રાઘવજી માધડ: વારસ અને પારસ

કાવ્યાને કોઇપણ પ્રકારે જાણ ન થાય તેની તકેદારી રાખવી તેવું સાવ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કારણ કે બનવાકાળે જે બની ગયું તે હકીકત છે પણ કાવ્યા જાણશે તો તેને સંભાળવી મુશ્કેલ થઇ પડશે... ક્યાંક ન કરે નારાયણ અને એક કહેતા બીજું થઇને ઊભું રહે તો પછી કોને કહેવાનું!? 

લેડીઝ હોસ્ટેલના રેક્ટર માટે આ મોટી મૂંઝવણ આવી પડી છે. જોકે તેને તો ડગલે ને પગલે આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે કારણ કે લેડીઝ હોસ્ટેલના રેક્ટર તરીકે રહેવું તે સાપનો ભારો બાંધવો અથવા તો જીવતા દેડકાને ત્રાજવે તોળવા જેવું કપરું ને કઠિન કામ છે!

કાવ્યાના પપ્પાને કાર અકસ્માત નડ્યો છે. ઘટના સ્થળે જ તે મૃત્યુ પામ્યા છે. આ કારમા સમાચાર કાવ્યા માટે સમસ્યારૂપ બને તેવી સંભાવનાઓ તેનો પરિવાર જોઇ રહ્યો છે. કાવ્યા મેડિકલના ફાઇનલ યરમાં છે. આઘાતના લીધે અપસેટ થઇ જાય તો વરસ બગડે.!

આવું ઘણીવાર જોવા કે સાંભળવા મળે છે. માઠા સમાચાર ન આપવાથી ક્યાંક સફળતા મળતી હશે અને ક્યાંક તેની વપિરીત અસર પણ જોવા મળતી હશે. આવો અખતરો સર્વથા સક્સેસફુલ નીવડે તેવું કહી ન શકાય. તેમાં પિતા અને પુત્રી વચ્ચેનો એક અલગ, અનોખો અને વિશેષ વહાલપ ધરાવતો લોહીનો સંબંધ છે. આમ તો સ્ત્રીના જીવનમાં પુરુષપાત્રોનું લાગણી કે માગણીભર્યું આધપિત્ય રહ્યું છે. તેમાં પિતા, પતિ અને પુત્રનો સમાવેશ થાય છે. 

આ અનન્ય સંબંધો વચ્ચે એક પાતળી ભેદરેખા છે. તે જોવાનો કે જાણવાનો નહીં પણ અનુભવવાનો વિષય છે. બાપ માટે દીકરી વહાલપનો દરિયો છે એવું કહેવાય છે તો દીકરી માટે બાપ શ્રદ્ધાનો હિમાલય છે અને મોટપનો મેરુપર્વત છે. કન્યા વિદાય વેળાએ રડતો ભડભાદર પુરુષ એટલે રૂડો લાગે છે છે કે ત્યારે તે માત્ર ને માત્ર કાળજાના કટકા સમાન દીકરીને વળાવતો એક બાપ હોય છે!

રેક્ટર પીઢ અને અનુભવી બહેન છે. જીવનની તડકી અને છાંયડી જોઇ છે. થોડીવાર વિચારીને તે હોસ્ટેલની બે-ચાર યુવતીઓને બોલાવે છે. આ હકીકત કહે છે અને પછી આ આખી ઘટનાને કેમ સંભાળી લેવી તેની ચિંતા નહીં પણ ચિંતન કરે છે.

યુવાની એટલે ચેતનાનો ફુવારો. લાગણીનો મઘમઘતો બાગ. પ્રેમ-ઊર્મિનો ઘુઘવતો સાગર. સંવેદનાની છલકતી સરિતા... યુવાવર્ગ જ્યાં સુધી જીવનની કઠોર અને નઠોર વાસ્તવિકતાને જોઇ નથી ત્યાં સુધી આ ભાવોર્મીઓ અકબંધ અને ઊછળતી પડી હોય છે. તેથી તેને આવા દુ:ખદ કે અઘટિત સમાચાર કહેતા પૂર્વે સાત વખત વિચારવું પડે. ક્યારેક આઘાત વસમો લાગે તો જીવનભર તેની અસર વર્તાયા કરતી હોય છે. 

