ડૉ. શરદ ઠાકર: ક્યાં કદી સંબંધ ફળતો હોય છે?



‘અમારાં મેરેજને બે વર્ષ થવા આવ્યાં. હજુ પ્રેગ્નન્સી નથી રહેતી. અમને ચિંતા થાય છે કે ક્યાંક આખી જિંદગી અમારે બાળક વગર ન કાઢવી પડે.’ આકંઠે કહ્યું હતું.

અંતરા એના પતિની સાથે એક વાર મારી પાસે આવી ચૂકી હતી. આકંઠ નામ હતું એના પતિનું. સામાન્ય રીતે હું મારી સામે બેઠેલા માણસોનાં નામો પણ ભૂલી જતો હોઉં છું. જૂના મિત્રો કે સ્વજનોની વાત નથી, પણ જેઓ પહેલી કે બીજી વાર મળવા આવ્યા હોય તેવા મુલાકાતીઓને થોડી થોડી વારે મને પૂછવું પડે છે કે, ‘શું નામ હતું તમારું?’ પણ અંતરાના વરનું નામ મને બરાબર યાદ રહી ગયું હતું, આકંઠ. સરસ નામ હતું. પુરુષ પણ સરસ લાગ્યો હતો. હેન્ડસમ, સ્માર્ટ અને પત્ની માટે કેરિંગ.

પણ આજે અંતરા એના પિતાને લઇને આવી હતી. પચાસેક વર્ષના, સપ્રમાણ બાંધો ધરાવતા એ સજજને આવતાંની સાથે જ આ રીતે વાતની શરૂઆત કરી, ‘સાહેબ, હું તમને ભારપૂર્વક એક વિનંતી કરવા માટે આવ્યું છું. મારી દીકરીને જેમ બને તેમ જલદી પરિણામ મળે એવી સારવાર આપજો.’એમણે આવું કહ્યું એટલે તરત મારા મનમાં ઝબકારો થયો, પ્રથમ વાર જ્યારે અંતરા અને આકંઠ આવ્યાં હતાં ત્યારે એમની સમસ્યા કઇ હતી?‘અમારાં મેરેજને બે વર્ષ થવા આવ્યાં. હજુ પ્રેગ્નન્સી નથી રહેતી. અમને ચિંતા થાય છે કે ક્યાંક આખી જિંદગી અમારે બાળક વગર ન કાઢવી પડે.’ આકંઠે કહ્યું હતું.

મને એની વાતથી આંચકો લાગ્યો હતો, મેં એને જરા ઉગ્ર ભાષામાં સમજણ આપી હતી, ‘તમે અવૈજ્ઞાનિક ઢબે વાત કરી રહ્યા છો, મિસ્ટર! પ્રેગ્નન્સીનું વરસાદની જેવું હોય છે. જૂન મહિનાના બીજા અઠવાડિયામાં વરસાદ ન પડે એટલા જ કારણથી દુકાળ પડ્યો છે એવું ન કહેવાય. ચોમાસું ચાર માસનું હોય છે.’ મેં રૂપકની ભાષામાં વાત કરી.‘અને ધારો કે ચાર મહિના કોરાધાકોર નીકળી ગયા તો?’ આકંઠે રૂપકની ભાષામાં જ પૂછી લીધું.‘એવું ન જ બને એમ હું નહીં કહું, પણ એવું જવલ્લે જ બનતું હોય છે. બાળક થાય એ માટે તમારી પાસે હજુ ઘણાં વર્ષો પડ્યાં છે અને મારી પાસે ઘણા રસ્તાઓ પડેલા છે.

તમારા બંનેની જાતજાતની તપાસો, લેબોરેટરી પરીક્ષણો, જરૂર પડે તો શસ્ત્રક્રિયાઓ અને તમે કલ્પી ન હોય તેવી દવાઓ-ગોળીઓ-ઇન્જેકશનો! આપણે આ બધું તબક્કાવાર અજમાવતા રહીશું. મનેશ્રદ્ધા છે કે પરિણામ ચોક્કસ મળશે જ. શરત માત્ર એટલી જ કે તમારું નામ આકંઠ છે એ આકંઠ જ રહેવા દેજો. ‘અધીર’ ન કરી નાખશો!’મારી સારવાર કરવાની એક સસ્તી, સહેલી અને માનવતાભરી શૈલી છે, વંધ્યત્વની સારવારની શરૂઆત હું બહુ મોંઘાંદાટ પરીક્ષણો કે ઓપરેશનોથી નથી કરતો, ફકત સાદી-સસ્તી ટેબ્લેટ્સથી આરંભ કરું છું. ત્રણેક મહિનાની આવી અજમાયશ પછી જો ‘રિઝલ્ટ’ ન મળે તો આગળનાં શસ્ત્રો અજમાવું છું. અંતરા-આકંઠના કેસમાં પણ મેં આવું જ કર્યું. એ લોકો દવાનું પ્રિસ્ક્રિપ્શન લઇને ગયાં.

