રાઘવજી માધડ: ગોરી યુવતીએ સ્મિત ફરકાવીને કહ્યું..

જયેન્દ્રને અંગ્રેજી બોલવાનો મહાવરો જ નહોતો. છતાંય બળ કરીને બોલ્યો, ‘હાવ આર યુ...’ ત્યાં મનાંકે પડખામાં કોણી મારીને કહ્યું, ‘વેર આર યુ કિંમગ...એમ પૂછ!’

ગોરી યુવતીનું રૂપ-લાવણ્ય જ એવું હતું કે તેના સામે જોતાં જ અનાયસે શબ્દો સરી પડ્યા, ‘વાહ! છે આરસની પૂતળી...’ આ ક્ષણે યુવતીનાં આંખ-કાન જાણે જયેન્દ્ર સામે જ હોય તેમ પુષ્પના પમરાટ જેવું સુગંધિત સ્મિત આપીને તે પોતાની સીટમાં બેસી ગઇ. જયેન્દ્ર અને તેનો મિત્ર મનાંક તો સાવ પાણી પાણી થઇ ગયા હતા! સૌંદર્યનો અસબાબ ઓઢીને બેઠેલી આ પરદેશી યુવતીએ ભરત ભરેલો કચ્છી ડ્રેસ પહેર્યો હતો. તેથી રૂપ-નજાકતનો નરવો નિખાર ઊડીને આંખે વળગે તેવો હતો.

ભુજથી અમદાવાદ સુધીની લાંબી મુસાફરી છે. સ્મિત ફરકાવીને વાતચીત કરવાની લીલીઝંડી આપી છે. વળી, આંકડે મધ અને છે માખીઓ વગરનું...બંને મિત્રો વાત કરવા તત્પર બન્યા.પણ સંવાદનો સવાલ સમસ્યા બનીને ઊભો રહ્યો. ભાષાની સમસ્યા ઘણા યુવાનોને સતાવે છે. સારું કે સાચું અંગ્રેજી આવડે નહીં અને ગુજરાતીમાં લોચા મારે! પરદેશી માણસ જુએ અને પાછા ઝાલ્યા રહે નહીં. તુરત જ પૂછે, ‘હાઉ આર યુ? વેર આર યુ ફ્રોમ? યોર નેટિવ-કન્ટ્રી...અને અટકી જાય. જાણવાની જિજ્ઞાસા સાથે આગળ વધવું જોઇએ. 

જેને માતૃભાષામાં સારી કે યોગ્ય રીતે વાંચતાં-લખતાં આવડતું હોય તેને અંગ્રેજી કે અન્ય ભાષા શીખવામાં સરળતા રહે છે. મહાત્મા ગાંધી કે મનુભાઇ પંચોલી ‘દર્શક’ જેવા મહાનુભાવોનું અંગ્રેજી ખૂબ સારું હતું કારણ કે તેની માતૃભાષાનો પાયો મજબૂત હતો. અંગ્રેજી માધ્યમમાં ભણેલાં ઘણાં યુવક-યુવતીઓની દશા ધોબીના કૂતરા જેવી કે બાવાના બેય બગડ્યાં જેવી છે. ગુજરાતીમાં ગપ્પાં મારતાં પણ ન આવડે અને અંગ્રેજીમાં ભાંગરો વાટે!

જયેન્દ્રને અંગ્રેજી બોલવાનો મહાવરો જ નહોતો. છતાંય બળ કરીને બોલ્યો, ‘હાવ આર યુ...’ ત્યાં મનાંકે પડખામાં કોણી મારીને કહ્યું, ‘વેર આર યુ કિંમગ...એમ પૂછ!’યુવતીનું ધ્યાન આ બંને મિત્રો તરફ જ હતું. તેણે ફરી પ્રત્યુત્તરમાં મોં મરકાવ્યું. મરકલું મધુબાલાના જેવું મારકણું કે મનમોહન નહોતું. પણ હૃદયમાં ઉઝરડા કરી જાય એવું તો હતું. જયેન્દ્રને થયું કે આ યુવતી આમ હસ્યા જ કરે છે તે ક્યાંક બહેરી-બોબડી તો નથી ને? વળી બંને મિત્રો મૂંઝાયા.

યંગસ્ટર્સ જ નહીં પરંતુ મોટા ભાગના ભણેલા લોકો વાતચીતમાં અંગ્રેજી શબ્દોનો પ્રયોગ કરવામાં શિષ્ટાચાર સમજે છે. પરિણામે ગુજલીશ કે ગુજરેજીનો જન્મ થયો. જેનો ઉપયોગ કરતા મનાંકે કહ્યું, ‘યુ આર સમજિંગ, સાંભિંળગ...! યુવતી મોઘમ હસીને બારી બહાર જોવા લાગી. 

માણસ ન બોલાયેલા શબ્દોનો માલિક છે પણ બોલાયેલા શબ્દોનો તે ગુલામ છે. ક્યારે શું બોલવું અને ન બોલવું...તેનું વ્યક્તિને વિવેકભાન હોવું જોઇએ. કમાનેથી છુટેલું તીર અને મોંમાંથી નીકળેલા શબ્દો ક્યારેય પાછા વાળી શકાતાં નથી. ભાષાના બળકટ શબ્દો એક કરતાં અનેક અર્થો ધરાવતા હોય છે. તે સ્થળ, સ્થિતિ કે સંજોગો પ્રમાણે અર્થ આપતા હોય છે. ભાષાની સમજ કે મહાવરો હોય તે શબ્દોને જાણી કે માણી શકે છે. ક્યારેક કથા કે કહેણીનું હાર્દ ન સમજનારો માણસ એમ કહીને ઊભો રહે, મને તો ટપ્પો જ ન પડ્યો!