ઘણા પરિવારમાં આવા કારમા બનાવ પછી યુવાન પુત્ર-પુત્રીની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઇ જતું હોય છે. પણ અહીં હોસ્ટેલની યુવતીઓ કાવ્યાને સારી રીતે સંભાળી લે છે. પોતાની પાસે આવેલી બહેનપણીઓને જોઇ કાવ્યાને નવાઇ લાગી હતી. વળી, ત્રણેયના ચહેરા રોતલ અને ગંભીર હતા. કાવ્યાના પેટમાં મોટી ફાળ પડી હતી. તેણે તુરંત જ પૂછ્યું હતું: ‘એલી કહેને શું વાત છે?’

‘પપ્પાને સામાન્ય અકસ્માત થયો છે. હોસ્પિટલમાં છે અને તને યાદ કરે છે!’ આવું સાંભળી કાવ્યા એકદમ હતપ્રભ થઇ ગઇ.

કાવ્યા તેના ઘરમાં એકલી અને સૌને વહાલી દીકરી. પપ્પા ભારે પ્રેમથી રાખે. તે દાદીમા કહેતાં, વારસ વગરનું અંધારું કહેવાય દીકરા... તો સામે પપ્પા કહેતા: ‘મા! વારસની વાત છોડો, આ દીકરી તો પારસ છે. તને વંશની ચિંતા છે પણ આ દીકરી મારો અંશ છે...!’ તો મમ્મી પણ આવા વાગ્બાણ છોડવાનું ચૂકતી નહીં. તે પપ્પાને કહેતી: ‘દીકરીને માથે ચઢાવો મા, એને ઘેર નથી રાખવાની, પારકા ઘેર વળાવવાની છે સમજયા?’

દીકરીને આમ ઉછેરી-મોટી કરી, પારકા ઘેર વળાવવાની વાત કાવ્યાના પપ્પાને છુરીની અણી માફક છાતીમાં ભોંકાતી. પણ રીત-રિવાજને અનુસર્યા સિવાય છુટકો નહોતો. પોતાની પુત્રી વધુ પડતા લાડ-પ્યારમાં છકી ન જાય અને તેનું યોગ્ય ઘડતર થાય તે માટે કાવ્યાને હોસ્ટેલમાં મૂકવામાં આવી હતી. સ્વયં સંચાલિત છાત્રાલયો કે હોસ્ટેલો ખરા અર્થમાં જીવનની પાઠશાળા છે.

કાવ્યા વ્યાકુળ થઇને ફોન કરવા દોડે છે. પણ બહેનપણીઓ તેને રોકે છે અને કહે છે : ‘કાવ્યા! આપણે કહ્યા વગર જ જઇને પપ્પાને સરપ્રાઇઝ આપવી છે.’ બહેનપણીઓની વાતમાં વિશ્વાસ રાખીને કાવ્યાએ પોતાની નાનકડી બેગ તૈયાર કરી. પછી હોસ્ટેલના જ પ્રાઇવેટ વાહનમાં તે ઘેર જવા સૌની સાથે નીકળી. 

જીવનમાં ક્યારે કઇ અને કેવી આફત આવી પડે તેનું કંઇજ નક્કી નહીં અને આમ પણ આફતને આમંત્રણ આપવાનું હોતું નથી. આફત અતિથિ કહેવાય... તે ટાણું કે કટાણું જોયા વગર ઘરની સાંકળ ખખડાવવા લાગે છે. આવી અણધારી આપદાને સહન કરવાનું સામર્થ્ય પણ કેળવવું પડે.

કેમ પણ કાવ્યાને અંદેશો જાગે છે અને બાજુની બહેનપણીને સીધો જ સવાલ કરે છે અને કહે છે: ‘સાચું કહો, શું છે!?’ ‘એવું નથી પણ સ્થિતિ ગંભીર છે, તારી હાજરી હોય...’ કાવ્યાએ એક ક્ષણે ઘાવને ઝીલી લીધો. તેનું મન પપ્પાની ગંભીર સ્થિતિને સ્વીકારવા તૈયાર થયું. પણ વળતી ક્ષણે જ જાણે અંતરમાંથી કશુંક ઊઠ્યું. 

ક્ષણભર ક્ષુબ્ધ થઇ જવાયું. પપ્પાનું હોવું ન હોવું એ વિચારમાત્રથી સંવેદના તંત્ર લકવાઇ ગયું. પછી તે ત્રણેય બહેનપણીઓની સાથે ક્યારે હૈયાફાટ રડવા લાગી તેનું ભાન રહ્યું નહીં. એક બહેનપણીએ કાવ્યાના ઘેર ફોન કરીને કહી દીધું: ‘કાવ્યાને લઇને અમે આવીએ છીએ. ઉતાવળ ન કરતાં, અગ્નિસંસ્કાર કાવ્યા કરવાની છે...’ 

Comments