બીજા મહિને અંતરા આવી ત્યારે એના પતિને બદલે પિતાને લઇને આવી. એના પિતા તાકીદ, વિનંતી અને હઠાગ્રહ લઇને આવ્યા હતા. મને કહેવા લાગ્યા, ‘સાહેબ, જે કરવા જેવું હોય તે જલદી કરજો, નાહકનો સમય વેડફશો નહીં.’મેં પૂછ્યું, ‘આટલી ઉતાવળ કરવાનું કારણ શું છે?’‘કારણમાં મારો જમાઇ.’ અંતરાના પિતાના ચહેરા પર નકારાત્મક ભાવો ઊભરી આવ્યા, ‘અંતરાએ ‘લવ મેરેજપ્ત કર્યા છે. અમારી સંમતિ ન હતી, પણ અમે જમાઇને સ્વીકારી લીધો છે, પણ આકંઠ જેટલો બહારથી દેખાય છે એટલો સારો નથી. એને વારસદારની ખૂબ જ ઉતાવળ છે.

એ લોકો પૈસાદાર છે અને આકંઠ એકલો જ છે. જો છ-બાર મહિનામાં મારી દીકરીને ‘પ્રેગ્નન્સી’ ન રહે તો જમાઇ તો બીજું લગ્ન કરી લે એવો છે. એટલે સાહેબ, તમે સસ્તા-મોંઘાની પળોજણમાં ન પડશો. જે કરવા જેવું લાગે તે...’મેં જે કામ ત્રણ-ચાર મહિના પછી કદાચ કરવાની નોબત ઊભી થઇ હોત તે કામ અત્યારે જ હાથમાં લીધું. આકંઠનો ‘સીમેન ટેસ્ટ’ કરાવી લીધો, અંતરાને ડાયગ્નોસ્ટિક લેપ્રોસ્કોપી કરવા માટેની તારીખ આપી દીધી. બધું એક્સાથે જ પતી ગયું. રિપોર્ટ્સમાં જે કંઇ ખૂબી-ખામી આવી એના માટે દવાઓ લખી આપી.

બીજા જ મહિને રિઝલ્ટ આવી ગયું. મહિના ઉપર દસ દિવસ લઇને અંતરા આવી હતી, મેં યુરિનરી પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યો. પોઝિટિવ હતો. મેં અભિનંદન આપ્યાં. અંતરા ખુશ હતી, વધારે ખુશ તો એના પપ્પા હતા. મારા પગ પકડવાના જ બાકી રાખ્યા. આ ‘ડાયલોગ’ તો વારંવાર બોલી ગયા, ‘હાશ! તમે મારી લાજ રાખી લીધી, સાહેબ! મારી અંતરાનું લગ્નજીવન બચાવી લીધું. નહીંતર એ જમ જેવો જમાઇ તો એને કાઢી જ મૂકત! ભગવાન જે કરે તે સારા માટે જ.’‘ઘટનાઓ મહત્વની નથી હોતી, એના પડછાયા જ મહત્વના હોય છે. અહીં અંતરાને ગર્ભ રહ્યો એ ઘટના તો મહત્વની હતી જ, પણ એના કારણે એનું દાંપત્યજીવન બચી ગયું એ વાત વધારે મહત્વની હતી.’

એ પછીના નવ મહિના મારે મન રાબેતા મુજબના હતા. સારવાર, પ્રસૂતિ અને પછી ડોક્ટર-દરદી વચ્ચેના સિલસિલાવાર સંબંધમાં ત્રણ-ચાર વર્ષ પૂરતું અલ્પવિરામ. અંતરાને દીકરો આવ્યો. એ પણ ખુશ હતી, એનો પતિ આકંઠ પણ ખુશ હતો અને અંતરાના પિતા તો એ બંને કરતાં પણ વધારે ખુશ હતા. ડિલિવરી પછી અંતરા બે-ત્રણ વાર આવી ગઇ. ફોલોઅપ માટે. દોઢ-બે મહિના બાદ એ કોપર-ટી મુકાવી ગઇ. મેં એ વખતે એને હસતાં હસતાં કહ્યું પણ ખરું : ‘આવજો હવે ત્રણ-ચાર વર્ષ પછી. બીજા બાળકની ઇચ્છા થાય ત્યારે.’‘કેમ, આવું કહો છો, સર? કામ વગર અમે તમને મળવા પણ નહીં આવીએ એવું માનો છો?’‘એવું તો નહીં, પણ પેલી કહેવત દર્દીઓ માટે જ બની છે કે ગરજ સરી એટલે વૈદ વેરી!’ મેં કહ્યું.

