ભાઇ રાણીંગ! તમે બહુ પાણીવાળા છો. કબૂલ. પણ તમે જે નળ અને તળનું પાણી પીઓ છો તેની ગંગક્ષેત્રી મારા ગામ પાસેથી પસાર થાય છે આટલી વાતમાં સમજી જાવ!
રાણીંગ એમ.એ. પાર્ટ ટુની એકઝામ આપવા આવ્યો છે. આ વાત વાયુવેગે પ્રસરી ગઇ હતી. કોલેજ કેમ્પસમાં સન્નાટો છવાઇ ગયો હતો. કેટલીક ગભરુ કોલેજ કન્યાઓ પારેવાની જેમ ફફડવા લાગી હતી. ફિલ્મમાં કોઇ ટેન્શનવાળો સીન કેમેરામાં કેદ કરવાનો હોય એવું લોકેશન ઊભું થઇ ગયું હતું.ગત એન્યુઅલ એકઝામમાં રાણીંગે કોલેજને બાનમાં લીધી હતી. રોફ કે રુઆબ જમાવવા તે પુસ્તકો સાથે, પ્રશ્નોના જવાબોની કોપી કરવા બેઠો હતો. વળી મોબાઇલ દ્વારા જવાબો પણ પૂછતો હતો! તે વખતે નવા આવેલા આસિ.પ્રોફેસર નિલ્પા પટેલે તેને આમ કોપી કરતા રોક્યો હતો. તેના ખભા પર હાથ મૂકી, મક્કમ સ્વરે કહ્યું હતું, ‘ભાઇ રાણીંગ! તમે બહુ પાણીવાળા છો. કબૂલ.
પણ તમે જે નળ અને તળનું પાણી પીઓ છો તેની ગંગક્ષેત્રી મારા ગામ પાસેથી પસાર થાય છે આટલી વાતમાં સમજી જાવ!’ રાણીંગને આમ પ્રથમ વખત પડકારાતા તે કાળોતરા નાગની જેમ છંછેડાઇ ગયો હતો. પણ કાંઇ કહે તે પહેલાં જ પ્રો. નિલ્પાએ કહી દીધું હતું કે, ‘સ્વમાન વહાલું હોય તો આ ધંધો બંધ કરો. બાકી મારા જેવી ભૂંડી બીજી કોઇ નથી સમજ્યા!’ પ્રો.નિલ્પાનો ચાબૂક જેવો અવાજ આખા કલાસમાં પથરાઇ ગયો હતો. રાણીંગની દાદાગીરીના પાયા ડગમગવા લાગ્યા હતા. પણ પ્રો.નિલ્પાનું આમ કહેવું સાંભળી ઘણા સ્ટુડન્ટ્સ મોંમાં આંગળાં ઘાલી ગયા હતા. કારણ કે મેડમ ભૂંડાં છે. એવી તો તેમના કહેવાથી જ ખબર પડી હતી! બાકી તો મેડમ સારાં છે, સ્માર્ટ છે, સ્વરૂપવાન છે અને મન ભરીને જોવા ગમે એવાં છે તેની દરેક યુવાનોને ખબર છે.
કલાસરૂમમાં કદાચ એક-બે સ્ટુડન્ટ ચોરીનો ચાળો કરતા હોય છે. પણ તેના લીધે ઘણા સ્ટુડન્ટ્સ ડિસ્ટર્બ થતા હોય છે. આખું વરસ માથાફોડ મહેનત કર્યા પછી મેરિટ બનતું હોય છે ને આવા રાણીંગ જેવા વગર મહેનતે ચોરી કરીને પાસ થઇ જાય! ક્યારેક તો આવું વરવું ર્દશ્ય જોઇને સારા સ્ટુડન્ટનો સિસ્ટમ સામેનો વિશ્વાસ ડગી જતો હોય છે, જીવન પરની શ્રદ્ધા ઊઠી જતી હોય છે. પણ એક શિક્ષકને, પ્રોફેસરને ભાવપિેઢીની ચિંતા હોવી જોઇએ તે પ્રો.નિલ્પામાં ઠાંસોઠાસ ભરી છે.
રાણીંગ પેપર લખવામાં ખોવાઇ ગયો હતો. આમ રાણીંગ શાંત હતો અને આખી કોલેજ અશાંત હતી, કારણ કે રાણીંગ-આણિ કંપની ક્યારે શું કરી બેસે તે કહેવું મુશ્કેલ હતું. ભય અને જુગુપ્સા જોડિયાં ભાઇ-બહેનની જેમ એક્સાથે ઊછરતાં હતાં. પણ પ્રો.નિલ્પાના પેટનું પાણી હલતું નહોતું! તે નિંચત હતાં.
કોલેજ એ ઊર્મિ અને લાગણીથી છલોછલ ભરેલાં, થનગનતાં યુવા-યુવતીઓના જીવન ઘડતરની પાઠશાળા છે. આ દેશને અમૂલ્ય અને અતુલ્ય એવી અડધોઅડધ જન-વસતી યુવાનોની પ્રાપ્ત થઇ છે. યુવા શક્તિના વરદાનને ઝીલી, શક્તિપૂંજને યોગ્ય દિશા-દર્શન કરાવવામાં નહીં આવે તો, વિનાશને નોતરું આપતા વાર નહીં લાગે. રાણીંગ પણ અજોડ આવડત અને આગવી સૂઝ,સમજ ધરાવતો શક્તિશાળી યુવાન છે. તેને જરૂર છે માત્ર યોગ્ય દિશાની...
