રાઘવજી માધડ: સ્વતંત્રતા છોડી, ગુલામીની શોધમાં નીકળવું...

નવઘણને તન કરતાં મનની અકળામણ વધારે પજવતી હતી. તે દિશાહીન સ્થિતિમાં શહેરના એક મોટા સર્કલ પાસે આવીને ઊભો રહ્યો. અસહ્ય તાપ અને ટ્રાફિકનો તરખરાટ ઓછો નહોતો! એક ગ્રામીણ બેંકનો ઇન્ટરવ્યૂ આપવા નવઘણ અમદાવાદ આવ્યો હતો. તેને મહેનત ફળી હતી. કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી તે સારી પેઠે સમજાયું હતું. કોઇ મંજિલ વગર ગાડરિયા પ્રવાહની માફક ચાલનારા ઘણા યુવાનો છે. પણ અમુક યુવાનો લક્ષ્ય નક્કી કરી લક્ષ્યસિદ્ધિ માટે સખત મહેનત કરે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો!

આજનો દિવસ એટલે કે પહેલી મે, ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ, મહારાષ્ટ્રમાંથી અલગ થયાનાં પચાસ વર્ષ, સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી... ત્યાં સુધીના નવઘણે સડસડાટ જવાબો આપ્યા. પણ પછીનો સવાલ હતો, ગુજરાત જેવા બીજા ડ્રાય સ્ટેટનું નામ જણાવો? જવાબ હૈયે હતો પણ હોઠે ન આવ્યો તેથી અબોલ રહ્યો. આવા સમાલાપમાં તમે કેવો અને કેવી રીતે જવાબ આપો છો તે ઘણું અગત્યનું હોય છે. જવાબમાં તમારી વિવેકબુદ્ધિ સાથે, આંતરિક વ્યક્તિત્વ પ્રગટતું હોય છે. જેની ખૂબ જ બારીકાઇથી નોંધ લેવાતી હોય છે. બાકી તો બધાને બધું જ આવડે એવું લગભગ શક્ય નથી.

‘મિ. નવઘણ!’ પેનલના એક સભ્યે વેધક સવાલ કર્યો હતો: ‘તમે ખેડૂતપુત્ર છો, ગામડે જમીન છે અને કૃષિ સ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે, બરાબરને!?’ નવઘણે સ્મિત સાથે વાતને અનુમોદન આપ્યું. ‘બેંકમાં નોકરી કરવી તે તમારું લક્ષ્ય છે. પરંતુ અભ્યાસ પૂર્ણ થયા પછી, તેને ટ્રાયઆઉટ કરવા માટે કોઇ પ્રોજેક્ટ, સંશોધન હાથ ધયુૃઁ હોય તો જણાવો!’ નવઘણ માટે આ સવાલ સાવ અણધાર્યો અને વણકલ્પ્યો હતો. તેનો શ્વાસ અધ્ધર ચઢી ગયો. થયું કે છેલ્લા દાવમાં બાજી હારી જવાશે!

વિનોબાજી કહેતા હતા કે ડિગ્રી અને નોકરીમાં સંબંધ છુટવો જોઇએ. સ્કિલ અને નોલેજનો ભેદ સ્પષ્ટ થવો જોઇએ, પરંતુ ભણ્યા એટલે નોકરી જ કરવાની હોય એવી ઘર કરી ગયેલી ગ્રામીણ માન્યતા હજુ અકબંધ છે. બેકારી બડી બદમાશ જાત છે. તેણે ભલભલા યુવાનોને ભોં ચાટતા કરી દીધા છે, પરંતુ પરંપરાગત ધંધાને ન્યુ મોડ કે મોડર્ન ટચ આપી તેને વિકસાવી કે વિસ્તારી શકાય. તેની શક્યતાઓને પણ ચકાસી લેવી પડે. દેશની અગ્રગણ્ય સંસ્થાઓમાં અભ્યાસ કર્યા પછી લાખ્ખો રૂપિયાનું પેકેજ કે પગાર છોડીને કેટલાક હોનહાર યુવાનોએ ગામડામાં રહી બાપ-દાદાના ધંધાનું નવસંસ્કરણ કર્યું છે. કમાણી સાથે લોકહિતની નવી દિશાઓ ખોલી આપી છે. યુવાનોને નવો રાહ ચિંધ્યો છે.