‘ના, એ કહેવત બીજા સ્વાર્થી દરદીઓ માટે બની હશે, અમે તો અહીંથી જ્યારે પણ નીકળીશું ત્યારે તમને અચૂક મળવા આવીશું.’અંતરાએ ખુમારીપૂર્વક વચન આપ્યું અને પછી એણે ને એના પતિએ એ વચન પાળ્યું પણ ખરું. મહિને-બે મહિને એકાદ વાર આકંઠ અને અંતરા એમના પુત્ર આદિત્યને લઇને મારા કન્સલ્ટિંગ રૂમમાં ડોકિયું કરી જતાં. જો હું વ્યસ્ત ન હોઉં, તો અમે અડધો એક કલાક ગપ્પાંમાં વિતાવી દેતા, નહીંતર પાંચેક મિનિટમાં એ લોકો ચાલ્યાં જતાં.

એક વર્ષ પૂરું થવા આવ્યું. ત્રણેય જણાં આવી ચડ્યાં. મારા હાથમાં ‘ઇન્વિટેશન કાર્ડ’ મૂક્યું, ‘આદિત્યની પ્રથમ વર્ષગાંઠ આવી રહી છે. ‘ઢીંગલી’ પાર્ટી પ્લોટમાં પાર્ટીનું આયોજન કર્યું છે. તમારે ચોક્કસ પધારવાનું છે. પૂરા પરિવાર સાથે.’‘બસ? માત્ર પરિવાર? હું તો આખી સોસાયટીને લઇને આવવાનું વિચારતો હતો.’ મેં મજાક કરી.‘માત્ર સોસાયટી જ શા માટે, સર? આખું મણિનગર લઇને આવજો, જો ન જમાડું તો ફટ કહેજો.’ અંતરામાં ઋણાનુબંધનો રણકાર હતો, ખુમારીનો ખણકાર હતો અને સ્વાગતનો શણગાર હતો. એ પછી લાંબા સમય સુધી કોઇ દેખાયું નહીં. ન ફોન, ન રૂબરૂ મુલાકાત. હું પણ મારી વ્યસ્તતામાં ડૂબી ગયો. એમના વિશે વિચારવાનો પણ સમય ન રહ્યો.

એક દિવસ અચાનક હું સિટીમાં જતો હતો અને અંતરાના પપ્પા મળી ગયા. એ સિટી બસની રાહ જોતા ઊભા હતા. મેં ગાડીમાં બેસાડી દીધા. પ્રારંભિક વાતચીત પત્યા પછી મેં પૂછી લીધું, ‘શું કરે છે દીકરી-જમાઇ? અને પેલો ટેણિયો?’એ માણસ ભાંગી પડ્યો, ‘એની તો વાત જ ન પૂછશો, સાહેબ. જમાઇ તો જમ કરતાંયે જાલિમ નીકળ્યો. મને એમ હતું કે અંતરાને એક દીકરો થશે એટલે એ સુધરી જશે, પણ આકંઠ સુધારણાની સરહદની બહાર ચાલ્યો ગયો છે. દારૂ, જુગાર, સ્ત્રીઓ અને બીજું ઘણું બધું. ઉપરથી ઘરે આવીને ગાળાગાળી અને મારામારી. અંતરા તો નર્કમાં જીવી રહી છે...’‘પણ એવી રીતે જીવવાની ગરજ શી છે? છુટાછેડા લેવડાવી લો. અંતરા સુંદર છે, જુવાન છે, બીજું સારું ઠેકાણું મળી જશે.’ મેં કહ્યું.

‘આદિત્ય જન્મ્યો એ પહેલાં એવું શક્ય હતું, સાહેબ! હવે શક્ય નથી. જો દીકરાને સાથે લઇને આવે તો અંતરાને સારો વર સ્વીકારે નહીં. અને આદિત્યને ત્યાં મૂકીને આવવા માટે અંતરા રાજી નથી. હવે મને સમજાય છે કે મેં તમારી પાસે સારવારની ઉતાવળ કરાવી એ મારી ગંભીર ભૂલ હતી. અંતરા હવે કાયમ માટે પતિ નામની જેલમાં બંધ થઇ ગઇ છે એના દરવાજા પર પુત્ર નામનું તાળું વસાઇ ગયું છે.’ હું વિચારી રહ્યો કે ઘટના નાની હોય છે, પણ એના પડછાયા...!

[શીર્ષક પંક્તિ: દિલીપ મોદી] 

Comments