સમયની સાથે બસ પૂરઝડપે દોડવા લાગી છે. કંડકટરે ટિકિટ ચેક કરી ત્યારે તેણે સાઇન લેંગ્વેઝમાં સમજાવી દીધું છે. પછી તે કોઇ બુક કાઢી તેનાં પાનાં ઉથલાવે છે.જયેન્દ્રથી સહેવાયું નહીં તેથી તે આ ગોરી યુવતી સાંભળે તેમ આડાંઅવળું બોલવા લાગ્યો. ગુજરાતીમાં બોલતો હતો તેથી આમ ચિંતા નહોતી. છતાં પણ યુવતીની ભ્રમણો ખેંચાઇ. સાંભળ્યું-અણસાંભળ્યું કરી તે ફરી વાંચવા લાગી.

હાઇવે પરની એક હોટેલ પર બસ ઊભી રહી. જયેન્દ્ર એ યુવતીની પાછળ નીચે ઊતર્યો. પછી સામે ફરીને બોલ્યો, ‘મેડમ! ટેઇક યુ ટી યા કોલ્ડિંડ્રકસ...’‘નો...થેંકસ...’ યુવતીનું આમ બોલવું સાંભળી જયેન્દ્ર ખુશીનો માર્યો ઊછળી ઊઠ્યો. થયું કે, હવે વાતો કરવાની મજા આવશે!ઘણા યુવાનોમાં યોગ્ય અભિવ્યક્તિનો અભાવ હોય છે. જેનો તેને ખ્યાલ જ હોતો નથી. વ્યક્તિના વિકાસમાં અસરકારક અભિવ્યક્તિનો બહુ મોટો ફાળો હોય છે. 

ભાષાનો અર્થસભર ઉપયોગ અને તેની અભિવ્યક્તિ, માણસની ગતિ અને પ્રગતિમાં અતિ મહત્વનું સ્થાન ધરાવે છે. જેનું વાંચન વિશાળ હોય, શિષ્ટ સાહિત્યને માણી શકતો હોય તે શબ્દનો અર્થ, મર્મ પામીને યોગ્ય ઉપયોજન કરી શકે. કોમ્પ્યુટર સામે આંખો ખોડીને બેસી રહેનાર યુવાન કશા કારણ વિના ફેસબુક પર ફરતો તે બુકને ફેઇસ કરવામાં નિષ્ફળ નીવડે છે. વિકાસ માટે વાંચનવૃત્તિ અને તેની વૃદ્ધિ અનિવાર્ય છે.

અવઢવમાં અમદાવાદ ક્યારે આવી ગયું તેની ખબર રહી નહીં. રાત ગઇ સો બાત ગઇ...સઘળું ખંખેરીને બંને મિત્રો નીચે ઊતરી ગયા. ઘરે જવાનું હતું તેથી થોડી ઉતાવળ હતી. તેમણે પાછળ જોવાની દરકાર વગર જ પગ ઉપાડ્યા...ત્યાં પાછળથી રૂપાની ઘંટડી જેવો મંજુલ સ્વર સંભળાયો!‘આવજો કહેવા પણ ઊભા નહીં રહો?’

ગોરી યુવતીને આમ ગુજરાતીમાં બોલતી સાંભળી બંને મિત્રો અવાક થઇ તેના સામે જોઇ રહ્યા. હકીકત પર વિશ્વાસ બેસતો નહોતો.‘નવાઇ લાગે છે ને? મને ગુજરાતી બોલતાં સાંભળીને....?’ યુવતીએ બે ડગલાં આગળ ચાલીને કહ્યું, ‘તમે જે કાંઇ બોલતા હતા તે હું સમજતી હતી, જાણતી હતી....’યુવતીના ગુલાબી ચહેરા પર થોડી કડવાશ ફરી વળી છતાંય તે છાતી ફુલાવીને ગૌરવપૂર્વક બોલી, ‘પણ મને ગુજરાતની ભાતગિળ સંસ્કૃતિ ગમે છે, તેથી જ તો તેના પર છેલ્લાં ચાર વર્ષથી રિસર્ચ કરું છું...’

ઘડીભર ત્રણેય અબોલ રહ્યાં. પણ યુવતીએ જ વાતનું અનુસંધાન જોડતાં કહ્યું, ‘તમે જે અંદરોઅંદર બોલતા હતા, પૂછવા માંગતા હતા...તેની ચર્ચા કરવી હોય તો મારી તૈયારી છે. કારણ કે મારી પાસે ત્રણ કલાકનો ટાઇમ છે...’જયેન્દ્ર બરફની જેમ પીગળી ગયો. તે હજુ તૈયારી બતાવે તે પહેલાં જ યુવતીએ સ્મિત ફરકાવીને કહ્યું, ‘તમારા ઘરે, મા-બાપની રૂબરૂમાં આ ચર્ચા કરીએ તો કેવું રહેશે!’ બંનેના પગ નીચેથી જમીન સરકવા લાગી. 

Comments