પ્રો.નિલ્પા પણ પ્રભાવક વ્યક્તિમતા ધરાવતી પાકટ અને ચબરાક યુવતી છે. કલાસરૂમમાં ક્યારેય તૈયારી વગર જતી નથી. દિલ દઇને ભણાવે, સ્ટુડન્ટ્સ તલ્લીન ચિત્તે રસતરબોળ થઇ જાય. કોઇ કે તેને વ્યંગમાં કહ્યું હતું, માતા અને પ્રોફેસરમાં તફાવત શું? માતા માત્ર એક જ બાળકને પારણાંમાં પોઢાડી શકે છે જ્યારે લેકચર દ્વારા પ્રોફેસર આખા કલાસને ઊંઘાડી દે છે! પણ પ્રો.નિલ્પા તો ભલભલાની ઊંઘ ઉડાડી દે તેવી છે. તેનો આઇ કોન્ટેકટ ગજબનો છે. વળી, પોતાની પ્રતિભાનું તેજ એટલું કે સર્વ સ્ટુડન્ટ્સ માટે, એક નજર જ પૂરતી થઇ પડે!
રાણીંગને ચોરી કરતો અટકાવ્યો તે પ્રો.નિલ્પાને ભારી પડશે. હાથે કરીને પગ પર કુહાડો માર્યો છે તેનું પરિણામ ભોગવવું પડશે. પોતાની જમાવેલી ધાકને જાળવી રાખવા રાણીંગ હીન કૃત્ય કરતા અચકાશે નહીં...પણ આવી અફવાઓ અને અટકળો સાવ પોકળ નીવડી હતી. જોકે, કશું અઘટિત બન્યું હોત તો કોલેજની તમામ કન્યાઓ ડૉ.નિલ્પાના પડખે હતી. કારણ કે તેના લીધે જ આવા અંતરિયાળ અને છેવાડાના વિસ્તારમાં કન્યાકેળવણીનું પ્રમાણ વધ્યું હતું.
પ્રો. નિલ્પા સામે રાણીંગે કશું ન કર્યું તે નવાઇ પમાડે તેવી વાત હતી, પણ ક્યાંક ગપસપ થતી હતી કે, પ્રો. નિલ્પા, રાણીંગના ઘરે ગયાં હતાં અને તેને સાચી સલાહ આપી હતી. તો કોઇક તો એમ કહેતું હતું કે,રાણીંગ પ્રો. નિલ્પાને પ્રેમ કરે છે! હા, મોબાઇલ દ્વારા સંપર્કમાં છે...તે વખતે રાણીંગને જતાં જતાં પણ પ્રો. નિલ્પાએ બરાબરનુંં સંભળાવી દીધું હતું , ‘ચોરી કરવા પણ શીખવું પડે, વાંચવું પડે...ચોપડી તો હાથમાં નથી લીધી!’
પણ રાણીંગે ચારેય પેપર શાંતિથી આપ્યાં. એક માસ પછી પરીક્ષાનું પરિણામ આવ્યું. રાણીંગે હાથમાં માર્કશીટ લઇ, બે-ચાર ફ્રેન્ડ સાથે પ્રો. નિલ્પાની ચેમ્બરમાં પ્રવેશ કર્યો. જોનારાના જીવ અધ્ધર થઇ ગયા. રાણીંગ કાંઇક અડપલું કરશે, કારણ કે ઘવાયેલો સાપ ભારે ખતરનાક હોય છે. સ્ટુડન્ટ્સનું ટોળું ધસમસતા પ્રવાહની જેમ ચેમ્બરમાં ધસી આવ્યું.‘મેડમ.!’ રાણીંગે ગવિgલા અવાજે કહ્યું, ‘હું એમ.એ. થઇ ગયો, ફર્સ્ટ કલાસ સાથે.’
‘રાણીંગ...!’ પ્રો. નિલ્પા તેની ખુરશી પરથી ઊભાં થઇને બોલ્યાં, ‘તમે માત્ર એમ.એ. નથી થયાં પરંતુ એમએએન (MAN) થયા છો. અભિનંદન!’ ઘડીભર આ એમએએનવાળી વાત કોઇ સમજી શક્યું નહીં પણ પ્રો.નિલ્પાએ ચોખવટ કરતાં કહ્યું, ‘કોલેજનું કામ માત્ર ડિગ્રી આપવાનું જ નથી પણ સારા માણસ (MAN)નું ઘડતર કરી સમાજના ખોળે અર્પણ કરવાનું છે!’ સૂકલ પાંદડું પડખું ફરે તો પણ ખલેલ પહોંચે તેવી શાંતિ છવાઇ ગઇ. ‘મેડમ!’ રાણીંગે લાગણીસભર સ્વરે કહ્યું, ‘આપને આભારી છે બધું...’ આ વેળા બંનેની આંખોમાં પ્રગટેલો ભાવ શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધની ગરિમાને અભિવ્યક્ત કરતો હતો.
Comments
Post a Comment
Thanx For Comment