‘થેંક્યુ...!’ નવઘણ કાનમાં અવાજ નહીં પરંતુ ગરમ પાણી પ્રવેશ્યું હોય તેમ તે ચોંકી ગયો હતો. પછી માંદલું મોં મરકાવી એસી ચેમ્બરમાંથી બહાર નીકળી ગયો હતો. શરીરે પાર વગરનો પરસેવો વળી ગયો હતો.સજીવ કે આધુનિક ખેતી કરવાનો વિચાર કેમ ન આવ્યો? નવઘણ મૂંઝવણ અનુભવતો માથું ખંજવાળવા લાગ્યો હતો. પછી રૂડું-રૂપાળું બહાનું કે જવાબ જડી ગયો હતો. પ્રાણ પ્યારી રંગુને કહ્યું હતું: ‘આપણે ગામડાની ગધ્ધામજૂરી નથી કરવાની પણ શહેરમાં સ્થિર થવાનું છે.’કેટલાય યુવાનોને શહેરમાં સ્થિર થવાનું સ્વપ્ન હોય છે કારણ કે ગામડામાં ઓટલો છે પણ રોટલો નથી. શહેરમાં નાનું-મોટું કામ મળી રહે. પણ શહેરની બીજી હાડમારીઓ ઓછી નથી. આમ ગામ અને શહેરને પોતાની તાસીર અને તસવીર છે. સારું અને નરસું બંને બાબતો છે.

એક બાઇક નવઘણ પાસેથી સાવ ઘસાઇને પસાર થયું. તે ઝબકી ગયો. જોયું તો બાઇક પાછળ છોકરી નહીં પરંતુ ગરોળી ચોંટી હોય એવું લાગતું હતું. રંગુ સાંભરી આવી. મનમાં કહે રંગુ! મારે તને આમ જ બેસાડીને શહેરની સુંવાળી સડકો પર ફેરવવી છે, આધુનિક પોશાકમાં એક પરીની જેમ જોવી છે. એક બાજુ રંગુ જેવી છોકરી છે અને બીજી બાજુ નોકરી. નવઘણ બરાબરનો ભીડાયો હતો. રંગુને શહેરનાં સપનાં બતાવ્યાં હતાં જ્યારે પેલા ઇન્ટરવ્યૂ લેનારે વ્યંગમાં આડકતરું સંભાળવી જ દીધું હતું: ‘કૃષિનું ભણ્યા છો, ઘરની ખેતી છે છતાંય ગુલામીની શોધમાં અહીં આવ્યા!?’

‘ભાઇ નવઘણ! ભણકારા વાગ્યા: ’ ‘નોકરી અને છોકરી તેના ઠેકાણે છે. પણ તેં તો છાશ છાગોળે, ભેંસ ભાગોળે ને ઘરમાં ધબાધબ જેવું કર્યું!’ ભોંઠપ અનુભવતો નવઘણ કશા કારણ ચાલવા લાગ્યો. મસમોટાં હોડિ•ગ્સ, પહોળા રોડ અને પૂરપાટ દોડતાં વાહનો... આ બધું નવું અને અજાણ્યું હોય એમ લાગતું હતું. છતાંયે અચરજભરી નજરે નિહાળતો હતો.

નવઘણ તેનાં મા-બાપનો એકનો એક દીકરો છે. તે કશું દબાણ કરતાં નથી પણ ઊંડે ઊંડે ઇચ્છા છે કે સૌ સાથે જ અહીં રહે. જ્યારે નવઘણને શહેરમાં રહેવું છે. મા-બાપની હયાતી હોય ત્યાં સુધી જમીન-ખોરડા રાખવાનાં. પછી સઘળું વેચી નાખવાનું.

હા, આજે ગામડાનું ચિત્ર બદલાયું છે. તેની નરમાઇ અને ગરવાઇ લુપ્ત થવા લાગી છે. પાદરે કે પાણી શેરડો રહ્યો નથી. મોટા મકાનોની દીવાલ ગુટખા અને એવી જાહેરાતોનાં પોસ્ટરથી ઢંકાઇ ગઇ છે. કોયલ પણ આંબા ડાળે બેસવાના બદલે કોઇ ડિશ-એન્ટેના પર બેસીને કોલર ટ્યૂન જેવા ટહુકા કરે છે!

શું કરવું? પગલે પગલે મૂંઝવણમાં ઉમેરો થતો હતો. એક ક્ષણે રંગુ સાથે ફોન પર વાત કરવાની ઇચ્છા થઇ આવી. ‘બોલ રંગુ! શહેરમાં રહેવું છે કે ગામડે!?’ સામે રંગુનો જવાબ હોય: ‘જ્યાં તમે ત્યાં હું...’રંગુ પોતાની વાગ્દાતા છે. નાનપણમાં જ સગાઇ થઇ ગઇ છે. બંનેનાં ગામ બાજુ બાજુમાં છે. વચ્ચે શિંગવડો નદી છે. લગભગ દરરોજ મળવાનું બને છે. પારકી મા કાન વીંધે એવું નવઘણને થયું છે. પેલા પ્રાશિ્નનું કહેવું હાડોહાડ લાગી ગયું છે. ગામડામાં રહેવાનું કશું ખોટું નથી અને રંગુએ શહેરમાં રહેવાનું કહ્યું જ છે ક્યાં!?સાંજ ઢળવા આવી હતી. શહેરના હાર્દસમા વિસ્તારમાં સ્વર્ણિમ ઉજવણીનો ઉજાસ પથરાવા લાગ્યો હતો. જ્યારે નવઘણના ભીતરમાં પણ એક નવો ઉજાસ ઊગવા લાગ્યો હતો... 

Comments