, અત્યારે એવી કોઈ વાતમાં મને રસ નથી.
હવે અમારે કોલેજમાં છેલ્લું વર્ષ જ બાકી રહ્યું છે. કોલેજ પત્યા પછી કોણ ક્યાં હશે એ ખબર નથી. હું ઇચ્છું છું કે તેના તરફથી મને કોઈ ચોક્કસ જવાબ મળે તો હું કંઈક આગળનું આયોજન કરી શકું. મારે ભારતીનો સ્પષ્ટ જવાબ જોઈએ છે. આ માટે મારે શું કરવું જોઈએ? તેને કઈ રીતે સમજાવું?    
લિ. જયેન્દ્ર
પ્રિય જયેન્દ્ર,
આપણા સમાજમાં યુવતીઓ સંકોચશીલ અને મોટા ભાગે સમજદાર હોય છે. યુવતીઓ પ્રેમ જરૂર ઇચ્છે છે, પરંતુ અફેર્સને ધિક્કારે છે. મોટા ભાગની યુવતીઓ જેની સાથે લગ્ન થવાની સંભાવના જણાય તેની સાથે જ પ્રેમસંબંધ વિકસાવતી હોય છે. પ્રેમ પ્રકરણને કારણે સમાજિક છબી ખરડાવાના ભયની સાથે સાથે પ્રેમના નામે કોઈ ગેરલાભ લે તેનો ડર પણ તેમને રહેતો હોય છે. ભારતીના જવાબ પરથી લાગે છે કે તે સમજદાર છોકરી છે. તેને માત્ર ટૂંકા ગાળાના પ્રેમમાં રસ નથી, એ બોયફ્રેન્ડ સાથે ફરીને જલસા કરવામાં માનતી નથી. તે બહુ સીધું વિચારે છે કે જેની સાથે લગ્ન થશે, તેની સાથે હરીશું-ફરીશું, બાકી કોઈ ઝંઝટમાં પડવું નથી.
તમે ભારતીને ખરેખર ચાહતા હો તો તમારે તેને ખાતરી કરાવવી પડશે કે તમે આ પ્રેમને જિંદગીભર ટકાવશો અને સંજોગો ગમે તેવા આવે તમે એનો સાથ નહીં છોડો. તમે જો લગ્ન કરીને તેને જીવનસાથી બનાવવા માગતા હશો, તો જ તે તમારી સાથે કોઈ પણ સંબંધ વિશે વિચારશે. માટે તમે તેને જ પરણશો એવી ખાતરી આપો. અહીં એ પણ મુદ્દો છે કે અત્યારે તમે કોલેજમાં છો અને કરિયરનો લાંબો અને આકરો પંથ તમારે કાપવાનો છે. માટે તમે જે કંઈ પગલું ભરો એ સમજી, વિચારીને ભરજો. ભારતીને કોઈ વચનો આપતાં પહેલાં દસ વાર વિચાર કરજો કે તમારા નિર્ણયોમાં તમારા પરિવારનો સાથ મળશે કે નહીં, તમે તમારા વાયદા નિભાવી શકશો કે નહીં. ભારતીને તમારા પર પૂર્ણ વિશ્વાસ બેસશે તો તે જરૂર તમારા માટે હકારાત્મક વિચારી શકે. બેસ્ટ ઓફ લક!

Comments